Search This Blog

25/07/2018

રીમોટ ચલાવવું ઘર ચલાવવા જેટલું સહેલું નથી


સુભીએ સોફામાં બેઠા બેઠા કાકડી દબાવતી હોય એમ રીમોટ દબાવે રાખ્યું. કોઈ રીસ્પોન્સ ન આવ્યો. પછી બન્ને અંગૂઠાથી જોર માર્યું, કેમ જાણે એના ગોરધનની આંખોના ડોળા દબાવવાના હોય ! ખખડાવી/ હલાવી પણ જોયું.ત્યારે ખબર પડી કે, રીમોટ ઊંઘું પકડયું છે.

રીમોટનો એક ખૂણો કાનમાં ખંજવાળ્યો. મીઠું લાગતું હતું ને મજો ય પડતો હતો. થોડી વધારે મજા લીધી. રીમોટને સોફાની ધાર ઉપર લૂછીને ફરી એક વાર બટન દબાવ્યું. કાંઈ ન થયું.

બાજુમાં વેફર્સની ડિશ પડી હતી, એ મન્ચિંગ ચાલુ હતું. એમાં તો એક વખત વેફર્સનું પેકેટ પણ રીમોટ સમજીને કચડ્ડડ્ડ... દબાવાઈ ગયું, પણ એનો ય રીસ્પોન્સ આવતો નહતો.

એણે ફરીથી બટન દબાવ્યું, આ વખતે જરા ભાર દઈને.. ટીવીએ જવાબ ન આપ્યો. આદત મુજબ, સુભીએ રીમોટને ડાબી- જમણી બન્ને તરફ લઇ જઈ હાથમાં આવ્યા એ બધા બટનો દબાવી જોયા. માથાની ઉપર અને સોફાની નીચે જમીનને અડે ત્યાં સુધી રીમોટ નીચું કરી જોયું. છેલ્લે છેલ્લે તો, શ્રીનાથજીની આરતી ઉતારવાની હોય એમ ગોળ ગોળ હલાવી જોયું.

ગુસ્સો એવો આવી ગયો કે, રીમોટને બદલે આખું ટીવી ઉપાડીને હલાવી જોઉં ! જો કે, આ વાંચતી વખતે તમને જે સવાલ થયો, એ એને ય ટાઇમસર થયો કે, રીમોટને ડાબે- જમણે ફેરવવાનો શું અર્થ ? રીમોટને ટીવીની દિશામાં રાખો ને બટન દબાવો, પછી આડુંઅવળું ફેરવવાની જરૂર ન હોય.

નજીક લઇ જવાની તો સહેજે જરૂર ન હોય, આપણા સહુની સ્ટુપિડીટીની આ પહેલી નિશાની છે. કઈ કમાણી ઉપર રીમોટને આપણે હાથ આગળ લંબાવીને ટીવીની નજીક લઈ જઈને દબાવીએ છીએ ? એ તો રેન્જમાં હોય તો ખોળામાં મૂકેલા રીમોટથી ય ટીવી ચાલુ થાય કે ચેનલો બદલાય.. આ તો એક વાત થાય છે.

'સુલુઉઉઉ.. આ જો ને, ટીવી નથી ચાલતું ! સુલુ એના પોમરેનિયન ડોગીનું નામ નહોતું. એના ગોરધનનું નામ હતું. ડોગીઓના નામો તો ઉત્તેજ હોય છે, આવા સુલુ- ફૂલુ જેવા નહિ.

સલિલ જરા લાંબુ પડતું હતું. ફ્રીજનો દરવાજો ખુલ્લો રહી જવાથી માંડીને ધૂળજી કેમ નથી આવ્યો, એ તમામ વાતોમાં સુલુ જરા કિફાયત ભાવે પડે.

ખાલી સુલુ સારૂં. મ્હોંવગું તો ખરૂં.

સુલુ મોંઢું બગાડતો આવ્યો. અકળાવાની તો હિમ્મત ન હોય, છતાં હિમ્મત ભેગી કરી થોડું અકળાઈને એ સુભીની બાજુમાં બેસતા બોલ્યો, 'સું છે, '?'

'સુલીયા...જો ને, આ રીમોટ કામ કરતું નથી.' નાદાન સુલુને પત્નીની બધી વાતોના જવાબ આપવા પડતા, એ ઘટનાને ગુજરાતી ભાષામાં 'સુભીપણું' કહેવાય છે ને સુલુએ બધા કામો કરવા પડે, એ સિધ્ધિને ઇંગ્લિશમાં 'હસબન્ડીઝમ' કહે છે !

(બાય ધ વે, હજી ૩-૪ મિનિટ પહેલા જ આ રૂપાળો શબ્દ શોધાયો છે...!)

'ઓહ..' સુલુએ એકાદ સેકન્ડ ટીવી સામે જોઈને કહ્યું, 'ડાર્લિંગ, ટીવીની મેઇન- સ્વિચ ચાલુ કરવી પડે.' સુભી ભોંઠી ચોક્કસ પડી ગઈ પણ સ્વિચ ચાલુ કરવા તો સુલુએ જ ઉઠવું પડે. સ્વિચ ઓન કરી. ટીવી ગરમ થાય ત્યાં સુધી થોડી વાર રાહ જોવી પડે. જોઈ જોઈ. રીમોટથી આ વખતે સુલુએ દબાવ્યું. એણે ય સુભીની માફક રીમોટને ચારેબાજુથી દબાવી મચડી જોયું.

હઠીલું હતું. ચાલુ ન થયું. મત્સ્યવેધ કરતા પહેલા બાણાવળી અર્જુન તીરના ભાથાને જરા ખખડાવી જુએ, એમ સુલુએ રીમોન્ટને એક-બે વાર હળવેથી હથેળીમાં ખખડાવી જોયું. પણ રીમોટમાં ય સુભીનો સ્વભાવ ઉતરી આવ્યો હતો. તાબડતોબ તો માને કાંઈ ? પ્રોબ્લેમ હાથમાં હશે, એમ સમજીને બીજા હાથમાં પછાડી જોયું. 'યે હાથ મુઝે દે દે ઠાકૂર,..'ના અંદાજથી એણે સુભીનો હાથ માંગ્યો અને એના હાથમાં વારાફરતી હળવે હળવે પછાડયું.

'..અઅઅ..સુબલા, આ બહાને ગલીપચી ના કર...' સુભી રોમેન્ટિક સ્માઈલ સાથે બોલી.

'
હું ગાંડો થઈ ગયો છું... ?' તે ગામ આખામાં વાપરવાની ગલીપચીઓ ઘરમાં વાપરી નાખું.., એવું તે કેવળ મનમાં બોલ્યો. બહાર તો એવું બોલ્યો કે, 'ઓહ ડાર્લિંગ... હું તો હજી તને અડયો પણ નથી.. કાશ..આવતા જન્મે હું તારૂં રીમોટ થાઉં.. કેમ, રીમોટની માફક રોજ સુતા તારા પગ દબાવી આપતો નથી ? સુલુને જોક કરવાની બહુ આદત. અફ કોર્સ, કાયદો સાથ નથી આપતો, નહિ તો એ પગ શું કામ... સુભીનું ગળું ન દબાવે ? એ કાયમ માનતો કે, દુનિયાભરના રીમોટ- કન્ટ્રોલ વાઈફોના ગળા દબાવવાથી ઓપરેટ થવા જોઈએ.

'યૂ નોટી..આઈ'લ કિલ યૂ.. ઘણીવાર મશ્કરીમાં ય હૃદયની વાત હોઠો પર આવી જતી હોય છે.
અલબત્ત, હવે બન્ને મૂંઝાણા હતા. બન્ને આવડે એ મુજબ રીમોટ દબાવે જતા હતા. ઘણી વાર તો, લગ્ન વખતે બન્નેએ હાથ સાથે પકડયા હતા (જેને બેવકૂફીની ભાષામાં 'હસ્તમેળાપ' કહે છે), એમ રીમોટ સાથે પકડીને દબાવ્યું. મેઇન- સ્વિચ પણ બરોબર હતી.. કામમાં નિષ્ફળતા. સુભીએ ટટ્ટાર ઉભા થઈને રીમોટ ટીવીને અડાડી જોયું.

'એ સુભલી...ઓહ સિલી..! અરે, રીમોટ- કન્ટ્રોલમાં બેટરીના સેલ પૂરા થઈ ગયા હશે.. લાય લાય, જોવા દે જરી !' સુબુએ થાઈલેન્ડની ખાણ હોનારતમાંથી છોકરાઓને બહાર કાઢવાના હોય એમ રીમોટનું પાછલું બારણું ખોલીને સેલ હળવેથી બહાર કાઢ્યા. મહીં કચરો બહુ ભરાયો હતો, જે એણે ફલોરની કાર્પેટ પર લૂછ્યો, એ સુભીને ન ગમ્યું.

થાઈલેન્ડના છોકરાઓને તો ફરીથી મહીં નાંખવાના નહોતા. આણે સેલ પાછા નાંખ્યા.

બહુ બટનો દબાવવાની આદતને કારણે સુબુ લિફ્ટ પાસે ઉભો હોય ત્યારે ય લિફટના બટન ઉપર આંગળા ઘોંચ ઘોંચ કરે. આમ તો એને ય ખબર કે, બટન એકવાર દબાવો તો ય ચાલે. લિફટ પાસે ઉભેલાઓને ઘણીવાર તો નવરા ઉભા ખાસ કાંઈ કરવાનું હોતું નથી એટલે, 'આવો ત્યારે એકાદું બટન દબાવી લઈએ..' એવા મનોરથ સાથે ઓરતા પૂરા કરે છે. ઘણીવાર કેવળ મઝા પડતી હોય માટે બટનો દબાવાય ને કેટલાક તો ત્યાં નવરા ઊભા ઊભા બીજું કરવું શું, એનો ખ્યાલ ન આવવાથી આવા વર્તનો 'છડેલિફ્ટ' કરે છે.. (ઓહ.. છડે ચોક !)

સુભી હવે કંટાળી હતી અને ચોક્કસ માનવા માંડી હતી કે, સુલીયાથી શેક્યું રીમોટે ય ભંગાવાનું નથી..પાપડ તો બહુ દૂરની વાત છે.અચાનક એને પોતાની ભૂલ સમજાઈ કે, પાપડને બદલે 'રીમોટ' શબ્દ મૂકીને આવો મહાવરો ન મૂકાય. પાપડ શેકવાની ચીજ છે. રીમોટ નહિ, એ જ ઘડીએ તેને યાદ આવ્યું હતું કે, એની કોઈ સખીએ મોકલેલા વોટ્સએપમાં રીમોટ ચાલતું ન હોય તો ગેસ ચાલુ કરીને ઉપર ઉપરથી થોડું થોડું શેકો તો રીમોટ ચાલુ થઈ જશે. વરસાદની આ સીઝનમાં તો ભલભલું રીમોટ હવાઈ જાય, એને થોડું તપાવવું પડે, એવો મેસેજ હતો.

આવો બેવકૂફીભર્યો આઈડિયો સાંભળીને સુલુ સખ્ત ખીજાયો અને ઘેર બેઠા રીમોટથી સુભીની સખીનું ગળું દબાવી દઈ શકાતું હોય તો દબાવી જ નાંખુ, એવો ગુસ્સો ચઢ્યો. પણ પેલી ય સખી તો સુભીની જ હતી ને ? લાંબી કેટલી હોય. એમ માનીને સુલુએ પેલીને જીવતેજીવતા માફ કરી દીધી. હિંદુઓમાં દાટવાની પ્રથા નથી !

હવે આ બન્ને મરણીયા થઈ ચૂક્યા હતા. રીમોટ વગર ટીવી પર ચેનલો બદલતા કે અવાજ નાનો મોટો કરતા ન આવડે. એ લોકોએ ઇન્ટરનેટ પર, બંધ રીમોટ ચાલુ કરવાના કોઈ ઉપાયો હોય તો શોધી જોયા.

ટીવી લીધું હતું એ ડીલરને ફોન કરી જોયો. આપણા કરતા આજકાલના છોકરાઓ આવા ઇલેકટ્રોનિક્સ મામલે વધુ સ્માર્ટ હોય છે. એમ સમજીને સોસાયટીના છોકરાઓને બોલાવી જોયા. એ લોકોએ પણ રીમોટ મચડે રાખ્યું. કાંઇ કાંદા ય ના નીકળ્યા.

વાર્તા પૂરી કરવાની હતી, એટલે છેલ્લા અંકમાં ધૂળજી પ્રગટ થયો. એ આમ તો ઘરમાં આડુંઅવળું ક્યાંય જુએ નહિ, પણ આ બન્ને રીમોટ મચડતા જોઈને કાંઈ બોલ્યા વગર સામેના ટેબલ પરથી ટીવીનું રીમોટ- કન્ટ્રોલ લઈ આવ્યો...

આ લોકો ક્યારના મચડતા હતા, એ એ.સી.નું રીમોટ- કન્ટ્રોલ હતું.

સિક્સર
નથ્થુરામ ગોડસેની બાયોપિક બનાવી હોત તો હજી માફ કરી શકાય ! ઇવન, સલમાન ખાને ય દેશ માટે કાંઈક તો સારૂં કર્યું છે. હવે આ લોકો ગેન્ગ-રેપના હલકટો ઉપર ફિલ્મો બનાવીને એમને નિર્દોષ સાબિત કરશે.

No comments: