Search This Blog

10/02/2017

'કિસ્મત કા ખેલ' ('૫૬)

ફિલ્મ  :  'કિસ્મત કા ખેલ' ('૫૬)
નિર્માતા  :  સાહુ ફિલ્મ્સ લિ.,
દિગ્દર્શક  :  કિશોર સાહુ
સંગીત  :  શંકર-જયકિશન
ગીતકારો  :  શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ  :  ૧૫-રીલ્સ  :  ૯૬-મિનિટ્સ
કલાકારો  :  વૈજ્યંતિમાલા, સુનિલ દત્ત, બેગમ પારા, કમલજીત, યશોધરા કાત્જુ, શ્રીનાથ, ભૂડો અડવાણી, ઉમાદેવી (ટુનટુન), કંચનમાલા, મોની ચેટર્જી, જગદીપ, જગદિશ કંવલ.

ગીતો
૧.    કિસ્મત કા ખેલ હૈ જનાબેઆલી...    લતા મંગેશકર
૨.    ન બૂરે, ન ભલે, હમ ગરીબ ગમ કે પલે...    લતા મંગેશકર
૩.    અર્જ હૈ આપસે ઔર આપસે ભી...    લતા મંગેશકર
૪.    તૂ માને યા ન માને, બલમ અન્જાને...    લતા મંગેશકર
૫.    ચલો લે ચલું મૈં તારોં મેં રંગ રંગીલે...    આશા ભોંસલે
૬.    અય ઝમી અય આસમાં, ઇતના બતા...    લતા મંગેશકર
૭.    કહે દો જી કહે દો છુપાઓ ન પ્યાર...    લતા-મન્ના ડે
છેલ્લા બે ગીતો હસરતના, બાકી બધા શૈલેન્દ્રએ લખ્યા હતા.
(
ફિલ્મના ટાઇટલ્સમાં આશા ભોંસલેનું નામ નથી.)

થોડું ય માનવામાં આવે ખરૂં કે, ફિલ્મ શંકર-જયકિશનની હોવા છતાં એક પણ-આઈ રીપિટ, એક પણ ગીત કોઈએ સાંભળેલું ન હોય? આઈ મીન, નવરા પડીએ ત્યારે કેવળ શંકર-જયકિશનના ગીતો આરામ ખુરશીમાં બેઠા બેઠા ગુનગુનાવતા હોય, એવા એસ.જે.ના પાગલતાની હદે પહોંચી ચૂકેલા ચાહકોએ પણ એસજેની આ ફિલ્મનું એક પણ ગીત સાંભળ્યું ન હોય, એ તો કેવી અજબ જેવી વાત છે! તેલુગુ ફિલ્મ 'પ્રેમાલેખલુ' ('૫૩)માં સંગીત એ બન્નેનું હતું, અને આપણે એનું એકેય તેલગુ ગીત સાંભળ્યું ન હોય તો આપણને માફ કરી દેવા જોઈએ, પણ આ કેવું લાગે કે, ભારતના આ બન્ને સર્વોત્તમ સંગીતકારોની પ્રારંભની ફિલ્મો પૈકી જેના ગીતો ખાસ ઉપડયા નહિ, એવી ફિલ્મો પર્બત, કાલી ઘટા, ઔરત, મયૂરપંખ, નગીના, પૂનમ, આસ કે નયા ઘરના ય એકાદ-બે એકાદ-બે ગીતો તો કાને પડયા હોય...! આ એક જ ફિલ્મ 'કિસ્મત કા ખેલ' એવી નીકળે કે, કોઈ પિચ ન પડી કે એનું એકે ય ગીત આપણામાંથી કોઈએ કેમ સાંભળ્યું પણ નથી... ગમવાની વાત તો જાવા દિયો!

એ દિવસો શંકર-જયકિશનના દોમદોમ સાહ્યબીના હતા. કોઈ ફિલ્મના કોઈ ગીતમાં એ બન્નેએ ક્યાંય વેઠ ઉતારી જાણ્યું નથી. આજની ફિલ્મ 'કિસ્મત કા ખેલ'માં પણ નહિ! તો પછી '૭૦-પહેલાની એમની એકોએક ફિલ્મમાંથી એક આ જ કેમ એવી નીકળી, જે સંગીતમાં સદંતર ફ્લૉપ ગઈ?

હું નતમસ્તક શંકર-જયકિશનનો ચાહક છું, તે એટલે સુધી કે બાકીના બધા સંગીતકારો મારા લિસ્ટમાં નંબર-બેથી શરૂ થાય... પહેલા તો શંકર-જયકિશન જ! અને એટલે ગીત તો મને ય એક પણ ગમ્યું ન હોવા છતાં વારાફરતી એક એક ગીત ધ્યાનથી સાંભળી જોયું, 'ક્યાંય આ બન્નેની મેહનતમાં કચાશ છે? એસ.જે.નો ટચ ન દેખાય એવા ગીતો છે? એ બન્નેની યૂઝવલ સ્ટાઇલથી બન્નેનું સંગીત દૂર જતું રહ્યું હતું? જવાબો 'ના'માં આવ્યા. એમની મેહનત અને દરેક ફિલ્મના સંગીત જેવું સમર્પણ આ ફિલ્મના ગીતોમાં ય હતું જ. વેઠ ઉતારી હોત તો આવી એકાદ ફિલ્મ પછી છેક સુધી ધબડકો ય નોંધાયો હોત...! એમની મહેનત પર કોઇ શંકા થઇ શકે એમ નથી.

છતાં ય, ફિયાસ્કો આવો કેમ થયો?

મારા શોધી કાઢેલા કારણો સાથે વાચકોએ સહમત થવું જરૂરી નથી... પણ થવું તો પડશે કારણ કે, આટલા મોટા સ્ટ્રાઈક-રેટ સાથેની એમની એકોએક ફિલ્મોમાંથી એક આ બાળક થોડું કદરૂપું નીકળ્યું, એમાં મા-બાપનો વાંક શું? દરેક ગીતમાં એસ.જે.નો એ જ વર્લ્ડ-ફેમસ ટચ દેખાય અને સંભળાય પણ છે. એમની મેહનતને અભેરાઈ પર મૂકીને નીચે બેઠા અવલોકનો કરાય એમ નથી. જો એ જમાનામાં કે એ પછી આ જ બધા ગીતો આપણને સાંભળવા મળ્યા હોત તો પૉસિબલ છે, ભલે 'આવારા' કે 'શ્રી. ૪૨૦' જેવા નહિ, તો 'દાગ' કે 'પતિતા' જેવા ગુણીયલ ગીતો તો આ 'કિસ્મત કા ખેલ'ના ય છે! એ જમાનામાં કોઈ પણ ફિલ્મોના ગીતોને હિટ બનાવવાનો 'પરવાનો' (!) કેવળ રેડિયો પાસે હતો. ગ્રામોફોનની રેકર્ડ્સ માત્ર રૂ. ૨/- કે અઢીમાં મળતી, પણ એ અઢી રૂપિયા ૯૦-ટકા સંગીત શોખિનોને પોસાય એટલી કોઈ નાની રકમ નહોતી. (આ તો બહુ દાયકાઓ પહેલાની વાત છે પણ અંગત રીતે હું '૭૦-ના દાયકામાં રોજના રૂ. ૩.૫૦ લેખે હિમાભાઈ મિલમાં મજૂર તરીકે કમાતો, એ ય મને યાદ છે, કોઈ સાવ નાની રકમ નહોતી. રોજ તો બદલી મળે નહિ, એટલે મહિનાના વીસેક દિવસોને હિસાબે ૭૦-૮૦ રૂપિયા કમાતો, એ મસ્તક ઊંચું રાખવાની નહિ, તો પણ શરમથી માથું ઝૂકાવી દેવા જેટલી ફાલતુ રકમે ય નહોતી.

પરિણામે, એ સમયની બધી ફિલ્મોને પૈસા ખવડાવવાથી માંડીને રેડિયોવાળાઓની ચમચાગીરી કરવા સુધીના લેવલે પણ જવું પડતું. નામ ક્યાં કોઈના લખાય, પણ પોતાના પ્રોગ્રામ કે રેડિયો સ્ટેશનમાં એક ગીત વગાડવાના તગડા રૂપીયા ચૂકવવા પડતા. અત્યારે હસવું આવે કે, 'રાજાનંદગાંવ, ઝૂમરીતલૈયા કે ખામગાંવ સે બ્રીજબિહારી ઔર મંગતરામજી કી ફર્માઇશ પર આઈયે સુનતે હૈં ફિલ્મ...' એ મંગતરામો કે ઝૂમરીતલૈયા જેવા કોઈ અસ્તિત્વો જ આ દેશમાં નહોતા. નવાઈ લાગતી કે, આવા ન સાંભળેલા ગામોના સંગીતચાહકો રેડિયો પર પોતાની ફર્માઇશ મોકલાવે છે તો એ ૨૦-૩૦ વર્ષોમાં એક પણ ફર્માઇશ મુંબઈ, દિલ્હી કે એહમદાવાદ સે... કેમ નહિ? શું આ શહેરમાં કોઈ સંગીત સાંભળનારાઓ જ નહોતા? બિનાકા ગીતમાલાની આખરી પાયદાન પર પોતાની ફિલ્મનું ગીત આવે, એ માટે સંગીતકારો ફિલ્મના નિર્માતા, દિગ્દર્શકો કે ગાયકો જ નહિ, જે તે ફિલ્મના વિતરકો (ડિસ્ટ્રીબ્યુટર્સ) પણ રમાય એટલા કાવાદાવા કરતા.

બધું જ, આપણે માનીએ છીએ એટલું નૈતિક નહોતું. પરિણામે, 'કિસ્મત કા ખેલ'ના ગીતો મધુરા હોવા છતાં કેમ જામ્યા નહિ, એના જવાબો કેવળ ધારણાઓ ઉપર જ છોડવા પડે, નહિ તો જુઓ ને... બિચારી આશા ભોંસલેનો શું વાંક હશે કે આ જ ફિલ્મમાં એણે ગાયેલું, 'ચલો લે ચલું મૈં તારોં મેં રંગ રંગીલે...' સુંદર ગીત હોવા છતાં ખુદ ફિલ્મના નિર્માતા કિશોર સાહુએ જ ફિલ્મના ટાઈટલ્સમાંથી આશાનું નામ ઉડાડી દીધું છે! બહુ પછીના વર્ષોમાં સાહુને પોતાની નિર્માણ કરેલી ફિલ્મ 'હરે કાંચ કી ચૂડીયાં'માં એ જ શંકર-જયકિશન પાસે એ જ આશા પાસે કેવા સદાબહાર ગીતો ગવડાવ્યા છે? 'ધાની ચૂંદડી પહેન, સજ કે બન કે દુલ્હન, જાઉંગી ઉનકે ઘર...' અને મુહમ્મદ રફી સાથે 'પંછી રે ઓ પંછી, ઊડ જા રે ઓ પંછી...' જેવા મીઠાં ગીતો ગવડાવ્યા જ છે ને!

યસ. શંકર-જયકિશનને આજપર્યંત જીવિત રાખવાનું દુષ્કર કામ અમદાવાદનું 'શંકર-જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન' કરે છે. કોઈ પણ પૈસો લીધા વગર, શંકર-જયકિશનનું સર્જન બની શકે એટલી સીમાઓ સુધી ફેલાવવાનું કામ કરીને 'એસજેએમએફ' નિયમિતપણે આ સંગીતકાર બેલડીના સંગીતનો પ્રસાર કરવા માટે ગાંઠના ગોપીચંદન કરીને પણ એ મહાન સંગીતકારોને વધુ મહાન બનાવ્યા છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાંવરીયા'માં સોનમ કપૂરની દાદીનો રોલ કરી ચૂકેલ અભિનેત્રી બેગમ પારા આ ફિલ્મમાં ફાલતુ છતાં વાર્તામાં ગણવો પડે, એવો કિરદાર નિભાવે છે. એ જમાનામાં સેક્સ-સિમ્બોલ ગણાતી બેગમ પારા દિલીપ કુમારના નાના ભાઈ નાસિર ખાનને પરણી હતી અને ફિલ્મોમાં છુટમમુટક રોલ કરતી, છતાં એ જમાનાના 'ફિલ્મફેર' કે 'માધુરી' જેવા મેગેઝીનોના સેન્ટ્રલ-સ્પ્રેડ (બરોબર વચ્ચેના બે પાના) ઉપર એ સ્વિમ-સ્યૂટ પહેરેલા સેક્સી ફોટા બિન્ધાસ્ત છપાવતી. એ વાત જુદી છે કે, દિલીપ કુમારને ભાઈઓ સાથે કદી બન્યું નથી, એટલે બેગમ પારા-નાસિર ખાન સાથે પણ પ્રોપર્ટીના ઝગડામાં આ બન્ને ખલાસ થઈ ગયા... બીજા ભાઈઓ એહસાન ખાન અને અયુબ ખાનની માફક!

ભારતને પેટ ભરીને ગાળો દીધા પછી પાકિસ્તાન જતા રહેલા મુસલમાન ફિલ્મ કલાકારો વીલે મોંઢે પસ્તાઈને પાછા આવતા રહ્યા, એમાં આ બેગમ પારાનો ય નંબર ખરો! આમિર, સૈફ અને અક્ષય ખન્નાની ફિલ્મ 'દિલ ચાહતા હૈ'માં પ્રીતિ ઝિન્ટાના જેલસ પ્રેમીનો રોલ કરનાર અયુબ ખાન બેગમ પારાનો દીકરો થાય.

સરપ્રાઈઝ પેકેટ તરીકે આ ફિલ્મમાં વહિદા રહેમાનનો હસબન્ડ કમલજીત આ બેગમ પારાને ફસાવીને લગ્ન કરવા માંગતા પ્રેમીનો રોલ કરે છે. કબિર બેદીનો બિલકુલ હમશકલ લાગતો આ કમલજીત (અસલી નામ, શશી રેખી) ફિલ્મ 'સન ઑફ ઈન્ડિયા'માં હીરો બની કુમકુમની સાથે 'દિલ તોડનેવાલે, તુઝે દિલ ઢુંઢ રહા હૈ...' ગાય છે. વહિદાને તેના અગાઉના બન્ને હિંદુ પ્રેમીઓ ગુરુ દત્ત અને વિજય આનંદે ઈસ્લામ કબુલ કરવાની ચોખ્ખી ના પાડી દીધા પછી એણે કમલજીતને ચાન્સ આપ્યો હતો, જે તેણે સ્વીકારી તો લીધો હતો, પણ નિકાહ કરી લીધા પછી પાછો કમલજીત હિંદુ બની જતા, બન્ને વચ્ચે કાયમી ખટરાગ ઊભો થઈ ગયો હતો. કમલજીત લાંબી બિમારી પછી ગૂજરી ગયો.

મુહમ્મદ ઉમર મુકરીનું ૭૮-વર્ષે મુંબઈમાં હાર્ટ-ફેઈલથી અવસાન થયું. મુકરી અને દિલીપ કુમાર સ્કૂલમાં એક સાથે ભણ્યા હતા, એ હિસાબે બન્નેની દોસ્તી એટલી હદે કાયમ હતી કે, દિલીપે પોતાની ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં મુકરીને લેવડાવ્યો છે.

રાજ કપૂરની ફિલ્મ 'બુટ પોલીસ'માં 'લપક ઝપક તુ આ રે બદરવા...' (રાગ  :  અડાણા) ગાતો બોખો અને ટાલ-સમ્રાટ દોલતરામ અડવાણી ઉર્ફે ભૂડો અડવાણી આપણા લાલકૃષ્ણ અડવાણીનો કોઈ સગો થતો હતો કે નહિ, એ થતો હોય તો ય આપણે જાણીને શું કામ છે, પણ આ ભૂડોએ સિંધી હોવાને નાતે, ધ્વસ્ત થઈ રહેલા સિંધી થીયેટરને બેઠું કરવા માટે '૬૧ની સાલમાં મોતીપ્રકાશ અને મેંઘાણી સાથે અથાગ પ્રયાસો કર્યા હતા.

ફિલ્મ 'ગાઈડ'માં વહિદા રહેમાનના પતિ બનનાર કિશોર સાહુએ આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. '૪૦ના દશકનો એ સફળ નિર્માતા-દિગ્દર્શક કહેવાતો. આ ફિલ્મ દ્વારા એણે એક અનોખું કામ પણ કર્યું હતું. મોટા ભાગે નિર્માતાઓ ફાઈનાન્સરો પાસેથી મોટા વ્યાજે ઉધારે પૈસા માંગીને ફિલ્મ બનાવતા હોય છે. કિશોરે બહુ રેર કહી શકાય, એવી પોતાની ફિલ્મ કંપનીને 'લિમિટેડ' બનાવીને આ ફિલ્મ ઉતારી હતી. અર્થાત્, ફિલ્મ બનાવવાના પૈસા શેરહોલ્ડરો પાસેથી ઉઘરાવ્યા હતા. કલાકાર તો પોતે હતો જ અને એ જમાનાની કદાચ સૌથી વધુ ખૂબસુરત, અત્યંત બુધ્ધિશાળી, જન્મજાત અમીર અને તેજસ્વી હીરોઈન સ્નેહપ્રભા પ્રધાન સાથે લગ્ન અને થોડા વખતમાં ડાયવોર્સ લઈ લીધા હતા. સ્નેહપ્રભા કોઈનાથી સચવાય એવી સ્ત્રી હતી પણ નહિ. કિશોર નપૂંસક પતિ છે, એવા આક્ષેપસર એણે છુટાછેડા માંગ્યા હતા, જેની સામે કિશોરે બહુ હિમ્મતભેર પોતાના અખંડ પુરૂષાતનનો ભરી અદાલતમાં ટેસ્ટ લઈ જોવાની નામદાર કોર્ટને વિનંતી કરીને કેસ જીતી ગયો હતો.

આ ફિલ્મમાં સુનિલ દત્ત એક ગ્રેજ્યુએટ યુવાન તરીકે સેઠ મેહતા (મોની ચેટર્જી) પાસે નોકરી માંગવા જાય છે, જ્યાં સેઠનો મેનેજર છુપાઈને સેઠનું ખૂન કરી દે છે, જેનો આક્ષેપ સુનિલ ઉપર આવે છે. સેઠની દીકરી બેગમ પારા અને ધંધાનો ભાગીદાર રતનલાલ કપૂર (કમલજીત)ને પણ સુનિલ ઉપર શક નહિ, યકીન છે. દરમ્યાનમાં ભાગતો-ફરતો સુનિલને બસ્તીવાલોં કે પાસ આવી જાય છે, જ્યાંની 'બૉસ' વૈજ્યંતિમાલા અને એનો ચમચો મુકરી આશરો આપે છે. જગદીપ, ભૂડો આડવાણી અને યશોધરા કાત્જુ બધા બસ્તીવાલે છે અને નાનીઅમથી બેઈમાનીથી ગરીબી પસાર કરે છે, જેને સુનિલ સુધારવાના પ્રયાસમાં ગુસ્સે થઈને પચ્ચી વાર બસ્તી છોડવાની ધમકી આપે ખરો, પણ જતો નથી. છેવટે વૈજ્યંતિમાલા અસલી ખૂનીને પકડાવી ફિલ્મનો અંત લાવે છે.

સુનિલ દત્ત એ રીતે જોવા જઈએ તો અનોખો કલાકાર હતો. આખી કરિયરમાં કોઈ હીરોઈન કે સ્ત્રી સાથે લફરૂ નહિ. એ સમયની ઑલમોસ્ટ તમામ અભિનેત્રીઓ સાથે અનેક ફિલ્મો કરનારો એ એક માત્ર હીરો હતો. વહિદા રહેમાન, મીના કુમારી, નંદા, આશા પારેખ, વૈજ્યંતિમાલા, નિમ્મી, સાધના, નૂતન, રેખા, રાખી, માલા સિન્હા, સાયરા બાનુ અને હવાફેર ખાતર પોતાના પત્ની નરગીસ સાથે (ફિલ્મ 'યાદેં') પણ કરી હતી.

આ ફિલ્મ એ જમાનાની હતી, જ્યારે ફિલ્મોમાં ટેકનિક વિકસી નહોતી, પરિણામે કેમેરાથી માંડીને સઘળું બીબાંઢાળ દેખાય જેમ કે, ફાઇટિંગમાં હીરો અને વિલન બન્ને ઉખડયા વિના ચોંટેલા રહીને મારમારી કરે રાખે. '૬૦-ના જમાના પછી એ લોકો છુટ્ટા હાથની મારામારીઓ કરતા શીખ્યા. એક ફેંટ મારીને વિલનને પચાસ ફૂટ દૂર ફંગોળી દેવાની શરૂઆત '૫૦-ની ફિલ્મોમાં જવલ્લે જ દેખાતી.

કમનસીબે, એકે ય કોર્નરથી આ ફિલ્મ જોવાની ભલામણ તમને કરી શકાય એમ નથી.

No comments: