Search This Blog

12/10/2011

આત્મા-ફાત્મા... ઘંટડીઇઇઇ.... ?

આપણે ત્યાં આત્મા-પરમાત્માની સૌથી વઘુ મેથી મરાતી હોય તો કોકના સ્મશાનમાં કે બેસણાંમાં ! ડોહો જમીનદોસ્ત થયો નથી, કે સ્મશાનમાં ભેગા થયેલા ભટકતા આત્માઓ, ઉપડી ગયેલા આત્મા-પરમાત્માઓની ઝીંકાઝીંક શરૂ કરી દે છે. પાછાં મોંઢાં બગાડીને કરૂણ અવાજો કાઢીને બોલશે, ‘‘સાલો... આ જીવનો તે કાંઈ ભરોસો છે? ખોળીયું એમનું એમ પડ્યું રહે છે ને જીવ ઊડી જાય છે, પણ આત્મા અમર રહે છે. એ કદી મરતો નથી... !’’

તારી ભલી થાય ચમના... ! હજી હમણાં સુધી તો તું રોજ બાલ્કનીમાંથી દેખાતી લો-કટ પહેરતી તારી ધોબણની વાત કરતોતો ને ડોહો ઉકલી ગયો, એમાં તું સીધો આત્મા ઉપર ચઢી ગયો? સાલું ધોબણ અને આત્મા વચ્ચેનું કોઈ કોમ્બિનેશન તો અમને સમજમાં આવવું જોઈએ ને ?

ઈન ફેક્ટ, હજી મને આ આત્મા-ફાત્માનું ચક્કર સમજમાં આવતું નથી. આત્મા કોણ છે, ક્યાં રહે છે, એનું ઈ-મેઈલ આઈડી શું હશે, એ દેખાવમાં કેવો લાગતો હશે ને બીજું, આવા કોઈ આત્માની પાછળ કૂતરૂં કઇડે, તો એને બી ચૌદ ઈન્જેકશનો લેવા પડતા હશે... ? મને કાંઈ જ ખબર નથી.

અનેક લોકો પોતાનું મૃત્યુ એડવાન્સમાં ધારી લઈને, સહાનુભૂતિના વિચારોએ ચઢી જાય છે કે, મારા મર્યા પછી શું ? મર્યા પછી મારો આત્મા અહીં નારણપુરામાં ચકરભમ-ચકરભમ ગોળ ગોળ ભટકતો રહેશે કે વહેલું VRS લઈને ઉપર પહોંચી જશે? મારા ગયા પછી કોણ કોણ રડશે ને કોણ કોણ પોકો મૂકી મૂકીને રડશે? કેટલા એવા છે, જે મારા દુઃખદ અવસાનના વર્ષો પછી ય મને યાદ કરશે ને મારી યાદમાં ગમગીન રહેશે? મર્યા પછી તો ભલભલાના વખાણો કરવા પડે, એ નિયમ મુજબ મારા વખાણો ક્યા ક્યા મુદ્દે થાય એવા છે, એનું લિસ્ટ પોતે બનવા માંડે. કેવા ભોળા ને કેવા નિખાલસ હતા આપણા મસ્તુભઈ... ! હવે આવો માણસ નહિ થાય. કોલસાના બજારમાં તો એમની ખોટ જ નહિ પૂરાય. ઓહ... મારી દીકરીઓ તો ગળા ફાટી જાય ત્યાં સુધી પોક મૂકી ને રડતી હશે, ‘‘આવા પપ્પા હવે બીજા નહિ મળે... ! પપ્પાનો તો ગુસ્સો ય પ્રેમનો હોય... એકવાર બોલી નાંખે, પછી મનમાં કાંઈ નહિ... અને ખાસ તો, ઉંમર ૭૭-ની થઈ હતી છતાં બીજા ૭૭-કાઢે એવા લાગતાતા... ! વચમાં તો કુંજી કાકી સાથે એમનું નામ જોડાયુંતું, તો બી અમારી બા ઉપર પૂરૂં ઘ્યાન આપે... બાના જીવો ના બળે, એટલે બાને તો ઘરમાં ય બહાર કાઢતા નોતા... ! કુંજી કાકીની જેમ બાને ય સહેજ બી ઓછું ના આવવા દે... ઓહ, આવા પપ્પા હવે બીજા નહિ મળે... !’’

આવું બઘું તો એમની દીકરીઓ ડોહાના મર્યા પછી ય નથી બોલવાની. આ તો મસ્તુભઈની સ્વગતોક્તિ હોય. છેલ્લા સાડા તેર વર્ષોથી દીકરીઓ તો ઠીક, ઘરના દીકરા ને વહુઓ ય રાહ જોઈને બેઠી હોય કે, ડોહો પડ્યો પડ્યો અઢાર લાખની તો દવાઓ ખઈ ગયો છે... કમાયેલું બઘ્ઘું ઓહિયા કરી ગયો છે ને ગળામાંથી એક નાનકડો ઘચરકો ય ખાતો નથી કે, વહુ-દીકરીઓને આશા બંધાય! ખુદ ડૉક્ટરે ય વઘુમાં વઘુ અઠવાડીયું કીઘું હોય ને કાકો છેલ્લા આઠ વરસથી લંબાણીયા ચગાવતો અડીખમ બેઠો હોય! કહે છે કે, મર્યા પછી શ્રાઘ્ધપક્ષમાં વડીલો કાગડા બનીને ઘરની રસોઈ જમવા અગાસીએ આવે છે. ધાબે ચઢીને તમે મોટ્ટે મોટ્ટેથી કાઆઆઆ... ગ વાસ...બૂમો પાડો, એટલે ઊડતા કાગડા સ્વરૂપે ડોહા આકાશમાં ભમરી ખાતા ખાતા આપણા ધાબે આવે અને થાળી ઉપર ઝાપટ મારીને પુરીઓ ઉપાડી જાય. વાસ નાંખવા ડોસી ખુદ આવી હોય ને ડોહાને જૂનો હિસાબ પતાવવાનો હોય તો પાછળથી ફૂલ-સ્પીડે આવીને ડોસીના માથામાં ચાંચ મારતા જાય... ભલે પુરીઓ ખાધા વગર દૂર દેશ નીકળી જવું પડે! ઘરવાળા એટલા કંટાળ્યા હોય કે શ્રાઘ્ધપક્ષમાં અગાસીએ જઈને દૂધપાક-પુરીવાળી કાગવાસનાંખવાની વાત તો દૂર રહી... ઝૂમાં ય કાગડા જુએ ત્યાં ય ઢેખાળા મારી આવે. એમનું ચાલે તો જગતમાં એકે કાગડો જીવતો ન રહેવા દે... કોઈ પંખો ચાલુ કરો !

પોતાના નહિ આવેલા મૃત્યુને આવી ગયેલું માનીને મસ્તુભઈઓ જેવા અનેક લોકો જીવતેજીવત પોતાની દયા ખાય છે. એમાં એમને મઝા પડતી હોય છે. ‘‘હવે પછી આ ભીંત ઉપર મારો ફૂલ ચઢાયેલો ફોટો લટકતો હશે’’-થી માંડીને, મારી વાઈફ તો ડોસલી થઈ ગઈ છે, પણ કુંજી બિચારી હજી એના ગાલે બચ્ચીઓ ભરવા દે છે. એ મારા આત્માને શાંતિ મળશે નહિ તો ગગનમાં ગયા પછી ય મારો આત્મો હેડકીઓ ખાતો રહેશે... - જેવી કલ્પનાઓ રોજ રાત્રે સૂતા પહેલા કરતા હોય છે.

પણ જીવતા હોવા છતાં, આપણને અધમૂવા કરી નાંખે, એવા વડીલોથી મારી ચડ્ડી કાયમ ફાટે છે. રામ જાણે ક્યાંથી વાંચી લાયા હોય, એમાં આપણી પાસે સીધી આત્મા-પરમાત્માની જમાવટો કરવા માંડે. આ જગતમાં વેદો-ઉપનિષદોની વાતો કરનારા જેવા મહાબોરિંગ બીજા કોઈ નથી. વેદ ક્યા પુસ્તકમાં વાંચવા મળે કે ઉપનિષદના અમદાવાદના પ્રકાશક કોણ છે, એ પૂછો. વેદ કે ઉપનિષદ એટલે શું, એની કોઈને ઘંટડી ય ખબર હોતી નથી, પણ એના પ્રવચનો સાંભળવા જવું કે એના પુસ્તકો મેહમાનોને દેખાય એવી રીતે રાખવાની ફેશન થઈ ગઈ છે.

આપણે પૂછીએ, ‘ઉપનિષદમાં વાઇફ સાળી ઉપર આપણા માટે વહેમાતી હોય તો એને દૂર કરવાનો (વાઇફને દૂર કરવાનો નહિ... ઇવન સાળીને દૂર કરવાનો ય નહિ, એનો વહેમ દૂર કરવાનો) કોઈ ઉપાય ખરો? આત્મા અમર છે, એવું તો સદીઓથી સાંભળીએ છીએ પણ ક્યો આત્મા? આપણે ત્યાં તો સાલું જે ટપકી પડે, એ બધાના આત્માઓને અમરત્વ આપી દઈએ છીએ ને કહીએ છીએ કે, આત્મા કદી મરતો નથી, ફક્ત શરીર મરે છે. ઓકે... ધેટ્‌સ ફાઇન... હવે એ અમર આત્માનું આપણે કરવાનું શું ? બોલવા પૂરતું બોલી નાંખ્યું કે, આત્મા અહીં જ છે... એ અવિનાશી છે, નિરાકાર છે... ! તારી ભલી થાય ચમના, એ નિરાકારી એટલે કે મિસ્ટર ઇન્ડિયા હોય તો આપણે એની પાસે ક્યા વાવટા ફરકાવવાના છે? કોઈ બહુ ડાહ્યું થતું હોય તો એને પૂછી જોવા જેવું છે કે, ‘આપ કહો છો, આત્મા અમર છે. તો એ ક્યાં મળશે? એ આપણા શું કામમાં આવે? આપણા નહિ તો કોઈના ય શું કામમાં આવે? મોબાઈલનું બિલ ભરી આવવા એને મોકલાય ખરો ?’

હકીકત કંઈક એવું કહે છે કે, આપણે ત્યાં નવરા લોકોની ખોટ નથી. પોતે બહુ આઘ્યાત્મિક વાચન કરે છે, વેદોપનિષદોનું જીવન જીવે છે, જે.કૃષ્ણમૂર્તિ, યુ.જી. કૃષ્ણમૂર્તિ, ઓશો કે એવા જ ચિંતનશીલ વિચારપુરૂષોને વાંચે છે, એવું માનીને બોલવાનું ઓછું કરી નાંખે, બધા બેઠા હોય ત્યારે ઝીણું ઝીણું હસતા રહેવાનું (આ આત્માઓ કેવા જડબુદ્ધિના છે!’) અને વાતવાતમાં શરીર અને આત્માના સંબંધોની વાતો કરવાની... ! એમના બાપા શું કહેતાતા, એની એમને ખબર ન હોય પણ, મહર્ષિ મહેશ યોગીએ દર્શાવેલ ‘transcendental meditation’ મુજબ પોતે કેવો નિરાકાર હોવાનો ભાવ અનુભવે છે, એની મેથી મારવાની. આ લોકો બાય ગોડ... બહુ બોર છે. તેમના કરતા ગાળો બોલનારાઓ ઓછું નુકસાન કરે છે... કે કમ-સે-કમ આપણને સમજાય એવું તો બોલે છે... ! સુઉં કિયો છો?

સિક્સર
- અરે વાહ... બાબો ક્યારે આવ્યો ?
- બસ... દસ મિનીટ પહેલા જ... ! આ ટ્રાફિક-જામમાં ગાડી અટવાઈ ત્યારે પહેલો મહિનો ચાલતો હતો... !

No comments: