Search This Blog

02/10/2011

ઍનકાઉન્ટર : 02-10-2011

* ત્રાસવાદીઓના હુમલાઓથી પબ્લિક સર્વન્ટોના લોહી કેમ ગરમ થતા નથી ?
– જેની રગોમાં પાકિસ્તાની ફાધરનું લોહી વહેતું હોય, એ ગરમ ક્યાંથી થાય?
(ભાવી છાયા, જૂનાગઢ)

* અશોકજી, તમે ભગવાનને મળવા ક્યારે જવાના છો ? શુભેચ્છા મોકલવી છે.
– વાહ. કોઇને માટે તમે આવી પણ રાહ જોઈને બેઠા છો.
(નસીમા એફ. બારીયાવાલા, ઉમરેઠ)

* વરરાજાના હાથમાં તલવાર ભયની નિશાની છે કે બહાદુરીની ?
– એ તો મ્યાનમાં કઈ બાજુથી ખેંચવાની છે, એની એને ખબર પડે તો એની આપણને ખબર પડે.
(અફરોઝબેન આર. મીરાણી, મહુવા)

* દાંપત્યજીવનનો મર્મ સમજવા ‘મૅન’ કે ‘મની’ વધુ ઈફેક્ટીવ...?
– ‘‘વુ મની.’’
(નિરંજન ડી. વૈષ્ણવ, જૂનાગઢ)

* માણસની ભૂલ થાય તો લોકો એને ગધેડો કહે છે, પણ ગધેડાની ભૂલ થાય તો શું કહેવાય ?
– હું ગધેડાં લોકોના એટલા ક્લૉઝ–ટચમાં નથી કે એમની ભૂલ પકડી શકું.
(સ્વીટી ચંદારાણા, વડોદરા)

* નજરે ના આવવા છતાં આખી દુનિયાને નચાવતો કોણ છે ?
– ધૂળજી.
(પ્રવીણ ઉપાધ્યાય, વડોદરા)

* ‘હિના રબ્બાની અમને આપી દો અને બદલામાં કાશ્મીર લઇ જાઓ .’ કહેનારા હરખપદુડાઓ દેશના શહીદોનું આવું અપમાન કેવી રીતે કરી શકે ?
– ન જ કરાય... હા હજી ‘ડિમ્પલ કાપડિયા અ.દ.ને આપી દો અને બદલામાં ચોટીલા આખું લઇ જાઓ’, એવી ઓફર મૂકો તો બા ય ના ખીજાય .
(સાધના પી. નાણાવટી, જામનગર)

* આજની સુંદરીઓના શરીર પરથી વસ્ત્રો ઘટતા જાય છે અને ટૅટુઓ વધતા જાય છે... આગળ શું થશે?
– પૂરતી તપાસ કરી શકાય, તે માટે એકાદ સૅમ્પલ મોકલી આપવા નમ્ર વિનંતિ .
(મધુકર પી. માંકડ, જામનગર)

* ગીતા, બાઈબલ અને કુરાન વાંચીને કોઇ સુધારો થયો ?
– ના. હજી આંખે બેતાલાના ચશ્માં તો પહેરવાં જ પડે છે !
(હમજા એન. વ્હોરા, કાલોલ)

* તમારા ઘણા સવાલના જવાબ ફક્ત મૂર્ખ માણસ જ વાંચે છે... ?
– આપણને એવું કાંઇ અભિમાન નહિ... એક તમે વાંચો છો, એ કાફી છે !
(ઇન્દ્રવદન શિવલાલ જોશી, મુંબઇ)

* દુ:ખ તો મન અને આત્માની વ્યાયામશાળા છે, તે તમે માનો છો ?
– મજા પડી ગઈ... મન અને આત્મા નામના બન્ને પહેલવાનો લંગોટ પહેર્યા પછી કેવાં લાગતા હશે... ઓહ !
(રક્ષા / દર્શિત / કૃતિ ઉપાધ્યાય, અમદાવાદ)

* સમ્રાટ અશોક તો બહુ દયાળુ હતો. તમારે કેમનું છે ?
– હું તો બુદ્ધિશાળી છું.
(મણીબેન પટેલ, ઊંટડી – વલસાડ)

* સ્મશાનના દરવાજે ‘ભલે પધાર્યા’ના બોર્ડનું કારણ ?
– આવકાર ના મળે તો, પેલો ઉપર સૂતેલો ઊભો થઈને પાછો જતો ન રહે માટે !
(પુષ્કર કે. ગઢીયા, જૂનાગઢ)

* આંખોને ઠંડક આપવા સુંદર ચહેરાઓ જોંઉ છુ, તો ( મારા બાબાની ) બા ખિજાય છે. કોઈ ઉપાય ?
– જ્યાં સુધી તમે બહાર ચાલો એમ છો, ત્યાં સુધી જ ઘરમાં ચાલી શકવાના છો, એવું એમને કહો .
( જયેશ અંતાણી, ભાવનગર)
* ‘ બુંદસે બિગડી, વો હોજ સે નહીં સુધરેગી’ નો અર્થ ?
– એનો અનર્થ થાય... અર્થ નહિ !
(નટવરલાલ ટી. ચંદારાણા , ધારી )

* અન્ના હજારે હજારોમાં એક છે કે કરોડોમાં ?
– રાલેગણમાં એક છે.
(નીતા મોઢા, મુંબઈ )

* કોઇ પુરૂષ વિચારમાં ને વિચારમાં મરક મરક હસતો હોય તો તેને શું વિચાર આવતો હશે ?
– એટલો જ કે ... ‘હું પુરૂષ છું’ .
(શ્રીમતી મીના નાણાવટી, રાજકોટ)

* બીજાના ઉપચારની વાતો કરતા રામદેવજી પોતાની આંખો પરની પટ્ટી કેમ દૂર કરતાં નથી ?
– એમની એક આંખ પર તો પર્મેનન્ટ પટ્ટી મારેલી જ છે. જરૂરત પટ્ટી આંખે નહીં, મોઢે મારવાની છે !
(ધીમંત ભાવસાર , બડોલી)

* ટીવી જોવાનો ક્રેઝ ઘરઘરમાં કેમ આટલો બધો વધ્યો છે ?
– ટીવીમાં એમના ઘર કરતાં વધુ સારા ચહેરા દેખાય છે માટે.
(નુપુર માંગુકિયા, વડોદરા)

* યુરોપમાં મંદીમાંથી ઉગારવા ભારત આર્થિક સહાય કરવા માંગે છે... ઘરના છોકરા ઘંટી ચાટે ?
– ડૉન્ટ વરી... યુરોપના છોકરાઓ ફક્ત ઘંટી ચાટી શકે, એટલી જ સહાય કરવાની છે... !
(ગીતા પંડ્યા, હિંમતનગર)

* ‘બા ખિજાય... બા ખિજાય...’ કરે રાખો છો, પણ ઘરમાં હકીભાભી હોવા છતાં ય ડિમ્પલ પર નજર ફેરવતા રહો છો, ત્યારે બા ખિજાતી નથી ?
– ‘આવા એક–પત્નીધારી અશોક દવે’ને તું કેમ છોડતી નથી ? એવું ડિમ્પલને એની બા ધમકાવે છે, બોલો !
(પ્રિયા કોઠારી, મુંબઈ)

* સત્તાની ચિતા ઉપર લોકશાહી આજે કેમ સતી થઈ રહી છે ?
– ડાઘુઓને ચિતા પર ચઢાવનાર કમ–સે–કમ એક મરદ તો મળવો જોઇએ ને ?... હું તો હમણાંથી ઘરની બહાર નીકળતો નથી...!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* ગૌમાતાને બચાવવા શ્રીકૃષ્ણ ભારતભૂમિ પર ક્યારે પધારશે ? 
– આજકાલ તો પેલો ઇન્ડિયાની ટૂર પર નીકળ્યો છે ને ? ... આઇ મીન ભૂકંપીયો સાલો...!!!
(બચુભાઈ સોની, ધોરાજી)

* ‘એનકાઉન્ટર’નો એક અર્થ છે, અનાયાસ મુલાકાત. આપનું પહેલું એનકાઉન્ટર ક્યાં અને કોની સાથે થયું હતું?
– રસ્તા પર એક આદર્શ પુરૂષે જે જોવું જોઈએ, એ જોતો જોતો હું જતો હતો, ત્યાં અચાનક એક વાંદરૂં ઠેકડો મારીને મારા ગાલે બચકું ભરી ગયું...! એ મારા જીવનનું પ્રથમ એનકાઉન્ટર. એ પછીથી ખબર પડી કે, એ વાંદરૂં નહોતું.. વાંદરી હતી...! સાલી ઈર્ષા આટલી બધી ..?
(કમલેશ ધોળકીયા, વડોદરા )

* ફિલ્મ ‘મુગલ–એ–આઝમ’માં બિરબલ કેમ નહોતો ?
– એ બુધવારની બપોરે લખવામાં બિઝી હતો !
(ઉમર વોરા, નડિયાદ)

* અશોકભાઈ, આપ ફૅસ–બુક પર કેમ નથી?
– મારા ફૅસ કરતાં મારી પ્રાયવસીને વધુ રિસ્પેક્ટ કરૂં છું.
(દેવાંત વિભાકર , રાજકોટ)

No comments: