Search This Blog

12/07/2018

નૈન ફટ ગઈ હૈ


'સનમની આંખમાં ફૂલું, ને બસ ડોક વાંકી છે,      
સનમને ક્યાં ખબર છે કે, બંદા તો હાવ ખાખી છે'
('ફૂલું' એટલે આંખની વચ્ચે એક ગ્રે-ડાઘો હોય !)

પોળમાં રહેતા ત્યારે આવી આવી ફાલતુ શાયરીઓ ગોખીને એકબીજાને હસાવતા.

ક્યારેક આવી પાર્ટીને LLTT (Looking London,Talking Tokyo)કહીને આવી આંખોવાળાની છુપી મશ્કરી કરતા,અમારી આંખો તો કેમ જાણે ભગવાન શ્રીકૃષ્ણ જેવી માદક હોય !

પણ સાંભળનારો ઇન્ટેલિજેન્ટ છે કે નહિ, એની પરીક્ષા કરવા જરા અઘરી શાયરી કહેતા, 'તમારી આંખો બહુ આકર્ષક છે.. બંને એકબીજાને આકર્ષે છે.' આવી અઘરી વાત સમજી શકે, તો માનતા કે, ''ઇ છે તો બુધ્ધિશાળી...! સાવ આપણા જેવું નથી...!'

બીજાના શરીરના કોઇ પણ હિસ્સામાં તકલીફ હોય તો એ હસી પડવાનો વિષય નથી, હસી કાઢવાનો વિષય બની શકે. આ એ ગૂન્હો છે, જે વ્યક્તિએ પોતે કર્યો નથી અને છતાં ન્યાયાધીશ બનીને જોનારાઓને સોટો ચઢે છે, મશ્કરી કરે છે અથવા દયા ખાય છે. ઑન ધ કૉન્ટ્રારી, આવી સહેજ મ્હાલી આંખોવાળા વધારે ખૂબસૂરત લાગે છે.

(આ જાહેરખબર નથી. મારે તો સીધી છે.) મ્હાલાઓને બાંડા ન કહેવાય. એક આંખ, સ્લાઇટ બારીમાં વાંકુ થઇને છોકરૂં નીચે જોતું હોય, એમ ઝૂકેલી દેખાય, એને મ્હાલો કે મ્હાલી કહે છે.

હિંદી ફિલ્મોમાં જેટલા ગીતો આંખો ઉપર લખાયા છે, એટલા શરીરના એકે ય અંગ ઉપર લખાયા નથી. 'યે આંખે દેખકર હમ સારી દુનિયા ભૂલ જાતે હૈં...' પણ ગયા સપ્ટૅમ્બરથી મારા સાઇઠ રૂપિયા આલવાના બાકી છે, એટલું ભૂલતો નહિ, 'ઇ !

બીજા નંબરે વાળ આવે પણ, એ ફક્ત સ્ત્રીઓના. યુવતીના વાળ એની સુંદરતાનો માપદંડ ગણાતો. લાંબા, લિસ્સા અને સીધા વાળ બહુ ઓછી છોકરીઓના જોવા મળતા. ઈવન, અત્યારે પણ ૫૦-૬૦ ની આસપાસ પહોંચેલી કોઇ સ્ત્રી પાસે આ વિષય છેડો તો ઘણા ગૌરવપૂર્વક પગની પાછળની એડી બતાવીને કહેશે, 'અરે, એક જમાનામાં મારા વાળ આ...ટલા લાંબા હતા'. આવી છોકરીઓને ખબર હતી કે, લોકો એના કરતા એના વાળને વધુ જોવાના છે, એટલે ચાલે એવી રીતે કે ચોટલો ઝૂલે રાખે. કોઇ વખાણ કરે ત્યારે આવી સ્ત્રી દંભ પણ શક્તિ મુજબનો કરે, 'અરે.... મારે તો કપાવી નાંખવા છે.... પણ ગોટુ ના પાડે છે...' (ગોટુ એના બાબાનું નહિ, ગોરધનનું નામ છે.) પરવિન બાબીએ ખભા પાછળ છુટા વાળની ફૅશન શરૂ કરી, ને ચોટલા બંધ થયા.

પુરૂષના વાળ ગમે તેવા ભરપુર જથ્થામાં અને લિસ્સા હોય, કોઇ પૂછતું નથી.

હવે તો છોકરાઓ ય કાઠીયાવાડી સ્ત્રીઓની માફક અંબોડી વાળે છે પૉની રાખે છે અને જોયા પછી જમવાનું ન ભાવે, એવા બંને લમણેથી છોલી નાંખીને માથાની ઉપર ઝંડા લટકતા રાખે છે.

પુરૂષ બિચારો હૅર-સ્ટાઇલ બદલી બદલીને કેટલી બદલે ? હિસાબ સીધો છે. ૩૫-૪૦ વટાવ્યા પછી પુરૂષના માથાના વાળ ઉતરીને કાનમાં આવે છે.

એ જોઇને જગતની કોઇ સ્ત્રી કાંઇ આકર્ષાય નહિ કે, બગીચામાં ખોળામાં સુવડાવીને પ્રેમિકા આવા પ્રેમીના કાનના વાળમાં મંદ મંદ સ્માઇલો સાથે ગલગલીયા કરતી નથી.

પુરૂષો વાળની દુનિયામાં બધેથી ધોવાયા છે.

મૂછો ગમે તેવી લલચામણી રાખી હોય, વિજેતા મૂછમુન્ડાઓ જ જાહેર થાય છે. સજની એની મૂછોમાં આંગળા ફેરવી કદી ગાતી નથી, 'હોઠોં પે ઐસી બાત મૈં દબાતી ચલી આઇ...' પુરૂષો પાસે હૅન્ડસમ દેખાવવાના બહુ ઑપ્શનો નથી.

મૂછો રાખી રાખીને કેટલા કટની રાખે ? અરે, ગમે તેવી મર્દાનગી બતાવવા રાખી હોય, એક વાર પેલીની ઝપટે ચઢી ગઇ કે, 'આ બહુ વચમાં આય આય કરે છે...' તો અડધી રાતે હૅરકટિંગ સલૂનવાળાના ઘેર જઇને એને ઊંઘતો ઉઠાડીને હાથમાં કાતર આપે, ''લે ભ'ઇ... આને તું અત્તારે ને અત્તારે જ છોલી નાંખ... હવે સહન નથી થતી... (પેલીથી...!)'' સ્ત્રીઓને મૂછો ઊગતી નથી ને ઊગે તો ખબર પડવા દેતી નથી. એને પોતાના જ પ્રેમમાં પડી જવા માટે પ્રભુએ અનેક અંગો આપ્યા છે, જેને કારણે પુરૂષો આકર્ષાય છે.

પણ એમાં એને પોતાને સૌથી વધુ ગમતી હોય તો પોતાની આંખો. કમનસીબે, આંખોની કીકીઓ કરતા વધુ જતન ભ્રમરો (નેણ)નું કરવું પડે છે. એક આ જ કૅસમાં સ્ત્રી કેટલી લાચાર છે, એની ખબર પડી જાય છે.

૩૦-૩૫ની ઉંમરે પહોંચ્યા પછીની તો લગભગ એકેએક છોકરીની ભ્રમરો છોલાઇ ગઇ હોય છે, રોજેરોજ કાળી પેન્સલ લગાવવાની કિંમત તો ચૂકવવી પડે ! એ જ સ્ત્રીને એનું મોઢું ધોયા પછી જુઓ તો બિહામણી લાગે ! અસલી ભ્રમરો ઉપર પૅન્સિલના લીટાડા કરી કરીને છોલી નાંખી હોય.

રોજ પૅન્સિલ (કે સ્ટિક) લગાવવાથી ભ્રમરના છિદ્રો કાર્બનથી પૂરાઇ જાય છે અને બેન ભ્રમર વગરના થઇ જાય છે, એમાં દોષ કાઠીયાવાડી કવિઓનો છે, જે સદીઓથી 'અણીયારી આંયખું'ના વર્ણનો કરી કરીને આ લોકોને ઊંધી આંખે ચઢાવી મારી છે.

આ તો માતાઓને ઘણી ખમ્મા કે, સૌરાષ્ટ્રના મર્દ પુરૂષોની માફક કાનના થોભીયા (સાઇડ-લૉક્સ) અને મૂછો એકબીજાને અડાડી દઈ અડધાં મોઢાં ચીતરી મ્હેલે, એમ સ્ત્રીઓ ભ્રમરોને કાનની લટો સાથે ભેગી કરતી નથી. જો કે, વાત પૂરી થઇ જતી નથી. હજી કોઇના મનમાં આવ્યું નથી... આવે પછી જોજો...! બધી અજમાયશો કરી જોઇ, એટલે સુધી કે સ્ત્રી અને પાછી કૂંવારી હોવા છતાં માથે બોડીયું કરાવવાની ફૅશન ચાલી છે.

દાવો એટલો જ કે, અમારી સુંદરતા વાળને આધીન નથી. વગર વાળે ય અમે સૅક્સી લાગીએ છીએ...! તારી ભલી થાય ચમની...

સ્ત્રીઓને સુંદરતાનો એક મોટો ફાયદો. અરીસામાં જોઇને પોતાની ઉપર પોતે જ ખુશ થઇ જવાનું. સ્ત્રી કદી પરાવલંબી હોતી નથી.

કાંઇ બાકી રહી જતું'તું, ત્યાં સૅલ્ફી આવ્યા, એમાં ફૅસબૂકવાળા મરી ગયા. બેનના રોજેરોજના નહિ, દર કલાકના વિવિધ અદાઓમાં ફોટા જોવાના ! એના ગોરધન સિવાય ગામ આખું એ ફોટા જોતું હોય ! નવાઇ લાગે કે, એમના એકે ય સૅલ્ફીમાં આંખો દેખાતી ન હોય, એવો એકે ય ફોટો ન મળે ! કોઇ પંખો ચાલુ કરો...!

કમનસીબે, વર્ષો પછી ય ઉંમર તો વચ્ચે આવે ને ? સ્ત્રી ૫૦-ની આસપાસની ઉંમરે પહોંચે, પછી દુ:ખના દહાડા શરૂ થાય છે. આ એ ઉંમર છે, જ્યાં સ્વાભાવિક સુંદર દેખાવાના દિવસો પૂરા થવા આવ્યા કહેવાય...હવે સુંદર દેખાવાના પ્રયત્નો શરૂ કરી દેવા પડે.

હવે એને જોવાની પડતી મૂકનારા પુરૂષો કરતા સ્ત્રીઓની સંખ્યા વધવા માંડે છે, એ નથી પોસાતું. ધગધગતી યુવાનીએ પહોંચેલી એની દીકરી સાથે ચાલે, ત્યારે બેનને પહેલી વાર જ્ઞાન થાય છે કે, લોકો મારા કરતા મારી ડૉટરને વધારે જુએ છે. દીકરીની તો કોણ ઇર્ષા કરે ? છતાં, બેનને પહેલી વાર ખબર પડે છે કે, 'હવે મારા દિવસો પૂરા થવા આવ્યા...' કોઇ એની દીકરીના રૂપના વખાણ કરે એટલે આની પાસેથી જવાબ તાબડતોબ અને પરાણે મોઢું હસતું રાખીને નીકળી આવે, 'ઓહ યસ...હું ય એની ઉંમરની હતી, ત્યારે ફક્ત બ્રાન્ડેડ ડ્રૅસીઝ જ પહેરતી....બિલકુલ મા ઉપર ઉતરી છે...'

આ વખતે રાક્ષસ જેવો દેખાતો એનો ગોરધન મૂછ ના હોય તો ય મૂછમાં હસે રાખે...એને એનો દીકરો દેખાવમાં નહિ, ધંધામાં એનાથી આગળ નીકળી જાય, એ જ તમન્ના હોય.
સુંદર દેખાવ કરતા તગડો ધંધો વધારે કામમાં આવવાનો છે...!

સિક્સર
ગયા બુધવારની સિક્સર પછી એક અદ્ભુત જોડાણ આવ્યું છે. ''ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ઇંગ્લિશ બોલાય છે ?'
-
રાત્રે આઠ પહેલા કેરલા....અને આઠ પછી પંજાબ !

No comments: