Search This Blog

13/10/2017

'જવાની દીવાની' ('૭૨)

ફિલ્મ   : 'જવાની દીવાની' ('૭૨)
નિર્માતા     : રમેશ બેહલ
દિગ્દર્શક     : નરેન્દ્ર બેદી
સંગીતકાર    : રાહુલદેવ બર્મન
ગીતકાર     : આનંદ બક્ષી
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ, ૧૪૬-મિનીટ્સ
થીયેટર :     એલ.એન. (અમદાવાદ)
કલાકારો : રણધીર કપૂર, જયા ભાદુરી, બલરાજ સાહની, નરેન્દ્રનાથ, સત્યેન કપ્પૂ, નિરૂપા રૉય, ઈફ્તિખાર, એ.કે. હંગલ, ચંદ્રિમા ભાદુરી, જગદિશ રાજ, રણધીર, ઉમા દત્ત, બ્રહ્મ ભારદ્વાજ, લલિતા કુમારી, પેન્ટલ, યોગેશ છાબડા, શશીકિરણ, વી.ગોપાલ, મુસ્તાક મર્ચન્ટ, રાજા દુગ્ગલ, મોના, માસ્ટર સત્યજીત.

ગીતો
૧. સામને યે કૌન આયા દિલ મેં હુઈ હલચલ.....    કિશોર કુમાર
૨. અગર સાઝ છેડા તરાને બનેંગેતરાને બનેંગે.....    આશા-કિશોર
૩. જાને જાં, ઢુંઢતા ફિર રહા હૂં તુમ્હે.....    આશા-કિશોર
૪. યે જવાની હૈ દીવાની, રૂક મેરી રાની.....    કિશોર કુમાર
૫.મેરી નઝરને યે દિલ તેરે નામ કર દિયા.....   આશા ભોંસલે
૬.નહિ નહિ, અભી નહિ, અભી કરો ઈન્તેઝાર.....    આશા-કિશોર

'૭૦-નો દાયકો જ એવો હતો. કૉલેજમાં જવાનું સોલ્લિડ કારણ કૉલેજની સૌથી વધુ ગમતી છોકરીને પામવાના સપના જોવાનું. એને દૂરથી આવતી જોવા માટે કોક ભીંત પાછળ સંતાઈ જવાનું.

ક્લાસમાં બ્લેક-બોર્ડને બદલે આડી આંખે એને જોયે રાખવાની ને એમાં ય ભૂલમાં ય એણે આપણી તરફ એક વખત જોઈ લીધું, તો ઘેર ગયા પછી આખી રાત સુવાનું નહિ. એ થોડો ય રસ બતાવે, તો હિમ્મતો ક્યાંથી ભેગી કરવાની, એનો ફફડાટ રહેતો.

છેવટે, 'લાખ દુ:ખોં કી એક દવા' એવો પ્રેમપત્ર ડરતા ડરતા લખી નાંખવાનો-ઘેર પાપા-મમ્મીના હાથમાં આવી ન જાય એનો ખૌફ રાખવાનો અને દુનિયાભરનો ખૌફ ભેગો કરીને એ લેટર પેલીને આપવાના ૨૦-૨૫ પેંતરા રચવાના અને એક દિવસ તાકાત ભેગી કરીને એ લેટર કોઈ નોટબૂક વચ્ચે મૂકીને એ એકલી આવતી હોય ત્યારે 'એક્સક્યૂઝ મી...' કહીને સખ્ત બીક સાથે આપી દેવાનો ને તરત ઘેર જઈને સાચ્ચો તાવ ચઢાવી દેવાનો.

પેલી સ્વીકારે તો પ્રેમમાં પડી ગયા કહેવાય! ફેઈલ જઈએ તો નોટબુકની પાછળ શાયરીઓ લખવાની.

આ બધું આજના 'વૉટ્સએપીયા' જમાનામાં બેવકૂફીભર્યું લાગે, પણ આપણે બધા તો આવી લાઇફ જીવ્યા છીએ. કૉલેજ કરતા કેન્ટીન અને સ્કૂટર-મોટર-સાયકલો પર બીજી કૉલેજોમાં 'આંખ ઠારવા' જવાનું, માથામાં ભરચક તેલો નાંખીને આવતી છોકરીને 'મણીબેન' કહીને બોલાવવાની કે પરીક્ષા વખતે કાપલી વગર તો એક્ઝામ-હૉલમાં ઘુસવાનું નહિ... આ બધું આજે ખુદ આપણને ય ફાલતુ લાગે, પણ અડધું ઈન્ડિયા આવી લાઇફ જીવ્યું હતું. એ આપણી કૉલેજ-લાઇફ હતી.

...અને આ બધું એ વખતે ખૂબ વહાલી લાગેલી ફિલ્મ 'જવાની દીવાની'માં જોવા મળ્યું હતું ને ફિલ્મ સુપરહિટ લાગી હતી. રણધીર કપૂર અને જયા ભાદુરી આપણા જ જમાનાના પ્રતિકો હતા. ચાલુ ક્લાસમાં તોફાનો, પીરિયડો બન્ક કરવા કે બસ-સ્ટેન્ડો સુધી પેલીની પાછળ જવાનું, એ બધી હરકતો 'જવાની દીવાની'માં  જોવા મળી, એમાં તો 'રંગા ખુસ્સ્સ!'

એ વાત જુદી છે કે, જયા ભાદુરી (જન્મ તા. ૯ એપ્રિલ, ૧૯૪૮) અને ડબ્બુ એટલે કે રણધીર કપૂર (જન્મ તા. ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૭) બન્ને '૭૨ની સાલમાં ૨૪-૨૫ની ઉંમરના હતા છતાં કૉલેજીયનોની ઉંમરના નહોતા લાગતા (આમે ય આપણે ત્યાં છોકરૂં ૨૧-નું થાય, એટલે ગ્રેજ્યુએટ તો થઈ ગયું હોય, પણ આ બન્નેએ આઠમા, નવમા કે દશમામાં બબ્બે વર્ષ કાઢ્યા હશે એટલે કૉલેજીયનની ઉંમરના તો બેમાંથી એકે ય દેખાતા નથી ને તેમ છતાં ય, એ વખતે આપણને બધાને આ ફિલ્મ બહુ ગમી હતી.

ગમવાનું અસલી કારણ આ ફિલ્મની સો-કોલ્ડ કોમેડી કરતા ય ધી ગ્રેટ રાહુલદેવ બર્મનનું સંગીત હતું. ધૂમ મચાવી નાંખી હતી આ માણસે! એની શમ્મી કપૂરવાળી ફિલ્મ 'તીસરી મંઝિલ'ના સંગીતે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ટ્રેન્ડ બદલી નાંખ્યો. ૧૯૩૧-માં બોલતી હિંદી ફિલ્મો (ટૉકી) શરૂ થઈ, ત્યારે પંદરેક વર્ષો સુધી લોકસંગીત, મરાઠી ભાવસંગીત, પંજાબી અને થોડા થોડા બેંગોલી સંગીતનો ટ્રેન્ડ હતો.

'૪૬-ની આસપાસ લતા મંગેશકરના આગમનથી તત્સમયના બધા સંગીતકારો ગેલમાં આવી ગયા કે, હવે અમારી સોફ્ટ ધૂનોને સ્ત્રીના કોમળ કંઠમાં ગાનાર કોક તો મળ્યું. (એ પહેલાં પૌરૂષત્વ ભરેલો ગાયિકાઓનો તવાયફી છાંટવાળો કંઠ જ બજારમાં મળતો.) લતાને કારણે '૪૬ થી '૬૬ સુધી હિંદી ફિલ્મોમાં 'મૅલડી' (મધુરતાવાળા ગીતો)નો ટ્રેન્ડ ચાલ્યો, જે આજ સુધીનો સર્વોત્તમ કહેવાય છે.

બસ, એ પછી આર.ડી. બર્મનનો નવો ટ્રેન્ડ 'તીસરી મંઝિલ'થી શરૂ થયો. લોકો માની નહોતા શકતા કે 'ઓ હસિના ઝૂલ્ફોંવાલી' કે 'આજા આજા, મૈં હૂં પ્યાર તેરા...' જેવા ફાલતુ શબ્દો છતાં કેવળ નવા સંગીતને કારણે આખો યુગ બદલાઈ જશે. એ પછી આર.ડી.ને ય ઘેર બેસવાનો વારો આવ્યો અને બપ્પી લાહિરીએ ફિલ્મોમાં ડિસ્કો-યુગ શરૂ કર્યો.

એ ય પૂરો થઈ ગયા પછી એ.આર. રહેમાને તદ્દન નવો ટ્રેન્ડ શરૂ કર્યો અને ખૂબ જામ્યો. કમનસીબે, અન્ય સંગીતકારો રહેમાનની જ નકલ કરવા માંડયા, એમાં હાલત એવી બેઠી કે, આજે સંગીતનો કયો યૂગ ચાલી રહ્યો છે, તે મને કે તમને કોઈને ખબર નથી પડતી.

પંચમ એટલે કે રાહુવદેવ બર્મન (ભલે ચોરેલી તો ચોરેલી) ધૂનોને ભારતીય ટચ આપીને યુવાનોને અમારા કાઠીયાવાડની ભાષામાં ઘેલા બનાવી દીધા. એમાં ય, આજની ફિલ્મના (ખાસ કરીને, આશા-કિશોરના) 'જાને જાં, ઢુંઢતા ફિર રહા...' અને બાકીના ગીતોમાં માણસ સંગીતનો જાણકાર તો જાવા દિયો, ચાહક પણ હોય કે ન હોય... બધા ગીતો પૂરજોશ ગમવા લાગ્યા.

મુહમ્મદ રફી પણ પંચમ-ટાઇપના ગીતો ગાવામાં નંબર-વન જ હતા, પણ ફિલ્મી પબ્લિકને કિશોરદામાં જુવાની લાગી... અને જવાની તો દીવાની જ હોય! આવી કૉલેજીયન-બ્રાન્ડના ગીતોમાં પાછું લતાબાઇનું કામ નહિ, એટલે રહી રહીને આશા ભોંસલેનું માર્કેટ ધૂમધામ ઉચકાયું.

'જવાની દીવાની' બનાવનાર દિગ્દર્શક નરેન્દ્ર બેદી પણ નવા જમાનાનો હતો, એટલે પૂરી ફિલ્મમાં રોના-ધોનાને બદલે યુવાનોને જે ગમે છે, એ જ બધું આપ્યું.

ફ્યુજી કલરમાં બનેલી ફિલ્મ 'જવાની દીવાની' ફિલ્મ સ્ટાર રાજેન્દ્ર કુમારની સહનિર્માણ સંસ્થા રોઝ મૂવિઝના બેનર હેઠળ બની હતી. મૂળ માલિક તો રમેશ બેહલ જ.

અમિતાભની ફિલ્મ 'અદાલત' અને 'બેનામ' તથા ફિરોઝ ખાનની ફિલ્મ 'ખોટે સિક્કે' બનાવનાર દિગ્દર્શક નરેન્દ્ર બેદી સાહિત્યકાર રાજીંદર સિંઘ બેદીનો સ્માર્ટ પણ શરાબી પુત્ર હતો. બાપ-દીકરા વચ્ચે નોંકઝોક ચાલુ જ રહેતી, એમાં એક કિસ્સો હસાવી જાય એવો છે. બન્ને પોતાની ગાડી લઈને હાઈ-વે પરથી કોક નાનકડા ગામના કાચા રસ્તામાંથી પસાર થતા હતા. નરેન્દ્ર જવાનીના જોશમાં પૂરજોશ ગાડી ચલાવવા માટે મશહૂર અથવા બદનામ હતો, માટે આ વખતે (ફોર એ ચેઈન્જ) ગાડી પિતા ચલાવતા હતા, એમાં અચાનક ગામડાંનું કોક નાનકડું બાળક રસ્તો ક્રોસ કરવા ગયું. સમયસરની બ્રેક મારવાને કારણે ગરીબ બાળક તો બચી ગયું, પણ ગાડી રીસ્ટાર્ટ કર્યા પછી કટાક્ષીયા સ્માઇલ સાથે પિતાએ બેટાને ટોણો મારતા કહ્યું, ''જોયું બેટા... ગાડી તું ચલાવતો હોત તો બાળક ચગદાઈ ગયું હોત..!''

''સૉરી ડેડ... ગાડી હું ચલાવતો હોત તો આપણે ૨૦-કી.મી. આગળ નીકળી ગયા પછી બાળકે રસ્તો ક્રોસ કર્યો હોત!''

રાજ કપૂરનો પુત્ર હોવાને કારણે પ્રેક્ષકોને રણધીર પાસે ઘણી અપેક્ષાઓ હતી અને આ ફિલ્મ હિટ જવાને કારણે રમેશ બેહલે ડબ્બુને આવનારી ઘણી ફિલ્મોમાં રીપિટ કર્યો. પણ એના સૌથી નાના ભાઇ રાજીવ કપૂર (ચિમ્પુ)ની જેમ ડબ્બુમાં ય અભિનય વારસામાં મળેલો દેખાતો નહતો.

એટલે ધીમે ધીમે ભાઈ ફેંકાઈ ગયા, પણ વચેટ રિશી કપૂર (ચિન્ટુબાબા)માં બેશક અભિનય હર્યોભર્યો હતો, એટલે એ તો આજ સુધી ચાલ્યો છે. જયા ભાદુરી ય 'ગુડ્ડી' ઈમેજમાંથી બહાર આવવા આવી તોફાની ફિલ્મ કરી અને સફળ થઈ એટલે આવી બીજી આઠ-દસ ફિલ્મો ઘસડી નાંખી... પણ બધીઓ નિષ્ફળ ગઈ એટલે બહેન ગંભીર ફિલ્મોમાં પાછા આવતા રહ્યા.

એક જમાનામાં ઇંદિરા ગાંધીની કોંગ્રેસમાં જોડાયેલા બલરાજ સાહની અદ્ભુત પર્સનાલિટી હોવા છતાં... કહે છે કે, પોતાનો માલ વેચતા ન આવડયો એમાં આટલો પ્રથમ વર્ગનો એક્ટર બહુ ગણીગાંઠી ફિલ્મોમાં જોવા મળ્યો. એ જન્મ્યો ત્યારથી બલરાજના ઘરમાં વાતાવરણ મહાભારતનું રહ્યું હશે કારણ કે, એનું સાચું નામ 'બલરાજ' નહિ, 'યુધિષ્ઠીર' હતું ને એના સાહિત્યકાર નાના ભાઇનું નામ ભિષ્મ સાહની હતું, જેણે ખૂબ જાણીતી થયેલી ટીવી-સીરિયલ 'તમસ' લખી/બનાવી હતી.

હિંદુઓમાં 'રામાયણ' ઘેરઘેર વંચાય, 'મહાભારત' નહિ. કારણ કે, રામાયણમાં જે કાંઇ છે, તે બધું અનુસરી શકાય છે ને મહાભારતની વાર્તા ભલે થ્રિલર જેવી લાગે, પણ ઘરમાં ભાગવત-ગીતા ચોક્કસ વંચાય, મહાભારત નહિ. રોજ  ઝગડા થાય, એવું ઘરડાઓ કહેતા ગયા છે.

...ને બલરાજના ઘરમાં ઝગડા થતા પણ હશે. કારણ કે, એની પત્ની દમયંતિના અવસાન પછી બલરાજ પોતાના સગા મામાની દીકરી સંતોષ ચંડોક સાથે પરણ્યો, જે આમ તો સગી બહેન જ કહેવાય. આજની ફિલ્મ 'જવાની દીવાની'માં એ ડબ્બુનો મોટો ભાઈ અને નિરૂપા રૉયનો પતિ બને છે.

વલસાડની સમૃધ્ધ મોચી જ્ઞાતિમાં જન્મેલી નિરૂપાનું નામ છેલ્લે છેલ્લે બહુ બગડયું હતું. એની પુત્રવધૂ પાસેથી દહજે માંગવા બાબતે વાત પોલીસ અને પ્રેસ સુધી પહોંચી હતી. નિરૂપા તો ફિલ્મી નામ હતું. અસલી નામ 'કોકિલા કિશોરચંદ્ર બલસારા' હતું.

જોવાની કૉમેડી એ છે કે, ખાસ કરીને અમિતાભ બચ્ચનની ઘણી ફિલ્મોમાં એની માના રોલ કરીને ફિલ્મી-મા તરીકે મશહૂર થયેલી નિરૂપાના પોતાના પુત્રો મુંબઇમાં નિરૂપાના નેપિયન સી ખાતેના એમ્બેસી ફ્લેટ્સના એક બેડરૂમ માટે વર્ષોથી ઝગડતા રહ્યા છે. બન્નેના દાવા મુજબ, 'એ બેડરૂમ સાથે એમની લાગણી જોડાયેલી છે.' ગાર્ડન સાથેના આ એપાર્ટમેન્ટની કિંમત ૧૦૦-કરોડની અંકાય છે ને બે ભાઈઓ વચ્ચે અદાલતમાં ઝગડા હજી ચાલુ જ છે.

પદ્મભૂષણ અવતાર કિશન હંગલ (એ.કે. હંગલ) આ ફિલ્મમાં કૉલેજના પ્રિન્સિપાલનો રોલ કરે છે. એકદમ ચુસ્ત કમ્યુનિસ્ટ હંગલના આખરી દિવસો બહુ યાતનામાં ગયા હતા. એમની દવા કરાવવાના પૈસા પણ એમના પુત્ર વિજય પાસે નહોતા અને ફિલ્મ ઉદ્યોગમાં ઉઘરાણું કરીને એમની સારવાર કરાવવામાં આવતી હતી.

જયા ભાદુરી સાથે પોતાના દીકરા નરેન્દ્રનાથને પરણાવવાના મેલા મનસૂબા સાથે ઈફ્તેખારના ઘેર આવેલી 'વેવાણ', ફિલ્મ 'અભિમાન'માં તાજા પરણેલા અમિતાભને અડધી રાત્રે એક ફૅન તરીકે ફોન કરનારી બંગાળી એક્ટ્રેસ લલિતા કુમારી છે, જે નરેન્દ્રનાથની મા બને છે. ફિલ્મોમાં હરદમ સફેદ પૂણી જેવા વાળ રાખતા બ્રહ્મ ભારદ્વાજની પત્ની લલિતા કુમારી છે. નરેન્દ્રનાથ કૉમેડિયન રાજીન્દરનાથ અને વિલન પ્રેમનાથનો સગો નાનો ભાઈ હતો. પ્રેમ અને નાથ વચ્ચે જગ્યા નહિ છોડવાનું કારણ એ કે 'નાથ' આ લોકોની અટક નહોતી.

અટક તો 'મલ્હોત્રા' હતી, પણ પંજાબીઓમાં નામની પાછળ આવું એક લટકું ચોંટાડવાની રીતિ ચાલી આવે છે. રાજ કપૂરના ખાનદાનમાં અટક કપૂર પણ દરેકના નામની પાછળ 'રાજ' આવે, જેમ કે 'શમશેરરાજ (શમ્મી), બલબીરરાજ (શશી કપૂર)... ફિલ્મમાં ડબ્બુ (રણધીરરાજ કપૂર)ની કૉલેજની ટોળકીમાં પેન્ટલ, યોગેશ છાબડા અને શશી કિરણ છે.

ડબ્બુને લઈને જયા પહેલી વાર એના પિતા ઇફ્તેખારને મળાવવા લાવે છે, ત્યારે જે લમ્બુ ડોસો ઈફ્તેખાર પાસે ચેક ઉપર સહિઓ કરાવવા આવે છે, એ ઉમા દત્ત છે. રાજ કપૂરની ઘણી ફિલ્મોમાં એ એક્સ્ટ્રા જેવા રોલમાં હોય. આ ફિલ્મનો વિલન નરેન્દ્રનાથ અને હીરો ડબ્બુ સગા મામા-ફોઇના દીકરા થાય. રાજ કપૂરના ખાનદાનમાં બધા ઘડિયાળ ડાબા હાથે પહેરે છે.

એ જમાનામાં બચ્ચનપુત્ર અભિષેકની સગાઈ રણધીર કપૂરની બેટી કરિશ્મા કપૂર સાથે થઇ હતી, જે તૂટી ગઇ. યોગાનુયોગ, આ ફિલ્મમાં બન્ને ભૂ.પૂ. વેવાઈ-વેવાણ પ્રેમીઓના રોલમાં છે.

ફિલ્મની વાર્તા કૉમિક બનાવવાની કોશિષ થઈ છે. ક્યાંક આ લોકો સફળ પણ થયા છે, ખાસ કરીને બનાવટો કરવા ટેવાયેલો ડબ્બૂ એના પિતાની, ભાવિ સસુર ઇફ્તેખાર સાથે વ્યાવહારિક મુલાકાત કરાવવા નકલી બાપ સત્યેન કપ્પૂને લઈ જાય છે, એ પહેલા જગદિશ રાજ અને 'શોલે'વાળા સામ્ભા વિજુ ખોટેને પણ કહી રાખ્યું હોવાથી એક જ સમયે ડબ્બુના ત્રણે બાપ ત્યાં ભેગા થઈ જાય છે, એ કૉમેડી ગેલ કરાવે એવી છે.

ફિલ્મની વાર્તા કહેવાની મઝા આવે એવું નથી. ફૉર્મ્યૂલા ફિલ્મ હતી, એટલે પેલા બે પ્રેમમાં પડે, એમાં ઠાકૂર ખાનદાનના રીતિરિવાજો વચમાં આવે, જે ફિલ્મના અંત સુધીમાં સરખા થઈ જાય, વચમાં ક્યાંય જરૂરત ન પડે, છતાં ગીતો મૂકવા પડે, એકાદી નાનકડી ફાઇટિંગ છેલ્લે છેલ્લે બતાવવી પડે, જેમાં હીરોને માત્ર કપાળે એક પૂમડું ચોંટાડવા જેટલું વાગ્યું હોય... વગેરે વગેરે.

આ લખાઈ રહ્યું છે ત્યારે રાજ કપૂરના આર.કે. સ્ટુડિયોમાં ભીષણ આગ લાગવાના તેમજ પૂરો સ્ટુડિયો બળીને ખાક થઈ જવાના સમાચારો ટીવી પર દેખાય છે. એ જ સમાચાર મુજબ, કોઈ જાનહાની થઈ નથી. કમનસીબે, રાજ કપૂરના ગયા પછી ત્રણે ભાઈઓએ આર.કે. બેનરને જીવતું રાખવા બે-ચાર ફિલ્મો ઉતારી પણ બધી ફિલ્મો ફ્લૉપ થવાથી એ લોકોએ નિર્માણકાર્ય બંધ કરી દીધું છે.

પણ બીજી ફિલ્મોના શૂટિંગ માટે તો સ્ટુડિયો ભાડે અપાય છે અને એના ઘણાં ફ્લોર્સ પર જુદી જુદી ફિલ્મોના શૂટિંગ ચાલતા હોય, એ દ્રષ્ટિએ કોઈ જાનહાનીના સમાચાર નથી, એ જ મોટી વાત છે. નહિ તો આવા મોટા અકસ્માતોમાં મોટા હીરો-હીરોઇન કે કલાકારોને તો કાંઈ થતું નથી.... સ્ટુડિયોના કામદારો અને સ્ટાફ ફસાઈ જતો હોય છે.

4 comments:

Nautam Modi said...

Very nice ... Informative & humorous

Anonymous said...

राज कपूर ना ख़ानदान माँ बधा घदयाल जमना हाथ मॉ पहेरेचे. जस्ट तमारी jaan khaatar. तमारा लेख बहुज इन्फ़ॉर्मटिव hoy छे. अभिनंदनअभिनंदन����

Anonymous said...

Last para very nice about fire in RK studio

Ashok Dave said...

Thanks. It was obviously an error made in hurry. Had they been wearing wrist watch on the left hand...like all others do....where was the need to mention it?
I am glad, you read it so minutely.