Search This Blog

15/07/2011

‘૩૫-માં બનેલી ફિલ્મ ‘ઘૂપછાંવ‘ -15-07-2011

ફિલ્મ : ‘ઘૂપછાંવ (’૩૫)
નિર્માતા : ન્યુ થીયૅટર્સ (કલકત્તા)
દિગ્દર્શક : નીતિન બૉઝ
સંગીત : રાયચંદ બોરાલ-પંકજ મલિક
ગીતો : પંડિત સુદર્શન
કલાકારો : કે.સી.ડે, ઉમા શશી, ઉમાદેવી, પહાડી સાન્યાલ, વિક્રમ કપૂર, કેદાર શર્મા, વિશ્વનાથ ભાદુરી, નવાબ, ત્રિલોક કપૂર અને સરદાર અખ્તર.

ગીતો
૧... બાબા મન કી આંખે ખોલ...કે.સી.ડે
૨... તેરી ગઠરી મેં લાગા ચોર મુસાફિર જાગ જરા...કે.સી.ડે
૩.... મૈં ખુશ હોના ચાહું ખુશ હો ન સકું...પારૂલ ઘોષ, સુપ્રોવા સરકાર, હરિમતિ
૪.... આજ મેરો ઘર મોહન આયો, જનમ જનમ કે સંકટ ટારે...કે.સી.ડે
૫.... પ્રેમ કહાની સખી સુનત સુનાયે, ચોર ચુરાએ માલ...ઉમા શસી
૬.... મોરી પ્રેમ કી નૈયા ચલી જલ મેં, મોરી છોટી સી....ઉમા શશી-પહાડી સાન્યાલ
૭...મૂરખ મન હોવત ક્યું હૈરાન, સચમુચ તેરી રાત....પહાડી સાન્યાલ
૮... પ્રેમ અપૂરબ માયા જગત મેં, પ્રેમ બીના યે દુનિયા....ઉમા શશી
૯... જીવન કા સુખ આજ પ્રભુ મોહે, જીવન કા સુખ આજ...કે.સી.ડે
૧૦... દિલ કે ફફોલે જલ ઉઠે...અંધે કી લાઠી તૂ હી હૈ....કે.સી.ડે

૧૯૩૫-માં આ ફિલ્મ બની હતી એટલે ગણો ને કેટલા થયા...? ઓકે. આ ૨૦૧૧-ચાલે છે એટલે ઍક્ઝૅક્ટ ૭૬-વર્ષ થયા ફિલ્મ ‘‘ઘૂપછાંવ’’ને. આ ફિલ્મ એ વખતે થીયેટરમાં જોઇ હોય, એવા તો આખા મુંબઈ-ગુજરાતમાં ૮-૧૦ વડીલો ય માંડ હયાત હશે. હોય તો એમનું જ નહિ, આપણું પણ સદ્‌ભાગ્ય કહેવાય. સાયગલ, પંકજ મલિક, જગમોહન કે કે.સી.ડે કોણ હતા, એ સમજાવવાની જરૂર ન પડે, એ તો જાવા દિયો પણ એ આપણને સમજાવી શકે કે, રાયચંદ બોરાલ જેવા સંગીતકાર તો સમગ્ર દેશ ઉપર માં સરસ્વતિની કૃપા થઇ હોય, તો જ પેદા થાય. કાનનદેવી, ઉમા શશી કે અમીરબાઇ કર્ણાટકીને માત્ર હીરોઇન/ગાયિકા તરીકે જ નહિ, વહેલી પરોઢથી જેમને સાંભળવામાં આઘ્યાત્મિક અનુભૂતિ થાય, એવી પવિત્રતાની મૂર્તિઓ સમી ગણવામાં આવતી. કાનનદેવીના ‘‘ચલી પવન હરસોં, મહેંક રહી સરસોં’’ કે ‘‘તુફાન મેલ, દુનિયા યે દુનિયા તુફાન મેલ’’ કે મારી પસંદગીના ટોપ-ટેન ગીતોમાંનું પારૂલ ઘોષનું ફિલ્મ ‘‘મિલન’નું ‘‘ગુનગુનગુનગુન બોલે ભંવરવા’’ અને સિતારા કાનપુરીનું ‘‘નગરી મેરી કબ તક યું હી બર્બાદ રહેગી’’ જેવા ગીતો અમને બધાને કંઠસ્થ છે...આજે ય ! અને તો ય સવાલ અમે જ પૂછવાના કે, ‘‘દિલ કે ફફોલે જલ ઉઠે.... અંધે કી લાઠી તૂ હી હૈ’’ અથવા ‘‘જીવન કા સુખ આજ પ્રભુ મોહે જીવન કા સુખ આજ’’ તો કુંદનલાલ સાયગલે ગાયા છે.. એ વળી કે.સી.ડેના કંઠમાં ફિલ્મ ‘‘ઘૂપછાંવ’’માં ક્યાંથી ધુસી ગયા ? એમનો ડાઉટ ડંકાની ચોટ પર સાચો, પણ એ ય કથન સાચું કે આ ગીતો પૂરતી ‘‘ઘૂપછાંવ’’ વાળી વાતે ય સાચી છે. થોડા ઊંડા ઉતરેલા વડીલ ચાહકોને માટે આ માહિતી નવી નથી કે, ભારતીય ફિલ્મોમાં પ્લેબૅક અથવા તો પાર્શ્વગીતોની શરૂઆત જ આ ફિલ્મ ‘‘ઘૂપછાંવ’’ના ‘‘મૈં ખુશ હોના ચાહું ખુશ હો ન સકું’’ (પાર્શ્વગાયિકાઓઃ પારૂલ ઘોષ, સુપ્રોવા સરકાર અને હરિમતી)થી થઇ હતી, પણ એ ગીતમાં કૃષ્ણચંદ્ર ડે એટલે કે કે.સી.ડે એટલે કે મન્ના ડેના સગા કાકાનો પણ અવાજ હતો, એ બહુ ઓછાને ખબર હોય, સિવાય કે આ ફિલ્મ જોઇ હોય.

મેં જોઇ છે. મારી પાસે આ ફિલ્મની ડીવીડી છે. (સૌજન્યઃ શ્રી ચંદુભાઈ બારદાનવાલા-જામનગર) નહિ તો ગુગલ કે ‘‘યૂ-ટયુબ’’માંથી હજી આવી ફિલ્મો કાંઇ મળે એમ નથી. હું તો કબુલ કરૂં પણ તમને ય કરાવું કે, આ કે એ જમાનાની મોટાભાગની ફિલ્મો જોવાનો કોઇ આનંદ ન આવે, સિવાય કે આપણી નૉસ્ટૅલજીક જરૂરત.

પણ જુનું બઘું જોવાની અને ચોંકવાની લઝ્‌ઝત પાછી જુદી હોય, જેમ કે રાજ કપૂર-ગીતા બાલી વાળી ફિલ્મ ‘‘બાવરે નૈન’’ બનાવનાર દિગ્દર્શક કેદાર શર્મા અહીં સાવ નાની ઉંમરમાં એક કૉમિક-વિલનના રોલમાં જુઓ. ફિલ્મ ‘‘આરાધના’’માં શર્મીલા ટાગોરના પિતા બનતા ચરીત્ર-અભિનેતા પહાડી સાન્યાલને જવાનજોધ ‘‘હીરો’’ના કિરદારમાં જોવાના. આ પહાડીની દીકરી લુકુ સાન્યાલ વર્ષો પહેલાં મુંબઈ દૂરદર્શન પર લોકોની ખૂબ લાડકી ન્યુસ-રીડર હતી. ટાઇટલ્સમાં જાડી ભમભોલ ટુનટુનને તેના અસલ નામ ઉમા દેવી સાથે વાંચો, પણ આખી ફિલ્મમાં એને શોધી શોધીને પાતળા થઇ જાઓ, એમ પૃથ્વીરાજ કપૂરના કઝિન ત્રિલોક કપૂરને પણ ગોતવો પડે. સાયગલ-કે.સી.ડે સાથેના ટ્રિપલેટ ગીત ‘‘દુનિયા રંગ રંગીલી બાબા, દુનિયા રંગ રંગીલી...’’ ગાનાર ઉમા શશી ભલે થોડી જાડી પણ ગ્લૅમર સાથેની ખૂબસુરત હતી. અહીં પાછી પૂછપરછ જાણકારો એકબીજા સાથે કરવાના કે ફિલ્મમાં કે.સી.ડે દેખાય છે ને રૅકર્ડ પર તો પંકજ મલિકનું નામ છે....! આ બધા લોચા ચર્ચવાની આવે ખૂબ મજા, અલબત્ત એ જમાનાની ફિલ્મોના જાણકારોને.

કલકત્તાના ન્યુ થીયેટર્સની આ ફિલ્મ પૂર્ણ આદરણીય બાંગાલી બાબુ નીતિન બૉઝે દિગ્દર્શિત કરી હતી. આ નીતિન બાબુ એટલે જેમણે બિમલ રૉયની દિલીપકુમારવાળી ફિલ્મ ‘‘દેવદાસ દિગ્દર્શિત કરી હતી એ. ખાસ તો દિલીપકુમાર ઘમંડમાં પોતાની ફિલ્મ હોવાથી ‘‘ગંગા જમુના’’નું દિગ્દર્શન અડધેથી છીનવી લીઘું હતું, એ નીતિન બૉઝ.

આ ફિલ્મમાં સંગીત આર.સી. બોરાલનું છે, એટલી જ માન્યતા જોરમાં હતી. સહસંગીતકાર આપણા પંકજ મલિક હતા, એમને તો અન્યાય સહન કરવાની આદત પણ પડી ગઇ હતી. ન્યુ થીયેટર્સની કોઇ ફિલ્મ રીલિઝ થાય, એટલે કલકત્તાથી મુંબઇ ટ્રેનના થર્ડ-કલાસમાં ફિલ્મના ૧૫ કે ૧૭, જેટલા રીલ્સની હોય, તે પતરાંના ગોળ ડબ્બા લઈને પંકજ બાબુને મોકલવામાં આવતા. એમની સાથે એક નોકર જેવો વ્યવહાર ફક્ત બિરેન્દ્રનાથ સરકાર (બી.એન.સરકાર-ન્યુ થીયેટર્સના સર્વેસર્વા)એ જ નહિ, ખુદ રાયચંદ બોરાલ પણ નિયમિતપણે કરતા હતા. આ ખાનદાની માણસે કદી ફરિયાદ નથી કરી, એ જુદી વાત છે. (આ ફિલ્મ ‘‘ઘૂપછાંવ’’નું બીજું નામ ‘‘ભાગ્યચક્ર’’ હતું, એટલે પંકજ બાબુના એમાં આંટા ભરાઇ ગયા હોય. મૂળ બંગાલીમાં ‘‘ભાગ્યચક્ર’’ બન્યું હતું, પણ સફળ થયું, એટલે હિંદીમાં ‘‘ઘૂપછાંવ’’ નામથી ફરી બનાવવામાં આવ્યું...ડબ કરી દીઘું નહોતું.)

આજે કાંઈ નવું ન લાગે, પણ એ સમયમાં આ ફિલ્મની વાર્તા ગમનારાઓને ગમી હતી. વિક્રમ કપૂર (ગાયિકા મીના કપૂરના પિતા અને સંગીતકાર અનિલ બિશ્વાસના બીજા રાઉન્ડના સસુરજી) ધનવાન છે. માં વિનાના તેમના નાના બાળકનું એક ગઠીયો અપહરણ કરી જાય છે, પણ ગભરાઇ જતા રસ્તા ઉપર બાળકને છોડી દે છે, જ્યાં પ્રજ્ઞાચક્ષુ સુરદાસ કે.સી.ડેને એ બાળક મળી આવે છે. ગમી જતાં પોતે જ એનો ઉછેર કરે છે, એ જાણી જવા છતાં એ બાળક કોનું છે ! મોટું થઈને આ બાળક ‘પહાડી સાન્યાલ’ બને છે ને પ્રેમમાં ઉમા શશીના પડે છે. તત્સમયના રીતરિવાજ પ્રમાણે, ‘લડકે કે માં-બાપ કૌન હૈ..ઉસ કા ખાનદાન ક્યા હૈ’ વગેરે વગેરે રાબેતા મુજબના ધમપછાડા ઉમા શશીના ઘેરથી થાય છે અને પ્રેમમાં રાબેતા મુજબના કરૂણ ગીતો ય શરૂ થાય છે. તમે વાચક છો-લેખક નથી, છતાં ય ખબર પડી ગઈ કે, વાર્તાને અંતે બઘું સારાવાના થાય, જેથી આપણે ઘેર જઈ શકીએ. વચમાં અફ કૉર્સ, થોડી સ્ટોરી જેવું પણ કંઇક મૂકવું જોઈએ, એ ન્યાયે રસ્તા પર ભિક્ષુકની ભાંતિ ભજનો ગાઈને પેટ રળતા સુરદાસ કે.સી.ડેના અવાજથી પ્રભાવિત થઈને એક નાટ્યકંપનીનો માલિક (નવાબ) અને તેનો આસિસ્ટન્ટ (કેદાર શર્મા) પેલાને ફોસલાવીને સ્ટેજ-સિંગર બનાવે છે, પહાડી અને ઉમા શશી વચ્ચેના પ્રણય-દ્રષ્યો પણ નિયમ મુજબ આવે રાખે અને છેલ્લે યાદ શક્તિ ગૂમાવી ચૂકેલા પોતાના પુત્રને પાછો લાવવા ભારે કરૂણા અને વિરહમાં સુરદાસ સ્ટેજ પરથી તીવ્ર સૂરમાં ‘અંધે કી લાઠી તુ હી હૈ...’ ગાય, ત્યારે આપણે ય જાણતા હોઇએ છીએ કે સવા ત્રણ મિનિટનું આનું ગીત પૂરૂં નહિ થાય ત્યાં સુધી પેલાની યાદશક્તિ-બક્તિ પાછી આવવાની નથી અને એમાં આપણે સાચા પડીએ છીએ. સાલું, આવા ઊંચા અવાજે ગાવાથી યાદશક્તિઓ પાછી આવી જતી હોય તો, લેણદારોની યાદદાસ્ત પાછી લાવવા આપણે સહુ આપણા અનેક લેણદારોના ફ્‌લૅટના કમ્પાઉન્ડમાં ઊભા રહીને કેસી કરતા ય પ્રચંડ અવાજે રોજ ગાવા પહોંચી જઇએ. હું તો ગળામાં હાર્મોનિયમ ભરાયેલું ય રાખું, એમાં મારી બા ય ના ખીજાય...પૈસા પાછા આવે છે ને ? (આમાં તો પાછું, જતા-આવતા વટેમાર્ગુઓ પણ પેટી ઉપર પાઇ-પૈસો મૂકતા જાય, એટલે જેટલું પાછું આયું, એટલું સાચું...! આ તો એક વાત થાય છે....!)

ફિલ્મની માફક કેસી વાસ્તવમાં પણ સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ હતા. નાનપણમાં ઉત્તરાયણ દરમ્યાન ઉઘાડી આંખે સૂરજ જોવા જતા તેઓ આંખો ગૂમાવી બેઠા હતા. હું કેટલો ભાગ્યવાન હોઇશ (ને મન્ના દાદા કેટલા બદનસીબ...!!!!) કે સળંગ બે દિવસ મને તેમના મુંબઈના જુહુવાળા બંગલે બોલાવીને મન્ના ડેએ એમના હાર્મોનિયમ ઉપર એમના કાકા બાબુ (કે.સી.ડે)ના આ જગપ્રસિદ્ધ ગીતો સંભળાવ્યા હતા. એમના પરત્વેની મારી ભક્તિ અને વિનંતીનું માન રાખીને દાદાએ આપણા ગુજરાતી સંગીતકાર સ્વ. અજીત મર્ચન્ટની ફિલ્મ ‘‘સપેરા’’નું રૂપ તુમ્હારા, આંખો સે પી લૂં, કહે દો અગર તુમ, મર કે ભી જી લૂં.’ સંભળાવ્યું હતું. દાદા એમના મ્યુઝિક-રૂમમાં કોઇપણ ગીત લાઇવ ગાય, ત્યારે પ્રીડોમિનન્ટલી એમની આંખોના ખૂણા ભીના થવા માંડે.

ભાગ્યે જ કોઇ બે-ચાર જણાએ સાંભળ્યું હશે, એવું એમનું એક નોન-ફિલ્મી ગીત ‘‘બિન સાવન નૈન ભરે, અબ સાવન મેં ક્યા હોગા...’’ મન્ના ડેના વડોદરાના ડાયહાર્ડ-ફૅન અને ગાયક શ્રી યોગેશ વ્યાસ તો આ ગીત સાંભળીને આંખો ભીની કરી નાંખે છે. સ્વાભાવિક છે, લાગણીશીલ વિનાની આ દુનિયામાં મન્ના ડે કે કાકા બાબુ જેવા કલાકારોને અન્યાયો થાય જ...થયા...! એ કોને નડ્યા હશે, તે તો ખબર નથી, પણ કે.સી.ડેની ઘુંઆધાર સફળતા પછી, ફિલ્મવાળાઓએ બહુ ઠંડે કલેજે એમને સાઇડમાં ધકેલી દીધા. નહી તો એ જમાનામાં એમનું નામ સાયગલ-પંકજની સમકક્ષ બોલાતું હતું...નહિ તો ગાનારાઓમાં ન્યુ થીયેટર્સના પહાડી સાન્યાલ અને બૉમ્બે ટૉકીઝના સુરેન્દ્રને અનેક ચાન્સ મળવા છતાં બેમાંથી એકે ય કાકા બાબુની સરખામણીમાં ઊભા રહી ન શકે.

આ ફિલ્મ ‘ઘૂપછાંવ’નો એક ઉપકાર સમગ્ર ફિલ્મ જગત ઉપર બેશક ખરો...આપણને પ્લૅ-બૅક સિંગિંગ આપવાનો. ‘જગત’ શબ્દ ભૂલમાં લખાઈ ગયો નથી, કારણ કે ફિલ્મો તો દુનિયાભરમાં બનતી હતી, પણ ફક્ત ભારતીય ફિલ્મોમાં જ ગીત-સંગીતનું આટલું ડિવાઇન મહત્ત્વ હતું. બીજે બધે સિંગિંગ કે પ્લૅબેક સિંગિંગ ની જરૂરતે ય નહોતી.

પણ જેનો તમને બધાને ય અનુભવ થઈ ચૂક્યો હશે-‘‘માલ કીસિ કા, કમાલ કીસિ કા’’નો...એવું આ પ્લૅબેક શરૂ કરવાનો જશ ખાટી જવાનો લહાવો એકલા રાયચંદ બોરાલ લઇ ગયા...સાબિત કોઈ કરી શકતું નથી કે, એમાં પંકજ મલિકનો ય સિંહ ફાળો હતો...પણ ફિલ્મમાં રજુ થતા ગીતને પ્લે-બૅક સ્વરૂપ આપી શકાય એવો પહેલો ‘વિચાર’ જેને આવ્યો હતો, એનું તો કોઇ નામ પણ બોલતું નથી. ઇન ફૅક્ટ, ફિલ્મના પ્રણામયોગ્ય દિગ્દર્શક નીતિન બૉઝને આ ગીત ‘‘મૈં ખુશ હોના ચાહું, ખુશ હો ન સકું’’નું શૂટિંગ કરતા પહેલા એને પ્લૅ-બૅક આપીને ગવડાવવાનો વિચાર સૌથી પહેલો આવ્યો હતો, જે તેમણે બોરાલ બાબુને કીધો અને પછી તો ઇંગ્લિશમાં કહે છે તેમ... The rest is a history.

નૉર્મલી, આટલી જુની ફિલ્મો વિશે આ કૉલમમાં લખવાનો ઉપક્રમ નથી જ, (લખી તો ઘણી બધી માટે શકાય અને હજી ક્યારેક સાયગલ સાહેબની એકાદ ફિલ્મ વિશે લખીશું પણ ખરા, પરંતુ એ પેઢીના આપણી પાસે વાચકો રહ્યા નથી, માટે આ કૉલમમાં એવી ફિલ્મો જ પસંદ થાય છે, જે કમસેકમ આપણે બધાએ જોઈ હોય.

No comments: