Search This Blog

29/07/2011

‘તેરે ઘર કે સામને’ (’૬૩)

ફિલ્મ : ‘તેરે ઘર કે સામને’ (’૬૩)
નિર્માતા : દેવ આનંદ (નવકેતન)
દિગ્દર્શક : વિજય આનંદ
સંગીત : સચિનદેવ બર્મન
ગીતકાર : હસરત જયપુરી
રનિંગ ટાઈમ : ૧૭ રીલ્સ
થીયેટર : કૃષ્ણ (અમદાવાદ)
કલાકારો : દેવ આનંદ, નૂતન, રાજેન્દ્રનાથ, ઝરિન કાત્રક, પરવિન ચૌધરી, ઓમ પ્રકાશ, હરિન્દ્રનાથ ચટ્ટોપાઘ્યાય, રશિદખાન, જાનકી દાસ, મુમતાઝ બેગમ, ધન્નાલાલ, ઉમાદત્ત, રતન ગૌરાંગ, મેહર બાનુ, પ્રતિમાદેવી અને એક દ્રષ્ય માટે વિજય આનંદ

ગીતો
૧.... દેખો રૂઠા ના કરો, બાતેં નઝરોં કી સુનો... લતા-રફી
૨... યે તન્હાઈ હાય રે હાય જાને ફિર આયે ના આયે... લતા મંગેશકર
૩..... તૂ કહાં યે બતા, ઇસ નશીલી રાત મેં.... મુહમ્મદ રફી
૪.... દિલ કી મંઝિલ કુછ ઐસી હૈ મંઝિલ.... આશા ભોંસલે
૫... દિલ કા ભંવર કરે પુકાર, પ્યાર કા રાગ સુનો.... મુહમ્મદ રફી
૬..... સુન લે તુ દિલ કી સદા, પ્યાર સે પ્યાર સજા.... મુહમ્મદ રફી
૭..... તેરે ઘર કે સામને એક ઘર બનાઉંગા.... મુહમ્મદ રફી
(ગીત નં. ૬ બે ભાગમાં છે.)

બસ. એ ’૬૩ની સાલમાં જ મેં પહેલીવાર મુંબઈ જોયું, એમાનું એટલું યાદ છે કે, આજે હયાત નથી, તે બન્ને થિયેટરો ‘ઓપેરા હાઉસ’ અને ‘રૉક્સી’મા અનુક્રમે ‘બંદિની’ અને ‘તેરે ઘર કે સામને’ મારી ૧૧-વર્ષની ઉંમરે જોયા હતા. પણ દેવ આનંદ એટલો ગમી ગયો હતો કે, અમદાવાદ પાછા આવીને કૃષ્ણ ટોકીઝમાં ‘તેરે ઘર કે સામને’ બીજી, ચોથી અને છઠ્ઠી વાર પણ જોયું. દેવ આનંદ દિલ્હીથી શિમલા સ્કૂટર ઉપર એકલો જાય છે અને મુસાફરી પૂરી થયા પછી આખા શરીરે વાંકો વળી જાય છે, એમાં એને કોઈ નવી ઍક્ટિંગ કરવી પડે એમ નહોતી, કારણ કે વાંકો તો એ અમથો ઊભો ઊભો ય વળી જતો. સૌરાષ્ટ્ર બાજુના સંતો કહી ગયા છે કે, ટટ્ટારને બદલે દેવ ટાંપાટૈડો ઊભો રહે તો જ ઍક્ટિંગ કરી શકતો.

જુવાની લૂંટાવી દેવા માટે એ જમાનો ફક્ત ફિલ્મો જોવાનો જ હતો, એટલે કૃષ્ણમાં ‘તેરે ઘર કે સામને’ રીલિઝ થવાનું હતું, તેની આગલી રાત્રે થીયેટર પર કેવા હોર્ડિંગ્સ મૂકાય છે, તે જોવા પોળના બધા જઈએ. મઝા પડી ગઈ કે, ફિલ્મના નામ મુજબ, કૃષ્ણની તોતિંગ દિવાલો ઉપર કાચની બારીઓવાળા બે આમને-સામને ઘરના કટ-આઉટ્‌સ પણ મુકવામાં આવ્યા હતા. સામે રૂપમમાં મીનાકુમારી-રાજેન્દ્રકુમાર-રાજકુમારવાળું ‘દિલ એક મંદિર’ ચાલે, એમાં કોઈ મંદિર કે દિલના કટ-આઉટ્‌સ મૂકાયા નહોતા. ઘી-કાંટાવાળી પ્રકાશ ટૉકિઝમાં માલા સિન્હા-રાજેન્દ્રકુમારના ‘ગહેરા દાગ’ના પોસ્ટરો ડાઘાવાળા નહોતા. રીલિફમાં એ જ વખતે ચાલતું અશોક-માલા-સુનિલનું ‘ગુમરાહ’ અને આ બાજુ રીગલમા તમારા સાધના ભાભી અને સહુના રાજેન્દ્રકુમારનું ‘મેરે મહેબૂબ’ ઘૂમ મચાવતું હતું, પણ રાજેન્દ્રકુમારવાળાઓ તો બીજી પોળમાં રહે... અમારી પોળમાં ધૂસવા ય ન દઈએ... અમે બધા તાં કો શમ્મી કપૂરને કાં તો દેવઆનંદ વાળા. કેમ જાણે અમારી પોળમાં એ નાગોલચીયું રમવા આવતો હોય, એમ અમારે માટે એ ‘દેવલો’ હતો. (‘દેવજી’ પાછો જુદો... એ નટવરલાલ વકીલના ઓટલે સૂઈ રહેતા ઘુળજીનો નાનો ભાઈ દેવજી જુદો !) એની ફિલ્મો મિનિમમ બબ્બે વાર ના જોઈએ તો પોળની વચ્ચે અમને ઊભા રાખીને બા ખીજાતા...!

પણ આ ફિલ્મ આટલી વધી વાર જોવાનું ખાસ કારણ દેવ આનંદ અને મુહમ્મદ રફી સાહેબના સમન્વયમાં ગવાયેલા ગીતોનું હતું. શું બેમિસાલ અવાજ સાહેબે દેવ સાહેબ માટે કાઢી આપ્યો છે. માઈન્ડ-બૉગલિંગ... જસ્ટ માઈન્ટ બૉગલિંગ ! દિલ્હીના કુતુબ મિનારના ગોળ ગુંબજમાં એકલતા કે નિરવ શાંતિનો ય ગુનગુનગુન ઘ્વનિ સંભળાય, એ ઘ્વનિ રફી સાહેબે ‘દિલ કા ભંવર કરે પુકાર’ કાઢી બતાવ્યો છે. (આ જ ગીતમાં કુતુબ મીનારમાં દેવ-નૂતનની બાજુમાંથી પસાર થતો વિજય આનંદ એક દ્રશ્ય માટે દેખાય છે.) તો શિમલાની ઘૂન્દ (ઘુમ્મસવાળી) ગલીઓમાં ફિલ્માયેલા ગીતમાં રફી સાહેબે દરેક અંતરા પહેલા છેડેલો આલાપ, ‘ઓઓઓઓ... ઓઓઓ’ કોઈ અજાયબ ફીલિંગ ઊભી કરી આપે છે.

દેવ પોતે ભલે ગમે તે કહેતો હોય, પણ દેવ આનંદને રફીનો જેટલો પરફેક્ટ અવાજ કિશોરનો નહોતો થતો. દેવની અદાઓ યાદ કરો અને આ બન્ને ગીતો ઉપરાંત ‘દેખો રૂઠા ના કરો...’ માં રફી સાહેબની હરકતો યાદ કરો. જાણે રફી સાહેબ હીરો હોય અને દેવ આનંદે ગાઈને પ્લેબૅક આપ્યું હોય, એટલો કંઠ મળતો આવતો હતો. કેમ કોઈ બોલતું નથી કે ફિલ્મ ‘હમદોનોં’માં ‘અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહિ’ તો ફિલ્મ જોયા વગર પણ ગીત સાંભળીને કાન મીંચીને ય કહી શકો કે, આ તો ફક્ત ને ફક્ત દેવ આનંદ જ લાગે છે ! હજી યાદ કરો, ‘દેખો રૂઠા ના કરો...’ ગીતના અંતરે ‘ચહેરા તો લાલ હુઆ... દિલ પામાલ હુઆ...’ શબ્દો રફી સાહેબ ઊંચા સૂરમાં ગાય છે ત્યારે પેલી ડોકી હલાવવાની દેવની ફેમસ અદામાં રફીનો અવાજ કેટલો ફિટમફિટ લાગે છે ? કોઈ કાળે આ ગીત તમારો રાજેન્દ્ર કુમાર કે કોઈ બી કુમાર ગાતો લાગે ? (જવાબ : સહેજ બી ના લાગે... જવાબ પૂરો)

આ એ તબક્કો હતો, જે ઉંમરે દેવ આનંદ આપણને સર્વકાલીન સુંદર લાગતો હતો (આ ફિલ્મમાં એ ઍક્ઝેક્ટ ૪૦ વર્ષનો છે.) કપડાં એને કોઈપણ શોભતા. સરપ્રાઈઝિંગલી, એક નાના અપવાદને બાદ કરતા આખી ફિલ્મમાં દેવે ફક્ત કાળા કપડાં જ પહેર્યા છે. ભલે અત્યારે એની એ અદાઓ લાઉડ લાગે, પણ એ જમાનામાં એની એ જ અદાઓ આપણને ગમતી હતી. અંગત રીતે, મને દેવ એની સર્વકાલીન સુંદર ‘જ્વૅલ થીફ’માં લાગ્યો છે, પણ ‘તેરે ઘર કે સામને’નો દેવ પણ એવો જ સોહામણો લાગે છે. વાતમાં જરી કમાલ લાગે પણ અહીં તો નૂતન પણ ગ્લૅમરસ લાગે છે. આ ફિલ્મ શરૂ થવાની કોઈ દસેક મિનિટ પહેલા જ ગુણકારી હલ્દી-ચંદનના લૅપથી રૂપ ફૂટ્યું હોય, એવી તાઝગી એના ઐશ્વર્યમાં દેખાય છે. નૂતનના ફાધર બનતા હરીન્દ્રનાથ ચટ્ટોપાઘ્યાય મૂળ તો કવિ પણ સારા ઍક્ટર પણ ખરા. ચહેરા પર સેંકડો હાવભાવો લાવવામાં એમની માસ્ટરી. દેવ આનંદથી પણ બે-ચાર સોસાયટીઓ આગળ. ગમે તેમ તો ય, સ્વાતંત્ર્ય-સંગ્રામના મહારાણી ડૉ. સરોજીની નાયડુના એ સગા ભાઈ હતા. આ વખતે આખેઆખી માં બદલાઈ ગઈ છે, એટલે હરિન દાની પત્ની પ્રતિમાદેવી બનવાને કારણે ફૉર એ ચેઈન્જ... આ ફિલ્મમાં તે દેવની મા બની શકી નથી... ધૅટ્‌સ ફાઈન... નેક્સ્ટ ટાઈમ...! ‘જ્વૅલ થીફ’માં એનું ‘મા-પણું’ પાછું આપવામાં આવે છે. આ ફિલ્મમાં દેવ આનંદના ચમચા તરીકે કામ કરતો રશિદખાન દેવનો પહેલેથી ખૂબ માનીતો. યાદ કરો તો, દેવની તમામે તમામ ફિલ્મોમાં એ હોય જ. એક જમાનામાં અત્યંત લોભામણી ગણાતી સાઈડ-હિરોઈન પરવિન ચૌધરીને કોઈ નહિ ને આ કદરૂપા રશિદખાનની પ્રેમિકા વિજય આનંદે કઈ કમાણી ઉપર બનાવી છે... નો આઈડિયા ! દેવ આનંદના પિતા તરીકે ઓમપ્રકાશ ગેલગમ્મત કરાવતો રહે છે, મા ના રોલમાં મુમતાઝ બેગમ છે. દેવની સઘળી ફિલ્મોમાં હોય જ, એ ઉમા દત્ત (પુરૂષનું નામ છે, મિત્રો) આ ફિલ્મમાં દેવનો બૉસ બને છે. રાજેન્દ્રનાથને અહીં ઍરફોર્સ-ઓફિસર અને નૂતનનો ભાઈ બનાવાયો છે. ભાઈ વાળી વાત માફ, પણ વિમાનનો પાયલોટ પોપટલાલ હોય તો સાલું... એ પ્લેન ક્યાં ક્યાં ઊડતું હશે ? એક આડવાત : મને તો ગલીપચી થાય એટલું હસાવી શકતો આ રાજેન્દ્રનાથ અંગત જીવનમાં તમે માની ન શકો, એટલો ગંભીર અને અતડો માણસ હતો. એની સાથે કામ કરી ચૂકેલા બધા ઍક્ટરો કહી ચૂક્યા છે કે, અમને યાદ નથી, શૂટિંગમાં એના રોલ સિવાય રાજેન્દ્રનાથે અમને એક પણ વાર ક્યારેય હસાવ્યા હોય. હસાવવાની વાત તો આઘી રહી, એ કોઈની સાથે વાત પણ નહોતો કરતો. આ ફિલ્મમાં એની પ્રેમિકા બનતી છોકરી ઝુબિન કાત્રક છે.

દેવ આનંદ અને રફી સાહેબનું સર્વોત્તમ કૉમ્બિનેશન જોવા-સાંભળવા એકલું ‘તેરે ઘર કે સામને’ કાફી છે. પણ આમાં તો લતા મંગેશકરના ગીતો ય આપણી માસીની દીકરી જેવા સગપણીયા લાગે છે. હવે યાદ આયું, ‘થામ લો બાંહે... થામ લો બાંહે... યે તન્હાઈ હાય રે હાય જાને ફિર આયે ના આયે... હોઓઓઓઓ’ કે નૂતનની મસ્તીખોરી કેમ જાણે લતાએ પોતાનું બાળપણ યાદ કરીને ગાયું હોય... મજ્જા પડી ગયેલી ! ‘દેખો રૂઠા ના કરો...’ ગીતમાં ય લતા રફી સાહેબથી એક દોરો ય કમ નહોતી. એ તો થૅન્ક ગૉડ કે, બર્મન દાદા અને લતા વચ્ચેના ચાર વર્ષ જૂના (’૫૮ થી ’૬૨ સુધીના) અબોલા તાજાં તાજાં તૂટ્યા’તા વળી, પેલા ‘ડૉ. વિદ્યા’વાળા ‘પવન દિવાની, ન માને’ વાળા ગીત પછી કાકાએ લતાને સડસડાટ ગવડાવી છે અને ‘તેરે ઘર કે...’માં જુઓ, કેવો ફાલ ઉતર્યો છે !

પણ હું હોઉં કે તમે હો, આશા ભોંસલેને તો રાબેતા મુજબનો અન્યાય આપણે કરવાનો જ. લતા હોય એટલે બહેન હૅલન કે સાઈડ-હીરોઈનો પૂરતા જ ગીતો એની પાસે આવે... હીરોઈનના નહિ, પણ આ ફિલ્મમાં ‘દિલ કી મંઝિલ કુછ ઐસી હૈ મંઝિલ’માં એ કેવી ઉપડી છે. સહેજ તો યાદ કરો, બાબા... ! કાકાએ મસ્તી કરાવી દીધી છે, એના આ ગીતના રેડિયો સીલોનવાળા પેલા ‘અનોખે બોલ’ના ગીતથી. ફિલ્મમાં આ ગીત ઇંગ્લિશ ધોયળી ઍડવિના ગાય છે. ગીતની ઘૂન અને એમાં વાગેલા વાજિંત્રો સાંભળ્યા પછી બહુ ચોખવટ કરવાની જરૂરત રહેતી નથી, પિતાશ્રીના સંગીતવાળી આ ફિલ્મમાં એક આ ગીત પંચમ દા એટલે કે રાહુલદેવ બર્મને કંપોઝ કર્યું છે. એ જમાનાના સમજો ને, લગભગ તમામ સંગીતકારોને પોતાની નવી ફિલ્મના કોઈ દ્રશ્યમાં પોતાની જૂની ફિલ્મના ગીતનો કોઈ ટુકડો મૂકી દેવાની હૉબી હતી, તેમ અહીં દેવ-નૂતન પહેલી વાર મળે છે, ત્યારે બૅકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘કાલા બાઝાર’નું રફી સાહેબનું ‘અપની તો હર આહ ઇક તુફાન હૈ’ વાગતું સંભળાય છે. આવી હરકતોમાં રાજ કપૂરની તો ફિલ્મે-ફિલ્મે માસ્ટરી હતી, તે સહેજ.

બાકી ફિલ્મ તો દેવ આનંદની હોવા છતાં કૉમેડી હતી. ગોલ્ડી એટલે કે, વિજય આનંદના હાથમાં હતી તે....! દેવ પોતે પરદેશમાં આર્કિટેક્ટનું ભણીને ઇન્ડિયા આવે છે, એમાં પહેલું માપ અને સાત-બારનો ઉતારો નૂતનનો લઈ લે છે. પણ બન્નેના ફાધરો એકબીજા માટે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો જેવા, એટલે ફિલ્મ તો જાણે ત્રણ કલાક ચાલવાની. (સૉરી... આખી સિમીલિ ખોટી અપાઈ ગઈ. બન્નેની દુશ્મનાવટ ભાજપ-કોંગ્રેસ જેવી હોય તો ફિલ્મ ત્રણ કલાકમાં નહિ, ત્રણ હજાર વર્ષોમાં ય પૂરી ન થાય... બંનેમાંથી એકે ય ને ક્યાં પ્રેક્ષકો વહાલા છે, તે પૂરી થાય !) અહીં નૂતનના ફાધર દેવને પોતાના બંગલાની ડીઝાઈન બનાવી આપવા ભાડે રાખે છે, એ ડીઝાઈન દેવે નૂતનને ઘ્યાનમાં રાખીને બનાવી હોવાથી અદ્‌ભુત બને છે, જે દેવના ફાધર જોઈ જાય છે, એટલે જીદ પકડે છે કે, આપણા બંગલાની ડીઝાઈન પણ આ જ બનવી જોઈએ. એમને ખબર નથી કે, સુપુત્રએ એમના જાની દુશ્મનનો પ્રોજેક્ટ પણ હાથમાં લીધો છે.

ફિર ક્યા... ? ઘૂમધામ, બૂમાબુમ ને ‘યે શાદી નહિ હો સકતી...’ વાળી નાટકબાજી. હિંદી ફિલ્મોની એક વાત આપણને બધાને બહુ ગમે કે, ફિલ્મમાં ગમે તેટલો મોટો પ્રોબ્લેમ હોય, ત્રણ કલાકમાં એનો ઉકેલ આવી જ જાય. ઘેર પહોંચીને આપણને ચિંતા ન રહે કે, ‘‘... પછી શું નૂતન ને દેવ આનંદના લગ્ન થયા હશે ?’’... ‘‘શમ્મી કપૂરને પ્રાણે પર્વતની ધાર પર લટકાવી દીધેલો, તે છુટ્યો હશે કે નહિ...? બા ય બહુ ચિંતા કરતા’તા ...!’’ એવી બધી ચિંતાઓ ત્રણ કલાકમાં જ પતી જતી, એ વળી બહુ સારું થતું, એટલે દરેક ફિલ્મના અંતે ‘ખાઘું, ખાઘું ને રાજ કર્યું’માં વાત પતી જતી. (‘ખાઘું’ પછી ‘પીઘું’ એટલા માટે નથી લખ્યું કે, આજકાલ ગુજરાતમાં સાલા દરોડાઓ બહુ પડે છે... ક્યાંક આપણે ખોટા હલવઈ જઈએ...!) ઘ્યાનથી ફિલ્મ જોવાની આદતો પાડી હોય તો એક નકરો ફેરફાર જોવા મળી જાય એવો છે. રાત્રે ઘેર મોડી આવેલી નૂતનને એના પિતા હરિન દા થપ્પડ મારે છે, એ દ્રશ્ય જોઈને દેવ આનંદ પણ હચમચી જાય છે, પણ પછીનું શૂટિંગ બહુ લાંબા સમય પછી થયું હોવું જોઈએ કારણ કે, તરત પછીના દ્રશ્યમાં અચાનક દેવ આનંદ ઘણો જાડો થઈ ગયેલો-દાઢી નીચે ડબલ ચીન અને ફૂલેલા ગાલ દેખાઈ આવે છે. પણ આ તો શરીરની પૂરતી કાળજી રાખતો દેવ હતો. બીજા બે-ચાર દ્રશ્યો પછી એ ફરી પાછો પતલો-પતલો બની જાય છે.

આજના સ્ટાન્ડર્ડ પ્રમાણે તો ‘તેરે ઘર કે સામને’ સાવ કન્ડમ ફિલ્મ હતી... પણ આ કૉલમ આજના નહિ, આપણા એ વખતના સ્ટાન્ડર્ડ પ્રમાણે લખાય છે.. જય રામજી કી.

No comments: