Search This Blog

17/02/2017

'આશિક' ('૬૨)

ફિલ્મ  : 'આશિક' ('૬૨)
નિર્માતા : બની રૂબેન- વી. કે. દુબે
દિગ્દર્શક :ઋષિકેશ મુકર્જી
સંગીત : શંકર- જયકિશન
ગીતકારો : હસરત- શૈલેન્દ્ર
રનિંગ ટાઇમ : ૧૫૦ મિનિટ  :  ૧૬ રીલ્સ
થિયેટર : લાઇટ હાઉસ
કલાકારો : રાજકપૂર, નંદા, પદ્મિની, અભિ ભટ્ટાચાર્ય, રાજ મેહરા, લીલા ચીટણીસ, નાના પળશીકર, મુકરી, કેષ્ટો મુકર્જી, અચલા સચદેવ, મધુમતિ, પરશુરામ, વિશ્વા મેહરા અને હની ઇરાની.
ગીતો
૧.    મૈ આશિક હું બહારો કા, નઝારો કા.....     મૂકેશ
૨.    યે તો કહો કૌન હો તુમ, મુઝ સે પૂછે.....     મૂકેશ
૩.    તુમ જો હમારે મીત ન હોતે, ગીત યે મેરે.....    મૂકેશ
૪.    ઝન ઝન ઝન ઝનાકે અપની પાયલ.....    લતા મંગેશકર
૫.    લો આઇ મિલન કી રાત સુહાની.....    લતા મંગેશકર
૬.    મેહતાબ તેરા ચેહરા, કિસ ખ્વાબ મૈં.....    લતા- મૂકેશ
૭.    ઓ શમા મૂઝે ફૂંક દે, મૈ ન મૈ  રહું.....    લતા- મૂકેશ
૮.    તુમ આજ મેરે સંગ હસ લો.....    મૂકેશ- મુકરી
ગીત નં. ૫ અને ૮ હસરત જયપુરી, બાકીના શૈલેન્દ્રના.
ગીત નં.-૮નો ધીમા લયમાં બીજો પાર્ટ પણ છે.

પરણેલા પુરુષનો અન્ય સ્ત્રી સાથેનો પ્રેમસંબંધ સમાજની સૌથી બેવકૂફીભરી સ્વીકૃતિ છે. એ ચલાવી જ ન લેવાય. કારણ સીધું છે. કોઈ કાળે ય એને માન્યતા ન મળે. એ બન્ને હઇડ- હઇડ થતું જીવન જીવે છે. લોકો ચારે બાજુથી એમને બન્નેને હડધૂત કરે છે અને સૌથી મોટી વાત એ છે કે, આ સંબંધનો કોઈ અંજામ નથી... જે કોઈ અંજામ છે તે કેવળ કરુણ અને યાતનાભરી બદનામીવાળો છે.

સાહિર લુધિયાનવી પોતે પાળી નહોતો શક્યો પણ એણે લખેલું આજે ય માનવામાં આવે તે ઘણું પ્રસ્તુત છે, 'વો અફસાના જીસે અંજામ તક લાના ન હો મૂમકીન, ઉસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા...'

સમજમાં નથી આવતું કે ઋષિકેષ મુખર્જી જેવા સંસ્કારી દિગ્દર્શકે આવા વિષય પરની ફિલ્મ સ્વીકારી જ કેમ ? એમને તે કેવળ સ્વચ્છ ફિલ્મો બનાવી છે. મજબૂરી કોઈ પણ ક્લાસની હોય, આવા પરણેતર સંબંધને કદી જસ્ટિફાય કરી શકાય નહિ.

ફિલ્મો સિવાય ઇવન આપણા સમાજમાં માની લો, કોઈ પતિ એની પત્નીને મારઝૂડ કરતો હોય, નપૂંસક હોય કે કમાતો- ધમાતો ન હોય ને પત્નીના પૈસા ઉડાવતો હોય એટલે પત્ની બીજા કોઈ પુરુષના પ્રેમમાં હોય, એ વાત પત્નીની ગમે તેટલી ફેવરમાં જતી હોય (કે એથી ઉલટા કિસ્સામાં પતિ માટે) તેથી સમાજ એ બન્નેને માફ કરી ન શકે... ન કરવા જોઈએ... આખરે આવનારા કે હયાત બાળકોની અધિકૃતતાનો ય વિચાર કરવો પડે ! હા. આવા કિસ્સામાં ડિવોર્સ મળી શકતા હોય ને બન્ને પ્રેમીઓ પરણી શકતા હોય તો એનાથી વધુ પવિત્ર સંબંધ બીજો ન હોઈ શકે.

ઋષિકેશ મુકર્જીએ પરણેલા નંદા સાથે કાયદેસરના રાજ કપૂરને નાચનારી- ગાનારી પદ્મિનીના અનધિકૃત પ્રેમમાં દર્શાવી પોતાની રીતે એવા પ્રેમને જસ્ટિફાય કરવાનો પ્રયત્ન કર્યો છે, તો એનાથી મોટી બેવકૂફી કઈ ? અલબત્ત, દરેક હિન્દી ફિલ્મના અંતની જેમ અહીં પણ 'વૉ'નો સર્વનાશ બતાવાયો છે અને પત્નીનો ભવ્ય વિજય દર્શાવાયો છે. ભારતના પ્રેક્ષકો તો એ વખતે ય અક્કલવાળા હતા અને આવા બેહૂદા સબ્જેક્ટની હાંસી ઉડાવીને ફિલ્મને ટિકિટબારી ઉપરથી ફેંકી દીધી હતી, પછી ભલે તેનો હીરો રાજ કપૂર હોય, એ દિવસ સુધી આવેલી તમામ સેક્સી અભિનેત્રીઓમાં સર્વોત્તમ પદ્મિની હીરોઇન હોય, સૌમ્યતાની મૂર્તિ નંદા વેડફાઈ ગઈ હોય કે ફિલ્મ ઋષિકેષ મુખર્જીએ કેમ ઉતારી ન હોય.. પ્રેક્ષકોએ બહુ બૂરી ઢબે આ ફિલ્મ 'આશિક'ને ફટકારી મૂકી હતી...

સિવાય કે, ધી ગ્રેટ શંકર- જયકિશનનું દિલડોલ સંગીત ! લતા મંગેશકર અને મૂકેશ, બે જ ગાયકો છતાં આઠે આઠ ગીતો આજની તારીખે હરકોઈની જબાન પર કંઠસ્થ છે. આ સંગીતકારોનો તો સ્ટ્રાઇક રેટ જ એવો હતો કે ફિલ્મમાં જેટલા ગીતો હોય તે ઇક્વલી સુપરહિટ હોય. જુઓ, ઉપરની યાદીમાં એવું એકે ય ગીત છે જે તમે સાભળ્યું ન હોય ? ને એમાં ય, ફિલ્મે ફિલ્મે શંકર- જયકિશન કાંઈક નવું લઈ આવતાએ મુજબ આ ફિલ્મના તમામ ગીતોમાં ઇન્ટ્રોડક્ટરી (એટલે કે પ્રી-લ્યૂડ) મ્યુઝિક ખાસ્સું લાંબુ બનાવાયું છે, એટલે કે પ્રત્યેક ગીતના મેરિટ પ્રમાણે એને જામવાની તક આપવામાં આવી છે. સીધેસીધું શરુ થઈ જાય એવું નહિ.

શ્રોતાને ખબર પડે કે રેડિયો ઉપર હવે મૂકેશનું ફિલ્મ 'આશિક'નું 'યે તો કહો, કૌન હો તુમ કૌન હો તુમ...' આવી રહ્યું છે, એટલે એ ય જાણતો હોય કે, એસજે ગીત શરૂ કરતા પહેલા ગીતનો સમો બાંધશે. શ્રોતાને જાણ કરશે કે એમનું ફેવરિટ ગીત આવી રહ્યું છે એટલે ભલે ઢીંચણ ઉપર આંગળીઓની થપાટો આપવા તૈયાર રહે. એ પ્રીલ્યૂડ પણ ભરચક વાદ્યોથી ભરેલું હોય કે પછી વાદ્યો ભલે પર્કશન્સ (રિધમ) ઉપરાંત એકોર્ડિયન, વૉયલિન, ટ્રમ્પેટ અને સ્પેનિશ ગિટાર જેવા ૪- ૫ વાદ્યો જ હોય છતાં જેવું લતાબાઈ 'આજા આઇ બહાર દિલ હૈ, બેકરાર ઓ મેરે રાજકુમાર, તેરે બિન રહા ન જાય...' શરુ કરવાના છે, એ પહેલાં શ્રોતા સખણો બેસી જાય ને આજુબાજુ વાળાને ચૂપ પણ કરવા માંડે !

અને ઍઝ યુઝવલ... દરેક ફિલ્મના ટાઇટલની જેમ આ ફિલ્મમાં પણ જયકિશનનું બેનમૂન ટાઇટલ - મ્યુઝિક રેકોર્ડ કરી લેવા જેવું છે. એમ કહેવાય છે કે, આજ સુધીની કોઈ પણ ફિલ્મમાં જયકિશનની બરાબરીનો અન્ય કોઈ સંગીતકાર ફિલ્મનું ટાઇટલ મ્યુઝિક બનાવી શક્યો નથી.

ફિલ્મ તો ૧૯૬૨માં આવી હતી અને એ દરમ્યાન રાજ કપૂરની ફિલ્મ 'સંગમ'નું ય શૂટિંગ હારોહાર ચાલી રહ્યું હતું. અહીં વાંચવી ગમે એવી બે-ત્રણ વાતો એકસામટી ફૂટી નીકળી છે. ખોટો સમય વેડફવામાં સહેજ પણ ન માનતો રાજ કપૂર ૧૯૬૦માં પોતાની ફિલ્મ 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'ની સાઉથ- ઇન્ડિયન બક્સમ-બ્યુટી પદ્મિનીના ભરપૂર પ્રેમમાં પડયો હતો. તો આપણો ઘેંસીયો બાજુના ધાબાવાળાઓ ઝોલ મારીને લપટાઈ ન જાય એ માટે રાજે ૧૯૬૧-માં આવેલી ફિલ્મ 'નઝરાના'ની હીરોઇન વૈજયંતિમાલાને પહેલીવાર મળ્યો ત્યારે ખબર પડી કે, હું પદ્મિનીમાં લેવાદેવા વગરનું મૂડીરોકાણ કરે રાખતો હતો.. ખરો શૅર તો આ ખરીદવા જેવો છે... એટલે બેન વૈજયંતિમાલાને પણ ૧૦- ૧૫ વર્ષ ચાલે એવી પ્રેમિકા બનાવી દીધી, પણ જે સરોવરમાં વૈજ્ય નહાતી હતી, ત્યાં સામે કિનારે ભાઈ દિલીપકુમાર પણ ઝોલ નાખીને બેઠો હતો, જેની ફિલ્મ 'લીડર'માં વૈજુ હીરોઇન હતી.

રાજની તરફેણમાં વૈજુ ઉઘાડેછોગ દિલીપને નિગ્લેક્ટ કરતી હોવાથી 'સંગમ'ના શુટિંગમાં ટાઇમસર પહોંચવા માટે ટાઇમ પૂરો થાય એટલે 'લીડર'ને બિન્ધાસ્ત છોડીને જતી રહેતી, એ દિલીપને ગમતુ નહિ. આમ તો રાજ- દિલીપ દોસ્તો ખરા પણ વાત પ્રિયતમાની આવે ત્યારે કોણ દોસ્ત રહ્યું છે ? માટે જ, ખાસ દિલીપને સંભળાવવા રાજ કપૂરે 'ઓ મેહબૂબા...' ગીતમાં 'સબ દેખતે રહ જાયેંગે, લે જાઉંગા એક દિન...' કહીને ટોણો માર્યો હતો. એ વાત જુદી છે કે, વચ્ચેવચ્ચે હવાફેર માટે વૈજુ રાજેન્દ્રકુમારની અગાસીએ પણ શિયાળાનો પોંક ખાવા જતી એ તો ! આપણામાં એવી આવડતો ન હોય પણ નવાઈ સાથે જીવો ચોક્કસ બળે કે, એક સાથે બબ્બે પ્રેમિકાઓ વૈજયંતિ અને પદ્મિનીને રાજ કેવી રીતે હેન્ડલ કરી શકતો હશે ? (વચમાં 'પોપકોર્નની સાથે પેપર-નેપકીન ફ્રી'ની જેમ વિજયલક્ષ્મી કે સિમી જેવી પ્રેમિકાઓ તો જુદી...! બોલો, જય અંબે...!) પછી ઘેર બેઠેલી પત્ની કૃષ્ણા રાજકપૂર છોકરા છૈયાને લઈને હોટલ નટરાજમાં રહેવા જતા જ રહે ને ?

પદ્મિની ય મૃત્યુ વખતે ભારત હતી, પણ પાછલી જિંદગીનો મોટો ભાગ એણે અમેરિકામાં કાઢ્યો હતો. એના પતિદેવ ડો. રામચંદ્રન અમેરિકામાં ફિઝિશિયન હતા. ત્યાં નવરા બેઠા કરવું શું, એટલે પદ્મિનીએ ૧૯૭૭માં ન્યુજર્સીમાં 'પદ્મિની સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સ' નામથી ક્લાસીસ શરૂ કર્યા હતા. આજે એના અવસાન પછી પણ આ સંસ્થા અમેરિકામાં શાસ્ત્રીય નૃત્ય શીખવતી ટોપમોસ્ટ સંસ્થા કહેવાય છે.

દયા, આઘાત અને આશ્ચર્ય નંદા માટે ચોક્કસ થાય કે, જાણવા છતાં કે આવી ફિલ્મમાં કોઈ પોતાનો કેવળ રોલ જ નહિ, મૂલ્ય પણ સેકન્ડ હીરોઇનનું છે અને એ પણ રોના-ધોના સિવાય કુચ્છ નહિ... છતાં શા માટે આવો કિરદાર સ્વીકાર્યો હશે ? આ કૉલમ લખનારની દ્રષ્ટિએ હિંદી ફિલ્મોની આજ સુધીની સૌથી પવિત્ર હીરોઇનો બે જ થઈ, એક નૂતન અને બીજી નંદા. કબુલ કે નૂતન નંદા જેટલી સુંદર નહિ, પણ બેમાંથી એકે યના નામ ઉપર પેલી હિંદી ફિલ્મોની ભાષા મુજબ, કોઈ બદનૂમા દાગ નહિ. કેવું અઘરું પડયું હશે નંદાને આવું ધગધગતું રૂપ હોવા છતાં પૂરી કરિયરમાં કોઈ પ્રેમસંબંધ નહિ, કોઈ વિવાદાસ્પદ સંબંધ નહિ કે કોઈ જાહેર અફસોસ નહિ. નસીબ ઘણું વાંકુ પડયું કે જીવનમાં કેવળ એક પ્રેમીને ચાહ્યો, (સ્વ. મનમોહન દેસાઈ) એણે ય કોઈ અજ્ઞાત કારણોસર આપઘાત કર્યો.

આ ફિલ્મમાં બારે માસ રોતડ- ક્લબના બે મુખ્ય સભ્યો અભિ ભટ્ટાચાર્ય અને નાના પળશીકરની સાથે રોતડ ક્લબના મહિલા પ્રમુખ શ્રીમતી લીલાબાઈ ચીટણીસ ભારતની સર્વપ્રથમ સુંદરી હતા, જે 'લક્સ સાબુ'ની સૌંદર્યાજ્ઞી તરીકે છાપા- મેગેઝિનોમાં ચમકતા. અત્યારે લાગે છે એટલી નાની એ સિદ્ધિ નહોતી. 'લક્સ'ની જા.ખ.માં કેવળ ધોળી એટલે ગોરી એક્ટ્રેસો જ ચમકી શકતી.

લીલા ચીટણીસ પહેલી ભારતીય અભિનેત્રી હતી. એ પછી તો આજ સુધીની સમજો ને, તમામ સફળ એક્ટ્રેસો લક્સમાં નહાઇને બીજાને નવડાવ્યા છે. અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના ડેનબરી શહેરમાં પાછલું જીવન ગુજારનાર લીલા ચીટણીસ અને અશોક કુમારની એક જમાનામાં જોડી હતી.

ફિલ્મ કે એની સ્ટારકાસ્ટ ઘણી  મૂલ્યવાન હોવા છતાં આખેઆખી ફિલ્મ ફ્લોપ ગઈ હોય પણ તેના ગીતો ચીરંજીવ રહી ગયા હોય, એવી શંકર- જયકિશનની આ ફિલ્મ ન જુઓ તો કાંઈ ગુમાવાનું નથી... એના કરતા બીજી દસ વખત 'જાગતે રહો' જોવું સારું.

No comments: