Search This Blog

23/05/2018

ઉપવાસ એટલે કે...


કહે છે કે, ઉપવાસ કરવો, એ કોઈ નાની માના ખેલ નથી. સાંજ સુધીમાં તો મોંઢું લબૂક થઈ જાય છે. ભૂખો તો વાતવાતમાં લાગી જાય છે, તે એટલે સુધી કે, ગાડીમાંથી ઉતરીને ટ્રાફિક-પોલીસના ખભે બચકું ભરી આવવાના ઝનૂનો ઉપડે છે. ભૂખ્યો તો ગમે ત્યાં કરડી આવે. ન રહેવાય તો માણસ કરે શું ?

અરે, બધું કરે પણ ઉપવાસ ન કરે. ઉપવાસો ભલભલાને તોડી નાંખે છે, જીવતા જાગતા મનુષ્યને લાચાર બનાવી દે છે અને ખાસ તો, ઘરની બહાર નીકળ્યા પછી ખાવા-પીવાનું ક્યાંય જોયું ન હોય, એવી ભીખારી જેવા હાવભાવથી દિવસ કાઢે છે. લોકેશ ઉર્ફે લોકુને કહ્યું હશે કોક જ્યોતિષીએ કે, ૨૪-કલાકનો નકોરડો ઉપવાસ કરવો. ભ'ઇ તાનમાં આવી ગયા...'ઓહ...ઈસ મેં કૌન સી બડી બાત હૈ...!' કર લેંગે, યાર.'

બુદ્ધિશાળી માણસ કદી ઉપવાસ કરતો નથી, બીજા પાસે કરાવે છે. સ્માર્ટ મનુષ્ય ઉપવાસનો નિર્ણય ભરેલા પેટે લે છે, એ જ એની ભૂલ. પૂરા વિશ્વમાં ભૂખ્યા માણસે ઉપવાસનો નિર્ણય જાહેર કર્યાનું યાદ નથી... કર્યો હોય તો એ બેવકૂફ કહેવાય, સ્માર્ટ શેનો ? લોકેશ તો સ્માર્ટ-બેવકૂફ હતો એટલે ઉપવાસ જાહેર કરવાનો પણ લાલચ ખરી કે, વચમાં કોઇને ખબર ન પડે એમ કાંઇ ને કાંઇ ખાઇ લઇશું ? આપણે ત્યાં માણસ કરતા ઈશ્વરને ઉલ્લુ બનાવવાનું કિફાયત ભાવે પડે છે. લોકેશને તો આજે નકોરડો ખેંચવાનો હતો. નકોરડો એટલે ખાવા-બાવાનું કુચ્છ નહિ, પીવામાં એકલું પાણી જ...ડ્રિન્ક્સ-ફિન્ક્સ તો નહિ જ !

ઘરમાં ય બધાને ખબર કે આજે લોકેશે ઉપવાસ રાખ્યો છે, એટલે ભૂલમાં પણ એને નાસ્તા-પાણી અપાઇ ન જાય, એનું બધાએ ધ્યાન રાખવાનું હતું. સવારે તો ઉઠીને લોકેશે બન્ને ઊલટા હાથની આંગળીઓ એકબીજા સાથે ભરાવીને બન્ને હાથ ઉંચા કરીને આઆઆ...મોટ્ટું બગાસું ખાધું તો વાઇફ ખીજાણી, 'કાંય શરમ જેવું છે કે નંઈ ?' આજ તો તમારે નક્કોડો ઉપવાસ કરવાનો છે...।આમ બગાસાં ખાઇને ઉપવાસું તોડાતા હશે ?'

લોકેશને પોતાની ભૂલ સમજાઇ પણ ખાધેલું બગાસું પાછું ખેંચાય એમ નહોતું. તો ય સવાલ અકળાવનારો હતો કે, બ્રશ કરવા માટે ટુથપૅસ્ટ વાપરીએ, તો એ ઉપવાસ તૂટયો ગણાય કે નહિ ? એ બિચારાએ ધ્યાન રાખ્યું કે, ભલે બ્રશ કરે, પણ અજાણતામાં ય પૅસ્ટ ગળી જવાય નહિ ! ચૂસવા જાઓ તો ટુથપૅસ્ટ લાગે તો મીઠી, નહિ ? બપોર સુધી લોકેશને વાંધો આવ્યો નહિ, પણ ઑફિસમાં લંચ-બ્રૅક આવ્યો, ત્યારે મનમાં અને વધારે તો પેટમાં કચરપચર થવા માંડયું. સ્ટાફમાંથી ઘણા ટીફિન કે લંચ-બૉક્સ લઇને આવે, ને નફ્ફટો આપણા દેખતા ખાય, એ લોકેશને ગમ્યું નહિ. આપણે ફૂટપાથ પર સુતા હોઇએ ને સામે તાજમહલ બનતો હોય, એવા જીવો બળ્યા. એમ તો એક-બે જણાએ ફૉર્મલી કીધું પણ ખરૂં કે, 'આવો ને...થોડું થોડું શૅર કરો....વાઇફે મસ્ત ઢોકળાં બનાઇને મોકલ્યા છે...'

ઓહ, ઢોકળાં લોકેશની વીકનૅસ ! એમાં ય, તેલ ને ઢોકળાં તો એની સાસુને ય બહુ ભાવે. એક તો કકડીને ભૂખો લાગી હોય ને સામે બેઠું કોઇ તેલ નીતરતું ઢોકળું ખાતું હોય, એ તો શેં સહેવાય ? નહોતું સહેવાતું, પણ મજબુરીથી યાદ આવ્યું કે, આજે તો નકોરડો ખેંચવાનો છે. લોકેશને ઢોકળાંનો સૅક્સી મજાનો યલો-કલર અને ઉપર ભભરાવેલું લાલ મરચું અત્યારે બહુ તરસાવતું હતું.

ગુજરાતીઓ ઢોકળાં ઉપર તેલ ચોપડતા નથી, તેલની વાડકીમાં બોળી બોળીને ઢોકળાં ખાય છે...તેલના ટીપાં પડવા જોઇએ ! પંડયાએ નામ પૂરતી ઑફર કરી હતી કે, 'લેશો એકાદ પીસ...?' તો અત્યારે પંડયા એને પૂરી ઑફિસનો સૌથી વધુ વિવેકી માણસ લાગ્યો, એ જાણવા છતાં કે, 'મારૂં હાળું પંડયુ...અમથું બોલવા ખાતર જ બોલ્યું હતું કે, 'લેશો એકાદ પીસ...?' મનથી કીધું હોત તો કોઇ માણસ ના શેનો પાડી શકે ?

લંચ પછી કલાકમાં બધા માટે ચા-કૉફી આવે. સાથે ખારી પણ ખરી. હવે લોકેશ અકળાયો હતો. ભૂખનો એહસાસ પૂરજોશ થવા માંડયો હતો. આમ આપણે ચા ને ખારી રોજ ખાતા હોઇએ પણ ગુજરાતીઓ આગળ વાંકા વળી વળીને ખારીને ચામાં બોળીને ખાય, એ સહન કરવું જરા વધારે પડતું હતું. 'આવતી કાલે વહેલા ઉઠીને પહેલું કામ ચા ને ખારી બીસ્કીટ ખાવાનું કરવું છે... આ તો નથી રહેવાતું !'' માંડ માંડ સાંજે છ વગાડયા ને એ છુટયો.

આમ એ ચોળાફળીનો જરા ય પ્રેમી નહિ, પણ ઑફિસથી નીકળતી વખતે એક લારીવાળાને ઊભેલો જોયો. મન લલચાયું, પણ થૅન્ક ગૉડ....લારીવાળો નવરો ઊભો ઊભો કાનમાં સ્ક્રૂ-ડ્રાયવરની જેમ ટચલી આંગળી ફેરવતો હતો, એ આનાથી ન જોવાયું. છીઇઇ...લોકુએ અકળાઇને કાર આગળ જવા દીધી.

ભૂખ હવે સટાસટ તમાચા ચોડી રહી હતી. શેના આ બધા ઉપવાસો કરવાના હોય ને બૉ'ન પૈણાવવા ગયો ઉપવાસ, યાર ! ભૂખ્યા રહીને સાબિત શું કરવાનું ? જરાક અમથી ચીઝ-ચીપિયા સૅન્ડવિચ ખાઇ લેવાથી ક્યા મોટા પાપ નોંધાઇ જવાના છે ? અફ કૉર્સ, સંયમ નડતો હતો, પણ પાપી પેટને ખાતર તોડવા પડે તો એવા સંયમો તોડવાના, યાર...! એમાં ય ચાર રસ્તે પાણી-પુરીવાળાને જોયો. સાલો કન્ટ્રોલ રાખી રાખીને માણસ કેટલો રાખે ? એણે ગાડી સાઈડમાં લીધી. જાણે ચોરી કરવા નીકળ્યો હોય ને કોઇ જોઇ ન જાય એનું ધ્યાન રાખીને ઉતર્યો. પકોડીવાળા પાસે પહોંચી ગયો. જગત આખામાં ચીનાઓને બાદ કરતા કોઇ માણસ પેદા થયો નહિ હોય, જેના મ્હોંમાં પાણી-પુરી જોઇને પાણી ન આવે ! સુઉં કિયો છો ? એમાં ય લોકુને હવે તો ઊંચી-બ્રાન્ડની ભૂખો લાગી હતી. રોડ ઉપર સાયકલના ટાયરનો ટુકડો પડયો હોત તો એ ય ખાઇ જાત. એને બદલે પોતાની ફૅવરિટ પકોડી આંખ અને જીભ સામે પડી હતી. 'મીસ વર્લ્ડો'ની માફક લોકુને લલચાવતી હતી ...એક તો ભૂખ અને બીજી ધી મોસ્ટ ફૅવરીટ પકોડી-મસાલાવાળી ! જીભને કાબુમાં રખાય, પણ મનને કેમ કરીને રાખવું, દીનાનાથ ? (સુધારો : જીભને ય શેની કાબુમાં રખાય...આ કાંઇ ગાળો બોલવાની છે, તે એને કાબુમાં રાખવી પડે ? પાપી પેટને ખાતર તો માણસ ચોરીચપાટીએ ચઢી જાય છે...શું કરવા કાબુ-બાબુમાં રખાય ? સુધારો પૂરો) લોકેશ હચમચી ગયો. એની પાસે હચમચવા માટે હાર્ડલી દોઢેક સેકંડ હતી. નિર્ણય તાબડતોબ લઇ લેવાનો હતો, પાણી-પુરી ખાવી કે ઉપવાસનું સન્માન કરવું ? ''ભૈયાજી...જરા...આલુ ઔર કાંદા જ્યાદા ડાલના...થોડી-'' અને અચાનક લોકુએ રાજીનામું આપી દીધું. 'નહિ લોકેશ નહિ...તારો સંયમ ક્યાં ગયો...તું આટલો બધો ઢીલો...હવે તો બસ, રાત જ કાઢવાની છે...અટકી જા લોકેશ...તું અટકી જા...' મોંઢું તો વિલાઇ ગયું પણ એણે કદમ પાછા ખેંચી લીધા. 'ઓહ....હું કેવું પાપ કરવા જઇ રહ્યો હતો..આટલો કન્ટ્રોલ ન રહે ? શીટ...!' સાંજે ઘેર આવ્યો, ત્યારે સ્માર્ટ વાઇફે જાણી જોઇને એના વહાલા લોકુને સહેજ પણ નથી ભાવતા, એ પાઉં-ભાજી બનાવ્યા હતા, જેથી એનું મન લલચાઇ ન જાય. લોકેશને બ્રેડની કોઇ આઇટમ ન ભાવે અને એમાં ય 'પાંવ-ભાજી....માય ફૂટ ! અડું પણ નહિ.' આમ તો સીમુ રોજ ભંગાર રસોઇ બનાવી બનાવીને લોકેશને ભૂખ્યો મારતી હતી..આજે લોકુ એના 'પાપે' ભૂખ્યો રહેવાનો હતો...તમામ તહોમતોમાંથી સીમુ આજે નિર્દોષ જાહેર થવાની હતી.

''સીમુ...જો ને કાંઇ...સવારનું પડયું છે ?'' લોકુએ લાચારીથી કિચનમાં જોઇને સીમાને પૂછ્યું. ''ઓહ ન્નો.....આજે તો મારે ઉપવાસ છે....અઅઅઅ...બાય ધ વે, શું બનાવ્યું છે આજે ?...ઓકે, પાંવ-ભાજી છે...થૅન્ક ગૉડ....હું તો અડું પણ નહિ....પ...પ...પણ સીમુ, એકાદ બાઇટ લેવામાં ઉપવાસ તૂટી જાય ખરો ?'' તાબડતોબ ઘરના બધા ભેગા મળીને ધસી આવ્યા, ''પાપા, આટલે સુધી દબાવી રાખ્યું છે તો હવે થોડા માટે શું કામ તોડો છો ?....કાંઇક મેળવવા માટે કાંઇક ગૂમાવવું પડે છે, પાપા. પ્લીઝ...ડૉન્ટ લૂઝ ! સવારે સૂર્યોદય સુધી તો ખેંચવાનું છે... પછી તમારે જે ખાવું હોય એ ખાજો ને....!''

રોજ રાત્રે મોડામાં મોડો ૧૧-૧૨ વાગે સૂઇ જનારો લોકેશ અડધી રાત્રે કિચનના પ્લૅટફોર્મ પર લાંબો થઇને સુતો હતો, પણ એ સુતો હતો...ઊંઘતો નહોતો. ત્યાં તો પડખાં બદલાય એટલી જગ્યા ય ન હોય, પણ કિચનના કબાટોમાંથી બધી સુગંધો તડપાવી તડપાવીને મારી નાંખે એવી હતી. બારીમાંથી તો એ બબ્બે મિનિટે જોયા કરતો હતો કે, સૂરજ ઊગ્યો કે નહિ.

ગમે તેવી ઓળખાણો હોય તો ય સૂરજ કાંઇ રાત્રે ત્રણ વાગે ન ઊગે....આ તો એક વાત થાય છે. તડપ વધતી જતી હતી ને ભૂખ મારી નાંખતી હતી. ફેંકી ફેંકીને કિચનના બધા કબાટોમાંથી નાસ્તા ફર્શ પર ઢોળાયે જતા હતા, એમાંથી પૉપ-કૉર્નનો એકાદ દાણો ય ઉઠાવીને મોંઢામાં મૂકી દેવાની ગજબનાક ઈચ્છાઓ થઇ...પણ કન્ટ્રોલ કામ કરી ગયો...

પેટના પાપે ભૂખ્યા મરવું એના કરતા જે થવું હોય એ થાય, એ નિર્ણય લઇને લોકેશે ન છુટકે ફ્રીજમાંથી દૂધની તપેલી કાઢી.....ગૅસ પર ગરમ કરવા મૂક્યું અને મેથીના થેપલાં ઉપર ઘી ચોપડીને સીધા બચકાં ભરવા માંડયો....પલભરમાં તો એ આઠ-દસ થેપલાં તો એમને એમ ચાવી ગયો...

બધું પતી ગયા પછી પસ્તાવો થયો. ''ઓહ માય ગૉડ....આટલું ખેંચ્યું... ને આટલા માટે તોડયું ?'' એ અચાનક નર્વસ થઇ ગયો. પોતાની જાત ઉપર ગુસ્સો આવ્યો...

પણ, ચિંતા કરવા જેવું નહોતું. કિચનની બારીમાંથી બહાર જોવાનું એ છેલ્લા કલાકથી ભૂલી ગયો હતો...સૂરજ તો ક્યારનો-એના નાસ્તા પહેલાનો ઊગી ગયો હતો !

સિક્સર
-
ઓહ...આ લિફટ લૅફટ-હૅન્ડ ડ્રાઇવ છે ને....? ઓહ, પ્લીઝ...જરા આઠમા માળે શૉર્ટ-કટથી લઇ લો ને ! મારે બહુ મોડું થાય છે...

No comments: