Search This Blog

13/07/2018

'જવાબ' ('૪૨)

ફિલ્મ : 'જવાબ' ('૪૨)
નિર્માતા    :    એમ. પી. પ્રોડક્શન્સ, કલકત્તા
દિગ્દર્શક    :    પ્રથમેશ બરૂઆ
સંગીત    :    કમલ દાસગુપ્તા
ગીતકાર    :    મધુર- બેકલ
રનિંગ ટાઇમ    :    ૧૫ રીલ્સ- ૧૫૭ મિનિટ્સ
કલાકારો    :    કાનન દેવી, પ્રથમેશ બરૂઆ, જમુના, અહિન્દ્ર ચૌધરી, જહૂર ગાંગુલી, દેવબાલા, તુલસી ચક્રવર્તી, ટંડન અને         વિક્રમ કપૂર.
 
ગીતો
૧.    તુફાન મેલ, દુનિયા યે તુફાન મેલ...    કાનનદેવી
૨.    આજ સસુર ઘર જઇબે રે ભીખુ...    ?
૩.    બલાએં લૂં મૈ ઉસ દિલ કી જો દુનિયા કે લિયે રો દે    ?
૪.    છૂપ ના જાના, અય ચાંદ છૂપ ન જાના    કાનનદેવી
૫.    રોના હૈ બેકાર પગલી રોના હૈ બેકાર...    ?
૬.    કુછ યાદ રહે તો સુનકર જા, તુ હાં કર જા યા    કાનન દેવી
૭.    લૂટ રહા હૈ કોઈ, શાયદ લૂટ રહા હૈ કોઈ    ?
૮.    યે મુઝ સે કહા દિલને ચૂપ કે બારબાર    ?
૯.    દૂર દેશ કા રહનેવાલા, આયા દેસ પરાયે    કાનન- આસિત બરન
૧૦    દુલ્હનિયા છમછમાકર ચલી...    ?
અન્ય ગાયકોમાં રણજીત રોય અને અનિમા સેનગુપ્તા છે. અલબત્ત આ ફિલ્મના કયા ગીતોમાં એમનો કંઠ છે, તે માહિતી પ્રાપ્ય નથી.

ફિલ્મ 'જવાબ' ૧૯૪૨ની ફિલ્મ છે, એ જોતાં આજે એના વિશે જાણતા કે જાણવા માંગતા ભાગ્યે જ કોઈ ૧૫- ૨૦ વાચકો મળી રહે. ૬૫- ૭૦ની ઉંમરે પહોંચેલા વાચકો માટે ય સાયગલ- પંકજ મલિક જરા 'આઉટડેટેડ' કહેવાય, પણ વડિલો એ ઉંમર પણ વટાવી ચૂક્યા હોય તો એમને માટે કાનનદેવી ઘણું વિરાટ અને મીઠડું નામ હતું. સાયગલની સાથે સાથે કાનન દેવી પણ પૂરા ભારતના સંગીત ચાહકોમાં એટલા જ સમાયા હતા.

આ ફિલ્મ 'જવાબ'ના ગીતો ૧૯૩૯માં આવેલી ફિલ્મ 'જવાની કી રીત'માં કાનનબાલા (દેવી)એ ગાયેલા, 'લૂંટ લિયો મનધીર, કૌને રસિયા મોરે મનભાયા...' 'ચલી પવન હરસૌં, મહેંક રહી સરસોં' કે 'કૌન મન લૂભાયા, કૈસે મન મેં આયા...' જેવા ગીતો એ જમાનામાં આપણા વડીલોને કંઠસ્થ હતા. એમ તો બધાને હવે યાદ પણ રહ્યું ન હોય પણ ૧૯૪૦માં આવેલી ફિલ્મ 'હારજીત'માં રાયચંદ બોરાલબાબુના સંગીતમાં કાનને ૩- ૪ ગીતો ગાયા હતા, એમાંનું 'કૈસે સુંદર ફૂલન કે હાર, નારી કે ગુણ પિયુ કા સિંગાર...' અમારા ઘરમાં ય મધર ગુનગુનાવતા. આપણા સન્માન્નીય વડિલ ગાયિકા ઉમા ઓઝાને કાનન દેવીનો કંઠ આત્મસાત હતો.

આ કાનન દેવીની તો લતા મંગેશકરે ય આજીવન પ્રશંસક રહી છે. એની શ્રદ્ધાંજલિ ડિસ્કમાં કાનનનું 'તુફાન મેલ' લતાએ પોતાના કંઠમાં પૂરી મધુરતા સાથે ગાયું છે. યસ, એક જમાનામાં સાયગલ સાહેબના કાનન દેવી સાથેના પ્રેમ સંબંધોની હવા ચાલી હતી, પણ સાયગલને ફિલ્મ સાથે સંકળાયેલી કોઈ સ્ત્રી સાથે એવો સંબંધ નહોતો, છતાં ય એમના લગ્ન(ની થોડા પહેલા અથવા થોડા પછી) સાયગલને કાનપુરની એક સ્ત્રી સાથે પ્રેમ હતો અને એક દિવસ એ અચાનક કાનપુરની ટ્રેનમાં બેસી ગયા. સ્ટેશન આવ્યું ત્યારે સાયગલ ધૂ્રસ્કા મૂકીને રડતા હતા. પ્રેમિકાનો મિલાપ થાય એ પહેલાં જ એના અવસાનના સમાચાર સાહેબને સ્ટેશન પહોંચ્યા પહેલા જ મળી ગયા હતા.           

નૌશાદને ઘણી સિદ્ધિઓનો યશ પોતાને નામે કરવાની આવડત હતી. ચારેકોર કહી ચૂક્યા હતા કે, 'સ્વ. સાયગલ સા'બને મારી ફિલ્મ 'શાહજહાં'મા ગાયેલું 'જબ દિલ હી તૂટ ગયા...' એટલી હદે પસંદ આવ્યું હતું કે, એમની સ્મશાનયાત્રામાં પણ ગ્રામોફોન સાથે રાખીને એ ગીત સળંગ વગાડાયું હતું.' સાયગલની ભાણી દુર્ગેશ મહેતા તત્સમયે ઉપસ્થિત હતા એમણે આઘાત સાથે કહ્યું, 'માય ગૉડ.. જાલંધરમાં એ સમયે તો અંગ્રેજ સરકાર સામે વિરાટ તોફાનો ચાલતા હતા, કરફ્યુ હતો, લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નહોતા અને સાયગલ સા'બની સ્મશાનયાત્રાની પરવાનગી માંડ મળી હતી, ત્યાં ગ્રામોફોન સાથે રાખીને આમ કરવું નિહાયત અશક્ય હતું અને એવુ કાંઈ થયું જ નહોતું.       

સૈગલના સગા મામાના દીકરાઓ થતા મદન પુરી, ચમન પુરી, અમરીશ પુરી કે હરિશ પુરી... કોઈએ નૌશાદના દાવાને સમર્થન નથી આપ્યું. મુહમ્મદ રફીએ સૌથી પહેલું ગીત નૌશાદના સંગીતમાં ગાયું હતું, 'હિંદુસ્તાં કે હમ હૈ, હિંદુસ્તાન હમારા...' એવો દાવો નૌશાદે પકડાવાય નહિ એવી સ્માર્ટનેસ સાથે કર્યો હતો, પણ ગામ આખું જાણે છે કે, મુહમ્મદ રફી પાસેથી સૌથી પહેલું ગીત સંગીતકાર શ્યામ સુંદરે ફિલ્મ 'ગુલ બલોચ'માં ગવડાવ્યું હતું. આ પંજાબી ગીત હતું 'સોનિયે ની હીરિયે...' રફીએ ઝીનત બેગમ સાથે ગાયું હતું, જ્યારે પહેલું હિંદી ફિલ્મનું ગીત ફિલ્મ 'ગાંવ કી ગોરી' ('૪૫) ગાયુ હતું... 'ગુલ બલોચ'ના એક વર્ષ પછી !

એ સમયે મુહમ્મદ રફી લાહૌરના નૂર મહોલ્લામાં ભાટી દરવાજા પાસે રહેતા હતા, જ્યાં એમના ભાઈની હેર કટિંગ સલૂનની દુકાન હતી. આ લાહૌરમાં 'હીરા-મંડી' નામનું તવાયફ-બજાર હતું, જે થોડા દિવસોમાં વેશ્યા બજારમાં ફેરવાઈ ગયું. એમ કહેવાય છે કે, ધી ગ્રેટ સંગીતકારો ડો. ગુલામ હૈદર અને અનિલ બિશ્વાસ આ યાત્રાધામની નિયમિત મુલાકાત લતા હતા. હીરા મંડીનું નામ રાજા રણજીતસિંહના શેહજાદા હીરાસિંઘ ઉપરથી પડયું હતું.        

ધી ગ્રેટેસ્ટ ઑફ ધેમ ઓલ... વિશ્વોત્તમ શાસ્ત્રીય ગાયક બડે ગુલામઅલી ખાન ગાયક બનતા પહેલા માત્ર સારંગી વગાડતા, ત્યારે આ હીરામંડીની તવાયફ 'ઇનાયત બાનુ'ના પ્રમમાં હતા, જેમણે ખાં સા'બ પાસેથી સારંગી છોડાવી શુદ્ધ ગાયકી પર ધ્યાન આપવાનું સૂચન કર્યું (બાય ધ વે, તવાયફ અને વેશ્યામાં લાખ, ગાડાનો ફર્ક છે. તવાયફો શરીર નથી વેચતી. એ શે'રો-શાયરી, ગઝલ- નઝમ, કે શાસ્ત્રીય નૃત્યની ઉસ્તાદ જાણકારો હોય છે.) ખાં સાહેબના નાના ભાઈ ઉસ્તાદ બરકતઅલી ખાં શાસ્ત્રીય સંગીતના ઊંડા અભ્યાસીઓના માનવા મુજબ ઠુમરી ગાયકીમાં પોતાના મોટા ભાઈ બડે ગુલામઅલી કરતા ય વધુ જાણકાર હતા. એમના સિવાયના બીજા બન્ને ભાઈઓ મુબારકઅલી ખાં અને અમાનતઅલી ખાં બધા પંજાબના પતિયાલા ઘરાનાના ગાયકો હતા.

આ લખાઈ રહ્યું છે ત્યારે તો આસમાનમાંથી શકોરું ય વરસતું નથી, પણ ૩- ૪ સપ્તાહમાં આ લેખ છપાશે, ત્યારે મહાદેવજીની કૃપાથી વરસાદ વરસશે, એવી આશા શાસ્ત્રીય ગાયકીમાં કજરી ગાવાનું માહાત્મ્ય મોટું છે, હિંદી શબ્દ 'કજરા' ઉપરથી બનેલા આ શબ્દ 'કજરી' ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારની પેદાશ છે. આકાશમાં ગીચોગીચ કાળા વાદળો છવાયા હોય ત્યારે કુંવારિકા એના પ્રિયતમની પ્રતીક્ષામાં ગાય એને કજરી કહેવાય. પંડિત ચુન્નુલાલ મિશ્રા, ગિરીજાદેવી, શોભા ગુર્તુ, રાજન- સાજન મિશ્રા, શારદા સિન્હા અને ખાસ તો શહેનાઈના ઉસ્તાદ બિસ્મિલ્લાહખાન સાહેબે કજરીમાં વિરાટ પ્રદાન કર્યું છે.

ખાન સા'બ બનારસના બાલાજી મંદિરની બહાર શ્રી સરસ્વતી વંદના પણ કરતા જતા જતા એમને ખૌફ એક જ રહ્યો. ભારત સરકારે એમને સર્વોચ્ચ ભારતીય નાગરિકનો 'ભારત-રત્ન' એવોર્ડ આપ્યો પણ સાથે એક રૂપિયો ય નહિ. આપણે ત્યાં 'પદ્મશ્રી, પદ્મભૂષણ કે વિભૂષણ' કેવા અનેક નાગરિક સન્માનના પ્રતિષ્ઠાત્મક એવોર્ડ સરકાર એનાયત કરે છે, પણ બસ.. એટલું જ ! ત્યાંથી ઘેર જવાનું આ રીક્ષાભાડા જેટલી રકમે ય નહિ !         

કાનનદેવી કે કમલ દાસગુપ્તાને સરકારે તો શું, 'ફિલ્મફેર' જેવો ય કોઈ એવોર્ડ એનાયત થયો ન હતો. જેમ મેં ધારણા અને ડર રાખેલા જ છે કે, આ ફિલ્મ વિશેનો આ લેખ ભાગ્યે જ કોઈ વાંચશે, પણ એ સમયના તમામ વડિલોને કાનન દેવી કરતા ય વધુ પ્રેમ આદર તો આ ફિલ્મના સંગીતકાર કમલ દાસગુપ્તા (બોંગોલી ઉચ્ચાર મુજબ 'કોમોલ દાશોગુપ્તો') માટે હતો.

એ સમયના એ શ્રેષ્ઠ નહિ સર્વશ્રેષ્ઠ સંગીતકાર હતા, રાયચંદ બોરાલ પછીના નંબરે ! કમલ દાસગુપ્તાએ બંગાળી ગૈરફિલ્મી ગીતોના સંગીત ઉપર વઘુ ફોકસ કર્યું, એમાં ફાયદો જગમોહન ('સુરસાગર') અને તલત મેહમુદને ખાસ થયો. કમલને સૌથી વધુ નિકટતા જ્યુતિકા રોય સાથે રહી. કહે છે કે, બન્ને વચ્ચે પ્રેમ સંબંધ પણ હતો, પણ કમલે અચાનક ઇસ્લામ અંગીકાર કરી લેતા બન્ને વચ્ચે સંબંધો પૂરા થઈ ગયા હતા અને જ્યુતિકા આજીવન અપરિણીત રહ્યા હતા. બે- ત્રણ હિંદી ફિલ્મોના ગીતોને બાદ કરતા જ્યુતિકાએ પણ કેવળ ભજનો જ ગાયા હતા. ખાસ કરીને મીરાંબાઈના ભજનો માટે જ્યુતિકા આજે પણ એક ઓથોરિટી કહેવાય છે.

સંગીત ઉપર બંગાળનો પ્રભાવ એ હદે હતો કે, સ્વયં સાયગલ પણ પ્રારંભના વર્ષોમાં કલકત્તા જ સેટલ થયા હતા, બોરાલબાબુના એ લાડકા ગાયક હતા. પંકજ મલિક, પહાડી સાન્યાલ, હેમંતકુમાર, તોપોન કુમાર (તલત મેહમુદ), કાનનદેવી, કૃષ્ણચંદ્ર ડે જેવા ગાયકોએ માત્ર કલકત્તામાં નહિ, પૂરા દેશમાં ધુમ મચાવી હતી.

એક નાનકડી ધૂમ તો આજની ફિલ્મ 'જવાબે' પણ મચાવી હતી. આમ તો, પ્રાંતવાદ બધે એ વખતે ય નડતો હતો અને બંગાળની હિંદી ફિલ્મોનો પણ બાકીના ભારતમાં ખાસ કોઇ લેવાલ નહિં, પણ સંગીતને તો મૂકવા ક્યા જાય ? ફિલ્મ 'જવાબ'માં કમલબાબુનું સંગીત અને કાનન દેવી અને આસિત બરનના ગીતો મુલ્કમશહૂર એવા થઇ ગયા કે, સંગીત જાણતો ઇવન આજની પેઢીનો છોકરો હોય તો માની જવું પડે કે, ગીતોમાં મેલડી (મધૂરતા) મોટા ભાગે કલકત્તાનો ઇજારો હતો.

એ વાત જુદી છે કે, એ સમયની સમજો ને તમામ... ફિલ્મો આજે આપણને ય ગળે ઉતરે નહિ એવી ફાલતુ હતી... આજની આ 'જવાબ' પણ સુપર- ફાલતુ હતી. સ્વ. મોતીલાલ જેવો અવાજ અને ચહેરો ધરાવતા હીરો- દિગ્દર્શક પ્રથમેશ (બાંગ્લા ઉચ્ચાર 'પ્રોથોમેશ બોરૂઆ' બરૂઆએ ખૂબ મહેનત કરીને શક્ય એટલી કચરો ફિલ્મ બનાવી છે.

વાર્તામાં ઢંગધડા કે ગળે ઉતરે એવી તો કોઈ વાત હોય નહિ, પણ એ વખતના પ્રેક્ષકો પાસે આથી વધુ ખરાબ ફિલ્મોનો સ્ટોક પણ નહોતો, એટલે ખાસ તો સંગીતના દમ પર આવી ફિલ્મો ચાલી જતા. એક મહામાનવ જેટલી ધીરજ અને હિંમત રાખીને મેં પૂરી ફિલ્મ જોઈએ અને સળંગ ત્રણ કલાકનો યોગ કરીને અહીં આ ફિલ્મની વાર્તા નહિ પણ એના અંશ પણ કહેવાની કોશિષ કરી જોઉં છું.. મને હિંમત આપજો અને આ અંશોમાં ય સમજ ન જ પડે તો દોષ પ્રોમોથેશ બોરૂઆ બાબુનો કાઢજો.

હીરો તો એ પોતે જ છે અને હીરોઇન કાનન દેવી એક ગરીબ સ્ટેશન માસ્તરની દીકરી. હીરો દર ત્રીસમી સેકંડે કાં તો યાદદાસ્ત ગુમાવી બેસે છે ને કાં તો ડાહ્યો હોય ત્યારે પાગલો જેવી હરકત કરે છે. એમાં હીરોઇન જ નહિ, સાઇડ હીરોઇન જમના (જે સાયગલની ફિલ્મ 'દેવદાસ'ની હીરોઇન અને અસલ જીવનમાં પ્રથમેશની પત્ની) પણ ગોટાળે ચડી જાય છે. આ બન્ને અનુક્રમે મીના અને રેવા આ ગાંડિયાને પ્રેમો કરે છે, પણ ફિલ્મ પૂરી થતા સુધીમાં એ નક્કી કરી શકતો નથી કે, બેમાંથી એકે ય એને પ્રેમ કરે છે કે નહિ ! વાર્તાની જરૂરત મુજબ, વચ્ચે એક વિલન બારીન બાબુ (જહુર ગાંગુલી) વિલાયતથી આવે છે અને મીનાને નહિ, વેમ્પ સમી રેવા (જમુના)ને પ્રેમજાળમાં ફસાવવાના હવાતિયા મારે છે ને પેલી એનું આડેધડ અપમાનો કરે રાખે છે. વચમાં બન્ને ડોહાઓ અકળાયે રાખે છે કે આ લોકોનું કાંઈ પતે તો અમે છૂટીએ. ફિલ્મ શરૂ થવાની બરોબર ૧૫૭ મી મિનિટે દિગ્દર્શકના હૈયે પ્રભુ શ્રી રામ વસે છે અને ફિલ્મ પૂરી થાય છે.. ડર તો એવો પેસી ગયો હતો કે, ૧૯૪૨માં શરૂ થયેલી આ ફિલ્મ આજે ઇ.સ. ૨૦૧૮માં ય પૂરી થશે કે નહિ થાય !

સાચું પૂછો તો આ ફિલ્મનું જૉનર કોમેડીનું છે અને પ્રેક્ષકોને હસાવવા ફિલ્મના દરેક કલાકારો ઉંધા પડી ગયા છે. શક્ય છે કે એ જમાનાના પ્રેક્ષકોને ક્યાંક હસવું આવતું હશે, પણ વાર્તા લેખક કે દિગ્દર્શકના ઇરાદા વગરે ય કેટલાક કૉમિકો ઉભા થતા રહે છે, જેમ કે, ફિલ્મનો વિલન વિલાયત રિટર્ન છે. આજના છોકરાઓને વિલાયત એટલે શું, તેની સમજ નહિ પડે પણ ગાંધીજીના સમયથી લંડનને વિલાયત કહેવામાં આવતું.

હિંદી ફિલ્મોમાં વિલાયતથી મોટા ભાગે વિલન જ પાછો આવે, જેણે ઇંગ્લિશ-સ્ટિચિંગનો દેશી થ્રી-પીસ સૂટ પહેર્યો હોય. માથે ફૅલ્ટ હેટ કે પિથ ટોપો (આપણી ગુલામીના સમયમાં અંગ્રેજ પોલિસ અધિકારીઓ ખાખી ટોપો પહેરતા એને પિથ-હેટ કહેવાય.) પહેરે. હાથમાં લેવાદેવા વગરની એક લાકડી (સ્ટિક) રાખે અને ઘરમાં ય હૉલ-શુઝ પહેરીને ફરતો હોય. તારી ભલી થાય ચમના.. આવા વાઘા પહેરીને તારે વૉશરૂમ જવું હોય તો કેટલા દિવસે પાછો આવે ?

આપણી એ ફિલ્મોમાં બધી જગ્યાએ એ પુરવાર કરવાનો પ્રયત્ન થતો કે દુનિયાભરનું જે કાંઈ બધુ સારૂં, એ ભારતનું અને દુષ્ટ અને પાપી હોય એ બધું આ ધોળિયાઓનું ! એટલે આપણો ઇન્ડિયન હીરો- ટેબલ ખુરશી પર જમવા નથી બેસતો અને ભોંય પર થાળી- વાડકા પિરસાવીને બેસે છે. આજે આ દ્રષ્ય ધરી જોઈએ કે, આપણી હોટલ કે ક્લબોમાં ટેબલ- ખુરશીને બદલે બધાએ જમવા તો જમીન પર જ થાળી- વાટકા મુકીને બેસવાનું બા કેવા ખિજાય ?

બીજી ગમ્મત એ આવે કે, ગીતના ચિત્રાંકનમાં હીરો કે હીરોઇન ગીતો ગાતા હોય ત્યારેે આખુ મુખડું કે અંતરો પૂરો ગવાઈ ન રહે, ત્યાં સુધી મજાલ છે કે કેમેરાની કે પોતાના સ્થાન ઉપરથી ખસે ? અંતરો પૂરો થઈ જાય એટલે હીરોઇન પોતે કેમેરાની ફ્રેમની બહાર નીકળી જાય તો ભલે, બાકી કેમેરા તો અઘોરી બાવાની જેમ ત્યાં જ ખોડાયેલો રહે. વાત મજાની ત્યાં બને કે, ગીતમાં 'ઑબ્લિગેટો' આવે ત્યારે પરદા પર ગાનારો નીચું કે આડું જોઈ જાય 'ઑબ્લિગેટો''નો સાદો અર્થ એ છે કે, મુહમ્મદ રફીએ ફિલ્મ 'દિલ એક મંદિર'માં ગાયેલા 'યાદ ન જાયે, બીતે દિનોં કી...'માં યાદે ન જાયે.

પછી તરત જ વાયોલિનના- ઓરકેસ્ટ્રાનો પિસ વાગે તે.) ગાયકના કંઠમાં શબ્દો વચ્ચે ખાલી પડતી જગ્યા પુરવાના એ કામમાં આવે ! એ વખતની ફિલ્મોમાં ગીતોનું આવું 'ટેકિંગ' સ્થૂળ કક્ષાનું હોવાથી આવા ઑબ્લિગેટો વખતે કાંઈ સૂઝ ન પડવાથી ગાનાર હીરો- હીરોઇન પણ લાચાર થઈને કેમેરાની સામે જોયે રાખે. તોડફોડની વાત એ છે કે, 'અય ચાંદ છૂપ ન જાના...' જેવા મધુર ગીતોને ફિલ્મના ચિત્રાંકનના મામલે કોઈ લેવાદેવા જ ન હોય. હીરોઇન જે બારીમાંથી ગાતી હોય, એની પાછળ ચાંદ દેખાતો હોય... એ પછી પૂરા ગીત દરમ્યાન એ જ્યાં જ્યાં ફરે, ત્યાં આકાશમાં ચાંદ પણ હવાફેર કરતો રહે. ઘચરકો આપણને આવી જાય કે, હજી હમણાં તો ચાંદ આ બારીમાં હતો ને એટલી વારમાં આ બાલ્કનીમાં ક્યાંથી આવી ગયો ? થૅન્ક ગોડ, ગીતના શબ્દોમાં ચંદા અને સૂરજ- બે ય સાથે નથી આવતા...!

એ વખતની મોટા ભાગની ફિલ્મોમાં સર્વોત્તમ સિદ્ધિ એક જ હોય છે કે... ફિલ્મ પૂરી થાય ને પ્રેક્ષકો ઘેર જઈ શકે.

No comments: