Search This Blog

16/02/2017

મેહમાં જો હમારા હોતા હૈ...

હવે અગાઉના કાઠીયાવાડ જેવું નથી રહ્યું કે, બહારગામ જઇએ એટલે કોઇ સગાસંબંધીને ત્યાં જ ઉતરવાનું હોય. હોટલો તો હતી નહિ. બહુ બહુ તો ધર્મશાળા, વીશી અને લૉજ હોય. લૉજમાં તમને અલાયદો રૂમ ન મળે. બધાની ભેગો રૂમ શૅર કરવાનો. સુતા પછી ઓઢવાના ગોદડાંની ખેંચમખેંચી થતી હોય... જમવાનું ય બધા ગ્રાહકો બપોરે ટાઇમસર આવી જાય પછી જમીન પર થાળી–વાટકા પાથરીને બેસવાનું. મહારાજ એટલે કે રસોઇયો ઉઘાડા ડીલે આપણી નજર સામે રોટલીઓ ઉતારતો જાય. વાડકો ખખડાવો એટલે બીજી વાર દાળ આવે. ધર્મશાળાઓ વધુ લોકપ્રિય હતી, પણ કાયદા કડક, એટલે બધાને ન ફાવે ! અલબત્ત, બ્રાહ્મણો અને વૈષ્ણવો લૉજ કે વીશીમાં કદી ન ઉતરતા.

એ સિવાયનો બીજો રસ્તો હતો, કોક સગાને ઘેર ઉતરવાનો. આમંત્રણ હોય કે ના હોય... એના ગામમાં હાજરાહુજુર થયા એટલે અઠવાડિયું રોકાઈને જ અવાય ! એમાં એ લોકોનો ખાસ કોઈ ફૉસ ન હોય... આપણે જ સમજીને બે–ચાર દહાડા વધારે રોકાઈને આવવાનું હોય ! વળતા હુમલા તરીકે એ લોકો આવીને આપણા ઘેર તંબુ તાણતા હોય એટલે આઈધર સાઇડ કોઇ ઉપકાર–બૂપકાર જેવું ન લાગે !

પૈસેટકે હું હજી તો ખમતીધર થયો નથી કે, હોટલમાં ઉતરવું પોસાય અને બહારગામ જઇએ ત્યારે એવું કોઇ ઉમળકાથી બોલાવતું ય નથી કે, ‘અરે હોય કાંઈ...? તમારે તો આપણા ઘેર જ ઉતરવાનું છે...!’ પછી આપણું મોઢું જોઇને સ્માઇલ સાથે કહે, ‘હવે નૅક્સ્ટ ટાઇમ આવો ત્યારે આપણા ઘેર જ ઉતરજો... બીજી વાર કે’વું નો પડે ! ચંપકે પહેલીવારનું ય કીધું ન હોય ને બીજી વાર એને ત્યાં જ ઉતરવાનો ધોખો કરે.

હોટલમાં ઉતરવું પોસાય નહિ અને કોઇ પોતાના ઘેર આગ્રહ કરીને લઇ જાય નહિ, એટલે કાંઈ રેલવે સ્ટેશનના બાંકડે રાતો ખેંચી કાઢવાની ન હોય !

પણ એ વાત તમને ય એટલી જ લાગુ પડે છે કે, હવે આપણને ‘કોઇને ત્યાં’ ઉતરવું ગમતું નથી. આપણે પોતાને ઘેર ન રહેતા હોઈએ, એટલું સાચવી સાચવીને બીજાના ઘેર ઉતરવું પડે. રાત્રે ઊભા થઇને ‘ત્યાં’ જવું પડતું હોય તો જાણે ચોરી કરવા ઉઠ્યા હોઈએ એવા ગીલ્ટી ફીલ કરતા કરતા છાને–પગલે જઇ આવીએ. (ડાકા તો નહિ ડાલા, ચોરી તો નહિ કી હૈ...!) આવીને કોઇને ખબર ન પડે એમ છાનામાના ઓઢીને માંડ સુતા હોઈએ, ત્યાં યાદ આવે કે, બાથરૂમનો નળ ખુલ્લો રહી ગયો છે. અંધારામાં ફરી વાર જવામાં કોઈ ‘આધાર–કાર્ડ’ નથી માંગતું પણ અમથું ય થોડી વારમાં ત્રીજી વાર તો જવા ઉઠવાનું જ હોય, ત્યાં આ બીજી વાર વગર ‘લાગે’ જવું પડે એમાં સાલી છાપ ખોટી પડે કે ‘ભ’ઈને બાથરૂમની કાયમી તકલીફ લાગે છે.’ રાત્રે ઉઠીને જગતનો કોઇ પ્રવાસી જાહેર બગીચામાં હીંચકા ખાવા નથી જતો, છતાં સમાજ હંમેશા એનો ગલત અર્થ કાઢતો હોય છે, કે ભ’ઇને રોજ રાતની તકલીફ લાગે છે ! સવારે ચા પીતા પીતા પાછા બિનધાસ્ત પૂછી લે, ‘તમારે આ ઉંમરે મોટી તકલીફ આવી ગઇ, નહિ...? રાત્રે ૮–૧૦ વાર જવું પડે ખરૂં?’

તારી ભલી થાય ચમના... કામકાજ અમારૂં છે... અમે ૮–૧૦ વાર નહિ, ૮૦ વારે ય જઇએ... ‘વિના સહકાર નહિ ઉધ્ધાર’ના ધોરણે, તને સાથે આવવાનો ફોર્સ કરીએ છીએ? કરીએ તો તું હાથ પકડીને આવે ય ખરો? અને એવું તને કોને કીધું કે, રાત્રે ૮–૧૦ વાર ઊભા થતા હોઈએ એટલે મનના અધૂરાં ઓરતા પૂરા કરવા જ જતા હોઈશું ? (હાસ્તો જો કે... નહિ તો બીજે ક્યાં જવાનું હોય ?... કોઈ પંખો ચાલુ કરો હવે !)

શાસ્ત્રોમાં કહ્યું છે કે, ઉપર સ્વર્ગ–નર્ક જેવું કાંઈ નથી... બધું અહીંને અહીં જ ભોગવવાનું છે ! આપણને તો એમ કે, હવે એકબીજાના ઘરે રહેવા–ઉતરવાની સીસ્ટમ પૂરી થઇ ગઇ હશે ને હવે તો આપો એ ભાડાંની હોટલો ફૂટી નીકળી છે, પછી કોઈ આપણે ઘેર શું કામ ઉતરે ? ઠીક છે, આપણે કોકવાર એ બાજુ ગયા હોઈએ ને એના ગામમાં આપણું માન ન રહે, એવી હોટલ–બૉટલ ન હોય તો એના ઘરે અઠવાડિયું દસ દહાડા રહેતા આવીએ, પણ અમદાવાદ જેવા મોટા શહેરમાં આર.કે.ને (આર.કે. એટલે ‘રાજકપૂર’ નહિ... રમેશભ’ઇ ખોડા ભ’ઇ પટેલ) એક નાનકડી હોટલે ય ન મળે? ‘‘અરે, મારૂં નામ દીધું હોત તો કોઇ હોટલવાળો ના ન પાડત... આપણે ઘણાને પૈસા આપવાના બાકી છે !’’

આર.કે., આમ અચ્છો. રાત સિવાય આપણને નડે નહિ. એ એના ધંધાના કામે આવ્યો હોય ને પૂરો દિવસ બહાર હોય, એટલે એની બીજી કોઇ માથાકૂટ નહિ. સાંજના આપણે ત્યાં જમવા માટે ક્યારે ય એ ૮–૯થી વધારે મહેમાનો લાવ્યો નથી, પણ એ તો ધંધામાં વેપારીઓને સાચવવા પડે ! આપણે તો પહેલેથી ચોખ્ખી જ વાત કે, ગુજરાતમાં પીવાય નહિ. તમારે મહેમાનોને પીવડાવવા બેસવું હોય તો આપણા ઘેર કાંઈ નહિ ! આપણે બે જણાએ પીવા બેસવું હોય તો વાત અલગ છે. પણ મન્ચિંગ–બન્ચિંગ અને સોડા–બોડા બધું તમારે બહારથી લઇ આવવાનું ! વાઈફને ઘરમાં સોડા બનાવતા ન આવડે !

એટલે, આમ કોઇ બીજો પ્રોબ્લેમ આખા દિવસનો નહિ, પણ રાત પડે એમાં તમને જુદો જ આર.કે. જોવા મળે. બીજા કોઇના નસકોરાં બોલતા હોય તો તમે નિરાંતે ઊંઘી ન શકો, એ તો તમે જાણો છો. મને એટલા માટે પ્રોબ્લેમ નથી કે, હું મારા નસકોરાં સાંભળીને યુવાન થયો છું. મારૂં કયા પછી કયું નસકોરૂં બોલશે, એની મને ખબર હોય, એટલે મારા મને નડે નહિ ! આ તો એક વાત થાય છે.

આર.કે.ના તોતિંગ નસકોરાંને તો હું જુલાબની ગોળીઓની માફક પચાવી ગયો પણ સુતા પછી દર દસમી મિનિટે પથારીમાં બેઠો થાય. મોટેથી બગાસું ખાય. રામ જાણે કેમ પણ બેઠો બેઠો બે–ત્રણ વાર હાથ ઊંચા કરીને યોગ કરે. જમણા અંગૂઠા વડે નાકનું એક નસકોરૂં દાબી રાખીને ઊંડો શ્વાસ લે, એમાં એની પથારીની ચાદર ઉપર ખેંચાતી મેં જોઇ છે. પાછો સૂઇ જાય. આપણને એમ કે, હવે પત્યું હશે, ત્યાં ફરી બેઠો થાય. એના કહેવા મુજબ, દિવસે એને સરખો ટાઈમ ન મળે, એટલે બધી કસરતો રાત્રે કરે. ૧૪૧–ઉઠક બેઠક તો મેં ગણી. મારા પલંગની બાજુના પલંગમાં  જ એને હુવડાવ્યો હોય, એટલે ‘હરિ ઉમ’ બોલતો એ શીર્ષાસન કરવા ઊંધે માથે ઊભો થાય. વ્યાકરણવાળા ક્ષમા કરે કે, શીર્ષાસનવાળાને ઊભો થયો કહેવાય કે ઊંધે માથે પડ્યો કહેવાય, એની મને ખબર નથી. સાલું રાત્રે ત્રણ વાગે એનું શીર્ષાસન બીતા બીતા જોવાનું કે, કદાચ ડોકું ખસશે ને પેલી બાજુને બદલે મારી બાજુ પડશે તો કદી ન પૂરાય એવો ખાડો મારી છાતીમાં પડી જશે. (પેટનો વાંધો નહિ... પેટ તો અમથું ય ઉતારવાનું છે !)

આપણે શીર્ષાસન કરતા હોઇએ એનો વાંધો નથી કે આપણે જાણતા હોઈએ કે, જમીન પર પાછા ક્યારે આવવાનું છે, પણ બાજુમાં બીજો કોઇ કરતો હોય તો એ હેઠો આવે નહિ ત્યાં સુધી આપણે તો ટૅન્શનમાં ને ? પેટ ઉપર પડે તો ફોદાં કાઢી નાંખે. આમ તો મને કોઇ મારા મોંઢા પર પડે, એ ન ગમે. એક વાર તો રચનાત્મક વિચાર આવી પણ ગયો કે, મારી બાજુ નહિ, પણ એની પેલી બાજુ બારી પડે છે, એ ખોલી નાંખું એના શીર્ષાસનો આમ ને આમ ચાલતા રહે તો, વખત છે ને કોઇ સારૂં પરિણામ આવે ય ખરૂં !

અડધું આવ્યું...! એ ગોથું ખાઈ ગયો અને ભીંતે અથડાતો–કૂટાતો જમીન પર ચત્તોપાટ પડ્યો, એમાં મારૂં મોટું ટીવી લઇને પડ્યો. એની નીચે ક્રોકરીથી માંડીને કમ્પ્યૂટર બધું નીચે લેતો ગયો. પગના બે નળા ભાંગી ગયા. દુ:ખતા લબકારે એણે જ સૂચન કર્યું કે ર્થોપીડિક ડૉક્ટર તમારા મિત્ર છે, એમની પાસે જ લઇ જાઓ.

ડૉક્ટરને મારી સાથે રામ જાણે શું દુશ્મની હશે કે, પેલો પોણા બે લાખનું બિલ ચૂકવવાનો માત્ર વિવેક જ કરતો હતો, છતાં એ માન્ય રાખવાને બદલે ડૉક્ટર કહે, ‘તમે દાદુના મેહમાન છો... તમારી પાસેથી પૈસા લેવાતા હશે...? તમે ડૉન્ટ વરી... એ તો હું દાદુ પાસેથી લઇ લઇશ...’

સિક્સર
– અરે યાર, ગાડી BRTSના રૂટ ઉપર ચલાવું છું ત્યાં બહુ ટ્રાફિક હોય છે... બધા એમાં જ ચલાવે છે....
– ઓહ... તમે મૅઈન રોડ ઉપર ચલાવો... એ ખાલી હોય છે !

No comments: