Search This Blog

20/07/2018

'આલાપ' ('૭૭)


ફિલ્મ : 'આલાપ' ('૭૭)
નિર્માતા : એન.સી.સિપ્પી
દિગ્દર્શક : ઋષિકેષ મુકર્જી
સંગીતકાર : જયદેવ
ગીત- સંવાદ : ડો. રાહી માસુમ રઝા
રનિંગ ટાઈમ : ૧૪- રીલ્સ : ૧૬૧- મિનીટ્સ
થીયેટર : શ્રી (અમદાવાદ)
કલાકારો : અમિતાભ બચ્ચન, રેખા, છાયાદેવી, ઓમપ્રકાશ, લીલી ચક્રવર્તી, અસરાની, વિજય શર્મા, ફરિદા જલાલ, બેન્જામિન ગીલાણી, મનમોહન કૃષ્ણ, એ.કે.હંગલ, યુનુસ પરવેઝ, મા.રવિ, લલિતા કુમારી, ઝૂમુર અને સંજીવ કુમાર ( મેહમાન કલાકાર)

ગીતો
૧... માતા સરસ્વતી શારદા, વિદ્યાદાની દયાની.. લતા મંગેશકર- દિલરાજ
૨... માતા સરસ્વતી શારદા, વિદ્યાદાની.. મધુરાની, દિલરાજ કૌર, યેસુદાસ
૩... બિનતી સુન લે તનિક નટખટ ગોરી મોરી... અસરાની
૪... ચાંદ અકેલા જાય સખી રી, કાહે અકેલા જાય.. યેસુદાસ
૫... હો રામા ડર લાગે અપની ઉમરીયા સે... અસરાની
૬... આઈ ઋતુ સાવન કી, પિયા મોરા જાય રે... ભૂપિન્દર- ફૈયાઝ
૭... આઈ ઋતુ સાવન કી, પિયા મોરા જાય રે.. કુ. ફૈયાઝખાન
૮...નઇ રી લગન ઔર મીઠી બતીયાં, પિયા.. ફૈયાઝ, મધુરાની, યેસુદાસ
૯... જીંદગી કો સંવારના હોગા, દિલ મેં સૂરજ ઉતારના... યેસુદાસ
૧૦... કાહે મનવા નાચે હમરા, સખી રી કોઈ ઇસે.. લતા મંગેશકર
૧૧... કોઈ ગાતા મૈં સો જાતા (ડો. હરિવંશરાય બચ્ચન)... યેસુદાસ
ફિલ્મના પાર્શ્વગીતમાં ઉસ્તાદ બડે ગુલામઅલીખાંની રચના 'રૈના અંધિયારી'નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તમારા શહેરમાં તમારા લેવલના બસ કોઈ.. ૧૫-૨૦ ટકા લોકો રહે છે, જેમને આ જ અમિતાભ બચ્ચનની 'અમર, અકબર, એન્થની' કરતા ફિલ્મ 'આનંદ' કે 'બ્લેક' જેવી ફિલ્મો ગમે છે. અમિતાભની ઢિશૂમ ઢિશૂમવાળી ફિલ્મો સામે એમનો કોઈ એતરાજ નહિ, પણ પરિવાર સાથે બેસીને આવી અર્થપૂર્ણ ફિલ્મો જોઈને પ્રસન્ન થનારા ગુજરાતીઓનો એક ચોક્કસ વર્ગ છે. એવા પરિવારોને ઋષિકેશ મુકર્જીની સમજો ને, તમામ ફિલ્મો ગમે. એમાં મારામારી તો ઠીક છે, પર્વત પરથી ગબડતા ગબડતા ગીત ગાતા હીરો-હીરોઈનો ય જોવા ન મળે, પણ આવી સંસ્કારી- સંસ્કારી ફિલ્મો જોયા પછીની પ્રસન્નતા એમના માટે રામાયણ- ભગવત ગીતાના પાઠ કર્યા જેવી શાંતિમય લાગે છે.        

આવી જ એક ફિલ્મ 'આલાપ' છે. ઋષિ દા ની અન્ય સુંદર ફિલ્મો જેવી અને જેટલી તો આ ફિલ્મ સફળ નહોતી, અને થીયેટરોમાં ક્યારે આવી અને ક્યારે ઉતરી ગઈ, તેની ય ઇવન.. આ લોકોને ય ખબર પડી નહિ.

ફિલ્મ અમિતાભની (અને પાછી રેખા !) હોવા છતાં પિટાઈ ગઈ, એના કારણોમાંનું પહેલું પકડાયું છે એ... ફિલ્મ ઋષિ દા ની હોવા છતાં આટલી હદે મેલોડ્રામેટિક ! મહીં હ્યૂમરનું નામ પણ નહિ ? ફિલ્મના બન્ને સેન્ટ્રલ કેરેક્ટરો- બચ્ચન અને રેખાના કિરદારો અત્યંત ઢીલા બની ગયા.

કોઈ સેન્સેશન કે વાર્તામાં ઉભાર લાવે એવા નહિ ! બીજું, શાસ્ત્રીય સંગીતની દ્રષ્ટિએ ઘણી ઊંચાઈઓ સુધી પહોંચેલું જયદેવનું આ ફિલ્મનું સંગીત થોડું ય લોકભોગ્ય ન બન્યું. (મોટા ભાગે, ટિકીટબારી ઉપર ફિલ્મો ચાલતી હોય છે, દિલડોલ સંગીતથી. એવું અહીં કશું સાંભળવા ન મળ્યું... ભલે આખી ફિલ્મ ધી ગ્રેટ કુંદનલાલ સેહગલ અને મૂકેશને અર્પણ કરવામાં આવી હોય.. ઘેર બેઠા આપણે ય કાંઈ ગુનગુનાવી શકીએ, એવું કાંઈક તો હોવું જોઈએ ? નહોતું.)

બીજું, સાબિત થઈ ન શકે એવું કારણ એ પણ હશે કે, બચ્ચને ફિલ્મ ઋષિકેશ મુકર્જીની છે, માટે પરાણે સાઈન કરી હોય. એક તો ભારતના પ્રેક્ષકો માટે બચ્ચન હી-મેન હીરો બની ચૂક્યો હતો, જેમાંનું અહીં કાંઈ જોવા ન મળે અને બીજું, રાજેશ ખન્નાની જેમ અમિતાભ બચ્ચન માટે પણ ઋષિ દા પિતાતુલ્ય હતા ને એમને ના પડાય નહિ. (પ્રોફેશનલ કારણ એ પણ હોય જ કે, બચ્ચનની કરિયરમાં પાયાનો પથ્થર ઋષિ દાએ મૂક્યો હતો અને બચ્ચન સુપરસ્ટાર બની ગયો, એ પછી પણ ઋષિ દા એ જ જૂના ભાવે એની પાસે કામ કરાવવા માંગતા હોય ! પ્રેક્ષકો સાદી છતાં ઝૂલાવી મૂકે, એવી સનસનાટી ય ફિલ્મમાં ઇચ્છતા હોય, જેને બદલે અહીં ફિલ્મ મંથર ગતિએ, ઝાઝી કોઈ ઘટનાઓ બન્યા વિના ચાલતી રહે છે, જે પ્રેક્ષકોને પસંદ આવ્યું ન હોય!

અને એમાં ય, વાર્તાનું (કે ફિલ્મનું) સેન્ટ્રલ-કેરેક્ટર ચરીત્ર અભિનેતા ઓમપ્રકાશ છે, જેણે પોતાની ફિલ્મ કરિયરના દસ- પંદર સર્વોત્તમ કિરદારો ભજવ્યા હોય, એમ અહીં અદ્ભુત અભિનય કર્યો છે. ફિલ્મમાં રેખા કરતા ય જેનું મહત્વ ઘણું વધારે છે, એ બંગાળી વૃધ્ધ ચરીત્ર અભિનેત્રી છાયાદેવી ધાર્યા કરતા વધુ કદરૂપી છે અને પ્રેક્ષકોને એ જ ચેહરો વારંવાર જોયે રાખવાનો ક્યાંથી પોસાય ? આ લખનારનું એક નિરીક્ષણ એવું છે કે, છાયાદેવીના મૃત્યુ પછીના હારતોરા માટેના ફોટામાં વાળ કાળા- ધોળા છે, પણ પૂરી ફિલ્મમાં કાળી ભમ્મર વિગ પહેરી રાખી હોવાથી શ્રધ્ધાંજલિના એ ફોટોગ્રાફર ઉપર શક જાય કે, 'આવી કમાલ એણે કેવી રીતે કરી હશે કે, જીવતે જીવત કાળા ભમ્મર વાળ અને અવસાન પછી ઘરડી ડોસીના વાળ.. ?'

આવું આપણું મોઢું ચઢી જાય છે, બારમાસી રોતડ કલબના આજીવન સભ્ય મનમોહનકૃષ્ણના વાળ જોયા પછી ! એક તો કાકાને માથે ભારે જથ્થામાં વાળ પહેલેથી હતા, પણ શક એ જાય કે, એનાથી વધારે વાળ તો કાકાના કાનમાંથી નીકળતા હતા.. એ કદાચ વધીને માથે ચોંટાડયા હશે ! તમારે ફિલ્મ માટે શોટ આપવાનો છે, તો એટ લીસ્ટ.. પ્રેક્ષકોને આવું બધું જોવું ન પડે એનો ખ્યાલ એ એકટર અને ડાયરેક્ટરે તો રાખવો જોઈએ ને ? આ તો પ્રેક્ષકો ઘેરથી મોઢું શુકનવંતુ કરીને નીકળ્યા હશે કે, રોતડ- કલબના બીજા સન્માન્નીય સભ્ય અભિ ભટ્ટાચાર્યને એકાદ-બે દ્રષ્ય સિવાય વધુ જોવા પડતા નથી, પણ મહેમાન- કલાકાર તરીકે કામ કરતા સંજીવ કુમારે હિંદુ ફિલ્મોમાં અનેક ચમત્કારો કર્યા છે.

એક ચમત્કાર તો એના હેર-ડ્રેસરનો છે કે, ફિલ્મે ફિલ્મે સંજીવ કુમારને માથે અલગ-અલગ વિગ પહેરાવી છે. કોઈ ડિરેક્ટર ધ્યાન નહિ રાખતો હોય કે શું, ભગવાન જાણે પણ ફિલ્મમાં યુવાનીમાં સંજીવને માથે જે કાંઈ બાલબચ્ચા હોય.. આઈ મીન, બાલ હોય એ પછી બુઢાપામાં સફેદ ચમકતા વાળનો જથ્થો, ઘેર શાકભાજી લઈને આવતી ગુજરાતણ જેટલો હોય ! નવાઈઓ લાગે કે, ઉંમર વધે એમ વાળ ઘટે, પણ ફિલ્મોમાં હીરો ઘરડો થાય એટલે વધારાનો માલ બજારમાં વેચી શકાય એટલા જથ્થામાં એની વિગમાં વાળ ખોસ્યા હોય ! અહીં સંજીવ ફિલ્મ 'શોલે'ના ઠાકૂર સા'બવાળા ગેટ-અપમાં છે. એજ લટકતી શોલ, એ જ કપાળ પર ઝૂલતી સફેદ વાળની લટો અને એ જ અદાયગીમાં આ ફિલ્મમાં સંવાદો બોલવાના !

આ ફિલ્મમાં અમિતાભની ભાભી બનતી લીલી ચક્રવર્તીને તમે વિનોદ ખન્નાની ફિલ્મ 'અચાનક'માં જોઈ છે. એનો ગોરધન બનતો વિજય શર્મા ઋષિકેષની એ વખતની લગભગ બધી ફિલ્મોમાં હતો, જેમ કે ફિલ્મ 'મિલી' કે 'ગુડ્ડી'. દરેક ફિલ્મ દિર્ગદર્શકની મોટા ભાગે એક ટીમ રહેતી જેમ કે, ઋષિ દા ની હરએક ફિલ્મમાં રસોઈયો મહારાજ હોય જ અને એ રોલ દેવકિશન નામનો કલાકાર (ફિલ્મ 'આનંદ') ભજવતો. આ ફિલ્મમાં એના જેવો જ દેખાતો બીજો રસોઈયો ઋષિ દા પકડી લાવ્યા છે.       

ફરિદા જલાલ બટકી પણ એ જમાનામાં ખૂબસુરત દેખાતી, પણ એનો ગઢ એની સ્વાભાવિક એક્ટિંગ હતી. જો કે, બાળકલાકાર તરીકે એની ફિલ્મ ગુરૂદત્તની 'ચૌદહવી કા ચાંદ'હતી. ફિલ્મ 'આરાધના'માં રાજેશ ખન્નાની સેકન્ડ હીરોઈન બનવાનું ભાગ્ય એને મળ્યું હતું, પણ બેન બટકા અને શરીર ગોળમટોળ એટલે જીંદગીભર બહેન, બેટી કે સખીના રોલથી આગળ વધી ન શક્યા. બેન્જામિન ગીલાણી તો પોતાના જમાનામાં ય ખીલ્યો નહતો. નામ ચગ્યું હતું, એ વખતે શબાના આઝમી સાથે નામ જોડાવાને કારણે !

ઓમપ્રકાશ અંગત જીવનમાં ઘણો ભલો માણસ હતો. જીંદગીમાં કમાયેલું ઘણું બધું એની પ્રેમિકા અનિતા ગૂહા ખાતર વાપરી નાંખ્યું. જુગારના શોખે એને બર્બાદ કરી નાંખ્યો. મનમોહનકૃષ્ણ ચરિત્ર અભિનેતા કહેવાય અને ૨૫૦- થી વધુ ફિલ્મોમાં એણે કામ કર્યું. બી.આર.ચોપરા સાથેના અંતરંગ સંબંધોને કારણે ચોપરાની લગભગ બધી ફિલ્મોમાં એને કામ મળતું. એનો એક જ પ્રોબ્લેમ હતો. એક સેકન્ડમાં એ ચહેરા ઉપર છવ્વીસ હજાર (!) હાવભાવો લાવી શકે પણ એકે ય ભાવ ટકે નહિ. લલિતાકુમારી ઋષિકેષની ફેવરિટ બંગાળી એકટ્રેસ હતી, જે ફિલ્મ 'મિલી'માં તાજા પરણેલા અમિતાભ-જયાને અડધી રાત્રે ફેન-ફોન કરે છે.

યસ. બધાને એ જાણવાની તાલાવેલી હોય કે, ફિલ્મમાં સંજીવ કુમારની પ્રેમીકા બનતી યુવતી ( જે મોટી થઈને છાયાદેવી બને છે) નું નામ શું ? 'ઝુમુર' હતી, ઝૂમુર ગાંગુલી. થોડી ઘણી બંગાલી ફિલ્મોમાં આવીને હોલવાઈ ગઈ હતી. ફિલ્મની નામ પૂરતી હીરોઈન રેખા છે. અમિતાભ બચ્ચન સાથેના એના 'સંબંધો'ને કારણે આ જોડી આમે ય ખૂબ ચર્ચામાં હતી.. આજે ય ચર્ચામાં તો છે જ!

ફિલ્મ 'આલાપ'નો સૌથી વધુ સમૃધ્ધ પાર્ટ હોય તો તેનું પૂજનીય કક્ષાએ પહોંચેલું સંગીત હતું. સ્ટેજ પર ગાવા માંગતી યુવતીઓએ આ ફિલ્મમાં લતા મંગેશકરે ગાયેલું, 'કાહે મનવા નાચે હમરા, સખી રી કોઈ ઇસે..' ફક્ત એક વાર સાંભળી લેવા જેવું છે, ત્યારે ખબર પડશે કે, લતા મંગેશકર શું ચીજ છે ! ગાવાની તો બહુ દૂરની વાત છે, સાંભળવામાં ય તરડાઈ જઈએ એવું આ ગીતનું કમ્પોઝિશન છે. એની સામે ઘણી લોકપ્રિય થયેલી આ ફિલ્મની સ્તુતિ 'માતા સરસ્વતી શારદા, વિદ્યાદાની દયાની...' સંગીતની કલાનો એક ઉત્તમ પીસ છે.         

સંગીતકાર જયદેવની રચના ગાવાની આવે. તે પહેલા મંગેશકર- સિસ્ટર્સને ઘેર ઘણો રિયાઝ કરીને જવું પડતું. એવું એ બન્નેએ જાહેરમાં કીધું છે. દેવ આનંદની ફિલ્મ 'હમદોનોં' કે સુનિલ દત્તની 'મુઝે જીને દો'ના એક એક ગીતો આપણે જીવીશું, ત્યાં સુધી તો ભૂલવાના નથી, પણ સ્વયં જયદેવને તો આ બન્ને મહાનુભાવો ય ભૂલી ગયા હતા.. સૃષ્ટિના ઉતમોત્તમ સર્જનો જેવા ગીતો બનાવવા છતાં દેવ આનંદે પણ 'હમદોનોં' પછી જયદેવને પોતાની ગ્રેટનેસ સાબિત કરી દીધો.          

એ ફિલ્મના અવિસ્મરણીય ગીતોથી. બધાએ તો ન સાંભળ્યું હોય પણ, અમોલ પાલેકરની એક ફિલ્મ 'રામનગરી'માં જયદેવે એક ભજનથી પણ સંગીતની ઊંચાઈઓને પોતાની ઊંચાઇ બનાવી દીધી હતી, એ ભજન હતું નીલમ સાહની અને હરિહરનના કંઠમાં, 'મૈં તો કબ સે તેરી શરન મેં હું, મેરી ઓર તું ભી તો ધ્યાન દે..'     

મારી પસંદગીના આશા ભોંસલેના દસ ગીતો મૂકવાના હોય તો, 'મુઝે જીને દો'નું 'ક્યા બ્બાત હૈ' કોરસ, 'માંગ મેં ભર લે રંગ સખીરી આંચલ ભર લે તારે, મિલન ઋતુ આ ગઈ...' આવે જ. બધાને 'પ્રેમપરબત'નું લતાનું ' યે દિલ ઔર ઉનકી નિગાહેં કે સાયે..' ગમતું જ હોય, પણ મને સ્પર્ષી ગયું આ જ ફિલ્મનું રાગ તિલક કામોદ પર આધારિત લતાનું જ, 'યે નીર કહાં સે બરસે હૈં યે બદરી કહાં સે આઈ હૈ...' ગીતાના પદ્મા સચદેવે લખેલા શબ્દો ય કેવા કાવ્યમય છે ! 'પંછી પગલે કહાં ઘર તેરા રે, ભૂલ ન જઈયો અપના બસેરા રે,કોયલ ભૂલ ગઈ જો ઘર વો લૌટ કે ફિર કબ આઈ હૈ...'      

કેન્યા- નાયરોબીમાં જન્મેલા જયદેવે '૪૦- ના દશકમાં ૭-૮ ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં નાદિયા-જોન કાવસની 'મીસ ફ્રન્ટિયર મેલ'માં એ ખાખી પોણીયા પહોળી ચડ્ડી અને લૂઝ શર્ટમાં કિશોરાવસ્થામાં દેખાય છે. રૂબરૂ જઈ આવનારાઓ કહેતા હતા કે, આવો ગ્રેટ સંગીતકાર પરણ્યો નહતો અને મુંબેઈના ચર્ચગેટ રેલ્વે-સ્ટેશન પાસે એક નાનકડા રૂમના મકાનમાં રહેતો હતો, જેની ઘરવખરીમાં નાનકડું ફ્રીજ, વેરવિખેર પડેલી થોડી કેસેટો, એકાદું ટેબલ અને એક- બે ખુરશીઓ. એ ગુજરી ગયો ત્યારે સ્મશાને ફિલ્મનગરીની એક પણ વ્યકિત હાજર નહોતી.

1 comment:

Unknown said...


અશોકભાઈ
જયદેવ નુ નામ લ્યો અને રેશ્મા ઓર શેરા ભુલી જાવ .... ન માની શકાય તેવી વાત છે..તુ ચંદા મેં ચાંદની...ની ચાંદની ભુલી ગયા?