Search This Blog

06/07/2018

'ચંદન કા પલના' ('૬૭)


ફિલ્મ : 'ચંદન કા પલના' ('૬૭)
નિર્માતા : ખૈરૂન્નિસા ઇસ્માઈલ
દિગ્દર્શક : ઈસ્માઇલ મેમણ
સંગીતકાર : રાહુલદેવ બર્મન
ગીતકાર : આનંદ બખ્શી
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ : ૧૬૬-મિનીટ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)
કલાકારો : મીના કુમારી, ધર્મેન્દ્ર, મેહમુદ, મુમતાઝ, શબનમ, દુર્ગા ખોટે, નઝીર હૂસેન, ધૂમલ, બિપીન ગુપ્તા, મુકરી, અભિ ભટ્ટાચાર્ય, અસિત સેન, જૅરી, કમલ મોહન, નઝીર કાશ્મિરી
 
ગીતો
૧.    કિસ કારન, કામિની શરમાયેં,      લતા-ઉષા મંગેશકર
૨.    ઝૂલ્ફોં કો, આપ યૂં ના સંવારા,     આશા ભોંસલે-રફી
૩.    તુમ્હેં દેખા હૈ મૈંને ગુલસિતાં સે, કે      મુહમ્મદ રફી
૪.    નીરતત ઢંગ, કાન્ત ટેઠેટેઠે કૌન કૌન,      મન્ના ડે-રફી
૫.    બાત કરતે હો, બાત કરના નહિ આતા,      મન્ના ડે-આશા
૬.    મસ્તાના હોએ, પરવાના હોએ,     આશા-મન્ના ડે-કોરસ
૭.    શરાબી શરાબી, મેરા નામ હો ગયા,      લતા મંગેશકર
૮.    ઓ ગંગા મૈયા, પાર લગા દે મેરી     લતા મંગેશકર
(
ગીત નં. ૪ની રચના સ્વ. બિન્દાદીન મહારાજની છે.)

કોઈ પર સારી કે તદ્દન થર્ડ ક્લાસ હિંદી ફિલ્મ ઉતારવાની પાછળ સમાજને કોઈ ને કોઈ સંદેશો આપવાનો હેતુ હોય છે. ઢિશુમ-ઢિશુમવાળી ફિલ્મ ભલે હોય બકવાસ, પણ એમાં ય મૅસેજ હોય છે કે, અચ્છાઇની સામે બુરાઇનો પરાજય થાય છે. આ બ્રાન્ડનો સંદેશ સમજો ને, ઑલમોસ્ટ તમામ હિંદી ફિલ્મોમાં આવતો રહે છે.

પણ બેવકૂફી નામની પણ કોઈ ચીજ ફિલ્મી બજારમાં મળે છે. આજની ફિલ્મ 'ચંદન કા પલના' પૂરી થયા પછી ફિલ્મ દ્વારા આ લોકો કયો મેસેજ આપવા માંગે છે, એ તમે જાણવા જાઓ તો ખાટી ઊલટીઓ થાય, ચક્કર આવે અને નારાજ-ગુસ્સે તો ઠીક... મોટા ભાગે તો પાગલ થઈ જાઓ! જાણવો છે, કયો મેસેજ આ ફિલ્મ દ્વારા આપવામાં આવ્યો છે? લગ્નના ૪-૫ વર્ષો પછી ય એક યુગલ નિ:સંતાન રહે, તો ખૂબ પ્રેમ કરતા પતિદેવ પત્નીને છુટાછેડા આપી બીજા લગ્ન કરી લે, જેથી બીજી દ્વારા સંતાન પ્રાપ્તિ થાય, ઇ હેતુથી પત્ની નફ્ફટ બની જાય, પાર્ટીઓમાં ઉઘાડેછોગ દારૂ ઢીંચતી રહે, એના ગોરધનના દેખતા પરમ પૂજનીય સાસુ ઉપર હાથ ઉપાડે અને આડાઅવળા કપડાં પહેરી બદતમીઝીની કોઈ લિમિટ બાકી ન રાખે... ખરેખર, વૉમિટ થાય એવી વાત તો એ છે કે, ચીડાઇને ગોરધન આને છૂટાછેડા આપી દે, એ માટે આવા નફ્ફટ વર્તનો કરવાની સલાહ કુટુંબના આધ્યાત્મિક ગુરૂજીની જ આવી ખતરનાક સલાહો ઉપર 'બહુ' કામ કરતી રહે છે. છેવટે છુટાછેડા મળી જાય.

નવી વાઇફને બાળક આવે ને આપણી હીરોઇન સવા-સો દિવા ગંગા નદીમાં પધરાવે... હીરોને હીરોઇન સાથે રીપિટ મિલન તો કરાવવું પડે, એટલે સુવાવડમાં જ હીરો ધર્મેન્દ્રની પત્ની અવસાન પામે, બાળક જીવતું રહે અને, 'યે સબ તો બહુને ઘર મેં ચંદન કા પલના ઝૂલતું રહે એટલા માટે આવો ભવ્ય ત્યાગ કર્યો હતો, એનો સસ્પૅન્સ 'ગુરૂજી' (બિપીન ગુપ્તા, જેને કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો ગૅટ-અપ આપવામાં આવ્યો છે) ભરી મેહફીલમાં ખોલે અને સરેઆમ નફ્ફટાઈ કરતી, શરાબોમાં ડૂબેલી રહેતી બહુ (મીના કુમારી)ને આદરપૂર્વક ઘરમાં પાછી લાવવામાં આવે!

તારી ભલી થાય ચમના. આવી ફિલ્મ દ્વારા તું પ્રેક્ષકોને મૅસેજ શું આપવા માંગે છે? ...કે, સંતાન ન થતું હોય એવી વાઇફોએ પતિદેવની હાજરીમાંથી ઉતરી જવા દારૂ, નફ્ફટાઇ, અશોભનીય કપડાં અને માથે બૉયકટ વાળ કપાવીને છુટાછેડા લેવડાવીને પોતાના પૂજનીય ગોરધન પાસે બીજા લગ્ન કરાવવા? કહેવાતી સામાજીક ફિલ્મ બનાવીને ભ', તું આવો સંદેશ આપવા માંગે છે? આ ભ'ઈ એટલે ઈસ્માઇલ મૅમણ! એની વાત પછી કરીએ છીએ. પહેલા ફિલ્મ વિશે થોડુંક થોડુંક...! (અલબત્ત, ફિલ્મ એટલી ફાલતુ હતી કે, એના વિશે 'થોડુક' કાંઇ કહીએ, તો ય ગાળ બોલતા હોય એવું લાગે!) પણ, આ ફિલ્મ 'ચંદન કા પલના'માં થોડીક નહિ, એક-બે સારી બાબતો હતી, તેના ય વખાણ કરી લઈએ.

આજ સુધીની તમામ હિંદી ફિલ્મોનો સર્વોત્તમ કૉમેડિયન મેહમુદ આ ફિલ્મમાં પણ ખૂબ વહાલો લાગે છે. બહુ ઓછા વાચકો સ્વીકારશે કે, ફિલ્મના હીરો કે વિલન કરતા કૉમેડી કરવી ખૂબ અઘરી છે. અભિનયની સમજ મોટા ભાગના હીરો કરતા કૉમેડિયનમાં વધારે હોવી લાઝમી છે ને મેહમુદ તો સાદ્યંત પરફૅક્ટ અભિનેતા હતો. એના જમાનાના કોઈ પણ હીરો કરતા એની ફી વધુ હતી, એ બતાવે છે કે, એ કેટલી હૅવી-ડીમાન્ડમાં હશે! આ ફિલ્મમાં તે કલકત્તાથી ઘર છોડીને ભાગેલા બંગાલી યુવાનનો કિરદાર કરે છે અને તમારે હસવું જ પડે, એવી આહલાદક કૉમેડી કરી છે, હિંદી સંવાદો બાંગ્લા ઉચ્ચારો સાથે કરીને! 'યે પાની તો ઠોન્ડા ઠોન્ડા હાય...' એમ ટીપિકલ બંગાળી ઉચ્ચારો મુજબ, મોટા ભાગના શબ્દોનો પહેલો અક્ષર ''થી કરે છે, 'ઓશોક દોવે...' 'નોરિન્દર મોદી'... ફિલ્મની બીજી ઉજળી બાબત સિનેમેટોગ્રાફર ડી.સી. મેહતાની આંખને ઠંડક આપતી સુંદર રંગીન ફોટોગ્રાફી. ફિલ્મની વાર્તા મુજબ, તમામ દ્રષ્યો કરોડૉ રૂપીયાના તોતિંગ અને ભવ્ય બંગલામાં થયા હોવાને કારણે એક એક દ્રષ્ય જોવું ગમે છે.

અને ત્રીજું મનગમતું ફૅક્ટર મુહમ્મદ રફી અને મન્ના ડેએ સ્વ. બિંદાદીન મહારાજ નિર્મિત, 'નીરતત ઢંગ, કાન્ત ટેઠેટેઠે કૌન કૌન, બહે પવન મંદ સુગંધ...'નું સ્વરાંકન, રફીએ ગાયેલા તરાનાના બોલ, મન્ના ડે ની શાસ્ત્રોક્ત ઊંચાઈઓ ધરાવતો કંઠ અને રાહુલદેવ બર્મનનું આ ગીતમાં સંગીત. છલકાઇ તો જવાય છે, મેહમુદ અને ધૂમલની શાશ્વત જોડી દ્વારા કરવામાં આવેલું શાસ્ત્રીય નૃત્ય. (અંગત રીતે, મને હસાવવા માટે પોપટલાલ (રાજેન્દ્રનાથ) કે ધૂમલનો કેવળ ફોટો બતાવો, તો ય હું ધૂમધામ હસી પડું... ત્યારે અહીં તો ધૂમલ શાસ્ત્રીય નૃત્ય કરે છે. મેહમુદ નૃત્યની આ ઊંચાઈ સુધી પહોંચી શકે, એની નવાઈ નથી. એના પિતા મુમતાઝ અલી '૪૦-ના દશકની બૉમ્બે ટૉકિઝની ફિલ્મોના કાયમી અને સફળ ઍક્ટર-ડાન્સર હતા.)

અલબત્ત, મેહમુદે પોતાની શરૂઆતની તમામ ફિલ્મોમાં સંગીતકાર તરીકે પંચમ એટલે કે આર.ડી. બર્મનને જ સંગીતનો હવાલો સોંપ્યો હોવા છતાં, કેટલાક કર્ણપ્રિય અપવાદોને બાદ કરતા પંચમ દા મેહમુદનું કે પોતાનું નામ ઉજાળી શક્યા નહોતા. મેહમુદે પોતે બનાવેલી ફિલ્મો 'છોટે નવાબ', 'પતિ-પત્ની' ('કજરે બદરવા રે. મરઝી તેરી હૈ ક્યા જાલમા-લતા', દો ફૂલ, બૉમ્બે ટુ ગોવા, ભૂત બંગલા અને 'પડોસન'માં 'પડોસન'ને બાદ કરતા ભાગ્યે જ કોઇ ફિલ્મે પંચમના નામને સાર્થક કર્યું હતું.

પણ ફિલ્મ 'ચંદન કા પલના'નો સૌથી મોટો આઘાત ખુદ મીના કુમારી છે. એક ઍક્ટ્રેસ તરીકે, જૂનાઈ ફિલ્મોમાં આટલું પવિત્ર નામ કમાયેલી મીના કુમારી અને કોઈ હૉરર ફિલ્મની ખતરનાક ચેહરાવાળી હીરોઇન લાગે છે. છેલ્લે આપણે જોયેલી 'સાહિબ, બીબી ઔર ગુલામ' જેવી ફિલ્મોમાં એ કરૂણાની મૂર્તિ લાગતી અને એનો અભિનય સર્વોપરી રહેતો. અહીં તો એ બીક લાગે ભારે મેક-અપ અને એથી ય વધારે ડરામણ અભિનયથી 'પોતે મીના કુમારી છે,' એ બતાવવામાં જોનારને ય ગુસ્સો ચઢાવે, એવી પૂઅર ઍક્ટિંગ કરી છે.

કંઈ બાકી રહી જતું હોય, એમ શિયાળામાં ડોહા પહેરે એવી બુઢીયા ટૉપી જેવા વાળની નકલી વિગ પહેરીને આખી ફિલ્મને ચૂંથી નાંખી છે. બહુ વધી ચૂકેલી ઉંમરને એ સ્વીકારી શકી નહોતી અને હદ ઉપરાંતનો રોજીંદો શરાબ અને પુરૂષો સાથેના અનેક લફરાંઓને કારણે એ ડોસી બની ગઈ હતી. ઉષા ખન્નાની જૂના પતિ અને ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક સાવન કુમાર ટાંક અને ગુલઝાર સાથેના લફરાઓ પહેલા ધર્મેન્દ્રનું નામ મીના કુમારી સાથે વધુ પડતું વગોવાયેલું હતું, પણ જાણકારોના મતે ધર્મેન્દ્ર મીના કુમારીની લોકપ્રિયતા વટાવીને પોતાના માટે ફિલ્મો ભેગી કરતો હતો. વાસ્તવમાં ધરમે મીના સાથેના લફરાંનો કદી એકરાર કર્યો નથી.

આ ફિલ્મમાં ધરમ દેખાવમાં ચોક્કસ હૅન્ડસમ અને જોવો ગમે એવો લાગે છે, પણ ઍક્ટિંગમાં ભ'ઇનું ક્યારેય કોઈ મોટું નામ થયું નથી. મુમતાઝ પછી તો હિંદી ફિલ્મોની સૌથી મોંઘી અને લોકપ્રિય ઍક્ટ્રેસ થઈ, પણ એના જેટલી સ્ટ્રગલ અને ધીરજ હિંદી ફિલ્મોની કદાચ એકે ય હીરોઇને કરવાની આવી નથી. સાવ સામાન્ય બાળ-કલાકારથી ઍક્સ્ટ્રા, પછી આ ફિલ્મની જેમ અર્થ વગરની, સાઇડ-હીરોઇન, પછી દારાસિંઘની હીરોઇન અને છેવટે સંજીવ કુમારની 'ખિલૌના' પછી હિંદી ફિલ્મોની સર્વોચ્ચ હીરોઇન બની ગઈ. ફિલ્મમાં ધર્મેન્દ્રની બીજી વારની પત્ની બનતી ઍક્ટ્રેસ શબનમ છે. ઋષિકેષ મુકર્જીની ૧૯૬૬-માં આવેલી ફિલ્મ 'બીવી ઔર મકાન'માં શમ્મી કપૂરની ફિલ્મ 'પ્રોફેસર'વાળી કલ્પના પછીની એ સેકન્ડ હીરોઇન હતી, એમાં ય, એ મેહમુદની સાથે હોય છે.

આ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક ઈસ્માઇલ મેમણ મેહમુદની સગી બહેન ખૈરૂન્નિસા (શાનો) સાથે પરણ્યો હતો. એ ઑલરેડી પરણેલો જ હતો. (મેમણો મોટા ભાગે આપણા પોરબંદરના ગુજરાતીઓ હતા... યાકુબ મેમણ કે ટાયગર મેમણ જેવા અન્ડરવર્લ્ડના ખેરખાં સહિત!) ઈસ્માઇલના અચાનક મૃત્યુ પછી શાનો ફિલ્મ 'પડોસન'ના દિગ્દર્શક જ્યોતિ સ્વરૂપને પરણી ગઇ. જ્યોતિએ ઈસ્લામ અંગીકાર કર્યો હતો.

(
યોગાનુયોગ, એણે પણ પોતાનું નામ 'ઈસ્માઇલ' રાખ્યું હતું.) પણ એ ય ગૂજરી ગયો. એ પહેલા ૧૯૫૨-માં શાનો માટે ફિલ્મોના ગીતકાર હસરત જયપુરીએ માંગુ મોકલ્યું હતું અને બન્નેની સગાઈ પણ થઈ ગઈ. કમનસીબે, સમાચાર એવા વહેતા થયા કે, હસરત જયપુરીની મા વેશ્યા હતી, એ સાંભળીને મેહમુદના ફૅમિલીએ સગાઇ તોડી નાંખી. ખૈરૂને સહુ 'શાનો' નામથી બોલાવતા. એ શાનોનો દીકરો નૌશાદ સ્વ. ગુરૂદત્તની પુત્રી નીના સાથે પરણ્યો છે.

આ દરમ્યાન મેહમુદના પિતા મુમતાઝ અલી આટલા મોટા પરિવાર છતાં એકલા પડી ગયેલા ને તેમને કંપની આપવા સઇદ અલી અકબર આજની ફિલ્મ 'ચંદન કા પલના'ના દિગ્દર્શક ઈસ્માઇલ મેમણનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર) નામના ચાલુ માણસે મુમતાઝ અલી અને મહેમુદનો પ્રેમ જીતી મેહમુદની ઍક્ટ્રેસ બહેન મીનુ મુમતાઝ સાથે લફરૂં શરૂ કર્યું. મેહમુદ કે પરિવારને એનો વાંધો નહતો, પણ કોઇ જાણતું નહતું કે, અકબર મીનુ/મેહમુદની નાની બહેન ઝૂબૈદાના ય પ્રેમમાં હતો, જેને કારણે ઝૂબૈદાએ પોતાની સગાઈ તોડી નાંખી અને આ બાજુ અકબરે મીનુ મુમતાઝ માટે લગ્નની ઑફર મુકી. મેહમૂદને આમ કોઇને ઘરમાં ઘુસાડવાનો અફસોસ થયો.

મેહમુદે કોઈની શેહશરમ વિના ચોખ્ખું લખ્યું છે, એની કરિયર તોડવા માટે રાજેન્દ્ર કુમાર અને મનોજ કુમારે કાંઈ બાકી રાખ્યું નહતું. બન્ને પોતાના નિર્માતાઓ પાસે શરત મૂકાવી જોતા કે, અમારી ફિલ્મમાં મેહમુદ ન જોઈએ. એ વાત જુદી હતી કે, સિતારો મેહમુદનો ચમકતો હતો, એટલે આ બન્નેની શર્ત માન્ય નહોતી રખાઈ.

મેહમુદે એના ઈન્ટરવ્યૂમાં કેટલીક સ્ફોટક વાતો કહી છે : 'હું કેવળ ઈસ્લામનો જ નહિ, સર્વ ધર્મોનો આદર કરું છું. (મેહમુદ ગુજરાતના મોટા અંબાજીના દર્શને નિયમિત જતો.) મારી ફિલ્મ 'કુંવારા બાપ' હિટ જશે તો હું વૈષ્ણોદેવીના દર્શને જઈશ અને ગયો પણ ખરો. કોઈ પણ ધર્મ માણસને બીજા ધર્મ પ્રત્યે ઘૃણા કરતા નથી શીખવતો.

હું પાકે પાયે શિવભક્ત છું અને શુભા ખોટેના સજેશન પછી મારી અનેક ફિલ્મોમાં મારૂં નામ 'મહેશ' (મહાદેવનું જ એક નામ) રાખ્યું હતું. 'છોટી બહેન, લવ ઈન ટોક્યો, ઝીદ્દી, તુમ સે અચ્છા કૌન હૈ, દો કલીયાં, નયા ઝમાના, ચંદન કા પલના અને 'કુંવારા બાપ'માં મારૂં નામ 'મહેશ' છે. મેહમુદના ખરતા વાળ જોઇને 'દાદામોની' અશોક કુમારે કહ્યું હતું, 'મેહમુદ, તારા માથે ટાલ પડી છે, એમાં શિવજીના ત્રિશૂળનો આકાર છે.' એના પરથી શોભા ખોટેએ કહેલી વાત યાદ આવી અને હું કાયમ માટે શિવભક્ત બની ગયો. મારો ધર્મ ઇસ્લામ કોઈ મંદિરને લૂંટવા કે તોડવાની મંજૂરી નથી આપતો. મારો દેશ હિંદુસ્તાન સૌથી પ્યારો દેશ છે. પાકિસ્તાન એવો દેશ છે, જ્યાં જવાનું મન જ ન થાય. જે મુસલમાન પાકિસ્તાન પ્રત્યે સહાનૂભુતિ રાખે છે, એને હિંદુસ્તાનમાં રહેવાનો કોઈ હક્ક નથી.'

મેહમુદ મીના કુમારીની બહેન મધુને પરણ્યો હતો, જેને એ 'મકડી' કહીને બોલાવતો. બન્ને વચ્ચે સંતાન 'પક્કી' દીકરો હતો. પણ છુટાછેડા પછી મધુ કિશોર શર્મા નામના પારિવારિક દોસ્ત સાથે પરણી ગઈ અને મેહમુદ ટ્રેસી ફિલ્મના મોટા ભાગના કલાકારો તો જાણિતા છે.

પ્રથમ દ્રષ્યમાં દુર્ગા ખોટે આરતીનો પ્રસાદ જે કામવાળી ડોસીને આપે છે, તે 'મેહરબાનુ' અત્યંત કદરૂપી હતી, પણ ગરીબ કે ભિખારણના રોલમાં ફિટ બેસતી, એટલે એના જમાનાની અનેક ફિલ્મોમાં આવા એકએક-બબ્બે દ્રષ્યો માટે કામ મળતું. નઝીર હૂસેનના ઘરનો નોકર બનતો વૃધ્ધ નઝીર કાશ્મિરી છે.

ફિલ્મનગરીની આ જ ખૂબી છે. એ જમાનામાં સૅકન્ડ-લીડના રોલ કરતી મુમતાઝ અહીં મેહમુદની પ્રેમિકા બને છે, પણ ધર્મેન્દ્રની બહેન બને છે. મીના કુમારીના ડાબા હાથની ટચલી આંગળી કપાયેલી હતી, જે એણે દરેક ફિલ્મમાં દુપટ્ટા કે સાડીમાં સિફતપૂર્વક છુપાવી રાખી હતી.

બારમાસી રોતડ-ક્લબના બે મહત્વના કૅરેક્ટરો નઝીર હૂસેન અને અભિ ભટ્ટાચાર્ય અહીં મૌજૂદ છે. એમાં ય, અભિ તો ગાયનૅકોલોજીસ્ટ (પ્રસૂતિ નિષ્ણાત) છે. દરેક હિંદી ફિલ્મોની માફક શરીરના કોઇ પણ રોગ માટે આખી ફિલ્મમાં ડૉક્ટર એક જ હોય છે, જે ફિલ્મના પાત્રોને થતા કોઇ પણ રોગ કે ઍક્સિડૅન્ટમાં મરૂન-રંગની ચોરસ પેટી લઈને હાજર જ હોય.

રોલ ડૅન્ટિસ્ટનો હોય તો પણ કાને સ્ટૅથોસ્કૉપ લટકાવેલું હોય, પણ અહીં તો અભિ ભટ્ટાચાર્ય પ્રસૂતિનો ડૉક્ટર હોવા છતાં ધર્મેન્દ્રની મા બનતી રોતડ-ક્લબની મહિલા પાંખની પ્રમુખ દુર્ગા ખોટે જરાક અમથી માંદી પડે છે, એમાં ય આ કાકો મરૂન પેટી લઈને હાજર થઈ જાય છે... ૮૦-વર્ષની વિધવાને ગાયનૅકોલોજીસ્ટની શી જરૂર પડી, એ તો સાલો મજાકનો વિષય પણ નથી, બેવકૂફીનો વિષય છે.

No comments: