Search This Blog

25/05/2018

બંધન (૪૦)


ફિલ્મ : બંધન (૪૦)
નિર્માતા : શશધર મુકર્જી (બૉમ્બે ટૉકીઝ)
દિગ્દર્શક : એન.આર. આચાર્ય
સંગીતકારો : સરસ્વતિદેવી-રામચંદ્ર પાલ
ગીતકાર : કવિ પ્રદીપજી
રનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ-૧૫૬-મિનિટ્સ
કલાકારો : અશોક કુમાર, લીલા ચીટણીસ, પી.એફ. પીઠાવાલા, વી. ઍચ. દેસાઈ, શાહનવાઝ, સુરેશ, પૂર્ણિમા દેસાઇ, જગન્નાથ, અરૂણ કુમાર.

ગીતો
૧. ચને જોર ગરમ બાબુ મૈં લાયા મજેદાર.....    અરૂણ કુમાર
૨. મનભાવન મનભાવન, લો સાવન આયા રે.....    લીલા ચીટણીસ
 
૩.ચલ ચલ રે નૌજવાન, કહેના મેરા માન.....    સુરેશ
૪.અપને ભૈયા કો નાચ નચાઉંગી.....     લીલા ચીટણીસ-સુરેશ
૫.કૈસે છીપોગે, કૈસે છીપોગે, ઓ સલોને સાજના.....લીલા ચીટણીસ
૬.ચલ ચલ રે નૌજવાન, ચલો સંગ.....અશોક કુમાર-લીલા ચીટણીસ
૭.હમ તો અલબેલે મજદૂર, ગજબ હમારી જાદુગરી.....પ્રદીપજી-કોરસ
૮.ચલ ચલ રે નૌજવાન, કહેના મેરા માન.....અશોક કુમાર-સુરેશ
૯. રૂક ન સકો તો જાઓ, તુમ જાઓ, એક મગર.....અરૂણ કુમાર
૧૦.ચલ ચલ રે નૌજવાન, ચલ ચલ રે નૌજવાન.....અશોક કુમાર-કોરસ
૧૧. ચને જોર ગરમ બાબુ મૈં લાયા મજેદાર ચને જોર.....અરૂણ કુમાર

'ફિલ્મ ઇન્ડિયા' લખનાર કે વાંચનાર તો એ વખતે કોઇ જન્મ્યું પણ નહિ હોય ! (મારી ખબર છે... હું નહોતો જન્મ્યો !- માહિતી પૂરી) એ વખતે એટલે ૧૯૪૦-ની આસપાસના ગાળામાં. આઇ મીન, જન્મ્યા તો ઘણા હોય, પણ આ ફિલ્મ પણ જોઇ હોય ને આ લેખ પણ વાંચતા હોય, એવું કદાચ ન બને ! ફિલ્મના હીરો અશોક કુમાર અને હીરોઇન લીલા ચીટણીસ પોતે જ અનુક્રમે ૨૯ અને ૨૮-વર્ષની ઉંમરોના હતા (અને બંને... મિનિમમ... ૪૫-૫૦ના તો એ વખતે ય લાગતા હતા !) મારી ઉંમરના નવજવાનોને પહેલા તો એ માનવામાં નહિ આવે કે, લીલા ચીટણીસ હીરોઇન હતી, બોલો ! કારણ કે, આપણે ફિલ્મો જોતા થયા ત્યારે લીલાબાઇ ઑલરેડી મા કે દાદીમાના રોલ કરવા માંડી હતી. આપણે ઘણી વાર કહ્યું કે, કેટલાક ફિલ્મવાળાઓ તો (એમના) જનમથી બુઢ્ઢા લાગતા હશે ! એ કદી જવાન થયા જ નહિ હોય ? આપણી ફિલ્મોમાં તો આવી સૉસાયટીના સભ્યોનો ખજાનો પડયો છે. નાના પળશીકર, મનમોહન કૃષ્ણ, શિવરાજ, કૃષ્ણકાંત, બ્રહ્મ ભારદ્વાજ, લલિતા પવાર, લીલા ચીટણીસ, નિરૂપા રૉયએ.કે. હંગલ, મદન પુરી... અરે, હજી બીજા વીસ-પચીસ નામો બાકી છે... આપણે ક્યાં વસ્તીગણત્રી-પત્રક લઇને આ લેખ વાંચવા બેઠા છીએ ! આ તો એક વાત થાય છે.

પારંપરિક સુંદરતા એટલે કે ટ્રેડિશનલી હૅન્ડસમમાં તો દાદામોનીને ય ન મૂકાય. નેહરૂ બ્રીજના ઢાળ જેવું ઢળતું કપાળ, બંને નેણો લમણા સુધી ખેંચાયેલી, જડબું 'ચીઝલ' આકારનું...એટલે કેવું...??? યસ, આપણી ગાડીમાં ડ્રાયવરની સીટ સામે પાછળ જોવાનો અરીસો નથી હોતો ? બસ, એના નીચેના બંને કૉર્નરો પહોળા થતા હોય એવો ! મોટર-બાઇક પર ઍક્સપ્રેસ-હાઇવે જેવું જોર બતાવીને રમરમાટ જતા હો ને સૂસવાટા મારતો પવન તમારા પહેલા તમારા વાળ સીધા કરી નાંખે, એવું ઊભું માથું ઓળ્યું હોય.

એની ઉપર સાગર કી લહેરેં જેવા વાંકડીયા વાળ તો જુદા ! જોવો ગમે જ રાખે એવો ચેહરો તો બાય ઑલ મીન્સ હતો, પણ ચેહરાની સુંદરતા આપણા શશી કપૂર કે દેવ આનંદો જેવી ન લાગે ! દાદામોની અઢારે મેદાન મારી ગયા હોય તો એમની અનપૅરેલલ-ઍક્ટિંગને કારણે ! એ જ લિમિટેડ ચેહરા ઉપર એ છવ્વીસ લાખ હાવભાવ લાવી શક્તા... (વધારે લખાઇ ગયું હોય તો મહીંથી દોઢેક લાખ ઓછા કરી નાંખવા !) એમના જેવું નૅચરલ ખડખડાટ હસતા તો એક ય હીરોને જોયો નથી. ગુસ્સામાં સિગારેટ ફર્શ પર પછાડે, એમાં આપણે ચારેક મિનિટ સિનેમાની બહાર (ત્યાં...) જઇ આવીએ કે, આપણને તો નહિ કહેતા હોય ને ? દાદામોનીના ડરથી 'ત્યાં' ગયા પછી આપણી કોઇ મેહનત કે આવડત વગર 'થઇ જાય...!' સુઉં કિયો છો ?

બસ. અભિવ્યક્તિમાં દાદામોની તમામ રાજ કપૂરો, દિલીપ કુમારો કે દેવ આનંદો કરતા જોજનો આગળ નીકળી ગયા. અહીં સરખામણી નથી થઇ રહી. એક દાદામોની ને બીજા અમિતાભ બચ્ચનને એટલી બધી વૅરાયટીના કિરદારો કરવા મળ્યા છે કે, ફિલ્મોમાં ભજવાયેલું કોઇ પાત્ર એવું નહિ હોય જે આ બંનેએ ભજવ્યું ન હોય ! રાજ, દિલીપ કે દેવને ફિલ્મોના કિરદારોમાં બહુ વિવિધતા નથી મળી.

અને તો ય, કમ્પૅરિઝન કરવા જ બેઠા છીએ તો બચ્ચનને આગળ મૂકવો પડે, દેખાવ, અવાજ અને પર્સનાલિટીમાં પણ ! 'ચીની કમ', 'પા' કે 'વઝિર', 'શરાબી' જેવા કેવા નોખા નોખા રોલ બચ્ચને કર્યા છે !... પેલા લોકોએ મોટા ભાગે પ્રેમલા-પ્રેમલીના રોલ જ કર્યા. દાદામોનીએ હીરો, વિલન, ચરીત્ર-અભિનેતાથી માંડીને એમની પહેલી જ સફળ ફિલ્મ 'કિસ્મત'માં તો ઍન્ટી-હીરોનો રોલ સ્વીકારીને એ જમાનામાં હડકંપ મચાવી દીધો હતો કે, સારા ઘરનો હીરો- ભલે ફિલ્મ પરદા ઉપર ય ચોર ઉચક્કાનું કામ કરે ?

પણ દાદામોની ફિલ્મોમાં આવ્યા ત્યારે એક્ટિંગ કે 'અશોક'નો '' ય નહોતો આવડતો. દેવિકા રાનીએ પૂરેપૂરા ઠમઠોરીને દાદાને મોની બનાવ્યા. (બંગાળી ઉચ્ચારો પહોળા હોવાને લીધે 'મણી'નો ઉચ્ચારી 'મોની' થાય !) બસ, પ્રારંભની આઠ-દસ ફિલ્મો જવા દઇએ તો ફિલ્મ 'કિસ્મત'થી એ સુપર હીરો તરીકે બહાર આવ્યા. એમણે પ્રેમી કરતા નિષ્ફળ પ્રેમીના રોલ વધારે કર્યા. કપડાં તદ્દન સાદા, એટલે જુઓ ને... કાંડાના બટનો બંધ અને બુશ-શર્ટ ઇન્સર્ટ કર્યા વિનાનો. આજની ફિલ્મ 'બંધન'માં તો એ સમયની તાસિર પ્રમાણે એમણે ધોતીયું અને બાંડીયા જેવા શર્ટ કે ઝભ્ભા પહેર્યા છે.

પણ એક વાર 'ફિલ્મ' જોવા સિનેમા હૉલમાં ઘુસ્યા, એટલે દાદામોની ગમવાના જ. દિલીપ કુમારની જેમ સ્ક્રીન પર આવતા જ છવાઇ જાય. એમનો સાહજીક અભિનય, સંવાદો બોલવાની ઢબ, કાંઇ પણ ન બોલ્યા વિના કોઇની તરફ અમથું જોવું... આ બધામાં પ્રેક્ષકો કન્વિન્સ થઇ જતા કે 'સાલું... એમની જેવું આટલું ખસતા ય આપણને ન આવડે...!'

નહિ તો આજની ફિલ્મ 'બંધન' કોઇ ગ્રેટ ફિલ્મ નહોતી. લીલા ચીટણીસને એ '૩૦ કે '૪૦ના દાયકાની ફિલ્મ પૂરતી સારી ગણવાની હતી. બંને વચ્ચે બરોબરી તો કોઇ હતી જ નહિ. એ ભરજુવાનીમાં ય લીલા ખભેથી જરાક અમથી સંકેલાઇ ગઇ હતી. આવો ને, આપણે સીધી ફિલ્મની વાર્તાની જ વાત કરીએ :

સ્વતંત્રતા પહેલાના ગ્રામ્ય ભારતના એક નાનકડા ગામમાં હૅડમાસ્તર (અશોક કુમાર) અત્યંત લોકપ્રિય છે. સ્કૂલ ગામના જમીનદાર (પી.એફ. પીઠાવાલા)ની માલિકીની છે. એમની દીકરી લીલા ચીટણીસ અશોક કુમારના પ્રેમમાં છે, પણ જમીનદારનો દોસ્ત હોવાના બનાવટ કરતા જગન્નાથને લાલચ એના ઇંગ્લિશ-તહેઝીબથી કપડાં પહેરતા નાલાયક દીકરા (શાહનવાઝ)ને લીલા સાથે પરણાવીને સારી જમીન હડપ કરી લેવી છે. સ્કૂલમાં આસિસ્ટન્ટ માસ્તરની નોકરી કરતા કૉમેડિયન વી.ઍચ. દેસાઇની દીકરી મીરા ઉપર શાહનવાઝની નજર બગડે છે.

એણે નજરો બગાડવાનો કૉર્સ કરેલો હોવાથી પહેલી જાળ લીલાબાઈ માટે નાંખી જુએ છે. નવાઝ પરદેશથી આવ્યો હોવાથી... પેલું ખાડીયાની ભાષામાં કહીએ તો, 'વહેમો બહુ મારતો હોય છે...! ઘરમાં ય બારેમાસ થ્રી-પીસ શૂટ-ટાઇ પહેરતો હોવાથી આ બધા ટુણિયાતોને તો એ 'દેસી' ગણે છે, અશોક કુમારને ખાસ, કારણ કે લીલા અશોકને પ્રેમ કરે છે. એ બંનેને છુટા પાડવા નવાઝ મીરાને એક ખાલી બંગલામાં લઇ જઇને મારે છે, એમાં વધુ વાગી જાય છે ને મીરા બેભાન (અથવા) મરી જાય છે. વિલન છટકું એવું ગોઠવે છે કે, મીરાની હત્યાનો દોષ હેડમાસ્તર ઉપર આવે અને એને જૅલ જવું પડે છે.

એ જ ઘડીએ શાહનવાઝ અને તેના બદમાશ બાપા તાબડતોબ લગ્ન કરાવી નાંખવાની ઉતાવળ કરે છે, પરંતુ ભારત દેશમાં આજ સુધી આવેલી બે-લાખ, બૉંતેર-હજાર છસ્સોને પિંચીયાશી ફિલ્મોમાં હીરોઇન તો આખરે હીરોને જ મળે, એવી વ્યવસ્થા બસ, આધાર-કાર્ડમાં કરાવવાની બાકી છે. વિલન શાહનવાઝ અશોક કુમારને જૅલ ભેગો કરી દે છે, પણ આ બાજુ વિલન અને હીરોઇનના લગ્નની છેલ્લી ઘડી બાકી હોય છે ત્યાં કૉમેડિયન દેસાઇ વિલનનો ભાંડો ફોડી હીરોને બચાવે છે. પ્રેમી પંખીડાઓ વચ્ચેનું સામાજીક બંધન તૂટે છે અને લગ્નનું બંધન શરૂ થાય છે.

બૉમ્બે ટૉકીઝ અને કલકત્તાના ન્યુ થીયૅટર્સ વચ્ચેની સંસ્કારી હરિફાઇ છતાં સંગીતને મામલે કલકત્તાની ફિલ્મો વધુ સફળ હતી. મુંબઇની ફિલ્મોમાં ગીત-સંગીત મોટા ભાગે સામાન્ય રહેતા. આ ફિલ્મના બે-ત્રણ ગીતો તો નાનપણમાં અમને ય આવડતા, રૂક ન સકો તો જાઓ,' 'ચલ ચલ રે નૌજવાન,' અને 'પિયુ પિયુ બોલ. પ્રાણ પપિહા પિયુ પિયુ બોલ...' સમજણા થયા ત્યારના યાદ છે.

ન્યુ થીયેટર્સમાં ધી ગ્રેટ સાયગલ અને પંકજ મલિક જેવા ધૂરંધરો હતા. અહીં તો સાયગલની કૉમ્પીટીશનમાં સુરેન્દ્રનાથથી કામ ચલાવવું પડતું, જેને માટે તો ત્યાંના ઍક્ટર-ગાયક પહાડી સાન્યાલ જ કાફી હતા. આ જ ફિલ્મ 'બંધન'માં અશોક-લીલા તો ઠીક, સુરેશ પાસે ગવડાવવું પડયું. એ વખતે સુરેશ કિશોરાવસ્થામાં  હતો.

આ સુરેશ એટલે જેના ઉપર ફિલ્મ 'દુલારી'નું મુહમ્મદ રફીનું અપ્રતિમ ગીત 'સુહાની રાત ઢલ ચૂકી...' ફિલ્માયું હતું. જન્મે મુસલમાન સુરેશ (નસિમ એહમદ) દેવ આનંદ-વૈજ્યંતિમાલાની ફિલ્મ 'દુનિયા'માં પણ હતો. એમ કહેવાય છે કે, સુરેશ હોમોસૅક્સ્યુઅલ હતો અને 'દુલારી'ના જ સૅટ પર મૅક-અપ રૂમમાં ખુદ મધુબાલા એને આવી દશામાં જોઇ ગઇ હતી અને પછી ક્યારેય સુરેશ સાથે કામ કર્યું નહોતું. હિંદી ફિલ્મોમાં હીરોઇનો માટે 'કાસ્ટિંગ-કાઉચ' નિયમિત થતું રહે છે, પણ હવે હીરો બનવા ચૉકલેટી ચેહરો લઇને આવતા સારા ઘરના નવા હીરોને પણ આ ગંદકીનો ભોગ બનવું પડે છે.

અલબત્ત, એ જમાનાના લગભગ બધા મુસલમાન ફિલ્મ કલાકારો અહીં થોડા ઘણા સફળ થાય, પછી ભારતને ગાળો દેતા દેતા પાકિસ્તાન જતા રહે... અને ત્યાં મૃત્યુ પામેલાઓને બાદ કરતા લગભગ બધાને, ત્યાં બે-ત્રણ વર્ષ કાઢીને ભારત પાછા આવતા રહેવું પડયું છે અને કહેવું પડયું છે કે, 'ભારત જેવો કોઇ દેશ નથી. પાકિસ્તાનના મુસલમાનો ભારતથી આવેલા મુસલમાનોને જ હડધૂત કરતા હોવાના બળાપા આ લોકોએ કાઢ્યા છે, જેમાં મોટું નામ શેખ મુખ્તારનું હતું.

છ ફૂટ ઉપરની હાઇટવાળો આ કદરૂપો હીરો અહીં મારધાડની ફિલ્મોમાં નામ અને પૈસા કમાયો, છતાં ભારતને ભાંડતો ભાંડતો પાકિસ્તાન જતો રહ્યો...છેવટે, 'બડે બેઆબરૂ હોકર તેરે કૂચે સે હમ નીકલે...'ના ન્યાયે ભ'ઇ એ બેહાલી અને હડધૂતીયામાં મરતા પહેલાં સ્વીકાર્યું કે, ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતા એક મિસાલ છે, પાકિસ્તાનમાં તો નામની પણ નહિ. ભારતનો મુસલમાન પાકિસ્તાનના મુસલમાન કરતા સુખી અને સલામત છે. એની વે, 'બંધન' જોશો તો કંટાળો તો નહિ આવે.... દાદામોનીને કારણે ગમશે ય ખરૂં..

No comments: