Search This Blog

14/10/2011

‘પૂનમ કી રાત’ (’૬૫)

ફિલ્મ : ‘પૂનમ કી રાત’ (’૬૫)
નિર્માતા-નિર્દેષક : કિશોર સાહુ
સંગીત : સલિલ ચૌધરી
ગીતકાર : શૈલેન્દ્ર
રનિંગ ટાઇમ : ૧૬ રીલ્સ.
થીયેટર : અમદાવાદ (યાદ નથી.)
કલાકારો : મનોજ કુમાર, કુમુદ છગાની, પ્રેમ ચોપરા, પરવિન ચૌધરી, રાજેન્દ્રનાથ, રવિન્દ્ર બૅનર્જી, બ્રહ્મ ભારદ્વાજ, શૈલેશ કુમાર, સરીતા, શિવકુમાર, નંદિની, લીલા મીશ્ર, જાનકી દાસ, બેલા બૉઝ, જગદેવ, રાજ કિશોર, ડી.કે. સપ્રૂ, રોબિન બૅનર્જી અને કિશોર સાહુ. 

ગીતો
૧. તા દિમ તાના દિમ, તા દિમ દિમ દિમ, કહે દો કોઈ બેદર્દી સે જા કે........આશા ભોંસલે
૨. સાથી રે, સાથી રે...તુઝ બિન જીયા ઉદાસ રે, યે કૈસી અનબુઝ પ્યાસ રે......લતા મંગેશકર
૩. તુમ કહાં લે ચલો હો, સજન અલબેલે, યે કૌન સા જહાં હૈ, બતાઓ તો.......લતા-મૂકેશ
૪. સપનોં મેં મેરે કોઈ આયે જાયે, ઝલકી દિખાયે, ઔર છુપ જાયે.............મૂકેશ/લતા/ઉષા
૫. ભોલે પિયા, જાને ના મોરા જીયા.....................................આશા ભોંસલે
૬. દિલ તડપે તડપાયે, જીનકે મિલન કો તરસે, વો તો ન આયે જાયે...........મુહમ્મદ રફી

‘બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ’ના જમાનાની ફિલ્મ આપણા જેવાઓએ આજે ભલે ડીવીડી-ફીવીડી પર જોવી તો જોઈએ જ, કારણ કે ઉંમર અને પરિપક્વતાને કારણે એ વખતે, જેવી હોય એવી....એ ફિલ્મો આપણને ગમતી તો હતી જ. કોઇમાં ગમવાનું કારણ આપણો હીરો કે હીરોઇન હોય, કોઈની સ્ટોરી જરા ગમી ગઈ હોય (કારણ કે, આપણને ક્યાંક એ સ્ટોરી અડતી હોય !) તો કોઈ ફિલ્મના ઍન્ડની ફાઇટિંગમાં મજા પડી ગઇ હોય ! (આપણી પર્સનલ ફાઇટિંગોમાં મજા સામેવાળાને આવી હોય.. આપણે તો માર ખાધો હોય ને...? આ તો એક વાત થાય છે !)

પણ આઉટરાઈટ માત્ર ને માત્ર સંગીત... આઇ મીન, ગીતોને કારણે જ ગમી ગઇ હોય એવી તો ઑલમોસ્ટ બધી ફિલ્મો હતી. રેડિયો સીલોન આપણા સગા ભાઇ જેવું હતું. વિવિધ ભારતી પણ ફિલ્મી ગીતો પૂરતું સાંભળવાનું, પણ ત્યાં સુધી એ ફિલ્મ ન જોઇ હોય, એટલે ફિલ્મમાં એ ગીત કોણે ગાયું હશે-થી માંડીને ગીતનું ફિલ્માંકન કેવું થયું હશે, એ ધારી લેવાની પણ એક જાહોજલાલી હતી... એ વાત જુદી છે કે, જોઇએ ત્યારે ખબર પડે કે, આટલું મઘુરીયું-મઘુરીયું ગીત ફિલ્મમાં તો સાલું ભારત ભૂષણ, મનોજકુમાર, શેખર કે પ્રદીપ કુમાર ગાય છે, ત્યારે મનમાં સમસમી જઇને દાંત વડે બચકાં ભરીભરીને આખી સાયકલ ચાવી જવાનો ગુસ્સો ચઢે. રફી સાહેબના સર્વોત્તમ ગીતો આવા મડદાલ હીરાઓ ઉપર જ ફિલ્માયા છે. 

એટલે, ‘પૂનમ કી રાત’ જેવી સાંગોપાંગ મઘુર ગીતોવાળી ફિલ્મ પણ આજે ફરીથી જોવી ખૂબ ગમશે, ખાસ તો સલિલ ચૌધરીના, ‘ઓય-ક્યા-બ્બાત-હૈં ?’ બ્રાન્ડના ગીતોને કારણે. જરા યાદ તો કરો. રફી સાહેબનું ‘દિલ તડપે તડપાયે...’ એ એક જ ગીત સાંભળીને મને તો મારૂં આખેઆખું નારણપુરા કોઇ ગૌશાળાને દાન કરી દેવાનું મન થાય છે...(મન ઉપડે પછી આપણે પૈસા સામે નથી જોતા....! જોઇએ તો બા ખીજાય છે !!) 

ખાસ કરીને આ ગીતની બે-ચાર વાતો વાંચવી ગમે એવી છે. એક તો રફી-સલિલને કદી બન્યું નથી. સલિલ દા એ રફી સાહેબને હરદમ નીગ્લૅક્ટ કર્યા છે, પણ જ્યાં કોઇના પૂજ્ય પિતાશ્રીની તાકાત ન હોય, એવા ગીતો ‘હેલ્લો ડૅડી’ કહીને રફી સાહેબને જ આપવા પડે, એમાંનું એક આ ગીત. અફ કૉર્સ, ગીત બનાવવામાં રફી કરતા ય મોટો યશ સલિલ ચૌધરીને જ આપવો પડે કારણ કે, એકદમ weird પ્રકારનું આ કમ્પોઝીશન છે. આટલા ફાસ્ટ લયવાળું ગીત ને એમાં ય વૉયલિનને જે સ્પીડથી દાદાએ ભગાવી છે, એ સ્પીડથી એક માત્ર ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બૉલર બ્રેટ લી જ બૉલ નાંખી શકે. એ તો બધાને ખબર છે કે, લતા મંગેશર અને આશા ભોંસલેની સરખામણીમાં રફી સાહેબનું શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન એટલું તગડું નહોતું, એ હિસાબે સાહેબે એમના ગીતોમાં ભાગ્યે જ ‘મૂર્કીઓ’ લીધી છે, પણ આ ગીતના બીજા અંતરામાં ‘કીસ કો સદા દૂંઉઉઉઉઉઉઉઉ...’ મૂર્કી કહેવાય. એ સાંભળો એટલે સાહેબનું નૉલેજ ઓછું છે. એવું માનનારાઓ ચૂપ થઈ જાય. બાકીના ગીતોમાં સલિલ દા ની કમાલ તો લતા અને આશા બન્નેની બદૌલત ખીલી ઉઠી છે. ટેસડાની વાત એ છે કે, લતાજીએ પોતે ગાયેલા સર્વોત્તમ ગીતોમાં ‘પૂનમ કી રાત’નું હૉન્ટિંગ ગીત, ‘સાથી રે, તુઝ બીન જીયા ઉદાસ રે’ને ગણાવ્યું છે, તો સરપ્રાઇઝિંગલી (ઓર, શૉકિંગલી...) સલિલ દા એ પણ તમામ હિંદી ફિલ્મોના ધી બેસ્ટ ઍવર હૉન્ટિંગ ગીત તરીકે આ ગીતને મૂક્યું છે. કોઇ ચર્ચા ન હોય આ મુદ્દે, કારણ કે ગીત તો સાલું આપણને ય એટલું જ ગમે છે. 

તો હવે આ બાજુ જરા બાલ્કનીમાં આવીને હું કહું એ ધીમા અવાજે સાંભળો ને...! દાદાને લતા સિવાય (અને પુરૂષોમાં મૂકેશ સિવાય) બીજો કોઇ ગાયક/ગાયિકા ગમ્યા નથી, એ હિસાબે તમે જુઓ... સલિલ દા ના હિટ લિસ્ટમાં આશા ભોંસલે ભાગ્યે જ આવે, છતાં સ્વયં આશાએ પોતાની પસંદગીના દસ-સર્વશ્રેષ્ઠ ગીતોની યાદી બહાર પાડી, એમાં સલિલ ચૌધરીના સ્વરાંકનમાં ફિલ્મ ‘ચાંદ ઔર સૂરજ’ ‘નું’ ‘બાગ મેં કલી ખીલી બગીયા મહેંકી ઔર હાય રે, કભી ઉધર ભંવરા નહિ આયા... ક્યું ના આયા, ક્યું ન આયા’ મૂક્યું છે. આ ફિલ્મ ‘પૂનમ કી રાત’માં ય આશા ભોંસલે પાસે દાદાએ બે સુંદર નકશીકામો કરાવ્યા છે. એક તો, ‘મગજમાં જ ન ઉતરે કે શાસ્ત્રીય ગાયકીમાં ગવાતું તરાના (તા દિમ તાના દેરે ના, દિમ દિમ તનના...) અહીં આશા પાસે ગવડાવી એને પિકનિક સોંગ બનાવી દીઘું છે. મતલબ, એમાં વૅસ્ટર્ન વાજિંત્રો અને સ્વરો પણ ખરા. ગીત યાદ છે ને, ‘‘તા દિમ તાના દિમ, તા દિમ દિમ દિમ, કહે દો કોઈ બેદર્દી સે જા કે...’’ ફિલ્મમાં તો એ જમાનામાં સહેજ તોફાની અદાઓને કારણે બહુ લાકડી થઇ ગયેલી ડાન્સર/અભિનેત્રી બેલા બૉઝ આ ગીત ગાય છે. 

પણ સલિલના ઑલ ટાઇમ ફૅવરિટ ગાયક મુકેશ પાસે બે મસ્ત મજાના ડ્યુએટ/ટ્રીપલેટ ગવડાવ્યા છે. એમાં એક ખૂબી ફિલ્મ જુઓ તો નજરે પડે જેમ કે, આ ફિલ્મના બહુ વર્ષો પછી ફિરોઝખાને ‘આપ જૈસા કોઈ મેરી જીંદગી મેં આયે’ (ફિલ્મ ‘કુરબાની’)માં પરદા પર ગાતી એકમાત્ર ઝીનત અમન હોય, પણ અવાજ બે ના સંભળાય, એ પ્રયોગ સલિલ દાએ અહીં વર્ષો પહેલા કરી બતાવ્યો છે. ફિલ્મમાં ‘સપનોં મેં મેરે કોઇ આયે જાય, ઝલકી દિખાયે, ઔર છૂપ જાયે’ ગીતમાં મુકેશની સાથે લતા અને ઉષા મંગેશકર-બન્નેના કંઠ છે, જે ફિલ્મમાં એકલી હીરોઇન કુમુદ છુગાની ગાય છે, પણ અવાજ બેના સંભળાય. એ વાત જુદી છે કે, આ નેક કામ ડાયરેક્ટર કિશોર સાહૂની ભૂલથી થઇ ગયું છે કે અજાણતામાં, એની સમજ પડે એવી એટલા માટે નથી કે, ચાલુ ગીતે ફરી પાછી ફિલ્મની સૅકન્ડ હીરોઇન નંદિની પણ ગાવામાં જોડાય છે. સલિલ પ્રયોગોના માસ્ટર હતા, એટલે અહીં એવું ય બન્યું છે કે, ‘તુમ કહાં લે ચલે હો, સજન અલબેલે’ તેમજ ‘સપનોં’ મેં મેરે... બન્ને ગીતોનું ઇન્ટ્રોડક્ટરી મ્યુઝિક એક જ છે. બન્ને ગીતોની શરૂઆત ઍકૉર્ડિયનના એકસરખા પીસથી થાય છે. 

આને તમે ‘‘સલિલીયત’’ કહી શકો. સલિલની આ પણ એક સ્ટાઇલ હતી. પોતાના એક ગીતની વચ્ચેના ઇન્ટરલ્યૂડ મ્યુઝિકમાં પોતાના જ કોઇ ગીતનો પીસ મૂકી દે. જેમ કે, ‘‘મઘુમતિ’’ના ‘‘આજા રે પરદેસી, મૈં તો કબ સે ખડી ઇસ પાર...’’ની વચ્ચે ‘‘ઘડી ઘડી મેરા દિલ ધડકે...’’ની ઘૂન આવી જાય, એમ આ ફિલ્મના ‘‘સાથી રે, તુઝ બીન જીયા ઉદાસ રે...’ ગીતની વચ્ચે આશા ભોંસલેની ફિલ્મ ‘‘ચાંદ ઔર સૂરજ’’ના ‘‘બાગ મેં કલી ખીલી, બગીયા મહેંકી ઔર હાય રે...’’ ગીતનો ટુકડો જોડાઇ ગયો છે. 

Choir (ઉચ્ચાર-ક્વાયર)નો ઉપયોગ સલિલ દાએ અનેક ગીતોમાં કર્યો છે. ‘ક્વાયર’ એટલે સમુહ ગાન (કોરસ)થી ઘણું જુદું સમુહ ગાન. કોરસમાં એક પંક્તિ સાથી કલાકારો એક સરખા રાગમાં ગાતા હોય, જ્યારે ‘ક્વાયર’માં પંક્તિ ભલે એક હોય, પણ ૧૫-૧૫ કે ૨૦-૨૦ સમૂહ ગાયકોના ત્રણ ગ્રુપ જુદા જુદા સુરમાં ગાય. મતલબ કે ‘સારેગમપધનીસા’ના ‘સા’થી શરૂ કરવાનું હોય, તો એક ગ્રુપ ખરજમાં એ પંક્તિ ઉપાડે, બીજું ગ્રુપ મઘ્યમમાં અને ત્રીજું તીવ્ર (હાઇ પિચ)માં ઉપાડે, અર્થાત્‌ ગવાય એક જ પંક્તિ, પણ એકસામટા ત્રણ સુરોની ઇફેક્ટ મળે, જે ‘પૂનમ કી રાત’ના રફી સાહેબના ‘દિલ તડપે તડપાયે’માં સાંભળવા મળે છે. પણ ફિલ્મનું શું ? ફિલ્મ હજી જોવા જેવી ખરી ? ડીવીડી મંગાવીએ ને પૈસા તો પડી નહિ જાય ને ? 

મને લાગે છે કે, હું ના પાડી દઉં... કે બહુ પડવા જેવું નથી. ફિલ્મ ચાલી જ નહોતી, એટલે એક વાત તો તય છે કે, બહુ કોઇ જોરદાર ફિલ્મ ના હોય, પણ આ સીરિઝમાં આપણે ફક્ત ઉત્તમ કે કલાસિક ફિલ્મો વિશે જ લખતા નથી... દારાસિંઘવાળી ‘લૂટેરા’માં ય જોવા જેવું ઘણું હતું, તો એનું ય લખ્યું. બીજી એક વાત વાચકો માટે જાણવી જરૂરી છે કે, આ કૉલમમાં આપણે કોઇ રીવ્યૂ (અવલોકન) નથી લખતા. ઑન ધ કૉન્ટ્રારી, આજના સંદર્ભમાં તો ફાલતુ લાગે એવી ય આપણા જમાનાની ફિલ્મો વિશે લખીએ છીએ, પણ હિસાબ ચોખ્ખો છે કે, એ વખતની આપણી ઉંમર જોતા એ ફિલ્મો આપણને ગમી હતી.. કારણ ગમે તે હોય.. પ્લસ, આ કૉલમનો બીજો હેતુ આપણને બધાને જૂની યાદોમાં લઇ જવાનો છે. એ થીયેટરો, એ લાંબી લાઈનોમાં ઊભા રહેવાનું, ‘ઍકસ્ટ્રા ટિકીટ માટે આજીજીભર્યા સ્વરે કોકને પૂછવાનું, કોક અજાણી સ્ત્રીને’ ‘બહેન... બહેન’ કહીને બે ટિકીટો લાવી આપવાની વિનંતી કરવાની કારણ કે, સ્ત્રીઓમાં લાઇન ઓછી હોય, થીયેટરમાં ગર્યા પછી હાઉસ હજી ન લેવાયું હોય ત્યાં સુધી અદબ વાળીને ફોટાના શૉ-કૅસમાં એ ફિલ્મના ફોટા જોવાના. ફિલ્મ ડિવિઝનની બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ ડૉક્યુમૅન્ટરી જોઇને ક્યારેક બૉર થવાનું, આખા દિવસની બધી એકીઓ બસ બસ.... ઇન્ટરવલ વખતે જ લાગે એટલે રૂમઝુમ કરતા ભાગમભાગ ‘પુરૂષો માટે’માં જવાનું, ત્યાં અડધી ફિલ્મના રીવ્યૂ સાંભળવાના, ‘‘બે વહિદા તો ચક્કાજામ લગતી હૈ, ભાઈ... ક્યાં શ્ટોરી બનાયેલી હે... છેલ્લે ફાઇટ-બાઇટ મેં પઇસા વસૂલ હો જાયેગા... અપના ઇસુફ સા’બ હે ના... ઓ દેખના ભા’ઇ... પ્રાણીયે કી તો...!’’ 

‘પૂનમ કી રાત’ જોવા જેવી અફ કૉર્સ ખરી એટલા માટે કે, આજની જેમ એ જમાનામાં ય હૉરર, સસ્પેન્સ કે થ્રિલર ફિલ્મો બહુ ઓછી બનતી. ‘બીસ સાલ બાદ’, ‘કોહરા’ કે ‘ગુમનામ’ જેવી કોઇ ફિલ્મ હૉરર નહોતી, પણ લોકો એમને હૉરર જ સમજતા. એ બધી થ્રિલર કે સસ્પૅન્સ ફિલ્મો હતી. પર્ટિક્યૂલર્લી, આ ફિલ્મ ‘હવે શું થશે ? હવે શું થશે ?’ એનો ફફડાટ તો હર પળે રહે છે. દેવ આનંદની ફિલ્મ ‘ગાઇડ’માં વહિદા રહેમાનના ગોરધન બનતા કિશોર સાહૂએ આ ફિલ્મ બનાવી હતી. એ આમ તો ૧૯૪૦-ની સાલથી ફિલ્મો બનાવતા આવ્યા છે. એ જમાનામાં એમણે બનાવેલી ફિલ્મ ‘કુંવારા બાપ’ એ દિવસોમાં ખૂબ ચાલી હતી. યાદ હોય તો એમની દીકરી નયના સાહૂને હીરોઇન બનાવવા એમણે શંકર-જયકિશનવાળી ફિલ્મ ‘હરે કાંચ કી ચૂડીયાં’ પણ બનાવી હતી. (‘પંછી રે, ઓ પંછી.. ઊડ જા રે ઓ પંછી’: રફી-આશા) આ ફિલ્મમાં અનુભવ કામે લાગ્યો છે. વાર્તા કહી દેવાનો અર્થ નથી, પણ આનંદની વાત એ છે કે, મનોજ કુમાર હજી તાજો તાજો ફિલ્મોમાં આવ્યો હોવાને કારણે એકદમ યુવાન અને હૅન્ડસમ પણ ખૂબ લાગે છે. એ વખતે દર બીજા ડાયલૉગે એ ચેહરા ઉપર હાથ નહોતો મૂકી રાખતો, એટલે એની ઍક્ટિંગ પણ કમ-સ-એ-કમ સહન તો થાય એવી છે. એની સાથે દોસ્ત બનતો સાઇડ-હીરો શિવકુમાર અંજના સાથે ફિલ્મ ‘મહુવા’માં તમે જોયો હશે. પ્રેમ ચોપરા ય નાનોનાનો મજાનો લાગે છે. 

પોપટલાલની કૉમેડીમાં કોઇ દમ નથી, પણ એનું તો કેવું છે કે, સ્ક્રીન પર અમથો ય તમે એને ઊભેલો જુઓ તો ય હસી તો પડાય જ. મનોજની ‘વો કૌન થી ?’માં આઇસ-સ્કૅટિંગ કરતી કરતી ‘શોખ નજર કી બીજલીયાં, દિલ પે મેરે ગીરાયે જા’ ગાતી પરિવન ચૌધરી પણ અહીં છે. પણ જીવ બળી જાય સિંધી હીરોઇન કુમુદ છુગાની માટે કે, આ એની પહેલી જ ફિલ્મથી, એ બહુ લાંબુ ચાલશે, એવી આશા જન્માવી હતી, પણ પછી કેટલી ફિલ્મોમાં આવી અને છુગાની ક્યાં છુ થઇ ગઇ, કોઇને ખબર નથી. 

આપણે ત્યાં સો-કૉલ્ડ હૉરર ફિલ્મો બનાવનારા ઉપર આલ્ફ્રેડ હિચકોકની મોટી અસર હતી, એટલે એવી તમામ ફિલ્મોમાં જરૂર હોય કે ન હોય, મોટી હવેલી હોય, એની પહોળી સીડી હોય, કોઇ લેવા-દેવા વગરનો પિયાનો ક્યાંક પડ્યો હોય, આપણને અચાનક બીવડાવવા કબુતરાં ઉડાડી મારે, એકાદ બિલાડી અચાનક આવી જાય, દૂધનો ગ્લાસ તો બેશક હોય જ. હવેલીમાં વગર હવાએ હલચલ કરતી ખુરશી. આવી હવેલીનો પુરાણો નોકર બુઢ્‌ઢો અને ભયાનક કદરૂપો હોય, જેના હાથમાં ફાનસ (લાલટેન) હળગતું જ હોય...! તારી ભલી થાય ચમના... દિવસના તું શેનો ફાનસો હળગાઇ-હળગાઈને ફરે છે...? દિન ૩-માં જવાબ આપ. આ ફિલ્મમાં રાહત એક જ છે કે, નિર્માતાને મોટી હવેલી બતાવવાનો ખર્ચો પોસાયો છે, પણ ફિલ્મમાં પહાડ બતાવવાનું મોંધું પડતું હશે એટલે, પહાડની ટોચ પર ગાતી હીરોઇન જોવી પડતી નથી...! 

સાલું હસવું ડાયરેક્ટરોના પાગલપન ઉપર આવે કે, એ સમયની ફિલ્મોમાં તમામ પોલીસ-ઇન્સ્પૅક્ટરો ક્યા કારણથી હાથમાંની લાકડી બીજા હાથમાં બસ... પછાડતા જ રહે. આ તો પોલીસ છે કે ઢોલક-પ્લેયર ? 

પણ, મઝા તો પડશે જ આ ફિલ્મ જોવામાં. સદીઓથી આપણા ગુજરાતમાં એક કૉમેડી વિના કારણ ચાલી આવી છે. કોઇને પૂછીએ, ‘‘થ્રી-ઇડિયટ્‌સ’’ કેવું લાગ્યું? 

‘‘ઓહ હા.. એક વાર જોવા જેવું ખરૂં...!’’ આ લે લ્લે !... બધી ફિલ્મો એક જ વાર જોવાની હોય ને... તારી જેમ અમારે S.S.C. માં બધા થઇને ૨૮-ટકા નહોતા આવ્યા કે, બધી ફિલ્મો બબ્બે વાર જોયા પછી ખબર પડે કે એક વાર પણ જોવા જેવી હતી કે નહિ...! ચલ, પંખો ચાલુ કર...!

No comments: