Search This Blog

27/05/2018

ઍનકાઉન્ટર : 27-05-2018


* તમને હાસ્યલેખોની પ્રેરણા ક્યાંથી મળે છે?
- હમણાં ઘણા વખતથી પ્રેરણા મળી નથી... મળે તો છૂટક છૂટક મળે!
(
અશોક દિ. જોશી, વડોદરા)

* જનરલ નૉલેજનાં પુસ્તકોનું વેચાણ આટલું બધું શાથી?
- મેં તપાસી જોયું. આ માહિતી જનરલ નૉલેજના એકે ય પુસ્તકમાં ન મળી.
(
રીયા પી. જોષી, તલોદ)

* માની લો કે, નરેન્દ્ર મોદી 'ઍનકાઉન્ટર'માં સવાલ તો પૂછે, પણ સરનામું ફોન નં. લખવાનું ભૂલી જાય તો એમને ય જવાબ ન મળે?
- એ પૂછે ત્યારે હું મારું નામ- સરનામું ય ભૂલી જઉં છું.
(
ખુશ્બુ માલવ મારૂ, રાજકોટ)

* મારો દોસ્ત મલયાલમ ભાષામાં સવાલ પૂછવા માંગે છે. પૂછી શકે?
- ગુજરાતીમાં તોતડાય છે...?
(
વંદિત નાણાવટી, રાજકોટ)

* આટલી ગરમીમાં લાઇટો જાય તો પંખો ચાલુ કરવા તમે શું કરો?
- બધા ગુજરાતીઓની જેમ બેવકૂફ સવાલ પૂછું, ''આપણા એકલાની ગઇ છે કે બધે..??''
(
અલી અસગર, સાઇગર, માંડવી- કચ્છ)

* જન્મદાતા મા- બાપને અગ્નિસંસ્કાર પુત્ર દ્વારા જ કેમ આપવામાં આવે છે?
- બીજા બધાને તો કામધંધા હોય કે નહિ?
(
શાહ ઓચ્છવલાલ મૂળજીભાઈ, કરીઆવી)

* મોદીએ  મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું, તે ઘટતી કેમ નથી?
- તમે રાહુલજીના સગામાં થાઓ છો?
(
કામિની પરમાર, ગલતેશ્વર)

* સોહરાબ મોદી અને નરેન્દ્ર મોદીમાં કોઈ સમાનતા ખરી?
- અશોક કુમાર અને અશોક દવે જેટલી.
(
સી.કે. પટેલ, રાજકોટ)

* ગુજરાતની દારૂબંધી અંગે શું માનો છો?
- દારૂબંધી ખાતાના પ્રધાનશ્રીને હું પિતાતુલ્ય ગણું છું.
(
યશપાલસિંહ વાઘેલા, થરા- કાંકરેજ)

* શું બળાત્કારની પ્રેરણા ફિલ્મોને લીધે મળે છે?
- ફિલ્મો તો હું ને તમે ય જોઇએ છીએ...!
(
હસમુખ વેદલીયા, ડીસા)

* સારી કન્યાને સુકન્યા કહેવાય તો સારા વરને શું કહેવાય?
- તમે સુવર છો?
(
રોહિત બી. જોશી, ખંભાત)

* સલમાન ખાન કેસમાં ભીનું સંકેલાયું?
- એણે દેશ માટે ઉપયોગી કામો ય ઘણાં કર્યાં છે.
(
વિસનજી ઠક્કર, મુંબઈ)

* રાહુલબાબાને નરેન્દ્ર મોદી ઉપરાંત કંઈ આવડે છે?
- ઉપરાંત તો શીખવા જેવું ય શું છે? એટલું શીખે તો ય કાફી છે.
(
ડૉ. દિનેશ પાઠક, અમદાવાદ)

* બબિતાજી અને જેઠાલાલ પોતાના પ્રેમનો એકરાર ક્યારે કરશે?
- પોપટલાલ પરણશે ત્યારે.
(
મહેશ એમ. મહેરીયા, અમદાવાદ)

* શું આપના ઍકાઉન્ટમાં રૂ. ૧૫- લાખ જમા થયા?
- કોઈના બેન્ક એકાઉન્ટ વિશે કદી પુછાય નહિ.
(
ભાવુભા ઝાલા, ભાવનગર)

* હું પૉસ્ટમેન છું. આવી કાળઝાળ ગરમીમાં 'કૂલ' રહેવાનો કોઈ ઉપાય?
- લોકોને કહી દો, ટપાલ તમારા ઘેર આવીને લઈ જાય.
(
લખમણ પંપાણીયા, લોઢવા- ગીરસોમનાથ)

* શું માનવજીવન અશુધ્ધ થઈ ગયું છે?
- એટલે તો કહું છું... બહારનું ખાવાનું બંધ કરો! ...પીવાનું પણ નહિ!
(
નૂર મુહમ્મદ ઈબ્રાહિમ, મુંબઈ)

* ગુસ્સામાં તમે કોઈનું અપમાન કરી બેસો, પણ વાસ્તવિકતા સમજાતાં 'સૉરી' કહો ખરા?
- હું તો કોઈ વગર ગુસ્સે મારું અપમાન કરે, એને ય 'સૉરીઓ' કહેતો ફરૂં છું.
(
જયેશ અંતાણી, ભાવનગર)

* 'કાગડો દહીંથરું લઈ ગયો,' એ વિધાન ડિમ્પલ કાપડીયા- રાજેશ ખન્નાના સંદર્ભમાં તમને ગમે?
- રાજેશ ખન્ના હંસ હતો... અને મારે ક્યાં કન્યાદાન કરવાનું હતું, તે મને ગમે કે ન ગમે?
(
દિનેશગીરી ગોસ્વામી, પોરબંદર)

* સાંભળ્યું છે, તમે ગુજરાતના ગામેગામની છોકરીઓના પ્રેમમાં પડી ચૂક્યા છો!
- ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા...
(
કજરી સુરેન્દ્ર મેહતા, રાજકોટ)

* સગા હોય તે વહાલાં... કે વહાલા હોય તે સગાં નથી હોતાં... કેમ?
- સગાં બનવામાં વિજ્ઞાાનની જરૂર પડે.
(
નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

* 'ઊલટા ચશ્મા'ના એકે ય પાત્રની સાસુ દેખાતી નથી...
- સમગ્ર ભારતના તમે પહેલા પુત્ર છો, જે હીરોઇનોને પડતી મૂકીને સાસુઓ ગોતવા નીકળ્યા છો...
(
જે.જે. લાખાણી, મુંબઈ)

* શ્રી શંકરાચાર્ય દેવ થયા ત્યારે કોઈ મોટી ઘટના ન ગણાઇ... ને શ્રીદેવી માટે આટલું બધું?
- ઈ.સ. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને સાઉથનું વધારે ધ્યાન રાખવું પડે એમ છે.
(
રોહિત આઈ. દવે, હાલોલ)

* જીવન સાર્થક થયું ક્યારે કહેવાય?
- બોલો... હવે ખુશ ને?
(
ઝંખના અંધારીયા, ભાવનગર)

* વિજય માલ્યા જેવા હજી કેટલા મગરમચ્છ બાકી છે?
- મારું નામ તો ગણતા જ નહિ... (આપણે સમજી લઈશું!)
(
મણીલાલ પારેખ, રાજકોટ)

* આપના મત મુજબ હાલનો 'ભદ્રંભદ્ર' કોણ છે ?
- કલ્પનાને બદલે 'પરિકલ્પના' કે 'સંકલ્પના' જેવા શબ્દો સાથે સાહિત્ય રચનાર બધા ભદ્રંભદ્રો છે.
(
અનિરૂધ્ધસિંહ રહેવર, રણાસણ- તલોદ)

* અમારી સોસાયટીના વૃક્ષ પર બેઠેલી કોયલ રોજ ૪ વાગ્યામાં સતત ટહૂકે રાખે છે... ઉપાય ?
-  એ ટહૂકા રૅકૉર્ડ કરીને રોજ સવારે એની સામે વગાડો... સોસાયટીવાળાનું જે થવું હોય એ થાય !
(
દમન પુરોહિત, મુંબઇ)

No comments: