Search This Blog

19/02/2017

ઍનકાઉન્ટર : 19-02-12017

* કેજરીવાલને સજા આપવાની છુટ મળે તો એને કઈ સજા આપો ?
-
મોદી સાથે ફોટો પડાવવાની !
(
હેમલ મનોજ પટેલ, આણંદ)

* મને દિવસ કરતા રાત અને પ્રકાશ કરતા અંધકાર વધુ ગમે છે, પણ મારા ઘરવાળાઓને મારી આ વાત ગમતી નથી. શું કરૂં ?
-
આખા ફેમિલીની માનસિક ચિકીત્સા કરાવો.
(
રવિન્દ્ર સોલંકી, અમદાવાદ)

* આપણું નામકરણ ફોઈ જ કેમ કરે છે ?
-
બીજાઓને તો ઘરમાં કોઈ કામબામ હોય કે નહિ ?
(
ઈન્ઝમામ ઈકબાલ પટેલ, કોંધ-ભરૃચ)

* તમારૂં વર્તન ભાઈઓ તરફ બદલાયું છે ? બહેનોના જવાબ વધુ આપો છો.
-
હા, બેન... !
(
કિરીટ ગોસાઈ, ખેરવા-મેહસાણા)

* મમ્મી-પાપાનું કહેવું સાચું લાગે છે, પણ એપ્લાય કરી શકતો નથી. શું કરવું ?
-
તમે પપ્પા બનો ત્યાં સુધી રાહ જુઓ.
(
મેહૂલ મેર, સિહોર-ભાવનગર)

* ટયુબલાઇટનું ગુજરાતી શું થાય ?
-
પ્રકાશનળી.
(
બ્રીજ જતિનભાઈ પટેલ, પાટણ)

* મારી પત્ની વિદેશની ટૂરમાં ય થેપલાં, છુંદો અને ખાખરા ઉપાડે છે. શું કરવું ?
-
એની સાથે સેન્ડવિચ અને પિત્ઝાવાળી બીજી એક મોકલો.
(
મધુકર એન. મહેતા, વિસનગર)

* આતંકવાદીઓ અને તકવાદી નેતાઓમાંથી વધુ ભયજનક કોણ ?
-
દેશને વફાદાર કોણ, એવું પૂછો તો મારી પાસે ય જવાબ નહિ હોય !
(
વૈભવ અંધારીયા, ભાવનગર)

* મારી પડોસણ મારા સવાલોને બદલે તમારા જવાબોના વખાણ વધુ કેમ કરે છે ?
-
ભાવનગરમાં બે-ચાર બુદ્ધિશાળી તો હોય ને !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* 'વોટ્સએપ'ના મેસેજો ડીલિટ કરવાનું મુહૂર્ત ક્યારે આવે ?
-
એટલે હવે... તમારી પાસે ય કોઈ કામધંધો નથી !
(
લલિત ઈન્દ્રવદન દોશી, કરજણ)

* 'રફી ગાતે કમ થે, રોતે જ્યાદા થે...' આવું પોતાની ફિલ્મમાં મૂકનાર કરણ જોહરને શું કહેશો ?
-
રફી સાહેબના ખોંખારાને ય આ લોકો લાયક નથી.
(
દિલીપ સોની, રાજકોટ)

* બહારથી દુનિયાને હસાવતા અંદરથી દુઃખી હોય છે. તમારે કેમનું છે ?
-
હું તો અંદરથી હસાવું છું, એટલે બહારથી મોજમાં છું.
(
સંદીપ પુરાણી, હથિથાના-દેવગઢબારીયા)

* મોબાઈલની રિંગ વાગે એટલે ઉપાડીને લોકો ચાલવા જ માંડે છે. આવું કેમ ?
-
હું તો બીજાની રિંગ વાગે તો એમનો મોબાઈલ ઉપાડીને ય ચાલવા માંડુ છું.
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* દવાની દુકાનવાળા બાકીનું વધેલું પરચૂરણ પાછું આપવાને બદલે ચોકલેટો આપે તો શું કરવું ?
-
હવે જાઓ ત્યારે દવાના પૈસાને બદલે છાપાની પસ્તી આપજો... કહેજો, ''આના બદલે દવા આપો''
(
શિલ્પા સુ. જોશી, વડોદરા)

* સોનિયા ગાંધી કદી ય પોતાના પિયર ગયા હોય, એવું જાણમાં નથી. શું કારણ ?
-
ઇટલીની સરકાર ગભરાય છે. મા-દીકરો અહીં ય લોચા મારશે.
(
સુનિલ નાણાવટી, રાજકોટ)

* ઠંડીમાં સવારે વહેલા ઉઠવાનું મન નથી થતું. મારા બા ખીજાય છે. શું કરવું ?
-
બા ખીજાઈ લે, પછી પાછા સુઈ જવું.
(
નાઝનીન કૌકાવાલા, સુરત)

* ૫૦૦ કે ૧૦૦૦ની નોટો બંધ કરવાથી કાળું નાણું બંધ થશે ખરૂં ?
-
એ બંધ કરાવવાની જાહેરાતો કરનારા પોતે ય બંધ થઈ ગયા છે.
(
ધવલ સોની, ગોધરા)

* મોદીના એક જ સ્ટ્રોકથી કાળાબજારીયાઓ પર પાણી ફરી વળ્યું... !
-
બહુ ભલા અને ભોળા છો તમે !
(
તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

* નોટ બદલાવવાની લાઇનમાં રાહુલ ગાંધી સિવાય બીજો કોઈ નેતા જોવા મળ્યો નહિ... !
-
એમની પાસે એકે ય નોટ ક્યાં હતી ? એ તો ફાટેલા ઝભ્ભા પહેરે છે.
(
જયેશ સુથાર, કણજરી)

* ૫૦૦-૧૦૦૦ની નોટો બંધ થવાથી ખેતીનો જમાનો આવશે, એવું તમને લાગે છે ?
-
ફોટોકોપી (ઝેરોક્સ)નો જમાનો આવી ગયો છે.
(
દિલીપ પટેલ, મુંબઈ)

* મારે તમારો ઓટોગ્રાફ અને સેલ્ફી જોઈએ છે. આપશો.
-
એ બન્ને મને કોઈ પાડી આપે તો આપું.
(
અ.રહેમાન બોગલ, ગોધરા)

* ગુજરાતીમાં જ સવાલ પૂછવાનો આગ્રહ કેમ રાખો છો ?
-
બ્રેઇલમાં પૂછી શકો છો.
(
નીરા સરાડવા, હિમતનગર)

* અમેરિકાના પ્રેસિડેન્ટ પહેલા કાળા હતા, હવે કેસરી આવ્યા. મતલબ ?
-
ત્યાંય ભગવાની અસર શરૃ થઈ છે.
(
પ્રતિક ડોંડા, સુરત)

* આઝાદી પહેલા દેશનું ધન બ્રિટન જતું હતું, હવે સ્વિત્ઝરલેન્ડ જાય છે. આઝાદી પછી કોઈ ફરક પડયો ?
-
આપણા નાણાંની વિદેશોમાં બહુ ડીમાન્ડ છે.
(
માધવ જે. ધ્રૂવ, જામનગર)

* કડકડતી ઠંડીનો સામનો કરવાની કોઈ ટીપ્સ... ?
-
નાના દીકરાને બાથ ભીડીને બેસી રહો.
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* મેં અનેક સેલિબ્રિટીઝના ઓટોગ્રાફ્સ લીધા છે... તમારો સ્ટાયલિશ અને બેસ્ટ છે...
-
કાશ... ફોટોગ્રાફ માટે એવું કહેવાતું હોત !
(
ઝંકૃતિ પી. શાહ, અમદાવાદ)

No comments: