Search This Blog

08/07/2018

ઍન્કાઉન્ટર : 08-07-2018


* કપિલ શર્માના શોમાંથી નવજ્યોતસિંઘ સિધ્ધુનો ત્રાસ ક્યારે બંધ થશે ?
ખુશીના સમાચાર છે. સિધ્ધુ કોંગ્રેસમાં જોડાયો છે.
(
ડૉ. નવીન કેવલીયા, જામનગર)

* સંતો-મહંતો કે ડાયરાના કલાકારો ખભે શૉલ કેમ રાખે છે ?
- 
લોકો ફ્રીજ કે ટીવી ઓઢાડે તો ખભે લટકાવવાનું ના ફાવે !
(
હરપાલસિંહ ગોહિલ, અમદાવાદ)

* અમારે ત્યાં એક ભૂવો ફક્ત સ્ત્રીઓના જ દુ:ખ દૂર કરે છે... મને એની ઈર્ષા આવે છે...
-    
ઈર્ષા કરવી સ્ત્રી-સ્વભાવ છે.
(
પ્રકાશ દેઢીયા, મુંબઈ)

* મા ના પગ નીચે જન્નત છે, તો બાપના પગ નીચે શું ?
-     
ચપ્પલ... એ જન્નતમાં જવા માટે !
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* રાહુલ ગાંધી વડાપ્રધાન ક્યારે બનશે ?
-    
કૉંગ્રેસને આવી શુભેચ્છાઓ.?
(
અલકા મૂકેશ ચંદારાણા, મીઠાપુર)

* માયાવતી કે અખિલેશ યાદવ... સરકારી બંગલા ખાલી કરતા કેમ જોર આવે છે ?
-     
બાપાનો માલ છે, ને ?
(
નૈષધ દેરાશ્રી, જામનગર)

* અમેરિકા હતા, છતાં તમે ભારત પાછા કેમ આવી ગયા ?
-     '
સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા.'
(
ભરત ડી. સાંખલા,ડીસા)

* બાળમજૂરી ગૂન્હો છે, પણ એ બાળકના ઘરમાં ખાવાનું અન્ન છે કે નહિ, એ તપાસ કેમ નહિ ?
-     
બાળમજૂરી માટે એની પાસે વધારે પડતું અને અનૈતિક કામ કરાવનારા બદમાશ હોય છે... એ ગૂન્હો છે.
(
અમૃતલાલ છાટબાર, રાજકોટ)

* શરાબનો વરસાદ ક્યારે ?
-     
એટલો બધો ઢોળાઇ જાય, એ તમને પોસાશે ?
(
દિનેશગીરી ગોસ્વામી, પોરબંદર)

* કઇ પળે માણસ એકલો અટૂલો પડી જાય છે ?
-     
લખી લો. બરોબર ૧૨ વાગે.
(
ઝૂલ્ફિકાર અલીહુસેન, મુંબ્રા)

* કુદરતની ગોદમાં કોણ આસાનીથી જીવે છે ? માણસ કે પશુ ?
-    
જરા જોઇ લેજો... બાજુમાં કોઇ ઊભું નથી ને ?
(
નૂરમુહમદ સુમરા, મુંબઈ)

* રાષ્ટ્રગીતનો પ્રચાર અને પ્રસાર સફળ થયો ?
-     
ધાર્મિક કાર્યક્રમો સિવાય બધે જ સફળ છે.
(
હરિશ મણિયાર, જેતપુર)

* હીરોઇનો પ્લાસ્ટિક સર્જરી કરાવે છે, હીરો કેમ નહિ ?
-     
એમને બ્રૅઇનની કરાવવી પડે છે.
(
પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)

* આવો ને ક્યારેક, એવું કહેવું, ને જાવ ત્યારે ઘરે ન રહેવું. આવા માણસોને શું કહેવું ?
-     
હા. આવા નસીબદાર અને હિમ્મતવાળા લોકો ય હોય છે.
(
પી. એમ. પરમાર, ગાંધીનગર)

* આ જ્યોતિષીઓ પોતાને 'ગોલ્ડ-મૅડલિસ્ટ' ગણાવે છે, પણ એમને મૅડલો આપે છે કોણ ?
-     
દૂધની તપેલી પર ઢાંકવાની તાસકને એ લોકો ગોલ્ડ મૅડલ ગણે છે...
(
હીરાભાઇ સિંધી, વડોદરા)

* સ્ત્રીઓ મંદિરના સ્વામી-ગુરૂઓના ફંદામાં ફસાઇ કેમ જાય છે ?
-     
પોણીયા પતિ મળ્યા હોય, એવી સ્ત્રીઓને ગુરૂઓનો આશરો લેવો ગમે છે.
(
વંદિત નાણાવટી, રાજકોટ)

* આવી મોંઘવારીથી ત્રાસેલી પ્રજા ઇ.સ. ૨૦૧૯-ની ચૂંટણીઓમાં કેવો જવાબ આપશે ?
-    
સારો.
(
હસમુખરાય રાજાણી, રાજકોટ)

* તમે પ્રશ્નકર્તાના નામ-સરનામા પૂછો છો, ઉંમર કેમ નહિ ?
-     
આ કૉલમ કેવળ પુરૂષો માટે નથી.
(
ચંદ્રકાંત જાની, જામનગર)

* ભૂલમાં મારૂ દિલ કોઇને દેવાઇ ગયું છે. શું કરવું ?
-     
ઘડપણમાં આવું તો થવાનું જ !
(
ભરત અંજારીયા, રાજકોટ)

* પાકિસ્તાની પથ્થરબાજોને આપણા ગૃહમંત્રી રાજનાથસિંહ ક્યાં સુધી ચલાવે જશે ?
-     
બસ. હવે ૨૦૧૯-ની ચૂંટણીઓ સુધી તો એ ય મર્દાનગી બતાવશે.
(
જી.એન. પરીખ, વડોદરા) અને (રજાહુસેન બચુભાઇ, મહુવા)

* કૉલમનું નામ 'ઍન્કાઉન્ટર' રાખવાનું કારણ ?
-     
પથ્થરબાજો માટે આનાથી ઉત્તમ નામ કયું હોઇ શકે ?
(
ધવલ પંચાલ, વૅડ-સમી)

* અમિત શાહ અમદાવાદ આવ્યા ત્યારે તમને ખાસ બોલાવ્યા હતા ?
-
ના અમારા બન્નેના ટેસ્ટ ઊઁટચા છે.
(
પ્રેમાબેન મેહતા, અમદાવાદ)

* ફિલ્મોમાં હીરોની બહેન એને માટે ખીર અને 'મૂલી કે પરોઠે' જ કેમ લાવતી હશે ?
-     
ઘરમાં એ જ વધ્યું હોય !
(
અજીત બી. શાહ, અમદાવાદ)

* શ્રીકૃષ્ણે હવે અવતાર લેવો જોઇએ એમ નથી લાગતું ?
-     
હમણાં તો તમે છો ને ? તમારા ઉપર વિશ્વાસ છે.
(
મયંક આચાર્ય, જામનગર)

* 'ઍનકાઉન્ટર'માં રાજકીય નેતાઓ સવાલ કેમ નથી પૂછતા ?
-     
એ લોકોનું કામ સવાલો ઊભા કરવાનું છે... પૂછવાનું નહિ !
(
પરિમલ રાજદેવ, સુરેન્દ્રનગર)

No comments: