Search This Blog

13/05/2018

એનકાઉન્ટર : 13-05-2018


* ડોક્ટરોએ લખી આપેલી દવા કેમિસ્ટો જ વાંચી શકે છે, આપણે કેમ નહિ ?
- ડોક્ટરો એમની દુકાનની જ દવા લખી આપે, એ માટે કેમિસ્ટોએ ડોક્ટરોને ઘણું બધું 'ધરાવવું' પડે છે. દવા બનાવતી કંપનીઓ પણ ડોક્ટરોને ફેમિલી સાથે વિદેશ- પ્રવાસથી માંડીને બીજું બધું ઘણું ધરાવે છે, ત્યારે એમની દવાઓ ડોક્ટરો પેશન્ટ્સને લખી આપે છે.
(
રવિ સુહંદા, ભાવનગર)

* ઘણા લોકો પશુ જેવી હરકતો કેમ કરતા હોય છે ?
- એમાં આપણને શું વાંધો હોય ?
(
મનિષ નિરંજન વર્મા, ગોધરા)

* દિવસમાં કેટલી વાર વાઈફને 'આઈ લવ યૂ' કહેવું જોઈએ ?
- વાઈફ સાથે આવી મજાકો નહિ કરવાની.
(
મૌનિષ અરવાડીયા, સુરત)

* હાસ્યના એક પ્રોગ્રામમાં સ્ત્રીઓ કરતાં પુરુષોની એન્ટ્રી ફી વધુ હતી... કાંઈ કારણ?
- હા, પણ ચાલુ પ્રોગામે ઘેર જવાનું ફક્ત પુરૂષો માટે જ ફ્રી રખાયું હતું !
(
હરૂભાઈ કારીઆ, મુંબઈ)

* રૂ. ૨,૦૦૦ ની નોટો બંધ થાય એ પહેલાં બેન્કો બંધ થાય એવું લાગે છે !
- જરા મોટું મન રાખતા શીખો. ઘેર હજી હજાર-હજારની તો પડી છે ને ?
(
મધુકર મેહતા, વિસનગર)

* રીમિક્સ ફિલ્મી ગીતો સાંભળ્યા પછી એવું નથી લાગતું, આજના ગીતલેખકો પોતાની ઓળખ ગુમાવી બેઠા છે ?
- ઓહ... તમે ગીતના શબ્દો ય સાંભળો છો.. !
(
પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* જમાઈ ઉંમરમાં ગમે તેટલા નાના હોય, છતાં એમને 'તમે' કહીને જ કેમ બોલાવાય છે ?
- જગતની સર્વશ્રેષ્ઠ ચીજ આપણે એને આપી દીધી છે, માટે !
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* ધરપકડ થતાં જ નેતાઓ ને બદમાશ સાધુઓને હોસ્પિટલમાં કેમ દાખલ કરવામાં આવે છે ?
- સારા માણસો હોસ્પિટલોમાં દાખલ થવાનું નામ ન લે, માટે !
(
પ્રભુદાસ એમ.વાયા, મુંબઈ)

* 'બેટી બચાવો'... અને હવે 'બેન્ક બચાવો'.. બન્ને પારકી થાપણ છે માટે ?
- સદનસીબે, બેન્કમાંથી થાપણ પાછી ઉપાડી શકાય છે. સાસરેથી બેટી નહિ !
(
ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* 'કોમલ' અને 'કોમળ'માં શું ફરક ?
- કોમલને પરણાય.
(
સંયમ વઘાસિયા, સુરત)

* અંગ્રેજી સારું કે કોઠાસૂઝવાળું ગુજરાતી સારું ?
- બન્નેમાં કોઠા સૂઝવાળું મૌન સારૂં.
(
જયપાલ ગોહિલ, લવરડા-સિહોર)

* ભારત-પાકિસ્તાનનું યુધ્ધ ક્યારે ?
- ઇ.. ૨૦૧૯ની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે ભારત- પાકિસ્તાન કરતાં વધારે મહત્ત્વની છે.
(
જય કણાવીયા, સુરત)

* મોદીની સામે પડેલો શંભુમેળો કાશીએ પહોંચશે કે એકબીજાને લઈને ડૂબશે ?
- એકબીજાને ખતમ કરવા માટે ય, એ લોકોને મદદ મોદીની માંગવી પડશે !
(
મૂકેશ ડી.ઠક્કર, રાજકોટ)

* 'એનકાઉન્ટર' લખવાનું ભાડું ક્યાં સુધી લીધે રાખશો ?
- આપવું ન પડે ત્યાં સુધી.
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* એકબીજા સાથે ઝઘડતા રહેતા ભાજપ-કોંગ્રેસ દેશની સેવા ક્યારે કરશે ?
- એના તો ઝઘડા ચાલે છે, કે કોણ કરશે ?
(
પ્રફુલ્લ દવે, ભાવનગર)

* 'લીક્યોર' (LIQUEUR) અને 'લીકર' (LIQUOR)  વચ્ચે  શું ફરક ?
- એકદમ સ્ટ્રોંગ, તગડી ફ્લેવરવાળો મીઠો 'લીક્યોર' જમ્યા પછી પિવાય.. ને જે કાંઈ 'લિંક' થતું હોય, એ બધું ગટગટાવી ન જવાય !
(
કુણાલ સોનીઅમદાવાદ)

* ટ્રાફિકનો સરળ ઉપાય ?
- ઘોડા પાળો.
(
સુધીર પરમાર, રાખેજ- ગીરસોમનાથ)

* કોંગ્રેસને તો હરગિજ લાવવી નથી પણ મોદીએ પણ આમજનતા માટે કાંઈ કર્યું નથી.
- પાકિસ્તાનને બે થપ્પડ મારી આવે, તો ફરી એક વાર દુનિયાભરમાં 'મોદી.. મોદી'ના નારા લાગે !
(
નીલેશ પ્રેસવાલા, ભરૂચ)

* સાઉથ ઇન્ડિયામાં ટૂંકાં કપડાં પહેરનાર સ્ત્રીઓને ટકોર કરનારા પ્રોફેસર વિરુધ્ધ મહિલાઓએ દેખાવો કર્યા. આ વિરોધ તો પુરૂષોએ નોંધાવવાનો હોય !
- એ બહાને ય પુરુષોને 'ઊંચું' જોતા કરી નાંખ્યા ને ?
(
પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)

* તમે ફિલ્મલાઈનમાં પી એચ.ડી.કર્યું છે ?
- એસ.એસ.સી. સુધી ખરું !
(
રિયાઝ આર. જમાણી, મહુવા)

* દીકરી જન્મે તો લક્ષ્મી આવી કહેવાય, પણ દીકરો જન્મે તો શું કહેવાય ?
- ગૌરીશંકર, દુર્ગાપ્રસાદ, નટવર કે પછી ચીન્ટુ કહેવાય !
(
ધવલ જે.સોની, ગોધરા)

No comments: