Search This Blog

12/02/2017

ઍનકાઉન્ટર : 12-02-2017

* ઉંમર વધે પણ અક્કલ ના વધે તો ?
- કૉંગ્રેસમાં જોડાઇ શકાય !
(પી.એમ. જોશી, નેત્રામલી-ઈડર)

* કૉંગ્રેસને કોણ તારશે ? રાહુલ કે પ્રિયંકા ?
- મોદી સિવાય પણ દેશ માટે બોલવા માટેનો એકે મુદ્દો પણ કોંગ્રેસને તારશે !
(કૌશિક શાંતિલાલ શાહ, ભાવનગર)

* રામસે બ્રધર્સે હૉરર ફિલ્મો બનાવવાનું બંધ કેમ કર્યું હશે ?
- આપણી ઘણી નવી હીરોઇનો જોયા પછી પ્રેક્ષકોને બિવડાવવા માટે બનાવટી ભૂત-ડાકણોની જરૂર પડે એમ નથી !
(ધીમંત ભાવસાર, બડોલી-ઇડર)

* હવે 'ઍનકાઉન્ટર'ને બદલે 'સર્જિકલ સ્ટ્રાઇક' નામ રાખો તો ?
- ઍનકાઉન્ટરમાં કોઇ પૂછશે તો નહિંને...?... કે સાબિતી લાવો !
(ઠાકોરભાઈ વી. બારીયા, વડોદરા)

* અમદાવાદ આવ્યા ત્યારે તમે અરવિંદ કેજરીવાલને મળવા ગયા હતા ?
- કોણ છે એ ભ'?... દૂધની કૅબિને કામ કરતા કોઈ કામદાર છે ?
(હર્ષિત દવે, સુરત)

* સીએ-ની પરીક્ષા કઇ રીતે પાસ કરી શકાય ?
- પરીક્ષા આપીને.
(અપૂર્વ પટેલ, અમદાવાદ)

* સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સફળ ગુજરાતીઓ જ કેમ છે ?
- એ લોકો ગુજરાત ઉપરાંત અન્ય ભારતીયોનો પણ એટલો જ આદર કરે છે, માટે !
(મેહૂલ વોરા, જામનગર)

* પાકિસ્તાન શાંતિથી જીવવા કેમ નથી માંગતું ?
- શાંતિથી મરવું નથી માટે !
(હિના પાનસૂરીયા, જૂનાગઢ)

* 'વૉટ્સઍપીયા' સુવિચારોથી શું સમાજ બદલાઈ જશે ?
- મોટા ભાગના લોકોને બીજા ઉપર કોગળા કરવાની હવે આદત પડી ગઈ છે.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* ઘણા વખતથી તમે પંખો ચાલુ કરવાનું નથી કીધું.. !
- પંદર દહાડા ખમી જાઓ....
(જગજીવન મેતલીયા, ભાવનગર)

* પૈસાના અભાવે જ ઘરમાં ઝગડા થતા હોય તો શાંતિ કેવી રીતે આવે ?
- મને નક્કી કરીને કહો... વધારે જરૂર પૈસાની છે કે શાંતિની ?
(ભરત ડી. સાંખલા, ડીસા)

* 'ઊલટા ચશ્મા'માં ઐયરભાઈને ત્યાં પારણું ક્યારે બંધાશે ?
- તમારે બાળાગોળીનો બિઝનૅસ છે ?
(નિશા દિવ્યેશ પટેલ, સુરત)

* મેં MCA કર્યું છે. મારે ઇન્ડિયન આર્મીમાં જોડાવું છે. સલાહ આપશો ?
- તમને દેશનો વિચાર પહેલો આવ્યો... આર્મીમાં જોડાતા પહેલાં તમને સલામ.
(નિતેષ વાઘેલા, આણંદ)

* મીસકૉલ કરનારાને સીધા કેવી રીતે કરવા ?
- ફોન ઉપાડતાં જ બોલો, 'ડીવાયઍસપી રાઠોડ સ્પીકિંગ...!!'
(દીપક આશરા, ગાંધીનગર)

* તમે 'અશોક દવે'ને ઓળખો છો ?
- સવારે દાઢી ચાલુ હોય ત્યાં સુધી ઓળખું. (મારી પોતાની દાઢી સમજવી)
(દર્શિલ આર. જેઠવા, ભાવનગર)

* 'કાગડો દહીંથરું લઈ ગયો.' આમાં કાગડો તો ઓળખાયો, પણ આ 'દહીંથરું' એટલે શું ?
- ઓહ... ! હવે તો તમારે દહીંથરાને જાણવાની જરૂર જ ક્યાં રહી ?
(વિકાસ ડી. વ્યાસ, અમદાવાદ)

* 'આં'તકવાદ કે આ'તં'કવાદ... સાચું શું ?
- કેટલું ય શિખવાડીએ, તો ય ગુજરાતીઓ આન્તક-વાદ જ બોલે છે, આ-તંકવાદને બદલે ! બર્થ-ડે પાર્ટીઓમાં પણ એક શબ્દ ઇંગ્લિશમાં બોલવાનો હોય, એ પણ ધરાહાર ખોટો બોલાય છે, 'મોમૅન્ટો'. આ નામનો કોઇ શબ્દ જ નથી. સાચો શબ્દ 'મૅમેન્ટો' છે. જો કે, ઑક્સફર્ડ ડિક્શનૅરી અને વૅબસ્ટર્સની ત્રીજી ઇન્ટરનૅશનલ આવૃત્તિમાં 'મૉમેન્ટો' ઉચ્ચાર ખોટા ઉચ્ચારની મજબૂરી સાથે સ્વીકારાયો છે. આપણે તો 'મૅમેન્ટો' જ બોલાય !
(કલ્પના સંજય અંધારીયા, ભાવનગર)

* ભગવાન માણસને બનાવી લીધા પછી શું વિચારતા હશે ?
- ભગવાન પણ કાંઇ વિચારતા હશે, એવું આજની સ્થિતિ જોઇને માનવામાં આવે છે ?
(પુલિન સી. વ્યાસ, સુરેન્દ્રનગર)

* બધા વૈજ્ઞાનિકોના વાળ ઊંચા કેમ હોય છે ?
- એ તો ખબર નથી, પણ જેના વાળ ઊંચા થઈ ગયા હોય, એને વૈજ્ઞાનિક માની બેસતા નહિ. સલૂનમાં બાલદાઢીનો ચાર્જ સાંભળ્યા પછી ઘણા ગ્રાહકોના વાળ ઊંચા થઇ જાય છે.
(લલિત દોશી, કરજણ-વડોદરા)

* પહેલું સુખ તે જાતે નર્યા. તો પહેલું દુ:ખ એ ?
- દરવાજામાં આંગળી ભરાઇ જાય એ !
(ધવલ જે. સોની, ગોધરા)

* ચૂંટણી ટાણે નેતાઓ ખેડૂતોના હિતની મોટી મોટી વાતો કરે છે, પણ ચૂંટાયા પછી એમને ઉદ્યોગપતિઓ જ દેખાય છે...!
- ઉદ્યોગપતિઓથી તો સરકારો ચાલે છે, પણ બાકીની પ્રજા તો દેશ ચલાવે છે.... પ્રજા જો ચાલી, તો આ લોકો નહિ ચાલે... સુઉં કિયો છો ?
(રાજભા લાધાભા વાઢેર, બાંટવા-માણાવદર)

* લેખકે ભેટ આપેલા પુસ્તકનો કોઇ પ્રતિભાવ ન આપતા મિત્રો પાસેથી તમે શું અપેક્ષા રાખો છો ?
- ખેલદિલીપૂર્વક મિત્રોએ પુસ્તક લેખકને પાછું મોકલાવી દેવું જોઇએ. એમાં બંને પક્ષે કોઇ નાનમ નથી.
(દિવ્યા સુરતી, અમદાવાદ)

* મારી મમ્મી તો તમારી કૉલમો વાંચીને ખૂબ હસે છે, પણ મને હસવું નથી આવતું.... કેમ ?
- મને ય બીજું કોઇ હસતું હોય, એ જોઇને હસવું ન આવે !
(નિધિ સંજય પટેલ, અમદાવાદ)

* પ્રેમમાં પડવા માટે કયાં સાધનોની જરૂર પડે ?
- ભાગવા માટેના સારા સ્પોર્ટ્સ-શૂઝ, શરીરે બહુ નબળો સાળો, ઉપર કબુતરાં ન બેઠા હોય એવું ઝાડ, એક પ્રેમિકા અને ઘેર ખીજાય નહિ એવી બા.
(બનવાસ હી. મેહતા, વડોદરા)

No comments: