Search This Blog

27/07/2011

વો જબ યાદ આયે...

એ તો અમદાવાદમાં ’૬૦નો દાયકો જોઇ ચૂકેલાઓને જ યાદ હોય કે, ભદ્રની પાછળ ‘અખંડ આનંદ’ની ફૂટપાથ પરની બે ચીજો મશહૂર હતી- ફૂટપાથ ફોટોગ્રાફર અને ફૂટપાથ બાલ-દાઢી. આપણે બધા તો અનેકવાર જોઇ ચૂક્યા છીએ કે, રોડ પર દૂરથી દબાણ ખસેડવાનો ખટારો આવે, એટલે અડધી છોલેલી દાઢીએ વાળંદ એનો સામાન લઇને રીતસર ભાગે. આ લખવામાં કોઇ અતિશયોક્તિ નથી. આ શહેરમાં રહી ચૂકેલા અનેકોએ આવા દ્રશ્યો જોયા છે. બધા ફૂટપાથીયાઓની સીસ્ટમ એવી રહેતી કે, ગાડી ભદ્રના કિલ્લેથી નીકળી હોય, ત્યાંથી એની લપેટમાં આવતી બધી ફૂટપાથવાળા ભાગમભાગ કરી મૂકે, એટલે ભાગવા માટેનું સિગ્નલ મળી જાય. અત્યારે આખું દ્રશ્ય આંખ સામે જસ્ટ, લાવી જુઓ... ચૂનો ચોપડેલી ભીંત પર આંગળી ઘસો ને આંગળી છોલાય, એવી કાચપેપર જેવી દાઢી પર હજી તો પેલાએ ખરરરર... કરતો અડધો અસ્ત્રો ફેરવીને ગાલ છોલ્યો હોય, ત્યાં જ દૂરથી ગાડી આવતી દેખાય. આને મૂકે પડતો ને પ્રોફેસર ભાગે. ઘરાક એ સમજી ન શકે કે, મારે ભાગતા પ્રોફેસર (વાળંદ)ને જોવાનો છે કે, આવતી ગાડીને? દબાણવાળા એને ય બેહાડી દે. ગૂન્હો તો એનો ય ખરો ને?

કેશકર્તન કલાકારને પ્રોફેસર કહેવાનું કારણ શું? એ વખતના અમદાવાદના ઑલમોસ્ટ તમામ હૅરકટિંગ સલૂનોના પાટીયા ઉપર દુકાનના નામની નીચે માલિકનું નામ લખ્યું હોય, ‘મા.પ્રો. ચમનલાલ’ આમાં મા. એટલે ‘માલિક’ અને ‘પ્રો’ એટલે પ્રોપ્રાયટર. પણ આ ‘પ્રો’ એટલે પ્રોપ્રાયટર આપણે જાણીએ... માલિક પોતે તો બહુ ધાર્મિકપણે એમ સમજતા કે ‘પ્રો’ એટલે ‘પ્રોફેસર’. આ ડીગ્રી એમને બહુ સસ્તામાં મળી ગયેલી.

આમાં ડખો એટલો જ ઊભો થતો કે, જે લોકો વાસ્તવમાં કૉલેજોમાં પ્રોફેસરો હતા, એ લોકો નામની આગળ પ્રો. લખાવતા બંધ થઇ ગયા. લોકો પાછળથી બોલતા ‘‘...સાઈડમાં પ્રોફેસરી કરતા લાગે છે... બાકી જોઇને જરા ય લાગે નહિ કે....’’

હું પણ અફ કૉર્સ, એક વાર એ ફૂટપાથ પર દાઢી કરાવવાના ઈરાદે ગયેલો... કાલ ઉઠીને નોકરો-બોકરો ના મળ્યો, તો આ શીખેલા હોઇએ તો કામ આવે. પણ ગાલ પર ઘસવા માટે સાબુ ભીનો કરવો પડે, એ સાબુ પ્રોફેસર થૂંકીને ભીનો કરતા... એ મારાથી ન જોવાણું ને હું દાઢી કર્યા કે કરાવ્યા વગરનો પાછો ફરી ગયો. એને તો રોજની પચ્ચા દાઢીઓ કરવાની હોય.... બધામાં પાણી ક્યાંથી લાવે. એનો ય કોઇ વાંક છે? આમાં ગુજરાત પૂરતો લૉસ એટલો કે, પ્રજાએ ભવિષ્યનો એક હોનહાર, કાબેલ અને મેહનતુ પ્રોફેસર ગૂમાવ્યો અને ફૂટપાથીઓ હાસ્યલેખક મેળવ્યો...! કોઇ પંખો ચાલુ કરો...!!

વિકટોરિયા ગાર્ડન સામેની એ ફૂટપાથ પર, કાળું લૂગડું ઓઢીને ફોટા પાડતા ફોટોગ્રાફરો એ જમાનામાં ય ઈન્સ્ટન્ટ ફોટા આપી શકતા. ફોટા પડાવો, ત્યાં ને ત્યાં જ તમને પ્રિન્ટ આપી દે. મોટા સ્ટુડિયોવાળા જે નહોતા કરી શકતા, એ કરતબ આ લોકો બતાવતા. લાકડાની ત્રિકોણીયા ઘોડી ઉપર ઢાંકણાવાળો કૅમેરા ગોઠવ્યો હોય. તમારે પાછળ ભીંતને અઢેલીને ઊભા રહી જવાનું. યાદ હોય તો એ જમાનાના નાનામોટા કોઇપણ ફોટોગ્રાફરો તમારૂં બીજું કાંઇ ન હલાવે, પણ પાસે આવીને દાઢીની હડપચી નવેસરથી ગોઠવી જાય. કોઇ શિલ્પકાર એની મૂર્તિનું માથું ઠીકઠાક કરતો હોય એવું લાગે. એ પાછો જાય ત્યાં સુધીમાં આપણો હડપચો-બડપચો બઘું ખસી ગયું હોય, એટલે ફરી પાછો આવે. ત્રીજીવારમાં તો ઘેરથી આવીને એનું આખું ખાનદાને ય આપણી ઉપર ગુસ્સે થાય કે, ‘‘શેના આટલા બધા હલહલ કરો છો... બે ઘડી હખણા ઊભા રે’તા હો તો...!’’ આજુબાજુના ઘરાકોના દેખતા આપણને આવા ખખડાવે ને પછી ફોટા પાડતી વખતે કહે, ‘‘જરા મોંઢા હસતા રાખો...!’’ તો કેવું લાગી આવે? (જવાબ : બહુ લાગી આવે. જવાબ પૂરો....! મારા સપોર્ટમાં આવો જવાબ આપવા બદલ આપનો આભારી છું.)

પણ, આપણે કાંઇ ખોટેખોટા મોંઢા ચઢાવીને ઊભા ન હોઇએ. ફોટો પડાવતા હોઇએ, ત્યાં સુધીમાં ફૂટપાથોને લીલીછમ્મ બનાવવા માંગતા વટેમાર્ગુઓ આપણી બાજુમાં જ ઊભા રહીને જળસંપત્તિ લૂંટાવે, બોલો! એ લોકોની તો બાઓ ય ના ખીજાય, પણ કહેવતમાં કહ્યું છે ને કે, નીચે રેલો આવે તો ભલભલો રૂસ્તમે ય ખસી જાય... હવે, આ કયો આનંદનો પ્રસંગ છે કે, આપણે મોંઢા હસતા રાખીએ? આ તો એક વાત થાય છે!

પણ, અહીં પડાવેલા ફોટાઓની એક ખૂબી પણ હતી. ઘેર પડ્યા પડ્યા એકાદ મહિનામાં તો એ ચારે ખૂણેથી વળવા માંડે. પછી પીળા (શેપીયા કલરના) થવા માંડે. કાગળ કડક થઇ જાય, એટલે ફોટામાં તિરાડો પડવા માંડે. કોઇ પ્રેમિકાએ આવો મોંઢા ઉપર તિરાડાવાળો ફોટો ભાવિ ગોરધનને આપ્યો હોય, તો પેલી કોક ફિલ્મમાં આવે છે એમ પૂછવાનો જ છે, ‘‘ફોટો મેં ઐસી બાત તુ છુપાતી ચલી આઇ, ખુલ જાયે વો હી રાઝ તો દુહાઇ હૈ દુહાઇ...’’

કૉલેજના આઈ-કાર્ડ માટે ફોટો ચોંટાડ્યો હોય, એટલે ત્રીજે મહિને આપણે મિસ્ટર ઈન્ડિયા થઇ જઇએ... ફોટામાંથી આખેઆખા ગાયબ! અમદાવાદ જ નહિ, આખા ગુજરાતમાં કેટકેટલા ફોટો-સ્ટુડિયો હતા.... આજે એ બધા ગાયબ થઇ ગયા.

ઘોડાગાડી ક્યાં ગઇ? અમારા ખાડીયા ચાર રસ્તે ઘોડાગાડીનું સ્ટૅન્ડ હતું ને મુખ્ય મથક ભદ્રકાળીના મંદિરની સામે- આજે જ્યાં પ્રેમાભાઇ હૉલ ઘોડાગાડી જેવો થઇને ગાયબ ઊભો છે એમ. સૌરાષ્ટ્ર કરતા અહીંની ઘોડાગાડીઓ ઘણી મોટી અને ડિઝાઇનમાં ય- આજના છોકરાઓને નવાઇ પમાડે એવી. સાયકલના ગવર્નર (લોકો ‘ગવન્ડર’ બોલતા!) એટલે કે, સ્ટીયરિંગની આગળ ઘાસલેટ ભરેલું નાનું ચોરસ ફાનસ લટકાવવું પડતું. બાજુમાંથી ઢાંકણું ખોલીને, વાંકા વળીને એમાં દીવાસળી ચાંપવાની. એ ફાનસ જેવા આકારની ઘોડાગાડીમાં ચાર પૅસેન્જર બેસે. ઘોડો છુટ્ટો પણ ગાડી ઉપર-નીચે-આજુબાજુ બધેથી ટાઇટ બંધ. પાછળ બેઠેલા બે મુસાફરો પગ ઊંચા રહે એવા પાછળ ઢળીને બેઠા હોય ને સામેવાળા હમણાં એ બન્નેની ઉપર આવશે, એવો ઘોડાના ડાબલે-ડાબલે ’ભો રહે. અમદાવાદમાં તો મેં જોયું નથી, પણ મારા જામનગરમાં તો રોજ એકાદી ઘોડાગાડીનો ઘોડો હવામાં ઊંચો લટકીને ટાંટીયા ફરકાવતો હોય... પાછળ જરા અમથું કોઇ ભારેખમ આવી ગયું તો ઘોડો મરવાનો થાય. જામનગરમાં ઘોડાગાડીનો બીજો ય ઉપયોગ થતો. આખા શહેરમાં ૭-૮ થીયેટરો માંડ હતા (આજે ય કાંઇ વધારે નથી!) છાપાનું ચલણ ઝાઝું નહિ, એટલે નવી ફિલ્મ આવવાની હોય તો ગામની વચોવચ ઊભી બજારે હળવે-હળવે ઘોડાગાડી નીકળે, એની બન્ને બાજુ જે તે ફિલ્મના પોસ્ટરો હોય. મહીં બેઠેલો હાથમાં માઇક હોવા છતાં ત્યાંની ભાષામાં ‘રાડું નાંખી નાંખીને’ પ્રચાર કરે, ‘‘દેવ આનંદ-મઘુબાલાનું ‘કાલા પાની’ અનુપમ ટૉકીઝમાં.... જુઓ જુઓ જુઓ...’’ પછી તરત ઘોડાગાડીમાં રાખેલા ચાવીવાળા ગ્રામોફોનમાં રેકર્ડ વાગે, ‘‘હમ બેખુદી મેં તુમ કો પુકારે ચલે ગયે, હોઓઓઓ...’’

ખાસ તો રેડિયો સીલોનના ચાહકોને યાદ હોય કે, એ જમાનામાં ઘરમાં રેડિયો એટલે તો કઇ મોટી વાત કહેવાતી. ઘરમાં રેડિયો રાખવા માટે પોસ્ટ ઑફિસમાંથી લાયસન્સ લેવું પડતું અને દરેકના ઘરમાં ઘૂળ ચોંટી ચોંટીને મેલું થઇ ગયેલું તાંબાની જાળી જેવું ઍન્ટેના લટકાવવું પડતું. એ તો અત્યારે કારમાં ધમધમ મોટા અવાજે ગીતો સાંભળી શકીએ છીએ. એ વખતે ખાસ કરીને સીલોન પર ગીતો સાંભળવા માટે રેડીયાની સામે ઊભા રહેવું પડતું.... સ્ટેશન ખસી જતું.આજે ‘બાઈક’ આવી ગયા પછી સ્કૂટરો બહુ જલ્દી જલ્દી ખલાસ થવા માંડ્યા છે, નહિ તો ‘લૅમ્બ્રેટા’ અને ‘ફેન્ટાબ્યુલસ’ તો આસાનીથી મળી જતા, ‘વૅસ્પા’ માટે છ-છ વર્ષ રાહ જોવી પડતી. અઢી હજારનું ‘વૅસ્પા’ લોકો બ્લૅકમાં ત્રણ-ત્રણ હજારની ગંજાવર રકમ ચૂકવીને ખરીદવા તૈયાર હતા. ગાડીઓ પણ ‘ઍમ્બેસેડર’, ‘ફિયાટ’ અને નાનકડી-બબૂડી ‘સ્ટાન્ડર્ડ હૅરલ્ડ’ સિવાય બીજી ગાડીઓ તો ફિલ્મોમાં જોઇ હોય.

આ અને આવું બીજું બઘું ઘણું... ભૂલી જવાનું...! ‘વો જબ યાદ આયે, બહોત આયે...’

સિક્સર
‘‘હે ઈશ્વર.... આવતા જન્મે તું અમને સહુને શરદ પવાર, એ.રાજા કે બાબા રામદેવ બનાવજે.... બાકી આટલા પગારમાં તો નથી પહોંચી વળાતું...!’’

No comments: