Search This Blog

03/02/2017

'મૈં ભી લડકી હૂં' ('૬૪)

ફિલ્મ     :     'મૈં ભી લડકી હૂં' ('૬૪)
નિર્માતા     :     એવીએમ-સ્ટુડિયો, મદ્રાસ
દિગ્દર્શક     :     એ.સી.ત્રિલોકચંદર
સંગીત     :     ચિત્રગુપ્ત
ગીતકાર     :     રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ     :     ૧૭-રીલ્સ
થીયેટર     :     નૉવૅલ્ટી (અમદાવાદ)
કલાકારો     :     મીના કુમારી, ધર્મેન્દ્ર, બલરાજ સાહની, એસ.વી. રંગારાવ, ઓમપ્રકાશ, એવીએમ રાજન, પુષ્પલતા, મા. ભગવાન, મોહન ચોટી, મનોરમા અને કમ્મો.


ગીતો
૧....આયે થે હુજુર બડે તન કે, ઝૂલ્ફેં સંવારે....મુહમ્મદ રફી
૨....આયે થે હુજુર બડે તન કે, ઝૂલ્ફેં સંવારે....આશા ભોંસલે
૩....ક્રિશ્ના ઓ કાલે ક્રિશ્ના, તૂને યે ક્યા કિયા...લતા મંગેશકર
૪....ચંદા સે હોગા વો પ્યારા, ફૂલોં સે....પીબી શ્રીનિવાસ-લતા
૫....યે હી તો દિન હૈ બહારોં કે, દુપટ્ટોં કે....આશા-રફી

હિંદી ફિલ્મો કે એના કલાકારો વિશે તમે હિંદી, ઈંગ્લિશ કે ગુજરાતીમાં જે કાંઈ વાંચતા હો, બધે કેવળ વખાણો હોવાના, સાચી હોય તો ય ટીકા નહિ ! આવું લખનારા પોતાની એક નૈતિક ફરજ ચૂકી જાય છે કે, તમારૂં લખેલું બધું 'છાપેલું' છે, એટલે વાચકો એને 'સાચું' માની લેવાના અને ભારતમાં હંમેશ બનતું આવ્યું છે તેમ, એ ફિલ્મ કલાકારોને સામાન્ય વાચક ભગવાનસરીખો દરજ્જો  આપી દે છે... સાઉથના કિસ્સામાં તો ભગવાનથી ય મોટો, જ્યાં મોટા ભાગના ફિલ્મસ્ટાર્સનાં રીતસરના મંદિરો છે, જ્યાં આપણા મહાદેવજી, ભગવાન મહાવીર, શ્રીકૃષ્ણ કે શ્રીઅંબાજી માતા જેવી પૂજા થાય છે.

આ એક જ કૉલમ એવી છે, જ્યાં કાણાને કાણો કહેતા શરમ આવતી નથી. એ જ કાણો જેના પેટ ભરીને સાચા વખાણો પણ અમે જ કર્યા હોય. મારા માટે આજે પણ રાજ કપૂર, મુહમ્મદ રફી, લતા મંગેશકર, અશોક કુમાર અને અમિતાભ બચ્ચન એમની કલાને લાગેવળગે છે ત્યાં સુધી ઈશ્વરસરીખા છે, પણ એ જ લોકોની લાઇફની જે કાંઈ નબળી બાજુ છે, તે દર્શાવતા મેં સંકોચ રાખ્યો નથી. રાજ કપૂરે એના લાડકા ગાયક મૂકેશની એક અજાણતા થયેલી ભૂલની કેવી આકરી સજા આપી, એનો બૉયકોટ એવો કરી દીધો હતો કે, મૂકેશની પાસે ગીતો આવતા બંધ થઇ ગયા અને છોકરાઓને સ્કૂલે ભણાવવાની ફી પણ મૂકેશ ભરી શકે એમ નહોતા.

લતા મંગેશકર પૂજનીય માતાસરીખી ગાયિકા ખરી, પણ આખરે તો એ ય વેપારી છે ને ? એણે જે છીછરા કાવાદાવાઓ પોતાની હરિફોને હટાવવા માટે કર્યા, એની વિગતો લખતા આપણે શરમાયા નથી. મુહમ્મદ રફીએ પણ જીવનમાં ખોટું કર્યું હતું-જાણી જોઇને કે, લતા મંગેશકરે ૨૫ હજાર ગીતો ગાવાનો વર્લ્ડ રૅકૉર્ડ કર્યો, જેને જૂઠ્ઠો ગણાવી મુહમ્મદ રફીએ નૌશાદની મદદ લઇ, ગીનેસ બૂક ઑફ રૅકોર્ડ્સમાં પોતે ૨૯ હજાર ગીતો ગાવાનો રૅકૉર્ડ કર્યો છે, એવો પત્ર લખ્યો. અશોક કુમારે નલિની જયવંત સાથેના લફરાં ઉપરાંત પણ સ્ત્રીસંગ મનભરીને કરી લીધો હોવાના અહેવાલો આ કૉલમમાં છપાયા છે અને અમિતાભ બચ્ચન માટે એટલે સુધી વાતો ચગી હતી કે, એની સાથે કામ કરનારી કોઇ પણ સ્ત્રીએ એને તાબે થવું પડે !

પણ આ નબળાઇઓ છતાં એ લોકો મારા માટે સર્વોત્તમ કલાકારો રહ્યા છે. આ કૉલમના આવા બિનધાસ્તપણાને કારણે જ સડસડાટ આટલા વર્ષોથી ચાલી આવે છે, નહિ તો બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ જમાનાની ફિલ્મો એવી તે કોઇ મહાન નહોતી કે, સર્વને એમના વિશે વાંચવું આટલા ઉમળકાથી ગમે!

મીના કુમારી મારા માટે એટલી જ મહાન અભિનેત્રી અને ખાસ તો ધાંયધાંય સુંદરતાવાળી ગ્લૅમરસ ઍક્ટ્રેસ, જેને જોઇને મોહી ન પડો, તો ખામી આપણામાં ક્યાંક હોવાનું કળાય ! ઇશ્વર શ્રાપ આપે અને મને મીના કુમારી સાથે કોઇ નિર્જન-વેરાન ટાપુ ઉપર બાકીની જીંદગી આ મીના કુમારી સાથે વિતાવવાનો હૂકમ થાય તો-ભલે એ સજા આમ તો મીના કુમારીને મળી કહેવાય, પણ હું પરમેશ્વરને ફરિયાદ કરવા ન જાઉં કે, 'ઓ બંસીવાલે, તૂને યે ક્યા કિયા...? એક બેસહારા ઔરત કો મેરે સહારે ઐસે વીરાન જગેહ છોડ દિયા..?' મીનાની સ્કીન તો મારા જેવી હતી, પણ સુંદરતા અને ગ્લેમરમાં તો એના જેવું કોઇ નહિ ! બાકીની બધી હીરોઇનો ભાભી સમાન... (એક તમારા મધુભાભીને બાદ કરતા... અને બીજી નંદા, જેની સુંદરતા પવિત્ર અને વિકારો ન ઉપજાવે એવી હતી.)

આજની ફિલ્મના બન્ને હીરો-હીરોઇનો કન્ટ્રોવર્સી એટલે કે વિવાદોથી ભરેલા હતા અને એ બધું આપણે અહીં લખ્યું છે.

સાઉથની મોટા ભાગની ફિલ્મો વાસુ મૅનન, એવીએમ, એલવી પ્રસાદ અને જેમિની સ્ટુડિયોમાં બનીને આવતી અને મોટા ભાગની ફિલ્મો કેવળ સામાજીક હતી. એ લોકોની ફિલ્મો મુંબઇની ફિલ્મો કરતા બેશક વધુ સારી, વધુ ખર્ચાળ અને પ્રોડક્શનમાં નિર્માતા જંગી ખર્ચા કરતા અચકાતો નહિ. મુંબઇના કલાકારોને મુંબઇ કરતા અહીં લગભગ બમણી અને રૅગ્યુલર ચૂકવણીઓ થતી હોવાથી સાઉથની ફિલ્મોમાં કામ કરવા મળે, એના માટે મુંબઈના કલાકારો પરમેશ્વરને રીતસર પ્રાર્થનાઓ કરતા...!

સાઉથ હોય કે મુંબઈ, એ સમયની તમામ સામાજીક ફિલ્મોમાં વાર્તા એક મોટા કુટુંબની હોય, જેમાં મોટો ભાઈ ચોક્કસપણે ભગવાન શ્રીરામનો અવતાર હોય ને નાનો લક્ષ્મણ. સતી સીતા અને ઊર્મીલા જેવી બન્નેની વાઇફો હોય, પણ મંથરા જેવી કોઇ ફોઇ કે નોકરડી ફિલ્મને અને ઑડિયન્સને ત્રણ કલાક સુધી ખેંચાવી રાખે !

આજની ફિલ્મોમાં મોટો ભાઈ પોલીસ ઇન્સપૅક્ટર હોય ને નાનો  અન્ડરવર્લ્ડનો ડોન... એટલો જ ફેરફાર જૂની અને નવી ફિલ્મો વચ્ચે થયો છે. જૂની હીરોઇનોના કપડાં ઓછા થયા છે ને જો સાડી પહેરતી હોય તો દૂંટી દેખાય એટલી નીચી અને છાતીના ભાગની સાડી વારંવાર સરકી જાય, એવી પહેરવી પડે છે ને પછી હીરોના બાપ સામે કહેવાનું, 'મેરા પ્યાર ગંગા કી તરહા પવિત્ર હૈ...!' એની વાત સાચી, કારણ કે ગંગાથી વધુ ગંદી બીજી તો કોઇ નદી પણ નથી...!

અહીં કરોડપતિ અને વિધૂર શેઠ (એસ.વી. રંગારાવ)નો મોટો પુત્ર ધર્મેન્દ્ર કૉલેજમાં એવા ભ્રમમાં છે કે, પત્ની તરીકે કોઇ સર્વાંગસુંદર સ્ત્રી જ જોઇએ. કમનસીબે, છોકરી જોવા ગયા પછી એના ઘરમાં જ રહેતા મામા-મામી (ઓમપ્રકાશ અને મનોરમા) રમત રમીને કાલીકલૂટી મીના કુમારીને પરણાવી દે છે. અલબત્ત, ધર્મેન્દ્ર એનો સ્વીકાર કરે છે, પણ મીના તો નિરક્ષર પણ છે, એ જાણ્યા પછી ઘરમાં ગરબડો ઊભી થાય છે. ધરમ તેના નાના ભાઇ (એવીએમ રાજન) સાથે રહે છે, પણ ઓમપ્રકાશની ચાલબાજીથી મીના એના આ દિયર સાથે આડાસંબંધો રાખે છે, એવા આક્ષેપસર મીનાને ઘરમાંથી કઢાવે છે, પણ ધરમ પાછો આવતા મીનાને સ્વીકારી લે છે, છતાં નિરક્ષર હોવાને કારણે મીના ધરમના દોસ્તો જમવા આવવાના છે, એની ધરમે લખેલી ચિઠ્ઠી મીના વાંચી શકતી નથી. ફરી એકવાર ગરબડ થાય છે, પણ નાનો ભાઇ રાજન મીનાને ઘેર બેઠા રાત્રે ભણાવે છે અને પાકું અક્ષરજ્ઞાન આપ્યું હોય છે. રાજન અને તેની પ્રેમિકા (પુષ્પલતા-જેને કન્યા જોવા ગયા પછી ધર્મેન્દ્રને બતાવવામાં આવી હતી) બગીચામાં ફેરફુદરડીઓ ફરતા ફરતા ગીતો ગાય છે, જેથી ફિલ્મનો 'ધી ઍન્ડ' આવતા સુધીમાં પરણી શકાય, પણ આ બન્ને તો ફિલ્મની બહાર પણ પ્રેમ કરતા હોવાથી અસલી જીવનમાં ય બન્ને પરણી ગયા. બન્નેના પ્રેમ માટે કારણભૂત આ જ ફિલ્મનું સાઉથ ઇન્ડિયન વર્ઝન હતું. છેવટે અનેક કાવાદાવાઓ પછી બધું સમુસુતરૂં પાર ઉતરે છે.

પણ વાસ્તવિક જીવનમાં બધું નહિ, થોડું ય સમુસુતરૂં પાર ઉતર્યું નહોતું. મીના કુમારી આ જ ફિલ્મથી ધર્મેન્દ્ર તરફ (પણ) આકર્ષાઇ અને બન્ને વચ્ચેનું લફરૂં જગજાહેર થયું, એ પહેલા ધરમની એકાદ અંગત વાત જાણી લેવી જરૂરી છે. સાચા અર્થમાં ગામડીયા તરીકે પંજાબથી મુંબઇ ફિલ્મોમાં હીરો બનવા આવેલા ધર્મેન્દ્ર પાસે રાત ગુજારવા ય કોઇ વિસામો નહતો અને મુંબઇમાં આવા કોઇ ફિલ્મના હીરો બનવા માગે, એ બધા નવલોહીયાઓ માટે એક મૌસીનું ગૅસ્ટ-હાઉસ બહુ જાણિતું બન્યું હતું, જ્યાં એ જમાનાના ભવિષ્યના અનેક હીરોલોગ ઓછા ભાડાં અને વધારે કડકી સાથે રહી ચૂક્યા છે. ધર્મેન્દ્ર સાથે આવો બીજો ય એક કડકો રહેતો હતો, જેને ય હીરો બનવું હતું, તે હતો મનોજ કુમાર. બન્ને સાચા અર્થમાં ભૂખ્યા ભૂખ્યા ફિલ્મ સ્ટુડિયોના ચક્કરો મારતા કે કોઇ નિર્માતા એકાદો ચાન્સ આપે, પણ સાંજે પાછા ફરે ત્યારે બન્ને વચ્ચે એક વડાપાઉંની પ્લેટ મંગાવીને દિવસો કાઢ્યા હોય, એ દોસ્તી તો કેવી પ્રચંડ હોય !

...
એ વખતે હતી પણ બન્નેને એક વખત ફિલ્મમાં ચાન્સ મળી ગયો અને બન્ને ખૂબ ઝડપથી મોટા સ્ટાર્સ બની ગયા, પછી રામ જાણે શું થયું કે, ઈવન આજની તારીખ સુધી બન્ને વચ્ચે કોઇ સમાધાન થયું નહિ. તમે પણ મનોજ-ધર્મેન્દ્રનો કોઇ ફોટો સાથે નહિ જોયો હોય !

ફોટા તો મીના-ધરમના સાથે બહુ જોવા મળતા. પેલા ગૅસ્ટ હાઉસથી મોટા મહેલોમાં ધરમો ગયો હોય તો અફકોર્સ, પોતાના બલબૂતા ઉપર ગયો હતો, પણ એમાં એની ઉપર દિલોજાનથી મોહી પડેલી મીના કુમારીએ નિર્માતાઓને કરેલી ભલામણો (સૉરી, હઠ) પણ ઘણું કામ કરી ગઇ છે.

મીના કદાચ એ વાત જાણતી હતી કે, ધરમો આગળ આવવા માટે કેવળ એનો ઉપયોગ કરી રહ્યો છે. એ પરણેલો હતો અને ઘેર બે છોકરા ય હતા, છતાં મીના સાથેનું પ્રેમપ્રકરણ ગૅસના ફૂગ્ગાની માફક ફિલ્મી આકાશમાં ઘુમે રાખતું હતું. મીનાને ધરમાની આવી બેવફાઇની કોઇ પડી ય નહોતી એટલા માટે કે, ધરમના ગયા પછી તરત જ કોઇ રાહુલ નામનો ઍક્ટર આવ્યો. ધાર્યા મુજબ બન્ને પ્રેમમાં પડી ગયા અને રાહુલ તો ઉંમરમાં ઘણો નાનો હોવા છતાં, મીના કુમારીએ આર્યસમાજ વિધિથી હિંદુ ધર્મ અંગીકાર કરીને બન્નેએ કોઇ મંદિરમાં લગ્ન કરી લીધા. એકાદ-બે એવું કહેનારા નીકળ્યા કે, લગ્ન મંદિરમાં નહિ, ચર્ચમાં થયા છે.

સાથે ફરતા ત્યારે પ્રાયવસીની કોઇ પરવાહ મીનાએ કરી નહોતી, પણ બન્નેના લગ્નની વાતો નીકળી, એટલે મીનાએ ખુલાસો કર્યો કે, રાહુલ તો મારા પુત્ર સમાન છે. એ મને ચોક્કસ ગમે છે, પણ હું એના પ્રેમમાં નથી. બીજી બાજુ, રાહુલે ખુલ્લેઆમ કીધું કે, ભલે અમે ટૅકનિકલી લગ્ન ન કર્યા હોય પણ એ મારી પ્રેમિકા છે અને અમે એકબીજાની હરદમ સાથે છીએ. ટુંકમાં, મીનાએ ધર્મ -પરિવર્તન કરાવ્યાની વાતને સમર્થન મળતું નથી.

આ પછી રાહુલ તો ઊડયો, પણ ફિલ્મ 'દિલ અપના ઔર પ્રિત પરાઇ' વખતે મનમાં વસી ગયેલો 'જાની' રાજકુમાર કેમે ય કરીને હાથમાં નહોતો આવતો. રાજકુમાર ચરિત્રનો પર્મેનૅન્ટ શુધ્ધ રહ્યો. મીના જ નહિ, બીજી કોઇ હીરોઇન સાથે એનું લફરૂં નહિ. કહે છે કે, મીનાની જ હઠને કારણે 'જાની'ને ફિલ્મે 'કાજલ' કે 'પાકીઝા' જેવી ફિલ્મો મળી હતી, પણ મોટા ભાગના એને બકવાસ ગણે છે. રાજકુમારની પર્સનાલિટી અને અભિનયક્ષમતા જ એવી હતી કે, એ ફિલ્મોમાં રાજકુમાર સિવાય અન્ય કોઇને તમે હીરો તરીકે સ્વીકારી પણ ન શકો.

સ્વીકારી શકવામાં આમ તો ફિલ્મોનો કવિ અને લેખક ગુલઝાર મીના કુમારી માટે ઘણો બદનામ થઇ ચૂક્યો હતો, પણ એ બદનામી મીના કુમારીથી મળતી હોય તો મંજૂર છે, એમ સમજીને એ છેક સુધી મીનાનો હમસફર રહ્યો. વચમાં હવાફેર માટે ઉષા ખન્નાનો માજી પતિ સાવન કુમાર ટાંક ('તેરી ગલીયોં મેં ના રખ્ખેંગે કદમ, આજ કે બાદ....') પણ આવી ગયો.

પણ આ બધો લૉટ તો સર્કસના તંબૂ ઉખડી ગયા પછીનો હતો. પ્રારંભ જોરદાર હતો મીના કુમારીનો ! હજી તો ફિલ્મોમાં એ આવું-આવું કરી રહી હતી, ત્યારે 'મગરૂર' નામની ફિલ્મ મળી, એના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નસિમ સાથે એને લફરૂં થઇ ગયું. શરૂઆત જ ખોટી થઇ. મીનાને સોનાની મુર્ગી સમજતા એના પિતા અલી બક્ષ છંછેડાઇ ગયા કે, 'હજી તો પૈસા આવવાની શરૂઆત થઇ છે ને દીકરી આવા કોઇ લફરામાં પડીને પરણી જશે તો હું તો લટકી જઇશ !' એણે સખ્ત પ્રતિબંધો મૂકવા ઉપરાંત, નસિમને ફિલ્મમાંથી કઢાવી નાંખ્યો.

થોડા દિવસો પછી અલી બક્ષ પોતાની બે દીકરીઓ મીના અને મધુ (જે પછીથી મેહમુદની પત્ની બની અને મેહમુદને છોડીને એક કિશોર શર્મા સાથે પરણી ગઇ !) સાથે ગાડીમાં પૂનાથી પાછા આવી રહ્યા હતા, ત્યારે ગાડી બગડી ને મદદ કરવા બીજી મોટી ગાડી ઊભી રહી, તેમાંથી ખૂબ મોંઘા દાટ કપડાં પહેરેલો નસિમ ઉતર્યો, પણ આ નસિમ પેલો નસિમ નહિ...આ તો કોઇ કરોડપતિ બાપનો દીકરો હતો. એની મદદ કરતા એના પૈસાથી અંજાયેલા અલી બક્ષે મુંબઇ પહોંચતા સુધીમાં પોતાનો કરી લીધો. મીના કુમારીનો તો અગાઉ પણ લફરા ઉપર સારો હાથ બેસી ગયો હતો, એટલે એ બન્ને પ્રેમમાં પડી ગયા, નસિમના ફાધરને ખબર પડી, એમાં એ સખ્ત બગડયા ને બન્નેને છુટા પાડી દીધા.

મીના કુમારીએ તાજું તાજું જ 'બૈજુ બાવરા' પતાવ્યું હતું અને એનો હીરો ભારત ભૂષણ મન, કર્મ અને વચનથી ખૂબ ગમી ગયો હતો. એક તો બહુશ્રુત વિદ્વાન અને સૉફ્ટ બોલનારો હોવાથી મીનાને વધુ પસંદ પડી ગયો...(ડફોળ અને તોતડો હોત તો ય મીનાને ક્યાં વાંધો આવે એમ હતો !) પણ ભા.ભૂ. એવો કોઇ સ્વતંત્ર નહતો. પરણેલો હતો અને અત્યંત રૂઢિચુસ્ત પરિવારનો નબીરો હોવાથી, 'ખાનદાન કી ઇજ્જત બચાને કે લિયે' એણે મીના કુમારીને છોડી દીધી... અલબત્ત, નમ્રતાપૂર્વક !

ત્યાં કોઇ મૅગેઝીનમાં કમાલ અમરોહીની શાનદાર પર્સનાલિટી સાથેનો ફોટો જોતા જ મીના ઘટનાસ્થળે જ પાગલ થઇ ગઇ કે, 'પરણું તો આને જ!'

કમાલ સા'બ પણ જોરદાર પરણેલા હતા. 'જોરદાર' એટલા માટે કે એક-બે નહિ, પૂરા ચાર દીકરાઓના એ પિતા હતા... પણ મીના સાથે મૅરેજ થાય તો બીજા ચાર દીકરાઓ ય થાય એ તો-વાળી ભાવનાથી બન્ને પ્રેમમાં પડી ગયા. કે.આસીફ 'મુગલ-એ-આઝમ' બનાવી રહ્યા હતા, પણ ગામ આખું જાણતું હતું કે ફિલ્મ આસિફ બનાવી રહ્યા છે, મતલબ ૨૫-૫૦ વર્ષે ય એ ફિલ્મ પૂરી થશે કે કેમ, એ કૉમિકનો વિષય છે, માટે કમાલ અમરોહીએ એક નિર્માતાને (સૅન્ટ્રલ સ્ટુડિયોના માલિક) પકડીને ફિલ્મ 'અનારકલી' બનાવવાની જાહેરાત કરી. હીરોઇન તો મીના જ હોય ! એમ કહેવાય છે કે, શારીરિક પર્સનાલિટી કે શુદ્ધ ઉર્દુ બોલવામાં કમાલ સાહેબની તોલે તો દિલીપ કુમાર પણ ન આવે ને એમાં ય એમની તેહઝીબ અનોખી હતી. કોઇ પણ પ્રભાવિત થઇ જાય !

પણ દરમ્યાનમાં, ક્રિકેટ મૅચમાં ચાલુ બૅટિંગે ઇજાગ્રસ્ત થઇને કોઇ બેટ્સમૅન પૅવેલિયનમાં પાછો જાય ને સાજો થઇને ફરી પાછો દાવ લેવા આવી જાય, એમ આપણો ભા.ભૂ. પાછો આવી ગયો. કમાલ આઉટ-ભા.ભૂ.ઇન! પણ ભા.ભૂ.ને એકલી મીના કુમારીનું આધાર-કાર્ડ સાચવવાનું નહોતું... મધુબાલા ય એના પ્રેમમાં હતી અને સખ્ત પ્રેમમાં હતી. ફરી પાછો ભા.ભૂ. આઉટ અને કમાલ ઈન ! તારી ભલી થાય ચમના... સૉરી, ચમની ! આખા ભારતમાં તને અમારા કોઇના કાકા, મામા, ફૂઆ, કે માસા-ફાસા કોઇ ન દેખાયા કે એકના એક બૅટ્સમૅનોને ટીમમાં લીધે રાખ્યા...?

No comments: