Search This Blog

22/07/2018

ઍનકાઉન્ટર : 22-07-2018


* પ્રચંડ ગરમીથી બચવાનો કોઇ હાથવગો નુસખો ખરો ?
-  
બાથરૂમમાંથી બહાર જ નહિ નીકળવાનું.
(
ફાતેમા મીયાજીવાલા, અમદાવાદ) અને (જીતેન્દ્ર કેલા, મોરબી)

* 'બુધવારની બપોરે'ના લોકપ્રિય પાત્રો જેન્તી જોખમ અને પરવિણ ચડ્ડીને પાછા લાવી શકાય એમ નથી ?
-  
એમના કરતા આપણા નેતાઓ વધુ હસાવે છે.
(
નિલેશ પ્રેસવાળા, ભરૂચ)

* 'મન હોય તો માંડવે જવાય', પણ મન ન હોય તો ક્યાં  જવાય ?
-  
ગોધરા.
(
ધવલ જે. સોની, ગોધરા)

* આજનો માણસ ભીતરથી આટલો અશાંત કેમ છે ?
-
નો આઇડીયા. કોઇને પણ ભીતરથી જોવાનો મને ચાન્સ મળ્યો નથી.
(
જયેશ અંતાણી, ભાવનગર)

* ગુજરાતના પેલા ત્રણ આંદોલનકારીઓ કેમ નથી દેખાતા ?
-  
મોદીને જુઓ. બધા દેખાઇ જશે.
(
શૌનક પુરોહિત, કેશોદ)

* કૉંગ્રેસ ગમે તેવી હતી, પણ એના વખતમાં કાશ્મિરમાં આટલો ઉપદ્રવ નહોતો... શું કહો છો ?
-  
સારૂં વાંચન છે તમારૂં.
(
ડૉ. શૈલજા એ. ઠક્કર, અમદાવાદ)

* ગુજરાતમાં હવે આવતા વર્ષે તો ૪૮-ડીગ્રી ગરમી પડે એવું લાગે છે !
-  
બે ડીગ્રી માટે ચૂકી ગયા...?
(
ભાવિક શાહ, ગોધરા)

* ખેડૂત આંદોલન વિશે શું માનો છો ?
-  
હું જે માનું છું, એ ખેડૂતો નથી માનતા. અમે જે માનીએ છીએ, એ સરકાર નથી માનતી.
(
હરૂભાઇ કારીઆ, મુંબઇ)

* સ્ટેજ-ફંકશન વિશે તમારા લેખમાં, અદબ વાળીને સ્ટેજની આજુબાજુમાં ઊભા રહેનારાઓ વિશે શું કહો છો ?
-  
એમાંના મોટા ભાગનાઓને કારણે પ્રોગ્રામો શક્ય બને છે.
(
પ્રફૂલ્લ દવે, ભાવનગર)

* દીપડાની માફક લાગ જોઇને શિકાર ઉપર તરાપ મારતા મોદીજી વિશે શું માનો છો ?
-  
લાગ જોયા વગર તરાપો મારવાનો કોઇ મતલબ ખરો ?
(
રાજેન્દ્ર પઢારીયા, ડૉમ્બિવલી)

* 'જેવા સાથે તેવા' કહેવત છે.... તમે શું માનો છો ?
-  
જુઓ... મેં ય જવાબ આપ્યો ને ?
(
જગજીવન મેતલીયા, ભાવનગર)

* રાહુલ ગાંધીના લગ્ન ક્યારે ?
-  
એમને તો બીજા કોઇ કામધંધા હોય કે નહિ ?
(
મનિષ નિ. વર્મા, ગોધરા)

* આપણા દેશમાંથી અનામત ક્યારે નાબૂદ થશે ?
-  
વાણીયા-બ્રાહ્મણને આની કાંઇ ખબર ન હોય !
(
નીરવ પટેલ, અમદાવાદ)

* અખિલેશ યાદવે સરકારી બંગલો ખાલી કરતા પહેલા બંગલામાં ઘણી તોડફોડ કરાવી !
-
પથ્થરબાજોમાંથી છોકરૂં કાંઇક તો શીખે ને ?
(
ટી.વી. બારીઆ, વડોદરા)

* આજની જનરેશન પ્રેમને શું માને છે ?
-  
પ્રેમ.
(
આશ્કા આચાર્ય, મુંબઈ)

* 'હળી કરવી' એટલે શું ?
-
એટલે.... હજી સુધી ગ્રામરમાં જ પડયા છો.... પ્રૅક્ટિકલ નહિ ?
(
મિહિર પટેલ, નડિયાદ)

* તમને ગદ્ય કે પદ્યમાં રસ છે ?
-  
સદ્ય હોય તો મદ્યમાં પણ ખરો !
(
અજય જોશી, નાસિક)

* સાંસદો-ધારાસભ્યોને સબસિડીઓ છોડી દેવા માટે મોદી ક્યારે આદેશ આપશે ?
-  
શું કામ ગરીબોના પેટને બદલે પાછળ લાત મારો છો ?
(
વિપુલ ચૌહાણ, સિધ્ધપુર)

* વિરાટ કોહલીની જેમ તમે ફિટનૅસ-ચૅલેન્જ સ્વીકારશો ?
-
અમારામાં માનસિક-ચૅલેન્જો હોય !
(
રવિકુમાર ધાડવે, સુરત)

* મોદીને હરાવવા વિપક્ષો ભેગા કેમ થયા છે ?
-  
મોદીને હરાવવા !....બસ, બીજું કોઇ કારણ મળશે તો તમને જણાવી દઇશું.
(
ગોપાલ પરમાર, ભૂજ-કચ્છ)

* બાઇક ઉપર બેથી વધુ સવારીની છુટ કેમ નથી અપાતી ?
-  
બાઇકને આગળ ઘોડાથી નથી ખેંચાતી, માટે.
(
કલ્પેશ તળપદા, ખેડા)

* આપણા હવે પછીના વડાપ્રધાન તરીકે કોનું નામ સૂચવો છો ?
-  
ઉત્તરસંડાનો કોઇ રાજકુમાર મળી આવે તો આગળ વધું..!
(
પ્રકાશ લિમ્બાચીયા, ઉત્તરસંડા)

* સંઘનું આમંત્રણ પ્રણવ મુકર્જીએ સ્વીકાર્યું, એ વાત ઘણાને તીખી લાગી..!
-  
સંઘે ૩૧ ડીસૅમ્બરવાળી પાર્ટી આપી હોત તો ય એ લોકોને તીખી લાગત !
(
ઋષિકેષ જે. મહેતા, મુંબઈ)

* તમે સહમત છો, આપણો દેશ બદલાઈ રહ્યો છે ?
-  
ના. આનો આ જ રહેવાનો.
(
ભાણા કેશવાલા, જૂનાગઢ)

No comments: