Search This Blog

06/05/2018

શાહજહાં'(૧૯૪૬)


ફિલ્મ : શાહજહાં'(૧૯૪૬)
નિર્માતા-નિર્દેષક : અબ્દુલ રશિદ કારદાર
સંગીત : નૌશાદ
ગીતકાર : ખુમાર બારબંકી-મજરૂહ
રનિંગ ટાઈમ : સૅન્સર સર્ટિફિકેટ અવાચ્ય
થીયેટર : સૅન્ટ્રલ ટૉકીઝ (અમદાવાદ)
કલાકારો : કુંદનલાલ સેહગલ, રાગિણી, કંવર, નસરિન, જયરાજ, હિમાલયા, નઝીર બેદી, કેસરબાઈ, નવરી,
મુનિર સુલતાના, રહેમાન, પિરજાન.

ગીતો
૧. મેરે સપનોં કી રાની, રૂહી રૂહી રૂહી... સાયગલ, મુહમ્મદ રફી
૨. જબ ઉસને ગેસુ બિખરાયે, બાદલ આયા ઝૂમ કે... શમશાદ બેગમ
૩.ગમ દિયે મુશ્તકિલ,કિતના નાઝુક હૈ દિલ યે ન...     સાયગલ
૪.જવાની કે દામન કો રંગી બના લે...     શમશાદ બેગમ
૫. આગ લગી વો દિલ મેં પ્યારી, ગાને લગી...    નસીમ અખ્તર
૬.કર લીજિયે ચલકર મેરી જન્નત કે નજારે...     સાયગલ
૭.જબ દિલ હી તૂટ ગયા, હમ જી કે ક્યા કરેંગે...    સાયગલ
૮.અય દિલે બેકરાર ઝૂમ, અય દિલે બેકરાર...     સાયગલ
૯.ચાહ બર્બાદ કરેગી હમેં માલૂમ ન થા...     સાયગલ
૧૦.બર્બાદ ન કર દે કહીં બેદર્દ જમાના...     નસીમ અખ્તર

ફિલ્મનું નામ 'શહજહાં' વાંચીને હરકોઇને એમ થાય કે, આ ફિલ્મમાં સાયગલ શાહજહાં બન્યા હશે. ગલત...! એમનો રોલ સાવ ટુંકો અને એમનું મહત્ત્વ વધારનારો સહેજ પણ નહોતો. યસ. ગીતોમાં એ હંમેશની જેમ છવાઈ ગયા હતા... ખાસ કરીને, 'જબ દિલ હી તૂટ ગયા, હમ જી કે ક્યા કરેંગે ?' ગીત તો સ્કૂલની કવિતાની જેમ એ જમાનાથી શરૂ કરીને આજના જમાનામાં સંગીતશોખિનોને કંઠસ્થ છે. આપણને આનાથી જુદા વિશેષણો ન આવડે કે, સાયગલ સાહેબ 'મહાન' કલાકાર હતા. આ ફિલ્મના એમના છ એ છ ગીતો એમના તમામ ચાહકોને જુબાની યાદ છે.

ફિલ્મના બધા ગીતો હિટ થયા, એમાં મોટો ફાળો સંગીતકાર નૌશાદનો. શંકર-જયકિશનની માફક ફિલ્મના લગભગ તમામ ગીતો કાયમી પોપ્યુલર થયા હોય. એમનો સ્ટ્રાઇક-રેટ ઓપી નય્યર અને શંકર-જયકિશનની જેમ ઘણો ઊંચો રહેતો. ભાગ્યે જ કોઈ ગીત અછુતું રહી ગયું હોય.

સંગીતકાર નૌશાદનો રૂતબો પૂરી ફિલ્મનગરીમાં સન્માન્નીય અને હિંદી ફિલ્મોમાં એમના પ્રદાનને એકેને છોડયા સિવાય તમામ શાસ્ત્રીય રાગો અને લોકસંગીતની તમામ હિંદુસ્તાની ઊંચાઈઓ સુધી લઇ જઇ શકાય. લતા મંગેશકર અને મુહમ્મદ રફીને સંગીતના હિમાલય સુધી ઊંચે લઇ જવામાં નૌશાદનો ફાળો અનેકગણો વધારે.

બીજી બાજુ, એ મહાન સંગીતકાર ઉપરાંત ચાલાક વેપારી પણ હતા. પોતે વર્ષમાં એકાદી ફિલ્મમાં સંગીત આપતા, એ વાતમાં વેપાર ન આવે, (જો કે, '૫૦ના દશકમાં એ સૌથી વધુ પૈસા લેતા સંગીતકાર હતા.) પણ અન્ય સંગીતકારો કરતા એમનો રૂતબો કેટલો ગગનચૂંબી છે, એવી હવા વેચવામાં એ પાછા ભોળા નહિ, પાક્કા બિઝનૅસમેન ! મુહમ્મદ રફીને પહેલીવાર એમણે ચમકાવ્યા, એવું અનેક ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે, એ છુપાવીને કે 'ગાંવ કી ગોરી'માં મુહમ્મદ રફીને પહેલી વાર ફિલ્મમાં ગવડાવનાર શ્યામસુંદર હતા, નૌસાદ નહિ.

બીજું, જે હવા પહેલેથી એમણે વહેતી મૂકી હતી કે, ધી ગ્રેટ સાયગલ સા'બ એમની ફિલ્મ 'શાહજહાન'ના ગીતો-ખાસ કરીને 'જબ દિલ હી તૂટ ગયા...' સાયગલ સા'બે પોતાની સ્મશાનયાત્રામાં વગાડવાની જીદ જેવું વસીયતનામું કર્યું હતું અને તે મુજબ, સ્મશાનયાત્રામાં ગ્રામોફોન સાથે રાખીને જ ગીત વગાડવામાં આવતું રહ્યું હતું.

નૌશાદે કીધેલી આ જૂઠ્ઠી વાત છે, ઊપજાવી કાઢેલી વાત છે. ને એનો હિસાબ પણ મળે એવો છે. ૧૮ જાન્યુઆરી, ૧૯૪૭ના રોજ જલંધરમાં એમનું અવસાન થયું, ત્યારે તો પૂરા જલંધરમાં ભાગલાના તોફાનોને કારણે આગજની ને લૂંટફાટ ફૂલ-સ્વિંગમાં ચાલતી હોવાથી સ્મશાનયાત્રા કાઢવાની વાત તો બહુ દૂરની છે... છાપાની પસ્તી કાઢવા જાઓ તો ય લોકો મારે-ફટકારે એવા ઝનૂનો ફાટી નીકળ્યા હતા. સાયગલ સા'બ પરના અભૂતપૂર્વ પ્રેમને કારણે ચલતી-ચલતીમાં આ વાતે ય ચલતી થઇ જાય, એ મનસૂબા ઉપર આવી વાત ઊડાવવામાં આવી હતી.

મૅગેઝીન ને એનું પાનું તો યાદ ન હોય પણ સાયગલ સાહેબના સગા મામાના દીકરા થતા ખલનાયક મદનપુરીએ (કે ચમનપુરી અને છેલ્લે બહુ જાણિતા બન્યા એ અમરીશ પુરી સાયગલના સગા મામાના પુત્રો હતા.) આ વાતને કદી ય સમર્થન આપ્યું નથી. એક હવા તો એવી ય ચાલી હતી કે, મૂકેશને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નહોતું ને એ એણે પોતે પણ સ્વીકારેલું હતું. ફિલ્મ 'અંદાઝ'માં મૂકેશે ગાયેલા છ ગીતોમાં એક એક ગીતદીઠ મૂકેશને વરલીથી સાન્તાક્રૂઝ લોકલ-ટ્રેન પકડીને દરેક ગીત માટે સરેરાશ ૨૫ ધક્કા રીહર્સલોના ખાવા પડતા. 'અંદાઝ'માં એકલા મૂકેશના જ છ ગીતો હતા... (૨) ઝૂમઝૂમ કે નાચો આજ (૨) તૂ કહે અગર જીવનભર (૩) તૂટે ના દિલ તૂટે ના, સાથ હમારા છુટેના (૪) હમ આજ કહીં દિલ ખો બૈઠે (૫) સુનાઉં ક્યા મેં ગમ અપના, ઝુબાં પર લા નહિ સક્તા અને (૬) ક્યું ફેરી નજર, આઓના સિતમ ઢાઓ ના... આમાંના છેલ્લા બે ગીતો ફિલ્મમાં લેવાયા નહોતા. કારણ એ હતું કે, લતા-રફીની સરખામણીમાં મૂકેશને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન ન હોવાથી વધુ રીહર્સલો કરાવવા પડતા. આ વાત નૌશાદ બડા ફખ્રથી કહેતા.

લતા મંગેશકરે કોઈ ૨૫ હજાર ફિલ્મી ગીતો ગાયા છે, એ સિધ્ધિનો 'ગીનેસબૂક ઓફ રેકોર્ડસ'માં સન્માન્નીય નોંધ લેવાઈ. નૌશાદ સાહેબના ઘરે ગીનૅસ માટે બીજો એક ડ્રાફ્ટ તૈયાર થયો, રફીએ ૨૯ હજાર ગીતો ગાયા હોવાનો... છેવટે, બન્ને મહાન કલાકારોની આવી બદમાશીઓને કારણે બન્ને 'ગીનેસ'ની બહાર આવી ગયા, ને જે શાંત હતી, દાવાઓ નહોતી કરતી ને જેમાં કોઈ જૂઠ્ઠાણું નહોતું, તે આશા ભોંસલેનું નામ 'ગીનેસ'માં ચમક્યું. રફી વતી પત્ર લખી આપનાર નૌશાદ હતા.

બટ વિથ ઓલ સૅઇડ ઍન્ડ ડન... નૌશાદ સા'બની સિધ્ધિઓ સામે ગૌરવપૂર્વક જ મસ્તક ઊંચું કરવું પડે. સાયગલ સાથે એમની આ પહેલી ફિલ્મમાં કેવા મદમસ્ત ગીતો બનાવ્યા છે ! નૌશાદ સાયગલ સાથે પૂરી અદબથી વાત કરતા. સાયગલ શરાબ પીધા વગર રેકોર્ડિંગમાં આવી નહિ ને આવે તો હાર્મોનિયમ પર બેસી ન શકે. બહાનું એક જ, 'કાલી પાંચ કે બગૈર ગાના નહિ ગાયા જા સક્તા...' એમની 'કાલી પાંચ' એટલે હાર્મોનિયમની કાળી પાંચ નહિ...

શરાબ એટલે કાળી પાંચ ! નૌશાદના કહેવા મુજબ, એમણે સાયગલને આ કાળી પાંચથી દૂર રહેવા વ્યર્થ સમજાવ્યા હતા.

એ હિસાબે, હિંદી ફિલ્મોમાં કોઈ પણ વિવાદ વગરના બે જ સાધુઓ થઇ ગયા, સાયગલ સા'બ અને રફી સા'બ ! એ જ્યારથી ફિલ્મોમાં આવ્યા, ત્યારથી એમને નામે એક પણ વિવાદ નોંધાયો નથી. પોતાના માટે કોઇ ઊંચા ખયાલો નહિ. બન્ને જરૂરતમંદોને અઢળક દાન આપતા. રફીનું કેવું નસીબ કે, નૌશાદે આ જ ફિલ્મ 'શાહજહાન'માં સાયગલની સાથે છેવટે અંતિમ અને અડધી લાઇન પણ રફી પાસે ગવડાવીને મોટું માન આપી દીધું, જેને માટે લતા મંગેશકરથી માંડીને મૂકેશ, કિશોર કે અન્ય કોઇ પણ ગાયકો તરસતા હતા. 'રૂહી મેરી રૂહી મેરે સપનોં કી રાની'... ગીતની અંતિમ અને અડધી પંક્તિ રફીએ ગાઇ છે.

તો આ રૂહી કોણ ? ફિલ્મનું નામ 'શાહજહાં' છે, મતલબ સાયગલ એમાં શાહજહાં બન્યા હશે ? ના. સાયગલનું નામ તો આ ફિલ્મમાં 'સોહૈલ' છે, જે રૂહી (રાગિણી) નામની રાજપુતાણીને એક વાર જોઇને પ્રેમમાં અંધ બની જાય છે. સાયગલ જ શું કામ, આખા દેશમાં હૂલ્લડો ફાટી નીકળે છે કે, આવી સુંદર છોકરીને જો કોઇની પણ સાથે પરણાવી છે તો આખું શહેર તબાહ કરી નાંખીશુ અને રૂહીના રૂપના લાખો ચાહકો એવું કરી પણ બતાવે છે.

રૂહીને ક્યાંય પરણવા દેતા નથી. 'અમારામાંથી જ કોઇને રૂહી પરણે', એવા દાવા ય નહિ, પણ એને બીજે પરણવા નહિ દેવાની, કારણ કે ભારતદેશમાં હજી સુધી રૂહી જેવી પૂર્ણ સૌંદર્યવાન સ્ત્રી જન્મી નથી. આ રૂહીના સપના જોતા સાયગલ એની પ્રશંસાના ગીતો ગાવામાં શાયર બની જાય છે, પણ રૂહીને ખબર નથી. બીજે પરણાવવામાં રૂહીના પાંચ ભાઇઓ આવા છમકલાંમાં માર્યા જાય છે. છેવટે બાદશાહ શાહજહાન અને બેગમ મુમતાઝને આ વાતની જાણ થતા રૂહીને પોતાના શાહી મહેલમાં મેહમાન તરીકે રહેવા થોડા દિવસ બોલાવે છે.

મહેલની એક બાંદી (દાસી)ને ડર લાગે છે કે, શાહજહાં જો રૂહીને જોઇ લેશે તો એ ય પાગલ થઇને બેગમને છોડી દેશે એટલે રૂહી મહેલમાં આવે જ નહિ, એના પેંતરા કરતી રહે છે, પણ રૂહીને આવવું પડે છે. દરમ્યાનમાં ઈરાનથી મેહમાન બનીને આવેલા સંગતરાશ-શિલ્પી શીરાઝી (પી.જયરાજ)ને આ રૂહી સાથે પરણાવી દેવાના પેંતરા પેલી દાસી કરતી રહે છે. પણ સાયગલ બાદશાહને પોતાના કંઠના જાદુથી ખૂબ પ્રભાવિત કરીને ઈનામમાં રૂહી સાથે જ એને પરણાવવાની બક્ષિસ લેતા જાય છે.

...અંતે, રૂહી કોના હિસ્સામાં આવે છે, એ તો ફિલ્મનો અંત કહેશે, અમે નહિ.

બહુ ઓછાને જાણ હશે કે, વિશ્વના કલાના અપ્રતિમ નમૂનારૂપ તાજમહલ શાહજહાંએ બંધાવ્યો હતો પણ બાંધ્યો હતો કોણે ? આ ફિલ્મમાં દર્શાવ્યા મુજબ, રૂહીના પ્રેમમાં પાગલ શીરાઝી (જયરાજે) તાજમહલ બાંધ્યો હતો. અલબત્ત, મરહૂમા મુમતાઝ બેગમની યાદમાં શાહજહાં કોઇ અપ્રતિમ સ્થાપત્ય બનાવવા માંગતા હતા, એમાં હાલના તાજ મહલ પહેલા શીલાજીએ અન્ય ૧૫-૧૦ મૉડેલ્સ બનાવવા પડયા હતા.

આ ફિલ્મ બનાવનાર નિર્માતા-દિગ્દર્શક અબ્દુલ રશિદ કારદાર ઉઘાડેછોગ નવીનવી છોકરીઓનો શોખીન હતો. પોતાની ફિલ્મોમાં હીરોઇન બનાવવાની લાલચ આપીને છોકરીઓના કપડાં કઢાવીને પોતાની ખાનગી ઑફિસમાં પરેડ કરાવતો. ઈ.સ. ૧૯૦૪ની બીજી ઓકટોબરે લાહૌરમાં જન્મેલા કારદારે અઢળક ફિલ્મો બનાવી. પાકિસ્તાનના ટેસ્ટ ક્રિકેટર અબ્દુલ હાફીઝ કારદારનો ભાઇ થાય અને મેહબૂબ ખાનની પત્ની સરદાર અખ્તર કારદારની પત્ની બહાર અખ્તરની સગી બહેન થાય.

આજની ફિલ્મમાં બે ગીતો નસિમ અખ્તરે ગાયેલા છે, એ નસિમ પણ કારદારની સાળી થાય, પણ કામ પતી જતા કારદારે એને ય છોડી દીધી ને નસિમ ઑલમૉસ્ટ ભિખારણની અવસ્થામાં મૃત્યુ પામી. શરૂઆતની લગભગ બધી જ ફિલ્મો કારદારે નૌશાદના સંગીતમાં બનાવી ને એમાં ય, ફિલ્મ 'જાદુ' અને 'દોસ્તાના'ના સંગીતમાં વૅસ્ટર્ન-નૉટેશન્સનો ઉપયોગ કરાવીને સંગીતને ઝળહળતું કર્યુ.ં જો કે, એ પછી જ કંઇ બગડયું અને નૌશાદને પડતા મૂકીને સી.રામચંદ્ર, ઓ.પી. નય્યર કે ઈવન વસંત દેસાઇને પણ લીધા.

દિલીપ કુમાર અને નૌશાદ સાથે પૈસા બાબતનો કોઇ વાંધો પડતા કરદારે એ બન્નેને 'જોઇ લેવાની' ધમકી આપી અને પાળી પણ બતાવી. બન્ને કમાયા છે, એટલો ઈન્કમટૅક્સ ભર્યો નથી, એની ઈન્કમટૅક્સને કારદારે જાણ કરી દેતા દિલીપ-નૌશાદ બન્ને મુશ્કેલીમાં આવી ગયા હતા, પણ દિલીપ કુમાર નામના પ્રચંડ પ્રભાવને કારણે બન્ને બચી પણ ગયા. મરિન લાઇન્સના દરિયા કિનારા સામેના આલિશાન મકાનમાં રહેતા કારદારનું ૮૫ની ઉંમરે મૌત થયું.

યસ. કારદારની સ્ત્રી-પરસ્તીમાં એની સુંદરતા પરખવાની દ્રષ્ટિ પણ હતી. આ ફિલ્મની હીરોઇન રાગિણી બેફામ વખાણ કરવા પડે એવી સુંદર હતી. એનું અસલી નામ તો 'શમશાદ શાદાબ' હતું અને 'એક થી લડકી'વાળા રૂપ કે.શૌરીએ એને હિંદી ફિલ્મોમાં ચમકાવ્યા પછી રાગિણીએ થોડી ફિલ્મોમાં કામ કર્યું પછી પાકિસ્તાન જતી રહી હતી. ત્યાંની ફિલ્મોમાં પણ એ ઍક્ટ્રેસ બની ગઇ હતી. ગુજરાનવાલા-પાકિસ્તાનમાં ઈ.સ. ૧૯૨૨માં જન્મેલી આ સુંદરીને 'શાહજહાં'માં કામ કરવા માટે કારદારે (એ જમાનામાં) રૃા.  એક લાખ આપ્યા હતા.

દુઃખ એ વાતનું થાય કે, સાયગલ જેવા મહાન કલાકારે આવી ફિલ્મ કેમ સ્વિકારી ? એક તો, ફિલ્મમાં એમનો રોલ નગણ્ય છે અને એમાં ય, ટીપિકલ હિંદી ફિલ્મોની વાત કહીએ તો, હીરોઇન આ હીરોને નહિ, ઑલમૉસ્ટ વિલન (પી.જયરાજ)ને પ્રેમ કરે છે અને સાયગલને ધિક્કારે છે. આ ફિલ્મના સાયગલના ઑલટાઈમ ગ્રેટ ગીતોને બાદ કરતા એમને તો રોલ પણ કોઇ ઍક્સ્ટ્રાથી વધારે મોટો નથી મળ્યો. શાહજહાં બનતો કલાકાર 'કંવર' છે, સાયગલ નહિ.

ગીતકાર મજરૂહ સુલતાનપુરીની આ પહેલી ફિલ્મ હતી. એ પછી રાજ-નરગીસ-દિલીપની 'અંદાઝ'માં એમણે ગીતો લખ્યા અને છેલ્લે વૈજ્યંતિમાલા-રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'સાથી'માં. બન્ને એકબીજાના વેવાઇ થતા હતા.

ફિલ્મ એ જમાનાની હોવા છતાં આભાર માનવો પડે એના ખૂબ ફૅમસ કૅમેરામૅન દ્વારકાનાથ દિવેચાનો કે માત્ર સ્વચ્છ દ્રષ્યો જ નથી ઝડપ્યા, પણ કૅમેરાની કેટલીક  કમાલો પણ બતાવી છે.

ફિલ્મ જોશો તો ગમશે... કંટાળો નહિ આવે.

No comments: