Search This Blog

02/05/2018

બુઢ્ઢા મર ગયા


આ તો સોસાયટીમાં કોક બંગલા પાસે ધોળા કપડાં પહેરીને બધા ઊભા હોય, એટલે વળી ખબર પડે કે, 'કોક ગયું લાગે છે !' બાકી તો કોઈના કામમાં માથું મારવાની આપણને ક્યાં પડી હોય ? એ તો કોકને જરાક અમથું પૂછીએ કે, 'કોણ ગયું ?' ત્યારે વળી પેલાને ખબર હોય તો કહે, 'ઓ.. મને ખબર નથી... પણ કોઈ ગયું છે ખરું !'

ઓહ સ્ટુપિડ... ખબર ના હોય તો ધોળા કપડા પહેરીને, એક પગ લંબાવીને બધા ધોળીયાઓની સાથે શેનો ઊભો છે ? એનો જવાબ પણ ઇન્ટરેસ્ટિંગ હોય. ''આપણને એવું કંઈ નહિ, બોસ ! ધોળા કપડાં તો આખું વીક પહેરી જ રાખવાના ! સોસાયટીમાં રેગ્યુલરલી કોકને કોક ટપકતું જ હોય છે... વારે ઘડીએ કપડાં બદલવા કોણ નવરું છે ?''

એની જેમ ૩-૪ જણા તો બસ, આમ જ સફેદ ઝભ્ભા-લેંઘા પહેરીને - એક પગ આગળ લંબાવીે ઊભા રહી ગયા હતા. એમાંના બે જણા પાસે બાતમી હતી કે, કોક ઘરડું માણસ ગયું છે ! ડોહો છે કે ડોહી, એની બહુ ખબર નથી... એ તો હવે 'કાઢે' ત્યારે ખબર !

એ તો, એક વળી મૃતદેહની આગળ હાથમાં ફૂલ પકડીને ચકરડું મારી આવ્યો હતો. એણે કીધું ''ખાસ કંઈ નથી, બોસ ! સાત નંબરવાળા કોક ડોહા હતા. ઉંમર-બુમ્મર થઈ હશે, એમાં સાફ થઈ ગયા. આપણે તો ડેડ-બોડીની ફરતે ચકેડું મારી દીધું બે હાથ જોડીને 'જે સી કૃષ્ણ' કરતા બહાર આઈ ગયા... આપણને કોઈની પર્સનલ લાઇફમાં બહુ રસ જ નહિ !''

પણ આ તો પર્સનલ-ડેથ હતું, એટલે સ્વર્ગસ્થનું નામ-બામ તો અમે ય જાણતા નહોતા, ને તો ય નવા આવેલા એક વડીલે અમારી સાથે જોડાતા પૂછ્યું, ''અલ્યા, આખે આખો માણસ ઊપડી જાય છે ને તમે લોકો કહેવડાવતા ય નથી...? આપણી જ સોસાયટીમાં આ છઠ્ઠું ડેથ છે...''

''છઠ્ઠું નહિ...પાંચમું ! હજી તમે તો અડીખમ છો !'' આવું કોઈ બોલ્યું નહિ, પણ અમારામાંથી ૪-૫ના મનમાં આ અફસોસ ઊગ્યો હતો ખરો. એટલું ખરું કે, અમારા આ ટોળામાં વક્તાઓ સારા હતા. એમાંનો એક બોલ્યો, ''સાલુ... આ મનખા દેહનો કોઈ ભરોસો નથી. આખેઆખું માણસ ક્યારે ઊપડી જાય છે... કાંઈ ખબર પડતી નથી... અરે હાં, કાલે આઇપીએલમાં ધોનીની બેટિંગ જોઈ 'તી ? શું સિક્સરો...''

ધીમે ધીમે પબ્લિક વધતું જતું હતું. નવો આવનાર શોકાકૂળ ચેહરે હાથ જોડીને અમને બધાને 'જે શી કૃષ્ણ' કહે, એટલે અચાનક ભાનમાં આવીને કોકે કહેવું પડે, ''જય શ્રીકૃષ્ણ બોસ... પણ કાકા અમારા કોઈના સગાં નથી... તમે 'જે શી કૃષ્ણ' ત્યાં જઈને કહો.''

હવેના અવસાનોમાં પહેલા જેવી રડારોળ જોવા મળતી નથી. ખાસ કરીને ૬૦ની ઉપરનું કોઈ ખાલી થયું હોય. ખુદ એના ઘરવાળાઓ ય નોર્મલ બેઠા હોય છે. ''કાકા ગયા કેવી રીતે ?' એની સ્ટોરીઓ બધાને કહી કહીને એ લોકોય કંટાળ્યા હોય, પણ મોંઢા તો દુ:ખી રાખવા પડે ! એ વાતેય સાચી કે, કોઈ મરી ગયું હોય, એમાં હવે પહેલા જેવી મઝાય નથી રહી, એવું માનનારાઓ પાસે, મર્યા પછી પૂછવાના થતા સવાલો ય નથી રહ્યા. પહેલા તો કેવું હતું કે, ''કાકા ખરેખર ગયા ?'' એવો આઘાત વ્યક્ત કર્યા પછી બીજું આશ્ચર્ય વ્યક્ત કરવાનું, ''સાલું ગજબ કહેવાય ! હજી હમણાં તો - અરે, બે દહાડા પહેલા મારા ઘેર આવ્યા'તા... ખૂબ વાતો કરી, બે-ચાર વખત નાક છીંકવા અમારા વોશ-બેઝીન પર ગયા... અને વાઇફે મરીવાળાં ખમણ બનાવ્યા'તા...એ ય ખાધાં...!''

ત્યારે શંકાનું નિવારણ થાય કે, કાકાએ જતા પહેલા ચોક્કસ આવા ખમણ-બમણ ખાધા હશે... બે દહાડામાં તો કાકા પતી ગયા... નહિ તો, કીલો-દોઢ કીલો ખમણ તો કાકા ઊભા ઊભા ખાઈ જાય એવા હતા.

''આ કાકો ગૂજરી ગયો, એમાં કાંઈ ખાવા-પીવામાં તો નહિ આવી ગયું હોય ને ?'' એક શોકાકૂળે અમસ્તો સવાલ કર્યો, એમાં એક સાથે બધા બચાવમાં આવી ગયા, ''ના ગુરુ, હોં ! અમારા ઘેર તો ખમણ-ઢોકળાં બનતા જ નથી... બહારથી જ લાવવાના !'' તો બીજો કહે, ''અરે મારા ફાધર આજે પણ પંચ્યાશીના થયા...ને છેલ્લા ૩૫ વરસથી મારા વાઇફે બનાવેલી રસોઈ જ ખાય છે... એમને કાંઈ નથી થતું...''

''આની વાઇફે બનાવેલા ખમણ ખવડાય...'' એવું આંખ મારીને કોઈ મનમાં બોલ્યું.

અમારી સોસાયટી રોડ ઉપર પડે છે, એટલે ડાઘુઓના ટોળાં જોઈને ઘણાં પોતાની ગાડી-સ્કૂટર ઊભી રાખીને ક્રિકેટનો સ્કોર પૂછતા હો, એમ પૂછે, ''કોઈ ગૂજરી ગયું, બોસ ?'' કેમ જાણે આટલા બધાને સફેદ કપડાં પહેરાવીને અમે ધ્વજ-વંદન માટે બોલાવ્યા હશે ? એમાંય, કોક બાતમી આપે કે, 'એ તો કોઈ વડીલ હતા... ઉંમર બી થઈ ગઈ'તી !'' એટલે પેલા પૂછનારના ચેહરા પર ઠંડક દેખાય, ''ઓહ... તો તો ઠીક. મને એમ કે-''થોડીવાર થઈ એટલે અમારામાંથી એક બોલ્યો, ''... ઓકે, તો હું નીકળું હવે ? મારે હજી બે-ત્રણ કામો પતાવવાના છે...'' કેમ જાણે બે ત્રણ બેસણાં પતાવવાના હોય, એવી લિજ્જતથી એ નીકળ્યો એમાં બીજાઓ પાછા જવા માટે આગળ આવ્યા. ''હું નીકળું, પ્રભુ... હજી 'કાઢી જતાં નહિ નહિ તો ય કલાક નીકળી જશે... કાંઈ કામકાજ હોય તો કહેવડાવજો.''

અમે બાકી બચેલાઓમાંથી બધાને પછી યાદ આવ્યું કે, આપણે હજી શેના ઊભા છીએ ? આપણે તો સ્વર્ગસ્થને ઓળખતાય નથી. અને પેલો સાલો કહી શેનો જાય કે, ''કાંઈ કામકાજ હોય તો કહેવડાવજો ?'' આપણી પાસે મરવાપાત્ર ડોહા-ડોહીઓનો એવો સ્ટોક થોડો પડયો હોય કે, રોજ આને ફોન કરીને ખબર આપીએ કે, ''કામકાજ પડયું છે, 'ઈ ધન્નુ કાકી ગયા... ! ...ને બીજું કાંઈ હશે તો પાછું બુધવાર સુધીમાં કહેવડાવીશું !''

આમ તો છેલ્લે ઘટનાસ્થળે કોઈ હાજર નહોતું, પણ કાકા ગૂજરી ગયા એમની ત્રીસેક વર્ષની અપંગ અને પ્રજ્ઞાચક્ષુ દીકરી કમ્પાઉન્ડમાં ઊભી, ધ્રૂસકે ધ્રૂસકે રડતી, ભીખ માંગવાની લાચારીથી બૂમો પાડતી હતી, ''સાહેબો... કાકાઓ... વડીલો... હાથ જોડીને પગે લાગું છું... કોક તો મારા બાપુના દેહને શબવાહિની સુધી લઈ જવા ટેકો  આપો... પ્લીઝ, બાપુને ઊંચકાવો, પ્લીઝ !''

બધા નીકળી ગયા હતા, ખાસ કામો હશે એટલે ! એ શબની પાસે જનાર આખી સોસાયટીમાં એક પણ વ્યક્તિ હાજર નહોતી... છોકરી એના ઠૂંઠા-હાથ-પગથી પિતાના દેહ પાસે તો ગઈ, પણ આંખે સંપૂર્ણ દ્રષ્ટિહીન હતી...

અમે નાલાયકોએ બીજે દહાડે કોઈને પૂછ્યું ય નહિ, ''... પછી કાકાને કેવી રીતે કાઢી ગયા ?'' છોકરીની ભૂલ એક જ હતી કે એ અપંગ અને પ્રજ્ઞાચક્ષુ હતી. એણે આખા શહેરની સૌથી સુંદર સ્ત્રી તરીકે જન્મવા જેવું હતું...!  

સિક્સર
-
સોરી મેડમ. આ તમારા નામની પાછળ ત્રણ-ત્રણ અટકો કેવી રીતે ? 'બ્રહ્મભટ્ટ બ્રહ્મભટ્ટ બ્રહ્મભટ્ટ ?'
- એમાં ખાસ કોઈ સસ્પેન્સ નથી. મારી પિયરની અટક બ્રહ્મભટ્ટ. છૂટાછેડા ય બ્રહ્મભટ્ટ સાથે લીધા... અને હવે સેકન્ડ મેરેજ પણ એક બ્રહ્મભટ્ટ સાથે કર્યા છે.

1 comment:

Jigar Sura said...

Dear Sir,
This is indeed one of the best sarcastic article. Heart touching.