Search This Blog

09/10/2011

ઍનકાઉન્ટર : 09-10-2011

* ‘ધર્મપત્ની’ અને ‘ધરમની પત્ની’ વચ્ચે ફેર શો?
- શ્રીમતી પ્રકાશ કૌર અને હેમા માલિની જેટલો.
(અજય વ્યાસ, બિલખા)

* મંદિરોમાં ભક્તો જૂનાં ચપ્પલ પહેરીને આવે છે, જ્યારે મારે નવા ચપ્પલ જોઈએ છે. કોઈ રસ્તો બતાવો.
- ચપ્પલ પહેરતા પહેલા ખાતા શીખો. 
(રમેશ દેસાઈ, અમદાવાદ) 

* રાજકારણીઓ પોતે આચરેલા કૌભાંડોનું પ્રાયશ્ચિત કઈ રીતે કરતા હશે?
- ૫૦૦ કરોડના ગફલામાં કમાયો.. પણ પેલા ૨૫૦૦-કરોડમાંથી રૂપિયો ય કમાવવા ન મળ્યો... સાલું, જગતમાં ન્યાય જેવું જ કાંઈ નથી. 
(મિનાક્ષી નાણાવટી, અમદાવાદ) 

* પાકિસ્તાની વિદેશ મંત્રી હિના રબ્બાની એવી તે ક્યાં સુંદર છે કે મીડિયાએ આટલું મહત્ત્વ આપી દીઘું?
- જીવ ન બાળો, એ લોકો માયાવતી માટે આટલી દોડધામ નથી કરાવતા, ત્યાં સુધી સારું છે. 
(આનંદ ડી. વાઢાળા, ગારીયાધાર) 

* કોંગ્રેસ હોય કે ભાજપ, બન્ને દેશને લૂંટવા જ બેઠા છે એવું નથી લાગતું?
- નથી લાગતું... એ બન્ને ફક્ત હિંદુઓ, ક્રિશ્ચિયનો, સીખ્ખો કે જૈનોને જ લૂંટવા બેઠા છે. 
(ઇલ્યાસ એ. પટેલ, સંતરામપુર) 

* ફિલ્મ ‘સિંઘમ’માંથી પ્રેરણા લઈને ગુજરાતની પોલીસ ભ્રષ્ટ રાજકારણીઓને સીધા કરી શકશે?
- ઓકે.. ઓકે.. તો ગુજરાતની પોલીસ માટે તમારો ખ્યાલ આટલો ઊંચો છે... વાઉ! 
(રમાગૌરી એમ. ભટ્ટ, ધોળકા) 

* અન્ના હજારે કહે છે, ગુજરાતમાં દુધ કરતા દારૂ વઘુ વેચાય છે... આપ સુઉં કિયો છો?
- એમની જેલસી દુધ માટેની છે કે દારૂ માટેની, તે ખબર નથી. 
(જયેશ ડી. ત્રિવેદી, બગસરા) 

* શોખિનો કૂતરા, પોપટ કે બિલાડી પાળતા હોય છે... વઘુ શું પાળવું ફાયદાકારક?
- બહેન... એક વાર લગ્ન કરી લેવા સારા. 
(કવિતા કે. સોતા, મુંબઈ) 

* બાળપણ, જુવાની અને ઘડપણ... ઈશ્વર તમને આ ત્રણમાંથી એક જ જીવન જીવવાની છુટ આપે, તો કયું પસંદ કરો?
- જવાબ તમે આપો. ત્રણેના લાભ શેમાં મળે? 
(મોના જે. સોતા, મુંબઈ) 

* માણસો કૂતરા કેમ પાળે છે?
- ‘હું આના જેટલો વિશ્વાસપાત્ર કદી બની ન જાઉં’, એનો ખ્યાલ રાખવા. 
(સુમન એમ. ચૌહાણ, રાજકોટ) 

* તમે જવાબો બહુ આપ્યા. હવે એક સવાલ તમે પૂછો. જવાબ અમે દેશું.
- ઓકે. ‘‘ફૂલની બહેનનું નામ ફર્નિચર હોય, તો સડક પર બેઠેલી ખિસકોલીના ફ્‌લૅટમાં કોણ રહેવા ગયું હશે?’’
(ચેતન જેઠવા, ભાવનગર)

* ઓહ નો... તમે ગયા મહિને ભાવનગર આવી ગયા... તમને જોવાનો એક ચાન્સ પણ અમે ગૂમાવ્યો!
- મને જોનારાઓ આજ સુધી બેઠા થઇ શક્યા નથી, એવા પસ્તાય છે!
(સોનલ વી. મહેતા, ભાવનગર)

* કાશ્મિર ફક્ત નકશામાં જ આપણું છે, એ વાત સાચી?
- એ નકશો પાકિસ્તાનમાં કે દિલ્હીના કૉંગ્રેસ કાર્યાલયમાં છપાયો હોય તો વાત ખોટી. 
(પૂજા દફ્‌તરી, રાજકોટ) 

* અશોકભાઈ, તમારો મોબાઈલ નંબર મળશે? SMS મોકલવા છે.
- લખી લો. ૦૦૦૦૦ ૦૦૦૦૦. (બપોરે ફક્ત ૩ પછી) 
(વેદાંગ શ્રીમાંકર, મહુવા) 

* ‘અશોકના શિલાલેખો’ ક્યારે કોતરાવશો?
- નથી કોતરવા... ‘શીલા’નો ગોરધન મારે એવો છે! 
(પ્રો. જે.પી. મહેતા, મહુવા) 

* શ્રી બજરંગબલી પ્રસન્ન થઈને તમને કોઇ વરદાન માંગવાનું કહે, તો શું માંગો?
- એ જ કે, આવતા જન્મે મને પણ ફૂલટાઈમ કૂંવારો બનાવજો... પણ આ જન્મમાં મારૂં કૂંવારાપન મિનિમમ ૫-૬ વાર તોડાવજો. 
(સંજય વાણવી, વંથલી) 

* કાયદો ગમે તે કહેતો હોય, પણ આપ શું કહો છો? એક સાથે એક પ્રેમી કેટલી પ્રેમિકાઓ રાખી શકે?
- તમારૂં વજન ઝીલી શકે એટલી? 
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ) 

* શું માણસ ગરીબી કપાળમાં લખાવીને આવતો હશે?
- ના. પાસબુકમાં. 
(સ્વામી આનંદ સહજ, રાજકોટ) 

* તમને ગુજરાતના ગૃહમંત્રી બનાવવામાં આવે તો?
- ઓ... થોડું ઉંચે જવાય એવું નથી..??? 
(ઈમરાનખાન જે. પઠાણ, વિંછીયા-જસદણ) 

* સાંસદ બનવું છે. શું શું લાયકાત જોઈશે?
- માણસ બનવાનું માંડી વાળો. 
(કુસુમ જ. પરીખ, અમદાવાદ) 

* પત્ની સાથે ગુસ્સા પછી આપ બન્નેની હાલત કેવી હોય છે?
- કંઇ નહિ... અમે બન્ને હસી પડીએ છીએ, કે એકબીજાને કેવા ઉલ્લુ બનાવ્યા...! 
(રમેશ એન. ગાંધી, વડોદરા) 

* કાયદાની કિતાબ પર સોક્રેટીસના ફોટાને કેમ મહત્વ આપવામાં આવ્યું છે?
- સોક્રેટીસ એની વાઇફ ઝેન્થિપીથી બહુ ત્રાસીને દાર્શનિક હોવાના આડા રસ્તે ચઢી ગયો હતો... અને આમ જોવા જાઓ તો વકીલોથી ય એમની પત્ની ક્યાં ખુશ હોય છે? 
(દુષ્યંત નવલચંદ કારીઆ, મોરબી) 

* તમે આત્મકથા લખો તો એનું ટાઇટલ શું રાખશો?
- હું લખીશ, એમાં ઘણા બધા ભરાઈ જાય એમ છે, માટે શીર્ષક હશે, ‘‘મારા સત્યના પ્રયોગો’’. 
(અમિત કે. સોમેશ્વર, અમદાવાદ) 

* મારી પત્ની પોતાનું નામ છપાવવા માટે સવાલો એના નામે મોકલવાનો હઠાગ્રહ કરે છે, તો મારે શું કરવું?
- તમારા પત્નીનો ટેસ્ટ ઊંચો કહેવાય... તમે કાંઇ ન કરો હવે! 
(જીતેન્દ્ર જી. કેલા, મોરબી) 

* નમક ગળ્યું હોતું નથી, છતાં એને મીઠું કેમ કહે છે?
- આવું ટેન્શન રોજ રહેતું હોય તો આજથી જ દાળ-શાકમાં મીઠાં-ફીઠાં નાંખવાના બંધ કરો. બહુ મન થાય તો જમ્યા પછી મીઠાનો ફાકડો મારી જવો...! 
(મોહમદ/કૈદભાઈ/અકબરભાઈ, ગોધરા) 

* ગાંધી ટોપીના પણ હવે બ્લૅક બોલાય છે... ઍની કમૅન્ટ?
- ગાંધીજી આજે પણ સહુના કામમાં આવે છે. 
(રમેશ સુતરીયા, મુંબઈ) 

* સ્ત્રીઓ હસતી વખતે મોંઢે રૂમાલ કેમ દાબે છે?
- ધાબળો મોટો પડે. 
(જગદિશ બિનીવાલે, અમદાવાદ)

No comments: