Search This Blog

02/06/2017

'કુરબાની' (૮૦) : ભાગ ૧

ફિલ્મ : 'કુરબાની (૮૦)'
નિર્માતા- દિગ્દર્શક : ફિરોઝ ખાન
સંગીતકારો : કલ્યાણજી - આણંદજી અને બિડ્ડુ.
ગીતાકાર : ઇન્દિવર- ફારૂક કૈસર
રનિંગ ટાઈમ : ૧૬- રીલ્સ :૧૫૭- મિનિટ્સ
થીયેટર : શિવ( અમદાવાદ)
કલાકારો :  ફિરોઝ ખાન, વિનોદ ખન્ના, ઝીનત અમન, રૂણા ઇરાની, અમજદ ખાન, અમરીશ પુરી, શક્તિ કપૂર, કાદર ખાન, જગદીપ, મૅકમોહન, નરેન્દ્ર નાથ, બોબ ક્રિસ્ટો, બૅબી નતાશા ચોપરા, દિનેશ હિંગુ, વિજુ ખોટે, રાજ ભારતી, જેઝબૅલ, આઝાદ, મૂળચંદ અને કાદરખાન.

ગીતો
૧... હમ તુમ્હેં ચાહતે હૈ ઐસે...મનહર ઉાસ. આનંદકુમાર સી.. કંચન
૨... આપ જૈસા કોઈ મેરી ઝીંદગી મેં આયે, તો બાત... નાઝીયા હસન
૩... ક્યા દેખતે હો, સૂરત તુમ્હારી, ક્યા ચાહતે હો... આશા- રફી
૪... લૈલા ઓ લૈલા, કૈસી તૂ લૈસા, હર કોઈ... અમિત કુમાર અને કંચન
૫... કુરબાની, કુરબાની, કુરબાની... કિશોર, અનવર, અઝીઝ નાઝા

એક માની ન શકાય, એવો સંયોગ ફિલ્મ 'કુરબાની'ને નામે હવે થયો છે. અમજદ ખાનની મૃત્યુ તા.૨૭ ઍપ્રિલ, ૧૯૯૨. ફિરોઝ ખાનની મૃત્યુ ૨૭ ઍપ્રિલ,૨૦૦૯. વિનોદ ખન્નાની મૃત્યુ તા.૨૭ ઍપ્રિલ,૨૦૧૭. અને આ ફિલ્મ રીલિઝ થઈ હતી ૨૭ ઍપ્રિલ,૧૯૮૦ ના રોજ.

આવો 'વોટ્સઍપ મેસેજ ફરતો થયો ને લોકો સાચું ય માની ગયા. નાનકડી એક ગરબડ એટલી હતી કે તારીખો એ ચારે પૂરતી સાચી, અમજદ ખાનનો મહિનો ખોટો. એ ૨૭ ઍપ્રિલે નહિ, પણ ૨૭ જુલાઈએ ગૂજરી ગયો.'

સ્વ.સંજય ગાંધીનું મૃત્યુ તા.૨૩ જૂન૧૯૮૦ના રોજ થયું. ફિલ્મ 'કુરબાની'ની રીલિઝ તા.૨૭ જૂન૧૯૮૦ હતી. ફિલ્મ સુપરહિટ જવાની કેમ જાણે બધાને ખબર હતી, તે પહેલા દિવસથી જ માનવ મહેરામણ ઊભરાવા માંડયો હતો અમદાવાદના શિવ થીયેટર ઉપર. આંચકો એ વાતનો લાગ્યો અને મરહૂમ ફિરોઝ ખાનને પણ સલામ કરવાની ઇચ્છા થાય કે, અમદાવાદમાં ફિલ્મ રીલિઝ થઈ, એના ઍકઝૅક્ટ ત્રણ જ દિવસ પહેલા સંજય ગાંધીનું અવસાન થયું, તેમ છતાં ફિરોઝ ખાને સંજય ગાંધીને શ્રધ્ધાંજલી આપતી નાનકડી ડૉક્યૂમેન્ટરી તૈયાર પણ કરાવીને દેશભરના થીયેટરોમાં મોકલી પણ દીધી, જેથી ફિલ્મ શરૂ થાય તે પહેલા દર્શકોને એ બતાવી શકાય. આ ડૉક્યૂમેન્ટરી દર્શાવતી વખતે ફિરોઝ ખાન શ્રધ્ધાંજલી આપતો હોય એવું લાગવા દેવાયું છે, પણ એમાં અવાજ એના ભાઈ સંજય ખાનનો છે.

મૂડમાં હો તો જરા હસી પડાય એવી ય એક વાત બની ગઈ. ધૂમધામ સફળતાથી આખા દેશને પાગલ કરનારી આ ફિલ્મથી પ્રેરાઈને ફિલ્મ 'એક દૂજે કે લિયેબનાવનાર મદ્રાસના નિર્માતા કે. બાલાજીએ રજનીકાંતને લઈને આ ફિલ્મ તમિળમાં 'વિદુતલાઈ'ને નામે બનાવી. વિનોદ ખન્નાવાળો રોલ ડૉ. વિષ્ણુવર્ધનને આપ્યો અને માની ન શકાય એવા ડૂચા ટિકીટબારીઓ ઉપર નીકળી ગયા. આપણે પાકિસ્તાન જેવા બેશર્મ નથી એટલે પાકિસ્તાની નાઝીયા હસનને આ ગીત માટે 'ફિલ્મફૅર'નો બેસ્ટ ફીમૅલ-પ્લેબૅક સિંગરનો ઍર્વોડ પણ મળ્યો. કહેવા જઈએ તો, એ વાત પાછી જુદા પાટે ચઢી જાય કે ફિરોઝ નાઝીયાના ફકત કંઠથી જ નહિ, ખૂબસુરત દેખાતી નાઝીયાના એકતરફા પ્રેમમાં પડી ગયો અને ઘરથી માંડીને બહાર સુધીના બહુ મોટા વિવાદો પછી ફિરોઝ પછડાટ ખાઈને ઘેર પાછો આવ્યો.

આ ફિલ્મ ફિરોઝ ખાને ૧૯૭૨માં ઉતરેલી ઇટાલિયન ફિલ્મ 'ધી માસ્ટર ટચઉપરથી બનાવી હતી, જેનો હીરો લૅજન્ડરી કર્ક ડગ્લાસ હતો.

ફિરોઝ ખાન મને ખૂબ ગમતો. કોઈ ટીપિકલ ઇન્ડિયન હીરો કરતા એ જરા જુદો તરી આવતો. ગુજરાતીમાં 'ઍકઝૅક્ટશું કહેવાય, એની આ ઉતાવળમાં તપાસ થાય એમ નથી, પણ ફિરોઝ 'રગેડ હૅન્ડસમ'(rugged) હતો. અગાઉની એકે ય ફિલ્મમાં એ ચાલ્યો નહિ અને મોટા ભાગે તો એને ઍન્ટી-હીરોના રોલ જ મળતા... લગભગ વિલન જેવા. ફિલ્મ 'સફર, 'સુહાગન', 'આરઝૂ', 'રાત ઔર દિન', 'ઔરત', 'આગ', 'મેલા', 'આદમી ઔર ઇન્સાન', 'ઉપાસના,' 'ગીતા મેરા નામ', 'બહુરાની' કે 'ઊંચે લોગ' જેવા. જેમાં હીરો કોક બીજો હોય પણ આનું મહત્વ હીરો જેટલું જ હોવા છતાં એના રોલનો શેડ નૅગેટીવ રહેતો. '૬૦-ના દશકમાં તો એને સ્ટન્ટ ફિલ્મોમાં એ, બી, સી કે ડી નહિ, જેકેઍલ, ઍફ લેવલની ફાલતુ હીરોઈનો સાથે જ કામ કરવા મળતું. એમાં ય, સારા બૅનરની ફિલ્મ હોય તો એ હીરો તરીકે કદી એકલો ચાલ્યો નહિ. ફિલ્મમાં બીજો અને એનાથી મોટો હીરો હોય.

એવામાં એનાથી બનતા ફિલ્મ 'અપરાધબની ગઈ અને સોલ્લિડ સફળ થઈ. ગુન્હાખોરી, સૅકસ, પરદેશના લૉકેશન્સ અને થ્રિલર ટાઈપની ફિલ્મો એને સદી ગઈ. એટલે 'ધર્મત્માકે 'જાનબાઝજેવી ફિલ્મો ય બનાવી. 'ખોટે સિક્કે, માં ઘોડા ઉપર બેસીને કિલન્ટ ઇસ્ટવૂડ જેવો દેખાવ કર્યા પછી એ સાચ્ચે જ પોતાને ઇન્ડિયાનો ક્લિન્ટ ઇસ્ટવૂડ માનવા લાગ્યો હતો. એની પહેલી ફિલ્મ ૧૯૬૦-માં 'દીદીહતી.('તુમ મુઝે ભૂલ ભી જાઓ તો યે હક હૈ તુમકો..') એને પોતાનું ફિલ્મી નામ 'રાજેશબહુ ગમતું. આશરે આઠેક ફિલ્મોમાં એણે પોતાનું નામ રાજેશ રખાવ્યું હતું.

સંપૂર્ણ ભારતીય પ્રેક્ષકોને આ એક માત્ર હીરો એવો મળ્યો, જે પાકિસ્તાન જઈને ત્યાંની સરકાર અને પ્રજાને લાલચોળ થઈને કહેતો આવ્યો કે, તમારા દેશ કરતા મારા ભારતમાં મુસલમાનો વધુ સલામત છે. તમારા દેશમાં મુસલમાનો જ મુસલમાનોને કાપે છે, એવું અમારે ત્યાં નથી. આ સાંભળીને ગુસ્સે ભરાયેલા તત્સમયના પ્રૅસિડૅન્ટ મુશર્રફે પાકિસ્તાન સરકારને આદેશ આપી દીધો હતો કે, ફિરોઝને હવે પછી પાકિસ્તાનનો વિસા નહિ મળવો જોઈએ. ફિરોઝે એના દીકરા ફરદીનના લગ્ન એની ખૂબ માનિતી હીરોઈન મુમતાઝની દીકરી નતાશા સાથે કરાવ્યા છે.

મૂળ તો આ ફિલ્મને ભારતીય સૅન્સર બોર્ડે ઍડલ્ટ-સર્ટિફિકેટ આપ્યું હતું. જૅમ્સ બૉન્ડની '૬૨માં આવેલી પહેલી ફિલ્મ 'ડો.નો'ની પલળેલી હિરોઈન ઊર્સુલા આન્દ્રેસ સાગર કિનારેથી શરીર પર માત્ર સફેદ બિકીની પહેરીને માની ન શકાય એવા પરફેકટ ફિગર સાથે બહાર નીકળે છે. એ હોલીવૂડની જ નહિ, દુનિયાભરની ફિલ્મોનો એક સીમ્બોલ ફોટો બની ગયો હતો.

ફિરોઝે ઝીનત અમનનું ફિગર પર એવું માનીને એવું જ સાગર કિનારાનું દ્રષ્ય ફિલ્માવ્યું, પણ સૅન્સર બૉડે એટલો સીન કાં તો કાઢી નાંખવાનું ને કાં તો ફિલ્મે '' સર્ટિફિકેટ આપવાનું કહ્યું. ફિરોઝ પોતાની દિલ્હીની વગ વાપરીને એ દ્રષ્ય રાખવીને જ મુંબઈ પાછો આવ્યો. સીધી વાત છે. ઝીની બૅબી પાસે ઍક્ટિંગના નામનું તો શકોરૂં ય ન મળે. જે હતું એ અદભુત શરીર હતું અને એને એના પાર્ટસ્ બતાવવાનો કોઈ છોછ પણ નહોતો, એમાં 'સત્યમ શિવમ સુંદરમ' પણ બની ગઈ.

ફિલ્મ ચોક્કસપણે સુંદર બની છે. ફિરોઝની લગભગ તમામ ફિલ્મો થ્રિલર અને ઍકશનથી ભરપુર હોય. ઍકશન આપણને બહુ અપીલ ન કરે, પણ એની ફિલ્મોમાં ઘટનાઓ તરત-તરત બદલાતી રહે. કોઈ દ્રવ્ય લાંબુ ચાલે નહિ. હવે શું થશે ? એનો ઇન્તેઝાર રહે. હીરોઈનો સૅકસી જ પસંદ કરવાની અને કામ પણ એવા મતલબનું લેવાનું, એટલે કોઈ પણ કલાસના પ્રેક્ષકો માટે ફિરોઝની ફિલ્મો ગૅલ કરાવી દે. તમારે પણ આ ફિલ્મ જોવી જોઈએ.

ફિલ્મની ઇટાલિયન... સૉરી, એમાંથી ઇન્ડિયન બનાવેલી વાર્તા કંઈક આવી હતી.

રાજેશ(ફિરોઝખાન)નો ચોરી કરવા ઉપરે ય હાથ સારો બેસી જાય છે. અઘરી ઇલૅકટ્રોનિક તિજોરીઓ ખોલવામાં એ નિપુણ છે. એને આવી ચોરી કરતા, એક નિપુણ છતાં હસમુખો પોલીસ-ઇન્સ્પૅકટર (અમજદ ખાન) જોઈ જાય છે, પણ પુરાવા જોઈતા હોય છે. રાજેશ તો પાછો નાઈટ-કલબોમાં શીલા (ઝીનત અમન) ને મળવા કલબમાં રોજ જાય અને નવરા પડે ત્યારે પ્રેમો ય કરે છે.

પાછું દરેક ફિલ્મોમાં બને છે તેમ, શીલાને એ ખબર નથી કે ધંધેધાપે રાજેશ ચોર છે. આ બાજુ, જ્વાલા (અરૂણા ઇરાની) અને તેના ઇક્વલી બદમાશ ભાઈ વિક્રમ (શક્તિ કપૂર)ની મિલ્કત લૂટીને રાકા( અમરીશ પુરી) જ્વાલાને પ્રેમજાળમાં ફસાવી સાવ ખાંગી કરી દઈ બધી મિલકત પડાવી લે છે અને એના ભાઈ શક્તિને જેલ ભેગો કરે છે. એક ફાલતુ ચોરીચપાટીમાં અમજદને હાથે પકડાઈ ગયેલા રાજેશને જેલ ભેગો કરવામાં આવે છે, જ્યાં વિક્રમ સાથે એની મુલાકાત થાય છે.

આ બાજુ અમર (વિનોદ ખન્ના) પણ રાકાનો ગુંડો છે, પણ એ બળવો કરીને છુટો થાય છે. એને મા વિનાની દીકરી ટીના(નતાશા ચોપરા) છે. ફિરોઝ ચોર હોવાનું જાણ્યા પછી ઝીનત એને છોડી તો દે છે, પણ હીરો-હીરોઈનને ફરી પાછા ભેગા કરવા માટે દિગ્દર્શકે મોટરબાઈકો ઉપર થોડા ગુંડાઓ મોકલવા પડે, જે બધાને એકલે હાથે હીરો ફટકારે. આ વખતનો હીરો વિનોદ ખન્ના હોય છે.

હવે એ બન્ને રૅગ્યુલરલી મળે તો છે, એમાં પ્રેમ એકલા વિનોદને થઈ થઈ જાય છે, ત્યારે સચ્ચાઈની મૂર્તિસમી ઝીનત ફિરોઝને ચાહતી હોય છે. શક્તિ કપૂર સાથેની ધૂમ ફાઈટિંગ પછી અમર-રાજેશ ભેગા થાય છે અને રાજેશ શીલાની ઓળખાણ અમર સાથે કરાવે છે. પેલા બન્ને જાણે પહેલીવાર મળતા હોય, એવું નાટક કરે છે. શક્તિ કપૂરના ગુંડાઓ વિનોદની દીકરીનું અપહરણ કરતા પહેલા વિનોદને ખૂબ ફટકારી હૉસ્પિટલ ભેગો કરે છે, ત્યારે દીકરી ટીનાને છોડાવવા ફિરોઝ શક્તિ કપૂરની શરતો માન્ય રાખીને અમરીશ પુરી સાથે બદલો લેવા હાલી નીકળે છે. વિનોદને સહિસલામત ઘેર પાછો લાવવાના ઉપકાર હેઠળ વિનોદ ફિરોઝને છેલ્લી વાર લૂંટફાટમાં સાથ આપવાનું વચન આપે છે.

ચોરીનો માલ લઈને બન્ને જણા લંડન ઉપડી જવાનો પ્લાન કરે છે. સોનાની પાટો અને ઝવેરાતની ચોરી કરી એ બધો માલ ફિરોઝને આપી ૧૨-૧૮ મહિનાની જેલ ભોગવવા વિનોદ તૈયાર થાય છે. પ્લાન સફળ થતો નથી, કારણકે , ફિરોઝને હાથે અમરીશ પુરીનું ખુન થઈ જાય છે. (ખૂન શક્તિ કપૂરે કર્યું હોય છે નામ ફિરોઝનું !) પ્લાન મુજબ, વિનોદ અને ઝીનત લૂટેલો માલ લઈને લંડન પહોંચે છે. ફિરોઝ એવું માને છે કે લૂટેલો માલ અને ઝીનત બન્નેને પામવા વિનોદે જ એને જેલ ભેગો કરાવ્યો છે.

એટલે એ પણ લંડન પહોંચે છે. ફિલ્મ પૂરી થવાને થોડી જ વાર હોય છે, એટલે પ્રેક્ષકોને ય ઘેર જવાનું બાકી છે, એમ સમજીને બધી વાતોનો નિવેડો તો લાવી દેવો પડે, એટલે ફિરોઝને સાચી વાતની- એટલે કે, વિનોદના નિર્દોષ હોવાની જાણ થાય છે અને ફિરોઝને શક્તિ કપૂરથી બચાવવા જતા વિનોદ મૃત્યુ પામે છે. એની દીકરીની જવાબદારી ફિરોઝ અને ઝીનત લે છે, જેથી આપણા માથે કશું આવે નહિ અને સિનેમાંથી છુટીને સીધા ઘેર જઈ શકીએ... એનું નામ કુર્બાની.

ફિલ્મમાં અમજદ ખાન બૉર કરે છે. જગવિખ્યાત કૉમેડિયન પીટર સૅલર્સની 'પિન્ક પેન્થરસીરિઝની ફિલ્મોમાં ઇન્સ્પૅકટર કલુઝોની આ ભ'ઇએ બેવકૂફીભરી નકલો કરે રાખી છે. કાદર ખાન હજી પાક્યો નહતો માટે એનો કિરદાર નહિ જેવો છે. જગદીપની કહેવાતી કૉમેડી હસાવવાને બદલે આપણને ચીડવે છે. એના કરતા આપણો ગુજરાતી દિનેશ હિંગુ પારસીના રોલમાં વધુ સારી રીતે કૉમેડી કરે છે.

એ વખતે બે-ચાર બે-ચાર ફિલ્મોની વચ્ચે દેખાતા ચરીત્ર અભિનેતા કર્નલ રાજ ભારતી આમે ય વિનોદની જેમ આચાર્ય રજનીશના શિષ્ય બની આવ્યા હતા. એમની આ ફિલ્મની કવ્વાલીની શરૂઆત અઝીઝ નાઝાંના કંઠે એમનાથી શરૂ થાય છે. મૅકમોહન(સાંભા) કોણ જાણે કેવું તકદીર લઈને આવ્યો હશે કે, એની એકોએક ફિલ્મમાં એના રોલનું કોઈ મહત્વ જ ન હોય, છતાં જોય મુકર્જી- સાયરા બાનુવાળી ફિલ્મ 'આઓ પ્યાર કરે'થી ફિલ્મોમાં હતો.

'હમ તુમ્હેં ચાહતે હૈં ઐસે..'એ મનહરના ગીત પહેલા જૂના જમાનાના સ્ટન્ટ-હીરો આઝાદ પ્લૅબૅક-સિંગર આનંદ કુમાર સી.ના કંઠે 'નસીબ ઇન્સાન કા...સાખીથી શરૂઆત કરે છે, એની સાથે માછીમારના પરિધાનમાં ડાન્સ કરતી યુરોપીયન લાગતી ડાન્સર જેઝબૅલ છે, જેને તમે ટીવી સીરિયલ 'સચ કા સામના'માં એક બુઢ્ઢા ફિલ્મી ચરીત્ર મુસ્લિમ કલાકારની ત્રીજી પત્નીના રૂપમાં એ પ્રોગ્રામમાં નામ પૂરતો ભાગ લેવા બેઠેલી જોઈ છે.

(વધુ આવતા અંકે)
પાર્ટ ૨ માટે અહીં ક્લિક કરો.

No comments: