Search This Blog

22/02/2017

'આઈ લવ યૂ'

'આઈ લવ યૂ' તો આપણા જમાનાથી કહેવાનું શરૂ થયું. એ પહેલા ક્યાં કોઈ કહેતું'તું ? પપ્પા-મમ્મીના જમાનામાં આવું નહોતું. મૂળ તો એવું અશુભ-અશુભ કોઈ બોલતું ય નહિ. પ્રેમોમાં જ નહોતું પડાતું. જ્ઞાતિના રિવાજ પ્રમાણે શુકલજી ગોતી લાવ્યા હોય, એ કન્યા સાથે પરણી જવાનું અને પરણી લીધા પછી 'આઈ લવ યૂ' કહેવાની જરૂરત તો ક્યાં કોઈને પડે ?

આપણા વખતથી સીસ્ટમ બદલાઈ. જરાક ડાઉટ જાય કે પેલી ખેંચાઈ રહી છે, એટલે સ્માઇલો શરૂ કરી દેવાના. એ પાછા આવે, તો જરા આગળ વધવાનું. આગળ એટલે જ્યાં ઊભા હોઈએ ત્યાંથી નહિ, પ્રેમમાં આગળ વધવાનું. પછી તો ગુજરાતી કાવ્યો કે ફિલ્મી ગીતોના જે ટુકડા બંધ બેસતા આવે, એ પેલી સમજે એ રીતે, મોટે મોટેથી ગાવાના અથવા ભૂલમાં એને અપાઈ ગયેલી આપણી એક્સરસાઇઝ-નોટબૂકના છેલ્લા પાને લખવાના. એમાં મારાથી તો છેલ્લા પાને બીજગણીતનો દાખલો લખાઈ ગયો હતો... પેલી આજ સુધી સોલ્વ કરી શકી નથી.

પહેલી વખત એને શું કહેવું, એ મૂંઝવણ હતી. એ વખતે પગનો અંગૂઠો બહુ કામમાં આવતો, નીચે જોઈને જમીન ખોતરવામાં. જરીક હિમ્મત એકઠી થઈ હોય તો આપણા જમણા હાથની પહેલી આંગળી એની દાઢી નીચે અડાડી દાઢી સહેજ અમથી ઊંચી કરતા હળવેથી બોલવાનું, ''એ ય... સામે નહિ જુએ... ? હું છું હું. મૂકેશ ચંદુલાલ શાહ. ભૂલી ગઈ, બસમાં લાલ દરવાજા સુધીની ટિકીટ મેં લીધી'તી... ? વીજળી ઘરના બસ સ્ટેન્ડેથી તારા ફૂઆ બસમાં ચઢ્યા, એમાં યાદ છે... હું ઉતરી ગયેલો... ?''

આવા બધા કેટલાય નાટકો પછી સાહસ ઊભું થાય ત્યારે એકરારની ધન્ય ઘડી આવે. એન્ડ માઈન્ડ યૂ... એ વખતે, 'હું તને પ્રેમ કરૂં છું, મંદુ...' એવું નહોતું કહેવાતું. નવા નવા 'આઈ લવ યૂઓ' શોધાઈ ચૂક્યા હતા, એમાંથી એકાદું ઉઠાવીને ફરીથી પેલી આંગળી-પ્લસ-દાઢીનો ઉપયોગ કરીને, તોતડાતી જીભે કહેતા, 'આઈ લવ યૂ.' વાંદરી સામું 'આઈ લવ યૂ' ચોપડાઈને આપણા પવિત્ર પ્રેમનો સ્વીકાર ન કરે, પણ ઊંચા કરેલા ઢીંચણ ઉપરથી દાઢી ઉતારીને નીચે જોતી સ્માઈલો આપે. આ ત્રણ શબ્દો કમાલના હતા. ગુજરાતીમાં કહેવા કરતા ઈંગ્લિશમાં કહેવામાં સરળ પડે. આપણે ઈંગ્લિશમાં બોલી શકીએ છીએ એવી છાપ પડે અને ખાસ તો, બધા એ જ બોલતા'તા, એટલે આપણે ય બોલી નાંખ્યું. (બધા 'એને' ન બોલતા હોય કાંઈ... !)

હવે તો એ વાતને વર્ષો વીતી ગયા. કાળક્રમે આપણે ય સુધર્યા અને 'આઈ લવ યૂ' કહેવાની ટેવો છુટી ગઈ. ઈવન, મને ય યાદ નથી, મેં છેલ્લું 'આઈ લવ યૂ' કોને, ક્યારે અને શા માટે કીધું હતું. પણ પહેલી વારમાં જ કીધેલું 'આઈ લવ યૂ' તરત પાછું આવી ગયું, એમાં બીજી કે બારમી વખત કોઈને કહેવાના ચાન્સો ન મળ્યા. 'આઈ લવ યૂ'નો આ જ ભૂંડો પ્રોબ્લેમ છે. તરત સ્વીકારાઈ જાય તો ય આપણું ભવિષ્ય ધૂંધળું. બીજી કોઈને કહેવાનો લાઇફ-ટાઇમમાં અવસર ન મળે.

અફ કોર્સ, આમાં પ્રેક્ટીસ પાડવી નિહાયત જરૂરી છે. નિયમિત મહાવરો રાખવાથી જીભ સેટ થઈ જાય છે. જો કે, ''પચાસના છુટા છે ?'' એટલી આસાનીથી કોઈને 'આઈ લવ યૂ' કહી શકાતું નથી અને કહી દો તો એમ કોઈ છુટા આપતું ય નથી. ઘણા તો 'જય જીનેન્દ્ર' કે 'જે શી ક્રસ્ણ' કહેતા હોય, એટલી આસાનીથી કહી દે છે. ન ગમે તો ગુજરાતી સ્ત્રીઓ નઠારી ગાળો બોલતી નથી, એવું સહેજે ન માનશો. ખોટી જગ્યાએ આવું કહેવાઈ ગયું તો એ લોકો મા-બેનની સંભળાવી દે છે. ગાળ બોલી જવાથી થપ્પડ-પ્રવૃતિમાં એમને પડવું પડતું નથી. કોઈ રોમિયોને ચપ્પલ નહિ મારવા પાછળ બહેનની તૂટેલી/સાંધેલી ચપ્પલ પણ જવાબદાર હોય છે. પ્રેમ હંમેશા પ્રેમથી જ વધે, એ બધી વાત સાચી પણ એ વાત સુંદર સ્ત્રીઓએ સમજવી જોઈએ. જો કે, ન સમજે એ ય સારૂં છે. એ લોકો ગામ આખાના પ્રેમો વધારવા જાય તો મારા-તમારા જેવાને ભગવા પહેરીને ગીરનારની તળેટીમાં બેસવું પડે.

કેટલાક અનુભવીઓને ભારે ફાવટ આવી ગઈ હોય છે 'આઈ લવ યૂઓ' કહેવાની. એ લોકો જેને ને તેને, જ્યાં મળે ત્યાં કહી શકે છે. મંદિરની બહાર ઊભેલો વાણીયો ગરીબોને છુટા હાથે દાનદક્ષિણા આપતો હોય, એમ કેટલાક દાનવીરો ધારે એને 'આઈ લવ યૂ' આપી દે છે અને મારે ય નથી ખાતા. આપણા બધાની વાત જુદી છે કે, હવે તો ઈવન ઘરમાં ય પેલીને 'આઈ લવ યૂ' કહેતા નથી અને કહીએ તો પેલી માનતી ય નથી. કાં તો એ હસવામાં કાઢી નાંખે અને કાં તો ટોણો મારે, ''કેમ આજે કંઈ ભૂલી ગયા લાગો છો... ! હું તમારી વાઈફ છું... મને 'આઈ લવ યૂ' શેનું કીધું ?''

આમાં પ્રામાણિક જવાબ આપવાની જરૂર નથી, પણ તમે જુઠ્ઠો તો જુઠ્ઠો જવાબ આપો કે, છેલ્લે તમે 'તમારી' વાઇફને આવું 'આઇ લવ યુૂ'ક્યારે કીધું હતું ? કીધું હશે, પણ એ તો તમે ડ્રિન્કસ લેવા બેઠા હો અને શહેનશાહી પાઠમાં પૂરા આવી ગયા હોય ત્યારે ! એમને એમ તે કોઈ ગાંડુ થઈ ગયું હોય કે, આવું મોંઘામાઈલું 'આઈ લવ યૂ' ઘરમાં વેડફી નાંખે ? આ તો એક વાત થાય છે.

'
આઈ લવ યૂ' એ કોઈ ભારતીય સંસ્કૃતિ નથી. બધો પરદેશથી આવેલો માલ છે. પણ આ વિષય ઉપર પુન:વિચારણા કરવા જેવી છે. લગ્નના ભલે ગમે એટલા વર્ષ થયા, ભલે વાઈફ કે ગોરધન પહેલા જેવા ગમતા ન હોય, પણ આ ત્રણ શબ્દો કહેતા રહેવાથી બન્ને વચ્ચે પ્રેમ તો વધે છે. ઈંગ્લિશ ફિલ્મો જોનારાઓને ખ્યાલ હશે કે, એ લોકો તો લગ્ન પછી ય પ્રેક્ટિસ ચાલુ રાખે છે.

વાત વાતમાં અને ઘણીવાર તો લેવાદેવા વગરના 'આઈ લવ યૂઓ' કહેતા હોય છે. આપણને ધ્રાસકા પડે કે, આમાં આટલા વરસી જવા જેવું શું હતું ? આ તો એક વાત થાય છે, પણ લગ્નના આટઆટલા વર્ષો છતાં તમે એકબીજાની 'કેર' કરો છો, ચાહો છો અને ખાસ તો વ્યક્ત થાઓ છો, એ બધી સિધ્ધિઓ અજાણતામાં ય બન્ને પક્ષે નોંધાતી હોય છે. અને પ્રેમ વધે છે.

પ્રેમ વધવાનો મોટો ફાયદો એ થાય છે કે, કોઈ બીજો કે બીજી 'આઈ લવ યૂ' કહી જાય, એના કરતા આપણે પ્રેક્ટિસ ચાલુ રાખવી સારી.

અને છતાં ય, એ કહેવાનું મન થતું ન હોય તો યાદ કરો, પહેલી વખતે આ જ શબ્દો એને કહેતા કેવો રોમાંચ, ખૌફ, પ્રેમ, સેક્સ, જ્યોતિષ અને એના ફાધર યાદ આવતા હતા... ?

સિક્સર
આશ્રમ રોડ પર યૂ-ટર્ન લેવા માંગતા 'આઉડી'વાળાએ ટ્રાફિક-જામમાં ફસાયેલા બાજુના 'એક્ટિવા'વાળાને પૂછ્યું,
-
સર-જી, મારે ઈન્કટેક્સ જવું છે... કોઈ શોર્ટ-કટ... ?
-
ગાડી વેચીને રીક્ષા કરી લો. અત્યારે વેચશો તો પૈસા સારા આવશે. હું ય આગળના ચાર રસ્તે મારી બીએમડબલ્યુ વેચીને આયો છું.

No comments: