Search This Blog

06/07/2011

ઇશારોં ઇશારોં મેં

ઇશારોં ઇશારોં મેં દિલ લેને વાલે, બાતા યે હુનર તુને સીખા કહા સે
નિગાહો નિગાહો મે જાદુ ચલાના, મેરી જાન સીખા હે તુને જહા સે 

પ્રસ્તુત ગીતમાં સારા ઘરની એક મહિલાએ, છુટક કારીગરી કરીને રળીયું કમાઇ લેતા એના પ્રેમીના હૂન્નરની એટલે કે, હાથ ચાલાકીની પ્રશંસા કરી છે. કેટલાક એને 'આંખ ચાલાકી' પણ માને છે. જો કે, બહેન તારીફ કરે છે કે ફરિયાદ, એ ઝાઝું સ્પષ્ટ થતું નથી, કારણ કે ગીતના મુખડામાં વપરાયેલા શબ્દ 'હૂન્નર' મુજબ, આવા આંખમટક્કા કરી કરીને પેલા ભાઈ ગામની માસુમ મહિલાઓના રૂદીયા જીતી લેવાનો કુટિર-ઉદ્યોગ ચલાવતા હોય, એવું જણાય છે.

એ તો પેલા કારીગરભાઈના સ્પષ્ટ જવાબથી આપણને ખબર પડે છે કે, આ મામલે બહેનમાં ય આપણે પડવા જેવું નથી. બન્ને પ્રેમની એક જ પ્રાથમિક શાળાના સહવિદ્યાર્થીઓ હોય, એમ એ કહી દે છે કે, જે સ્કૂલમાંથી તું આવું બધું શીખી લાવી છું, ત્યાં મેં ય ફીઓ ભરી છે. હું જો ઇશારા મારી મારીને ગામની છોડીઓના હૃદયો જીતતો હતો, તો તારી બાએ પણ તને કાંઈ જુદું શિક્ષણ આલ્યું નથી...છાની મર...! તું ય આંખો પટપટાવી જાદુ અથવા મેલી વિદ્યાના કરતબ બતાવતી હતી ને હવે ડાહી થાય છે ??

અહીં સામાજીક ચિંતાનો વિષય એ બને છે કે, બન્નેએ પ્રેમ કરવાની વાતને 'હૂન્નર'નું નામ આપ્યું છે, એનો મતલબ એ થયો કે, બન્ને પ્રેમના આવા કોઈ તાલીમ-કેન્દ્રમાં જોડાયા હશે. જો કે, આવા કેન્દ્રો કાંઇ એક એક પ્રેમી/પ્રેમિકા માટે ન હોય. આ તો પંખીનો માળો છે...જેને આવીને શીખવું હોય એ વાર્ષિક-ફી ભરી જાય. સંસ્થા આ પદ્ધતિને ચિંતાનો વિષય ગણે છે. આવી રીતે જેમ ફાવે એમ કોઈને આંખો-બાંખો મારવી, એને જો હૂન્નર ગણવામાં આવે, તો શું દેશની આઇ.ટી.આઈ. જેવી સંસ્થાઓ આંખો મારવાના, હૃદયો જીતવાના કે જાદુના પ્રયોગો બતાવવાના અભ્યાસક્રમો શરૂ કરશે ખરી ? આ તો એક વાત થાય છે.

મેરે દિલ કો તુમ ભા ગયે, મેરી ક્યા થી ઈસમે ખતા
મુજે જિસ ને તડપા દિયા, યહી થી વો જાલિમ અદા

યે રાંઝા કી બાતે, યે મજનૂ કે કિસ્સે અલગ તો નહી હે મેરી દાસ્તાં સે

ઉપરોક્ત પંક્તિ દ્વારા સાબિત થાય છે કે, ભ'ઇ ભરઈ ગયા છે અને પકડાયા પછી પોલીસ પાસે આજીજીથી પોતાનો બચાવ કરતાં હોય એમ આ મહિલાને કહે છે, ''સર-જી, મને તમે ગમી ગયા, એ શું મારો ગૂન્હો છે ? તમારી જાલીમ અદાઓથી પ્રભાવિત થઇને હું ઘેર ગયા પછી ધૂ્રજતો હતો, તડપતો હતો, આજુબાજુના ફલૅટોવાળાને તો એમ કે મને વાઇ (ફીટ) આવે છે.'' ભાઇ હજી નવાનવા તાલીમાર્થી લાગે છે, એટલે ભાન પડતું નથી કે, પેલી પર્સમાં સેલ ફોનની માફક જાલીમ અદાઓ લઇને નીકળતી હોય તો, બીજા ય મરવાના થયા છે. ગામ આખામાં વાઇ આવવાના ઘેરઘેર કેસો નોંધાશે અને તને ડૂંગળી સુંઘાડીને ભાનમાં લાવવો પડશે. આમાં તો જેવો કૅસ....જુતું ય સુંઘાડવું પડે !

આપણને હસવું એ વાતે આવે છે કે, આ ટણપો કામ તો ગામમાં ઇશારા મારવાનું કરે છે, છતાં એના બાપાનું રાજ ચાલતું હોય એમ પોતાની જાતને સરખાવે છે રાંઝા સાથે, મજનૂ સાથે, કઇ કમાણી ઉપર ?...કોઇ પંખો ચાલુ કરો...આવા ત્રણે પળીઓમાં પ્રેમો કરતા કારિગરો પોતાને મજનૂ-ફરહાદ કે રોમિયો સાથે સરખાવતા થઇ જાય, તો ચનાબ જેવી નદીઓમાં પાણીને બદલે લસણની ચટણીઓ વહેતી થશે, ધરતી રસાતાળ જશે, ફરી કોઇ નવા શેણી-વિજાનંદો નહિ પાકે...કોઇ પંખો ચાલુ કરો....!

મોહબ્બત જો કરતે હે વો, મોહબ્બાત જતાતે નહી
ધડકને અપની દિલકી કભી, કિસ્સે કો સુનાતે નહી

મજા ક્યા રહા જબ કે ખુદ કર દિયા હો મોહબ્બત કા ઈઝહાર અપને ઝુબાં સે

આ ગીતના દરેક અંતરામાં બન્ને જણા 'ઓ'થી શરૂઆત કરે છે. 'ઓ મેરે દિલ કો તુમ ભા ગયે' એનો અર્થ મેં ગુજરાતી સાહિત્યના એક સન્માનીય લેખકશ્રીને પૂછી જોયો તો મને કહે, ''પ્રસ્તુત સંદર્ભમાં આ 'ઓ'નો અર્થ થાય છે, 'દુઃખાવો.' બન્ને મિત્રોના શરીરના કોઈપણ ભાગમાં ગૂમડું-ફૂમડૂં ફૂટી નીકળ્યું હોય, એનો દુઃખાવો ઉપડવાનું બહુ સ્વાભાવિક છે. એટલે કોઇપણ પંક્તિનો પ્રારંભ કરતાં પહેલા એ જગ્યાએ દુઃખાવો ઉપડતો હશે, માટે એમનાથી અનાયાસ જ 'ઓ' ગવાઇ જાય છે. વળી, અહીં સદરહૂ મહિલા પેલાને ચોખ્ખું સંભળાવી દે છે કે, ''છાતીમાં દુઃખાવો ઉપડયો પણ હોય તો ડૉક્ટરીયાને આપણી છાતી પર સ્ટેથોસ્કૉપ મૂકવા નહિ દેવાનું....બા ખીજાય ! પેલો આપણા હૃદયની ધડકનો સાંભળી જાય, તો એની ય દાનત બગડે, ઘણા ડૉક્ટરો તો બહુ આળસુ હોય છે...અમારા જેવી નિગાહોં નિગાહોંમાં જાદુ ચલાવનારી પૅશન્ટોની છાતી પર સ્ટેથોસ્કૉપ મૂક્યા પછી પાછું લેવામાં ભારે આળસ કરે. માટે આવાઓને તો આપણા દિલની ધડકનો હંભળાવવાની જ નહિ. લાલચમાં એ મારૃં બિલ તો માફ કરે, પણ તારૃં બમણું કરીને મોકલાવે, મારા પ્રિતમ....! તું કારણ વગરનો હલવઇ જઇશ.''

મના કે જાને જહાં લાખો મે તુમ એક હો
હમારી નિગાહોં કી ભી કુછ તો મગર દાદ દો

બહારો કો ભી જીસ ફૂલ પર થા વહી ફૂલ હમને ચૂના ગુલિસ્તાં સે

અહીં પ્રત્યેક સુંદર સ્ત્રીએ સબક શીખવા જેવી વાત થઇ છે. આ રમણીયો બાફી મારે છે કે, 'કાન્તા, તું તો લાખોમાં એક છો, પણ આંખે હું ય કાંઈ ફાંગો કે બાંડો નથી. હું તને જોતો હોઉં ત્યારે, મને પણ 'વન્સ-મૉર....વન્સ-મૉર'ની દાદ આપ. સતી પિંગળાની જેમ નવરી બેસી ન રહે. મૂરખની દાદ અને બેવફૂકની ચૂપ આખા પ્રેમની મમ્મીના મૅરેજ કરાવી નાંખે છે. અલબત્ત, સમગ્ર ગીતનો સર્વોત્તમ પાર્ટ છેલ્લે આવે છે. રમણીયાને ખબર છે કે, અડધું ગામ એની કાન્તાડી ઉપર લાઇનો મારે છે, પણ વરી નૉટ...! એની પાસે (આ કાન્તારૂપી) એવું પડીકું આવી ગયું છે, જેની દોરીઓ છોડવા બાકીનું અડધું ગામ તરસે છે. જેની ઉપર બીજા કુરબાન છે, એ ફૂલ તો મારી પાસે છે. માટે હે રમણ, તું ઇર્ષા કરવાનું હાલ પૂરતું મોકૂફ રાખ. એને માળીકામ પણ પદ્ધતિસરનું આવડે છે, એટલે મ્યુનિના બગીચામાં ગયા પછી, ત્યાંથી ક્યું ફૂલ તોડવું અને ક્યાને, ''ચલો બેન આગળ જાઓ...છુટા નથી...!'' કહી દેવું, એની ખબર છે.

ગામ ભલે તૂટી જાય, જેને બીજા તરસે છે, એ ફૂલ મારી પાસે છે, એનાથી વધારે સિદ્ધિ બીજી કઈ હોય ? દરેક ગોરધને શીખવા જેવી વાત છે ને ?

No comments: