Search This Blog

29/07/2018

એનકાઉન્ટર : 29-07-2018


* હરએક વ્યક્તિ પૈસાના માપતોલથી કેમ જીવે છે?
-
એને જીવવું હોય છે, માટે.
(
હરિભાઈ બકરાણીયા, અમદાવાદ)

* બ્રહ્માંડની સફરે તમારે મોદીજીની સાથે જવાનું હોય તો?
-
મોદી તો જઈને પાછા ય આવતા હોય છે... મારૂં ય એવું નક્કી થાય તો વાંધો નથી.
(
કાજલ એચ. ત્રિવેદી, રાજકોટ)

* 'ચિત્રલોક'માં સવાલ પૂછવાનું સરનામું શું?
-
ડાબેથી સીધા જઇને થાંભલો આવે ત્યાં વળી જાઓ.
(
મંગલસિંહ દરબાર, વડોદરા)

* સરકારી બંગલો ખાલી કરતા પહેલા અખિલેશ યાદવે મોટી તોડફોડ કરી...
-
એના બાપનું રાજ હતું.
(
નૈષધ દેરાશ્રી, જામનગર)

* 'એનકાઉન્ટર'માં ત્વરિત જવાબ મેળવવા શું કરવું જોઈએ?
-
ત્વરિત રાહ જોવી જોઈએ.
(
ગૌરી વી. કાચા, અમદાવાદ)

* ખાડે ગયેલી 'એર ઈન્ડિયા'ને બચાવવા કોઈ ઉપાય?
-
તમે સવાલ પૂછવાને બદલે બે મોટા નિબંધો લખ્યા છે... પૂરા વંચાઈ જશે, પછી જવાબ આપી શકીશ.
(
અરવિંદ શાહ, અમદાવાદ)

* 'લવ મૅરેજ' કેટલે અંશે સફળ થાય?
-
મેં તો એક જ વાર કર્યા છે, એટલે મને ઝાઝી ખબર ન પડે. કોઈ મોટા અનુભવીને પૂછો.
(
પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)

* ભણતર અને ઘડતર વચ્ચે શું તફાવત?
-
હજી બીજા ઘણા 'તર' બાકી રહી ગયા. લખો, ચણતર, પડતર, લખતર, માસ્તર... હવે તફાવત સમજાયો?
(
દિલીપ આર. વોરા, અમદાવાદ)

* 'બીટકૉઈન'માં કાંઈ સમજણ પડતી નથી...
-
ધોલેરામાં ઘણા બચી ગયા કહેવાય!
(
રાજેન્દ્રસિંહ વી. ચુડાસમા, ધોલેરા)

* તમે સ્કૂલ-કૉલેજે જતા કે સિનેમા જોયે રાખતા? તમારૂં ફિલ્મોનું જ્ઞાાન જોઈને પૂછ્યું છે.
-
એવું કાંઈ ન હોતું. સિનેમામાંથી ટાઈમ મળે ત્યારે સ્કૂલે ય જતો!
(
કિરીટ જે. શાહ, રાણાવાવ)

* તમને ગોરપદું આવડે છે?
-
બોલો, કોને 'પઈણાવવાના' છે?
(
મણીલાલ રૂઘાણી, રાણાવાવ)

* ન્યાયી શું? લૅડીઝ ફર્સ્ટ કે સૅફ્ટી ફર્સ્ટ?
-
લેડીઝ સાથે હોય પછી 'આપણી' સેફ્ટીની ચિંતા જ નહિ કરવાની!
(
કિશોર રાજપરા, રાણાવાવ)

* ઈ.સ. ૨૦૧૯ની ચૂંટણીમાં કયા પક્ષનું બાળમરણ થશે?
-
જે પક્ષમાં બાળકોનું ચલણ હોય..!
(
ફિઝ્ઝા આરસીવાલા, મુંબઈ)

* આપણી યુવાપેઢી સ્વચ્છતા અને સમયપાલન ક્યારે શીખશે?
-
યૂ મીન... હવે તમે યુવાન નથી?
(
જયેશ અંતાણી, ભાવનગર)

* અરીસાની શોદ કોણે અને ક્યારે કરી?
-
દરિયો કે નદી કામમાં ન આવ્યા... તળાવે અરીસો બતાવ્યો.
(
ડી.જી. વ્યાસ, જૂનાગઢ)

* 'હું ખાતો નથી અને ખાવા દેતો નથી', એવું કહેતા મોદીસાહેબ ખાનારાઓને કહેતા ય નથી... સાચું?
-
આપણા બેમાંથી કોઈને કીધું?
(
પુષ્કર ગઢીયા, જૂનાગઢ)

* સરકારી કર્મચારી લાંચ લીધા વિના કામ કરી આપે, એવા દિવસો ક્યારે આવશે?
-
હું સરકારી કર્મચારી નથી... જે આપવું હોય તે સમજીને આપી દો..!
(
સદરૂદ્દીન ચારણીયા, રાજકોટ)

* નૌટંકી કેજરીવાલને સરહદ પર મોકલી ન અપાય?
-
સરહદ શું કામ ગંદી કરવી છે?
(
મણીબેન પટેલ, ઊંટડી)

* વડાપ્રધાનના નિવાસસ્થાને પંચકર્મ બગીચો બનાવાયો છે... આપના બંગલામાં આવી કોઈ સુવિધા ખરી?
- '
અચ્છે દિન આયેંગે'.
(
લખમણ પંપાણીયા, લોઢવા-ગીર)

* રૂ. ૧૫-લાખનું સપનું...?
-
પગલે! સપને ભી કભી સચ હોતે હૈં ક્યા?
(
મહેશ માંકડ, અમદાવાદ)

* હમણાં ડિમ્પલ કાપડીયાનો જન્મદિન ગયો... કોઈ ઉજવણી કરી હતી કે નહિ?
-
એ જરા મોંઘી પડે... અમારો જન્મદિન ચાર વર્ષે આવે... આપણે વધારાની ત્રણ કરવી પડે!
(
હર્ષ એસ. હાથી, ગોંડલ)

* ભારતમાં દુબાઇ જેવા કડક કાયદાઓ કેમ નથી?
-
દુબાઇવાળા આપણું પૂછે છે, ''દુબાઇમાં ભારત જેવા સીધાસાદા કાયદા કેમ નથી?'
ડૉ. રાજેન્દ્ર કે. હાથી, વડોદરા)

* સાચો ભારતીય કોને કહેવાય?
-
અત્યારે તો આપણા બે ના નામો સંભળાય છે!
(
રસિકલાલ એસ. વ્યાસ, ભાવનગર)

* ફિલ્મસંગીતના કાર્યક્રમોમાં વચ્ચે હવે મિમિક્રી-આર્ટિસ્ટ્સ કેમ નથી આવતા?
-
શ્રોતાઓને હસાવવાનું કામ ઘણી વાર ગાયકોના કંઠ કરી લેતા હોય છે.
(
મીના નાણાવટી, રાજકોટ)

* કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યથી બન્ને પક્ષોને કેટલું નુકસાન કે ફાયદો?
-
પક્ષોને ફાયદો થાય કે ન થાય... એમને થયો છે... ડૂબતી નૈયા કિનારે..!
(
હસમુખરાય રાજાણી, રાજકોટ)

No comments: