Search This Blog

07/10/2011

‘હમદોનોં’ (’૬૧)

ફિલ્મ ‘હમદોનોં’ (’૬૧)
નિર્માતા : દેવ આનંદ
બૅનર : નવકેતન ઇન્ટરનેશનલ્સ
દિગ્દર્શક : અમરજીત
સંગીત : જયદેવ વર્મા
ગીતો : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ અને ૧૬૪-મિનિટ્‌સ
કલાકારો : દેવ આનંદ-નંદા, દેવ આનંદ-સાધના, ગજાનન જાગીરદાર, લીલા ચીટણીસ, લલિતા પવાર, પ્રભુ દયાલ, રાશિદ ખાન, વસી ખાન અને ભગવાન સિન્હા

ગીતો
૧ અભી ના જાઓ છોડકર, કે દિલ અભી ભરા નહિ આશા-રફી
૨ પ્રભુ તેરો નામ, જો ઘ્યાયે ફલ પાવે સુખ લાવે લતા મંગેશકર
૩ મૈં જીંદગી કા સાથ નિભાતા ચલા ગયા મુહમ્મદ રફી
૪ જહાં મેં ઐસા કોન હૈ, કે જિસકો ગમ મિલા નહિ આશા ભોંસલે
૫ કભી ખુદ પે, કભી હાલાત પે રોના આયા મુહમ્મદ રફી
૬ અલ્લાહ તેરો નામ, ઇશ્વર તેરો નામ લતા મંગેશકર

’૬૧માં તો હું માંડ ૮-૯ વર્ષનો, એટલે મને ખબર નથી કે અમદાવાદના કયા થિયેટરમાં દેવઆનંદની ફિલ્મ હમ દોનોં’ આવી હતી ! ઝાંખું ઝાંખું એવું કંઈક યાદ આવે છે કે, રીલિફમાં આવી હશે. અમારા વખતમાં ભણવા કરતા ફિલ્મોમાં ઘ્યાન વધારે આપવું પડતું, પણ સરવાળે એટલી ખબર પડી કે મોટા થઈને ના તો આપણે ધી ગ્રેટ દેવ આનંદ બની શક્યા, ન ભણીગણીને ડૉક્ટર-ફૉક્ટર. ક્યાંય ન ચાલ્યા, એ બધા લેખક તરીકે ચાલી જાય છે, એનું ખરાબ રીઝલ્ટ તો તમે વાંચી રહ્યા છો !

પણ એટલી નાની ઉંમરે એટલી અક્કલ તો આવી ગઈ હતી કે, સમાજમાં નહિ તો પોળમાં જરી સારા દેખાવવું હોય તો દેવ આનંદ જેવા લાગો ! એની જેમ વાળમાં ગુચ્છો પાડો, શર્ટનું સૌથી ઉપલું બટન બંધ રાખો, ચાલતી વખતે સીધી લિટીમાં ના ચાલો, ફિલ્મ ‘સી.આઈ.ડી.’માં મરિન લાઈન્સની ફૂટપાથ પર એ શકીલાની પાછળ પાછળ ‘લે કે પહેલા પહેલા પ્યાર...’ ગીત વખતે જેવો ચાલે છે, એવું આપણે પાનકોર નાકા પાસે પણ ચાલવાનું, બોલતી વખતે મૂંડીના એકાદ-બે ઝટકા આવવા દો...! 

આ બઘું તો આવડી-ફાવી ગયું હતું... પ્રોબ્લેમ ફક્ત જમણી બાજુનો ઉપલો દાંત પડાવવામાં જ થયો હતો. દાઢમાં લબકારા સળંગ ત્રણ દિવસ સુધી માર્યા હતા ! દેવ હસતો ત્યારે બે દાંત વચ્ચેની ગપોલીમાં વધારે સોહામણો લાગતો. એક દંતકથા મુજબ, માણેક ચોકમાં આવેલી બી.ડી. કોલેજની અનેક છોકરીઓ દેવના દાંતની એ ગપોલીમાં ભૂલી પડી જતી...! 

ફિલ્મ ‘હમ દોનોં’માં પણ દેવ આનંદ કપડાં બહુ સરસ પહેરે છે... (એ જમાનામાં પ્રાણ માટે એમ કહેવાતું કે, ‘એ કપડાં બહુ સરસ કાઢે છે... (હીરોઈનોના !) આ ફિલ્મમાં ફૉર એ ચેઈન્જ... એણે હૅન્ડલૂમના શટ્‌ર્સ પહેર્યા છે. ફિલ્મ ‘ગાઈડ’માં પણ હૅન્ડલૂમ જોર કરતું હતું. આ જોઈને શશી કપૂરને પણ એવો ચહડકો ઉપડ્યો હતો અને યાદ હોય તો ‘નિ સુલતાના રે...’ વાળી ‘પ્યાર કા મૌસમ’માં શશી બાબાએ પણ હૅન્ડલૂમના શટ્‌ર્સ જ નહિ, બ્લેઝર પણ પહેર્યા છે. દેવના પાટલૂનો પણ અનોખા હતા. પહોળા તો ખરા પણ ડબલ-ટ્રિપલ પ્લિટ્‌સના અને કમર ઉપર બૅલ્ટ ખરો. રાજ કપૂર અને દિલીપ કુમારની માફક દેવ આનંદે એની એક પણ ફિલ્મમાં મને યાદ છે ત્યાં સુધી ચપ્પલ કદી નથી પહેરી. પેલા બંનેએ તો બહુ વાર પહેરી છે. નંદા ઍઝ યૂઝવલ.. પવિત્રતાની મૂર્તિ, છતાં સૌંદર્યમાં એનું ય કોઈ સાની નહિ. ગલીને નાકે આખી ગલી રોશન-રોશન કરતા લૅમ્પ-પોસ્ટ જેવો કપાળ પર મોટો ચાંદલો એને શોભતો. રથની ઉપર ઘ્વજા ફરકતી હોય, એવી નંદાના કપાળ ઉપર એક લહેરાતી. આપણી પાસે એ લટનું કોઈ સરનામું-બરનામું નથી, નહિ તો... નહિ તો શું વળી... હોય તો ય, શું એવા સરનામા હું તમને બધાને વહેંચતો હોઈશ ? બા કેવા ખીજાય ?? જો કે, નંદા ફિલ્મ ‘કાલા બાઝાર’માં દેવની બહેન થાય છે ને આ ફિલ્મમાં દેવની પત્ની અને ભાભી પણ થાય છે... છે ને અસલી ફિલ્મી ચક્કર..! તો હિરોઈન નંબર-ટુ સાધના ચક્કા જામ લાગે છે. કહે છે કે, સાધના જન્મી ગયા પછી ભગવાન ઝુલેલાલે ઇવન બધા હિંદુ ભગવાનોને પણ રીકવૅસ્ટ કરી દીધી હતી કે, હવે બીજા ૮-૧૦ વર્ષ સુધી માર્કેટમાં આટલી સુંદર બીજી કોઈ દિકરી જન્મવી ન જોઈએ. અમારી એકલી સાધના આખું ઇન્ડિયા કવર કરી શકે એમ છે. કદાચ બધાએ માન્યું પણ હશે, નહિ તો સુંદરતાની આવી બીજી મૂર્તિ બહુ બહુ તો તમારા ઘરમા બેઠી હશે ને હાલમાં એને ઉંમરને કારણે પગનો વા-બા થયો હશે... જે હોય તે... એમાં તમારે શું...? 

‘હમ દોનોં’માં ત્રીજી-ચોથી સ્ત્રીઓ પણ હતી.. પણ એ બન્નેની સુંદરતાના વર્ણનો લખવા સલાહભર્યા નથી. પારકી સ્ત્રીઓને કારણે આપણા સંબંધો બગડે, એ ધંધો ખોટો... ! આઈ મીન.. હું લીલા ચીટણીસ અને લલિતા પવારની પણ સુંદરતાની વાત કરવા માંગતો હતો ! હે ઇશ્વર... કોઈને કહે, પંખો ચાલુ કરે !

પણ સ્વયં ઇશ્વર આ ફિલ્મમાં સર્વવ્યાપી રહ્યા છે. સાહિર લુધિયાનવીની અદ્‌ભુત કલમે લખાયેલા બન્ને ભજનો આપણે જીવીશું, ત્યાં સુધી યાદ રાખીશું. (૧) ‘અલ્લાહ તેરો નામ, ઇશ્વર તેરો નામ’ અને (૨) ‘પ્રભુ તેરો નામ, જો ઘ્યાયે ફલ પાવે’. એ બન્ને ભજનોને કારણે તો લતા મંગેશકર આજ સુધી માતા સરસ્વતિને સ્થાને બેઠી છે. ‘માંગો કા સિંદૂર ન છૂટે, માં-બહેનોં કી આસ ન તૂટે, દેહ બિના ભટકે ના પ્રાણ...’ શબ્દોમાં લતાએ રેડેલી વેદના રડાવી દે છે. પોતાની અને પોતાના ફૅમિલીની સહેજ પણ પરવાહ કર્યા વિના ભારતના જવાંમર્દ સૈનિકો મોરચા પર શહિદ થાય, ત્યારે ઇશ્વરને કમ-સે-કમ એવી પ્રાર્થના અહીં કરવામાં આવી છે કે, ‘અમારા સાચા ભગવાન એવા આ શહિદોના દેહ પ્રાણ વિના ભટકતા ન રહે, એટલી કૃપા કરજે.’ તો રાગ ધાની ઉપર આધારિત ‘પ્રભુ તેરો નામ...’ ફક્ત લતા જ ગાઈ શકે, એવું કૉમ્પ્લિકેટેડ છે. આ જ રાગને સરળ બનાવીને રવિન્દ્ર જૈને ફિલ્મ ‘ચીતચોર’માં ‘ગોરી તેરા ગાંવ બડા પ્યારા, મેં તો ગયા મારા, આ કે યહાં રે...’ બનાવ્યું હતું. બન્ને મહાન મંગેશકર બહેનોએ જાહેરમાં સ્વીકાર્યું છે કે, અન્ય કોઈ પણ સંગીતકાર કરતા જયદેવના સ્વરાંકનો ગાવા બહુ કઠિન હોય છે. અમારે સૌથી વઘુ રિયાઝ જયદેવજીનું કોઈપણ ગીત ગાતા પહેલા કરવો પડે છે. વાત નીકળી જ છે તો, લતાએ જયદેવ માટે ગાયેલું રાગ તિલક કામોદ પર આધારિત ‘યે નીર કહાં સે બરસે હૈ યે બદરી કહાં સે આઈ હૈ ?’ (ફિલ્મ ‘પ્રેમ પર્બત’) યાદ આવી ગયું. 

વાત નીકળી જ છે.. મતલબ, ‘બાત નીકલી તો હર એક બાત પે રોના આયા’ એ રફી સાહેબની લાખ રૂપિયે તોલોના ભાવની મનોહર ગઝલ અને ખુદ દેવ આનંદની લાઈફનું થીમ-સોંગ બની ગયેલું ‘મૈં જીંદગી કા સાથ નિભાતા ચલા ગયા’માં તો જયદેવે ઢોલક-તબલાં સાથે વગાડીને કેવો સૂરિલો તાલ પેદા કર્યો છે ! ‘અભી ના જાઓ છોડકર’ માટે કાંઈપણ લખતા બીક લાગે કારણ કે, એના તો જેટલા વખાણ કરો, ઓછા અને નબળા પડવાના છે. રફી સાહેબનો અવાજ ડીટ્ટો દેવ આનંદને મળતો આવતો હોય તો એક આ ગીતમાં. એમ તો પાછું, દેવ આનંદને મળતો આવતો હોય એવો બીજો ય એક દેવ આનંદ આ ફિલ્મમાં છે.. મતલબ કે, ડબલ રોલ એ જમાનામાં બહુ મોટી વાત કહેવાતી હતી. સીનેમેટોગ્રાફરો એવા કોઈ કસાયેલા નહોતા, એટલે નવકેતનના બાર માસી કેમરામેન ફલી મિસ્ત્રીને બદલે અહીં વી.કે.રાત્રાએ જેટલા શોટ દેવ આનંદના ડબલ રોલમાં લીધા છે, એ બધામાં ફોટોગ્રાફી પકડાઈ ગઈ છે. આજની ફિલ્મોમાં તો થૅન્ક્સ ટુ કોમ્પ્યુટર અને ટેકનોલોજી... એક જ સ્ક્રીન પર પાંચ-દસ અભિષેક બચ્ચનો બતાવો.. ખબર પણ ન પડે કે શૉટ કઈ રીતે લેવાયો હશે ! ક્યાંય ન દેખાય કે ક્યાંય લાઈટિંગ આધુંપાછું ન થયું હોય. માર્વેલસ...! 

પણ આવા જ ખુશ તો થઈ જવાય, આ ફિલ્મની વાર્તા લખનાર નિર્મલ સરકાર ઉપર. વાર્તા બહુ સરળ બનાવી હોવા છતાં એક થ્રિલરની માફક, ‘હવે શું થશે ?’ વાળો ફડકો તો રહે છે જ ! ગરીબ વિધવા માં (લીલા ચીટણીસ)નો એકનો એક દીકરો આનંદ (દેવ આનંદ) કમાતો કાંઈ નથી ને કરોડપતિ બાપની ‘ઇકલૌતી બેટી’ મીતા (સાધના)ના પ્રેમમાં પડે છે, જેના પિતા (ગજાનન જાગીરદાર) દેવને ઠપકો આપે છે કે, તું મહિને સો-રૂપરડી ય કમાઈ શકતો નથી, ત્યાં પત્નીનું પૂરું ક્યાંથી કરી શકીશ ? બહુ લાગી આવતા દેવ કોઈને કીધા વગર સીધો લશ્કરમાં જોડાઈ જાય છે. મીતાને આઘાત લાગે છે, છતાં દેવની માંની સેવા કરવા માટે મહેલ છોડીને એ દેવના ઝૂંપડામાં આવતી રહે છે.. પિતાની અફ કૉર્સ પરમિશન લઈને ! 

ત્યાં લશ્કરી છાવણીમાં આબેહૂબ દેવ આનંદ લાગતા મૅજર વર્મા સાથે દોસ્તી બંધાયા પછી પગમાં ગોળી વાગેલા મૅજરને દુશ્મનો પકડીને લઈ જાય છે. આનંદ પાછો આવીને ચોંકી જાય છે કે, મેજરની પત્ની રૂમા (નંદા) દિલની મરીઝ છે ને કોઈપણ આઘાત એનો જીવ લઈ શકે છે, એવી ડોક્ટરની સલાહ માનીને, ડૉક્ટરના જ કહેવાથી આનંદ ન છૂટકે રૂમાનો પતિ બનવાનું સ્વીકારે છે, પણ નૈતિકતાના આધાર પર શરીર-સંબંધ બાંધતો નથી. આ બાજુ મીતાને પણ નીગ્લૅક્ટ કરવી પડતી હોવાથી આનંદ ધર્મસંકટમાં આવી જાય છે કારણ કે, મૅજર વર્મા જીવતો જાગતો પાછો આવે છે અને દોસ્તની બેવફાઈ સમજીને આનંદને મારી નાંખવા માંગે છે. છેલ્લે બધી ગેરસમજો દૂર થાય છે ને ‘હમ દોનોં’ને બદલે ‘હમ ચારોં’ એક થઈ શકે છે. 

ફિલ્મ ૧૯૬૧-માં તો આખી ફિલ્મ પૂરી ચૂકી હતી, એટલે ’૬૨-ના ચીનના યુદ્ધ સાથે પણ આ ફિલ્મ કે તેની વાર્તાને લેવા-દેવા નહોતી, પરિણામે ફિલ્મની વાર્તા બીજા વિશ્વયુદ્ધના બૅકગ્રાઉન્ડ માટે લખાઈ છે. અહીં લીલા ચીટણીસ શાકવાળા પાસે લિંબુ લેવા જાય છે, જેનો એક આનો ચૂકવે છે. એક આનો એટલે છ પૈસા. ’૬૦ના દાયકામાં લિંબુ એક આનામાં મળતા હોય, તે વાત સાચી પણ બીજા વિશ્વયુદ્ધમાં લિંબુ આટલા મોંઘા ન હોઈ શકે. (કોઈ મને ટેકો આપજો.) 

યસ. અહીં મોકો મળ્યો છે તો એક વાત કહી દેવા જેવી છે. દેવ આનંદને જ્યારે પણ ડાયરેક્ટર (ગુરૂદત્ત, વિજય આનંદ, રાજ ખોસલા) સારો મળ્યો છે, ત્યારે એ ઉત્તમ (ભલે સર્વોત્તમ નહિ !) ઍક્ટર સાબિત થયો છે. ગરબડ પોતે દિગ્દર્શનો હાથમાં લેવા માંડ્યા પછી શરૂ થઈ અને તે ય ‘હરે રામ હરે કૃષ્ણ’ પછી. નહિ તો ‘ગાઈડ’, ‘કાલા પાની’, ‘કાલા બાઝાર’ કે આ ફિલ્મ ‘હમ દોનોં’માં એક અભિનેતા તરીકે એનું મૂલ્યાંકન ખાસ્સું ઊંચા ગજાનું કરવું પડે. નંદા તો પહેલેથી ઉત્તમ અભિનેત્રીઓના ફાલમાં ઉતરી હતી, પણ સાધનાએ માર્વેલસ ઍક્ટિંગ અહીં પણ કરી છે. ચેહરાના હાવભાવ કે દ્રશ્યની માંગ મુજબ, અવાજની ભિન્નતા અને સાહજીકતાની એ પણ મહારાણી હતી. ફિલ્મના એક દ્રશ્યમાં દેવ આનંદ પોતાની સિગારેટ તળાવમાં ફેંકે છે, એનું રીફલેક્શન સાધનાના હોઠ પર લઈ શકાય, તે માટે દિગ્દર્શક અમરજીતે વિજય આનંદના કહેવાથી ઘણા પ્રયાસો કર્યા. પૂરી સફળતા તો ન મળી, પણ દ્રશ્ય જોવા જેવું બન્યું છે. 

પ્રભુ દયાલનું નામ ટાઈટલ્સમાં છે, પણ ફિલ્મમાં ક્યાંય દેખાયો નહિ. એ આ ફિલ્મનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ છે, પણ તમને પૂછવાનું મન ચોક્કસથાય કે, આ એવું તે કયું નામ છે કે, આ માણસ માટે મેં ૩-૪ લાઈનો લખી નાંખી ! ઓ.કે. એક તો એ નલિની જયવંતનો બીજી વારનો ગોરધન હતો... (ગોરધન નં.૨) વિરેન્દ્ર દેસાઈ સાથેના પહેલા લગ્ન જીવનમાં નલ્લુએ હાથોહાથનો માર પણ ખૂબ ખાધો (અશોક કુમાર અને નલિની જયવંત બન્ને પ્રેમમાં હતા ..!) છૂટા પડીને નલ્લી આ પ્રભુના પ્રેમમાં પડી ગઈ અને લગ્ન કરી લીધા. ઑલમોસ્ટ સવા છ ફૂટ ઊંચો અને પથ્થર જેવો હાર્ડ ચહેરો ધરાવતો પ્રભુ સાઈડી તરીકે થોડી-ઘણી ફિલ્મોમાં આવ્યો હતો. ગયા વર્ષે નલિની જયવંત ૮૪ વર્ષની ઉંમરે ગરીબી અને એકલતામાં એવી દશામાં ગૂજરી ગઇ કે, સળંગ ૩ દિવસ એનો મૃતદેહ એક જર્જરિત મકાનમાં પડયો રહ્યો. છેવટે, મ્યુનિ.વાળા લાશને લઇ ગયા.... નિકાલ માટે ! દેવ આનંદની ભાગ્યે જ કોઈને યાદ રહી હોય એવી ગુજરાતી હિરોઈન તરલા મહેતા ઉપરાંત શારદા નામની હિરોઈન સાથેની ફિલ્મ ‘એક કે બાદ’ એકમાં પ્રભુ દયાલ દેવનો મોટો ભાઈ બને છે, તે સહેજ બાકી તો દેવની તમામ ફિલ્મોમાં એનો જૂનો સ્ટાફ (જગદિશ રાજ, ભગવાન સિન્હા, રશિદ ખાન) વગેરે મૌજૂદ હોય જ. ઓકે. આ તો જેને જાણવામાં રસ હોય એમને માટે, દેવ આનંદનો બનેવી પણ એની તમામ ફિલ્મોમાં હોય, જે ‘હમ દોનોં’માં દેવની માં લલિતા પવાર રોડ પર દોડતી આવીને રસ્તે જતા માણસ પાસે ટૅલિગ્રામ વંચાવે છે, એ દેવનો બનેવી. 

આજે ઓલમોસ્ટ ૫૦-વર્ષ પછી દેવ આનંદે આ ફિલ્મનું નવસંસ્કરણ કલરમાં બહાર પાડ્યું છે. 

ફિલ્મ ખૂબ સ્વચ્છ છે. ભાવનાત્મક બનવું ગમતું હોય તો ઘેર બેઠા આ ફિલ્મ જોવા જેવી છે... સિવાય કે, ભાવનાના ગોરધનને ખબર પડવી ન જોઈએ !

No comments: