Search This Blog

05/02/2017

ઍનકાઉન્ટર : 06-02-2017

* શું આપણું ફ્યૂચર ખરેખર બ્રાઇટ છે ?
-
પગાર તારીખે ખબર પડે !
(
વેદાંત દિવેચા, વડોદરા)

* તમે આમ આડાઅવળા જવાબો આપવાનું બંધ કરીને સીધા અને સાચા જવાબો આપવાનું ક્યારે શરૂ કરવાના છો ?
-
એને માટે મોટા થઇને તમે અમારી બાળસાપ્તાહિક પૂર્તિમાં સવાલો પૂછો.
(
હિતેન્દ્ર કાકડીયા, સુરત)

* સચિન તેન્ડુલકર વિશે બાયોપિક બનાવો તો હીરો તરીકે કોને લેશો ?
-
હિંદી ફિલ્મોવાળા પાસે વિષયો ખૂટી ગયા છે.. હવે તો ગમે તેવા, ઐરા, ગૈરા, નથ્થુ ખેરાની બાયોપિક બનવા માંડી છે.. એ હિસાબે મારી ય બનશે...
(
આસિફ મનસુરી, ગાંધીનગર)

* સારા માણસો રાજકારણમાં કેમ નથી આવતા ?
-
એમની પાસે બીજા કોઇ કામધંધા હોય કે નહિ ?
(
ધવલ જે. સોની, ગોધરા)

* રાહુલ ગાંધી કહે છે, 'મોદી જવાનોના ખૂનની દલાલી કરે છે.' આવા માણસો વિશે તમે શું કહેશો ?
-
રાહુલજી જવાન છે. કદાચ, આ નિવેદન એમની આત્મકથાનો ભાગ હોય !
(
હસમુખ એન. વોરા, ધોરાજી)

* કેજરીવાલને ઊંધો કરવાથી 'લવારી જ કે ?' થાય ને ?
-
આવા માણસો પાછળ શું કામ આપણી વર્લ્ડ-ફૅમસ કૉલમની જગ્યા બગાડવી ?
(
સુરેશ કાકલોતર, સુરત)

* માત્ર કૉપી-પૅસ્ટ વૉટ્સઍપ મૅસેજોથી બચવા શું કરવું ?
-
આવો કચરો નહિ મોકલવા માટે પહેલા રીકવૅસ્ટ કરો. છતાં ય ન માને તો, કોઇનો ય ડર રાખ્યા વિના સામે 'આવડી ને આવડી' મોકલો.
(
ડૉ. હેમંત રાઠવા, વલ્લભ વિદ્યાનગર)

* ડૉ. મનમોહનસિંઘનું મૌન ક્યારે તૂટે એમ લાગે છે ?
-
એ બોલે, એમાં ય દેશને કદી ફાયદો થયો નથી.
(
નીલ કુંભાણી, સુરત)

* અર્બન ગુજરાતી ફિલ્મોને પ્રમોટ કરવાને બદલે વખોડવાનો ટ્રેન્ડ કેમ ચાલી રહ્યો છે ?
-
અભિષેક જૈન, જિતેન્દ્ર ઠક્કર કે આશિષ કક્કડ જેવી સારી ફિલ્મો બનાવો તો પ્રશંસા થાય છે જ... હવે 'પ્ર.જા.'ની એક સુંદર ગુજરાતી ફિલ્મ આવી રહી છે...
(
હાર્દિક જી. રાવલ, સુરેન્દ્રનગર)

* લેખકો જુદાં જુદાં ઉપનામોથી ઘણી જગ્યાએ લખતા હોય છે... તમે ક્યાં ક્યાં લખો છો?
-
હું જગતના સર્વોત્તમ નામે-એટલે કે, ફક્ત 'અશોક દવે'ના નામે જ લખું છું અને તે પણ વિશ્વના સર્વશ્રેષ્ઠ અખબારમાં જ !
(
દિનેશ પંચાલ, અમદાવાદ)

* સો થપ્પડ ખાધી ને એક મારી... એમાં તો જાણે વિશ્વયુદ્ધ જીત્યા જેવી ઉજવણી ?
-
ડૉન્ટ પૅનિક ! આપણા જવાનોને મારવા માટે હવે પાકિસ્તાની આતંકવાદીઓની જરૂર પડે એમ નથી... જવાનોને અપાતું જમવાનું કાફી છે !
(
મૂકેશ પી. મહેતા, સુરત)

* તમે ક્યારેય સર્જિકલ સ્ટ્રાઇક કરી છે ?
-
હજી આ શબ્દોનું ગુજરાતી કરવાનું ય બાકી છે !
(
હર્ષ એસ. હાથી, ગોંડલ)

* કાશ્મીરમાં ત્રણ મહિનાથી હિંસા ચાલુ છે. ઉપાય શું ?
-
ન્યૂસ જોવા/વાંચવાના બંધ કરો.
(
મધુકર મેહતા, વિસનગર)

* શરદ પવાર કહે છે, એ રક્ષામંત્રી હતા ત્યારે આવી તો બહુ સર્જિકલ-સ્ટ્રાઇકો કરી હતી... !
-
રમકડાંની દુકાને આવી સર્જિકલ-સ્ટ્રાઇકની ગૅમ્સ બહુ મળે છે. બાબો રમતો હશે !
(
નીરત ઊનડકટ, રાજકોટ)

* ચાયનીઝ ચીજોના બહિષ્કારનો વાયરો ચાલ્યો છે, પણ મને હોટેલમાં 'મન્ચૂરિયન' બહુ ભાવે છે.. શું કરવું ?
-
હું ચીનમાં જેટલું ફર્યો છું, એમાં એકે ય હોટેલમાં આપણા ઇન્ડિયાની હોટેલોમાં ચાયનીઝ ડિશ મળે છે, એવી એકે ય જોઈ નથી... અહીં માત્ર ચાયનીઝ નામો આપી દીધાં છે. તમે ત્યારે દાબે રાખો.
(
નીતા ગાંધી, જૂનાગઢ)

* 'ઍનકાઉન્ટર' ચા સાથે વાંચવું જોઈએ કે કૉફી સાથે ? જવાબ આપો, તો ખબર પડે... બંને ઠંડાં થાય છે.
-
તમે અમદાવાદના નથી લાગતા. ચા હોય કે કૉફી, કોને ત્યાં પીવા બેઠા છો, એ ઉપરથી જવાબ નક્કી થાય !
(
જયમિન પટેલ, બાર્ટલૅટ-શિકાગો, અમેરિકા)

* આપણો દેશ દુનિયાની સૌથી મોટી તાકાતવાળો દેશ ક્યારે બનશે ?
-
હજી દિલ્હીથી નવી કોઇ સિક્સર નથી આવી.... ! આવે પછી કહું.
(
અફરોઝબેન મીરાણી, મહુવા)

* આ દુનિયામાં કોના ઉપર વિશ્વાસ કરવા જેવો છે ?
-
આપણું કાંઇ ઠેકાણું નહિ, બૉસ... હમણાં મને આઘો રાખજો.
(
ઘનશ્યામ વરીયા, સુરત)

સંતાન માટે હંમેશાં છત્ર બની રહેતાં મા-બાપ માટે સંતાનો આધાર-કાર્ડ કેમ બની શકતા નથી ?
-
તમે તમારાં મા-બાપને જેવી દશામાં રાખ્યાં હશે, એ બધું તમારાં સંતાનો અત્યારે જુએ છે.. એ લોકો નકલ તમારી જ કરશે !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* મને ૬૭-વર્ષ થયાં. મારી ઇચ્છા તમારી ૨૫-મી વર્ષગાંઠ ઊજવવાની છે. મુંબઇ તો આવશો ને ?
-
ડોસીનું તો તમે કાંઇ બોલ્યા જ નહિ ! એને લેતો આવું કે ઘરમાં જમા કરાવી ને ?
(
કાંતિલાલ વી. ખંડોર, મુંબઈ)

* શીરડી મંદિરમાં રૂ. ૫-કરોડનું દાન... ! અંબાજીમાં ૨૫-તોલા સોનું... કોના માટે?
-
હું તો અમદાવાદમાં જ હતો... !
(
પિયુષ સોની, અમદાવાદ)

* હવે પંખો ચાલુ કરતાં ટાઢ વાય છે... હવે સુઉં કિયો છો ?
-
બાને પૂછીને બધું કરવું... ખિજાય નહિ !
(
ભાર્ગવ ગોપાણી, ભાવનગર)

* બીજી એક સર્જિકલ સ્ટ્રાઇક કરીને મોદીજી ઇ.સ. ૨૦૧૯-નું ઇલૅકશન જીતી શકશે ?
-
એમને ઈલેકશન નથી જીતવાનું.... પાકિસ્તાન જીતવાનું છે !
(
જતિન દેસાઈ, મુંબઇ)

No comments: