Search This Blog

26/02/2017

ઍનકાઉન્ટર : 26-02-2017

* સર, તમને ભારત દેશ વિશે ફક્ત એક જ વાક્ય બોલવાનું કહે તો શું બોલો ?
એ તો હું જ નહિ... સવા સો કરોડની વસ્તી એક જ વાક્ય બોલવાની છે, 'ભારત માતા કી જય.' પણ કોઇને પણ 'સર' કહીને બોલાવવાનું છોડી દો... ઇવન સ્કૂલ-કૉલેજના શિક્ષક-પ્રોફેસરોને પણ નહિ ! 'સર' એ બ્રિટનનો ખિતાબ છે, અને પોતાને 'સર' કહેવડાવનારા ટયુશનિયા માસ્તરો ય એનો અર્થ સમજતા નથી. યસ. તમે એમને 'સાહેબ' ચોક્કસ કહી શકો. 'સાહેબ' પણ 'સર' કરતા ઓછું સન્માન નથી.
(
રાજ દોશી, ભાવનગર)

* તમે 'કપિલ શર્મા' જેવો શો કેમ શરૂ ન કરી શકો ?
-
એનો શો અદ્ભુત છે. નવા સુધારા-વધારાની જરૂર નથી.
(
પિનાક બામણીયા, વેરાવળ)

* સ્કૂલમાં તમારા ગુજરાતીના શિક્ષક કોણ હતા ? એમનું સન્માન થવું જોઇએ.
-
અમદાવાદની ગુજરાતની સર્વોત્તમ સ્કૂલ સાધના હાઈસ્કૂલમાં અમને સ્વ. સુધાબેન મિસ્ત્રી ગુજરાતી ભણાવતાં, એમનો આ બધો પ્રતાપ છે.
(
ધવલ જે. સોની, ગોધરા)

* હમણાં તો કોઇના સમાચાર પુછાય એવા નથી, પણ તમે કેમ છો ?
-
તબિયત સારી છે, એટલે 'છું'!
(
અપર્ણા ભદ્રેશ દેસાઇ, નાલાસોપારા)

* પ્રજા માટે કહેવાતી સેવા કરવા નીકળી પડયા છે... પ્રસિદ્ધિ માટે !
-
હું રોજ મારા ફલૅટ નીચે ઝાડુ લઈને ઊભો રહું છું... કચરો ફેંકવાવાળા તો બહુ આવે છે...ટીવી-કૅમેરા લઇને કોઇ આવતું નથી.
(
જીજ્ઞાસા માંકડ, મુંબઇ)

* સામાજિક અર્થવ્યવસ્થા ડોલમડોલ થઇ ગઇ છે. તમને શું લાગે છે ?
-
હા, હમણાંથી કોઇની સગાઇ તૂટવાના સમાચારો તો નથી !
(
મધુલતા માંકડ, મુંબઈ)

* મોદીજી બ્લૅકમની બહાર લાવી શકશે ?
-
આખરે તો, 'ખાધું, પીધું ને રાજ કર્યું' વાળો ખેલ થયો !
(
ભારતી ગજ્જર, સિમી વૅલી-કૅલિફૉર્નિયા)

* 'ઑનલાઇન' સીસ્ટમ સારી હશે, પણ એમાં મથામણો બહુ છે. એને સરળ ન કરી શકાય ?
-
સર્વોત્તમ ઉદાહરણ શાકભાજીવાળાનું છે. એક હાથ લે, એક હાથ દે...! ને એમાં તો પૈસા બાકી રાખવાની ય સગવડ મળે છે.
(
કોમુ ભટ્ટ, ગાંધીનગર)

* સત્તાપ્રાપ્તિ માટે રાજકારણ કૉપી-પૅસ્ટ કરતાં  ય આગળ છે, એની કેજરીવાલને સમજ નહિ પડતી હોય ?
-
એ મીડિયાએ ઊભું કરેલું બાળક છે. મીડિયા ય એવું જ કરે છે ને ?
(
રાજેશ શેલત, વડોદરા)

* અગાઉ સ્મશાનમાં ડાઘુઓ ટુવાલ લઇને જતા.... હવે મોબાઇલ લઇને જાય છે. સારો ચૅઇન્જ કહેવાય ?
-
કમનસીબે, હજી સુધી સ્મશાનમાં 'ઓનલાઇન' જવાતું નથી.
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* આજકાલ લોકોને એકબીજાને ઉતારી પાડવાની ટેવ કેમ પડી છે ?
-
ટીવી-ન્યૂસ રોજ જોવાના ને ?
(
સંકેત કે. વ્યાસ, રાલીસણા-મેહસાણા)

* ટ્રાફિક-પોલીસની કામગીરી વિશે તમારું શું માનવું છે ?
-
જે મોટી શોપવાળાઓ પૈસા વધારે આપે, એના આંગણે ગેરકાયદેસર પાર્કિંગ કરવા દે ! અમારો સ્ટેડિયમ વિસ્તાર કોકવાર જોવા આવો.
(
વિમલેશ જાની, ડાભલા-વિજાપુર)

* આપની પાસે કાળું નાણું કેટલું છે ?
-
ધોળું થાય નહિ એટલું ?
(
નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રેસિડૅન્ટ ક્યારે થશે ?
-
ગામનો ચોરો છે...જે આવીને બેસે,
એ મુખી.
(
પ્રણવ કારીઆ, મુંબઈ)

* જુગારમાં પોલીસની રેડ પડે, એમાં બધી ૫૦૦ અને ૧૦૦૦-ની જ નોટો હોય તો ?
-
ધાર્મિક બની જવાનું. બધી નોટો પોલીસ-વૅલ્ફૅર ફંડમાં દાન કરી દેવાની.
(
પંકજ લાખાણી, વાંસદા-નવસારી)

* નશાબંધી અને નોટબંધીમાં સારું  શું ?
-
શરદીથી મારું નાક ભરાઇ ગયું છે... અત્યારે તો 'નાકબંધી' ચાલે છે.. એ પેલા બે ય થી ભૂંડી છે.
(
ઠાકોરભાઈ બારીયા, વડોદરા)

* આજના ઝડપી યુગમાં 'કર્મનો સિદ્ધાંત' ધીમો નથી લાગતો ?
-
કર્મ પણ નસીબનું પેટ્રોલ પુરાવો તો ચાલે !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* જૅનેરિક દવાઓ અને બ્રાન્ડેડ દવાઓના વિવાદમાં સાચું શું ?
-
જૅનેરિક દવાઓ કૅમિસ્ટે કમ્પ્યૂટરમાં ટૅલી કરીને આપવી પડે છે. ભૂલ થાય તો ગુન્હો બને. હું જૅનેરિક દવાઓ જ વાપરું છું. ભાવમાં કેવો આસમાન-જમીનનો ફર્ક હોય છે!!
(
જુહિત મેહતા, ભરૂચ)

* નામ, સરનામું, મોબાઈલ નંબર...આ બધું શા માટે ?
-
કોઇ તમારા નામે આડોઅવળો સવાલ પૂછે નહિ એટલા માટે. પોસ્ટકાર્ડ્સ વખતે તો કેટલાક સવાલ પૂછીને ય ફરી જતા હતા કે, 'મેં પૂછ્યો જ નથી.'
(
મહેશ ધાબલીયા, મુંબઈ)

* 'ઍનકાઉન્ટર'માં આપો છો એવા સારા જવાબો ઘરે આપી શકો છો ?
-
ત્યાં સાચા જવાબો આપવા પડે છે.
(
નિસર્ગ લખતરીયા, કોઠારીયા)

* ભારતમાં આટલી શિક્ષિત બેકારી કેમ ?
-
ઓછું ભણેલાઓને ય પાપી પેટ પૂરવા મળે છે, માટે.
(
મોના ઠાકર, ધોળકા)

* તમે બધાને જડબાતોડ જવાબો કઇ રીતે આપી શકો છો ?
-
લોકસભા-રાજ્યસભાનું લાઇવ-ટૅલીકાસ્ટ રોજ જોવાનું ને ?      
(
જયેશ બારડ, સુરત)

No comments: