Search This Blog

21/10/2011

રાજેશ ખન્નાની પહેલી (!) ફિલ્મ ‘રાઝ’


ગીતો
૧. ચલે આઓ, અકેલે હૈં ચલે આઓ, જહાં હો...લતા...શમીમ જયપુરી
૨. એ જી, જરા સુનના....લતા....કમર જલાલાબાદી
૩. દિલ સંભાલે સંભલતા નહિ આજ તો.... લતા-મૂકેશ...ગુલશન બાવરા
૪. ચલે આઓ, અકેલે હૈં ચલે આઓ, જહાં હો....રફી....શમીમ જયપુરી
૫. પ્યારને દિ સદા, તુમકો આના પડા...ક્રિષ્ણા કલ્લે...રાજા મેંહદી અલીખાન
૬.... પ્યાર કિયા તો મરના ક્યા, જબ પ્યાર કિયા...મન્ના ડે...કમર જલાલાબાદી
૭....ક્યા સોચ રહે હો તુમ, સોચતા હૂં મૈં....ક્રિષ્ણા કલ્લે-રફી...અખ્તર રોમાની
૮... પોપટ હૂં મૈં પ્યાર કા....મન્ના ડે...નૂર દેવાસી

ફિલ્મ : રાઝ
નિર્માતા : જી.પી. સિપ્પી
દિગ્દર્શક : રવિન્દ્ર દવે
સંગીત : કલ્યાણજી-આણંદજી
રનિંગ ટાઇમ : ૧૪-રીલ્સ.
થીયેટર : રીગલ (અમદાવાદ)
કલાકારો : રાજેશ ખન્ના, બબિતા, આઇ.એસ. જોહર, ડી.કે. સપ્રુ, હરીન્દ્રનાથ ચટ્‌ટોપાઘ્યાય, લક્ષ્મી છાયા, મીના ટી, રાહુલ, નર્મદા શંકર, અસિત સેન, રત્નમાલા અને કમલ કપૂર. 

હિંદી ફિલ્મોમાં રાજેશ ખન્નાએ બાકાયદા પોતાના નામનો એક યુગ શરૂ કર્યો હતો. બચ્ચન બાબુ થોડા પછી આવ્યા, પણ ખન્નાએ હિંદી ફિલ્મોમાં પહેલી વાર સુપર સ્ટારટાઇટલની શરૂઆત પોતાનાથી કરાવી. એનું નસીબ પાછું એના નજીકના સગામાં થતું હોવું જોઇએ કારણ કે, ’૬૭ની સાલમાં એ આવ્યો ત્યારે, આપણા ઑલમોસ્ટ બધા જૂના હીરાઓ ખખડધજ થઇ ચૂક્યા હતા... માંડ ચાલે એવા હતા. એકે ય માં ઠેકાણાં રહ્યા નહોતા. ખન્નાની સાથે સાથે ચાલે એવો નવો લૉટ હતો, તે ધર્મેન્દ્ર, શશી કપૂર કે જીતેન્દ્ર પૈકી દોમદોમ સફળતા એકલા જીતુને મળી હતી, પણ એટલી નહિ કે, લોકો પાગલ બનીને એની ફિલ્મો એના નામ પર જોવા જાય. એ ટ્રેન્ડ રાજેશ ખન્નાથી શરૂ થયો. રાજકુમાર જાનીનું જોઇ જોઇને સફેદ પૅન્ટ નીચે સફેદ શૂઝની નકલ તો જીતુની જેમ વિશ્વજીતે ય કરી હતી, પણ એ બધા હાંસિપાત્ર બન્યા. ચાલ્યો એકલો ખન્નો, જેણે ફિલ્મ સફરથી ગુરૂ-શર્ટની શરૂઆત કરી...મતલબ, ઝભ્ભા જેવું શર્ટ અને નીચે પૅન્ટ. (અમદાવાદમાં તો આજે ય પાલડીવાળી એન.આઇ.ડી. વાળા જે કાંઇ પહેરીને નીકળે, એની પહેલી નકલ સીધી સૅપ્ટમાં આવે, પછી ગૂફામાં જાય ને છેવટે અમારા કવિઓ તો રાહ જોઇને બેઠા હોય કે, નવું શું આવે છે પહેરી જ લો !)

રાજેખ ખન્ના જે કરતો તેની નકલો સાવ ફ્રીમાં પડતી. ઇન્ડિયામાં પુરૂષો વચ્ચે પાંથી પાડે, તો નામર્દાઇ ગણાતી, પણ ખન્નાએ એનો જ ક્રેઝ ભારતભરમાં ફેલાવ્યો. એ તો એના ગયા પછી અમિતાભ બચ્ચને કાન પર વાળ ઢાંકવાની શરૂઆત કરી, એટલે એ ય ચાલ્યું. ખન્નો માર ખાઇ ગયો, પોતાના ચમચાઓને લીધે, પોતાના થર્ડ-ક્લાસ સ્વભાવને લીધે, પોતાની તદ્દન રદ્દી થઇ ચૂકેલી અદાઓ (મૅનરિઝમ્સ)ને લીધે અને ખાસ તો, ઍક્શન-ફિલ્મોમાં એ જૈન-ભજનિક જેવો અહિંસક લાગે માટે ન ચાલ્યો. ૠષિકેશ મુકર્જીની સળંગ બે ફિલ્મો આનંદઅને નમક હરામમાં આજકાલનો આવેલો અમિતાભ બચ્ચન સુપરસ્ટાર રાજેશ ખન્નાને ઍક્ટિંગ અને પ્રેક્ષકોના પ્રેમના મામલે આઉટરાઇટ મારી ગયો હતો, એ વાસ્તવિક્તા ખન્નો સ્વીકારી જ ન શક્યો ને કારણ વગરનો બચ્ચનને કાયમી દુશ્મન બનાવી દીધો. મિથ્યાભિમાન એ કક્ષાનું કે, ઇવન તમે ય નહિ માનો, પણ ખન્નો આજની તારીખમાં ય પોતાને બચ્ચન કરતા ઊંચો સુપરસ્ટાર માને છે. એનું પતન લાઝમી હતું. નહિ તો મેં કીઘું તેમ ૬૭-ની સાલમાં એ આવ્યો, ત્યારે હિંદી ફિલ્મોનો તખ્તો પરફૅક્ટ ગોઠવાયેલો હતો. જગ્યા ખાલી હતી અને નવાની લોકો રાહ જોતા હતા. લોચો એ વાતનો આજે ય ચાલ્યો આવે છે કે, ટૅકનિકલી રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ રાઝગણાય, કારણ કે રીલિઝ પહેલી એ થઇ હતી, પણ એણે સાઇન તો કરી હતી મદ્રાસની ફિલ્મ ‘‘ઔરત,’’ જેમાં ફિરોઝ ખાન, પદ્મિની અને પ્રાણ હતા. પણ ખન્નો પોતે પોતાની પહેલી ફિલ્મ ચેતન આનંદની આખરી ખત’ (‘બહારોં મેરા જીવન ભી સમ્હાલો, કોઇ આયે કહીં સે...લતા) ગણાવે તો છે, પણ સ્પષ્ટતા કરે છે કે, હીરો તરીકે તો દવે સાહેબની (રવિન્દ્ર દવે) રાઝજ.

બબિતા સાધનાની ફર્સ્ટ કઝિન. બન્નેના દેખાવમાં ક્યાંક ક્યાંક તો ઘણું સામ્ય નીકળી આવે. એ વાત જુદી છે કે, એ બન્નેને એક સાથે આજ સુધી કોઇ પાર્ટી-બાર્ટી કે પ્રસંગમાં સાથે જોયા નથી. સાંભળ્યું છે, બન્નેને આખી જીંદગીમાં ક્યારેય બન્યું નથી. એક જમાનાની આવી બેહતરીન બ્યુટી સાધના આંખોના કૅન્સર પછી સાચા અર્થમાં કોઇને મોંઢું બતાવી શકે, એવા દેખાવની રહી નથી. ઉંમર ઉપરાંત એ જે મકાનમાં રહે છે, તેના બિલ્ડરે એને હેરાન પરેશાન કરી નાંખી. સાધના કૉર્ટે ચઢી છે.

ફિલ્મ રાઝમાં બબિતાનું ડૅબ્યૂ (શરૂઆત) બેશક થયું, પણ ઍક્ટ્રેસ તરીકે આખી જીંદગીમાં ક્યાંય અભિમાન લઇ શકે કે, પોતાની દીકરીઓ કરિશ્મા કે કરીનાને ગૌરવપૂર્વક વાતો કરી શકે, એટલી સમર્થ અભિનેત્રી નહોતી. ફિલ્મ રાઝમાં એ રાજેશ ખન્નાને તો ગમી ગઈ હતી, એટલે આના પછી કોઇ ૩-૪ ફિલ્મોમાં ખન્નાએ બબિતાને પોતાની સાથે લેવડાવી હતી. પણ સારી વાર્તાઓને અભાવે કોઈ ફિલ્મ ચાલી નહોતી.

વાર્તા તો ફિલ્મ રાઝની પણ મગજમાં મગજને બહુ સમજાવીએ તો ય ઉતરે એવી નથી. ઇસ્ટ આફ્રિકામાં રહેતા રાજેશ ખન્નાને સપનામાં ઇન્ડિયાનું કોઇ નાનકડું રેલ્વે સ્ટેશન વિરાન નગર દેખાય રાખે છે. એકલું સ્ટેશન શું કામનું ? એટલે ઍઝ યુઝવલ...સફેદ કપડાં ને છુટ્‌ટા વાળ રાખીને હીરોઇનો ગાતી હોય એવું હૉરર નહિ પણ હૉરિબલ ગીત ગાયે રાખે છે. એક મહલ પણ દેખાય છે. આ બઘું એના દોસ્ત આઇ.એસ. જોહરને સપનામાં કે સપનાની બહાર નથી દેખાતું. બન્ને દોસ્તો ઇન્ડિયા આ વિરાનનગરની તપાસાર્થે આવે છે, જ્યાં એને ખબર પડે છે કે, એનું તો એક વખત ખૂન થઇ ગયું હોવાથી પ્રજા એને ભૂત સમજી બેસે છે. રાજા સાહેબ સપ્રૂએ એક જમાનામાં ઉઠાવેલી દીકરી બબિતા મૂળ તો એની પ્રેમિકા રત્નમાલાની દીકરી હોવાથી માંને કાયમી કૈદ અને દીકરીને હેરાન કરતા રહેવાનો બદલો લેવા દીકરીના પ્રેમી રાજેશ ખન્ના ભાગ-પહેલાંનું એ ખૂન કરાવી નાંખે છે. આ બન્ને પાછા જાસૂસોના દીકરા હોય એમ મર્ડર-મિસ્ટ્રી સૉલ્વ કરવા મેદાને પડે છે ને દિગ્દર્શકની મદદથી ખૂનનો ભેદ ઉકેલી પણ નાંખે છે.

આ ફિલ્મના ફાઇટ દ્રષ્યોનું શૂટિંગ ગોવાની કોડલીની ખાણમાં બાહોશ કૅમેરામેન કે.વૈકૂંઠે કર્યું હતું. કે.વૅકૂંઠનો સુપુત્ર અમદાવાદની બૅન્ક ઑફ ઇન્ડિયાના સ્વ. જ્યેન્દ્ર બી.દવેની પુત્રી કિશોરી દવે સાથે પરણ્યો છે.

અફ કૉર્સ, આખી ફિલ્મનું સર્વોત્તમ પાસું કલ્યાણજી-આણંદજીએ બનાવેલા આઠમાંથી ત્રણ સુપરહિટ ગીતો છે. બબિતા શિવદાસાણીની આ પહેલી ફિલ્મ. યોગાનુયોગ એને સૌથી પહેલું પ્લૅ-બૅક મળ્યું, સુમઘુર છતાં ફિલ્મનગરીના રાજકારણને કારણે ફેંકાઇ ગયેલી ગાયિકા ક્રિષ્ણા કલ્લેનું, ‘‘પ્યારને દિ સદા, તુમકો આના પડા, સૌ જનમ કા યે નાતા નિભાના પડા.’’ અને આપણા રફી સાહેબ સાથેનું બીજું ગીત તો સાલું હજી માનવામાં આવતું નથી કે, કલ્યાણજી-આણંદજીએ બનાવ્યું છે ! પેલા હીર-રાંઝાના મેરી દુનિયા મેં તુમ આઇ, ક્યા ક્યા અપને સાથે લિયેની જેમ અહીં પણ રફી સાહેબે છાનોછપનો કાનમાં કહેતો અવાજ કાઢ્‌યો છે, એમાં ક્રિષ્ણા કલ્લે સાથે છે. મારે રૂબરૂ તો નહિ, પણ ફોન પર ક્રિષ્ણા કલ્લે સાથે ઘણી લાંબી વાતો થઇ છે, ત્યારે ખબર પડી કે આ બહેન અત્યંત નમ્ર અને ખૂબ ભલા છે. ગાયિકા તરીકે બાકાયદા ગ્રૅટ કહી શકાય એવા મઘુરા હતા, પણ વ્યક્તિ તરીકે તો મુંબઇ જઇને ચરણસ્પર્ષ કરી આવવા પડે, એવા સાલસ સ્વભાવના છે.

ભાવનગરમાં છેલ્લા ૧૨-વર્ષોથી એક નવતર પ્રયોગ થાય છે, એ મેં ફિલ્મ રાઝનું એક ગીત ત્યાં સાંભળ્યું ત્યારે ખબર પડી. શ્રી રાજેશ વૈષ્ણવ નામના ગાયક-સંગીતકાર તદ્દન વિના મૂલ્યે દર મહિનાના છેલ્લા રવિવારે જૂનાં હિંદી ફિલ્મી ગીતોના કાર્યક્રમો ઉચ્ચ કક્ષાના ગાયક કલાકારો અને ઓરકેસ્ટ્રા સાથે કરે છે. રફી સાહેબના અવાજમાં દેવાંગ દવે આવતી કાલની મોટી આશા બને એમ છે. દર કાર્યક્રમમાં ભાવનગરના જૂનાં ગીતોના શોખિનો હજારથી વઘુની સંખ્યામાં ઉમટે છે. કાર્યક્રમના કાયમી હ્યૂમરસ સંચાલિકા શ્રીમતી ખ્યાતિ મહેતાના જણાવ્યા અનુસાર, આટલા વર્ષોથી સૂરિલી સાંજના આ પ્રોગ્રામોમાં એકપણ કલાકાર કોઇ પૈસો લેતો નથી કે કોઇ સ્પૉન્સર દ્વારા પણ સહાય મેળવાતી નથી. કોઇ પ્રોગ્રામ વિના મૂલ્યે આટલા વર્ષોથી ચાલે, એ પણ એક રાઝ છે, પણ આપણી ફિલ્મ રાઝના ઘણા રાઝ પ્રેક્ષકોના વગર પ્રયત્નોએ ખુલી જાય છે, જેમ કે જૂની તમામ હિંદી ફિલ્મોમાં કપડાંની બૅગ જ્યાં જ્યાં ઉપાડવાની આવે, એ બધી ખાલી જ હોય. બહારથી ય તમને ખબર પડે કે ડાયરેક્ટરે મહીં કપડાં ભરવાની તસ્દી ય લીધી નથી. એક શૉટમાં વાળ વિખરાયેલાં હોય તો બીજામાં શૅમ્પૂ કર્યા હોય ને બાર્બર સૅટ કરી આપ્યા હોય, એવા ગોઠવાઇ જાય.

એકંદરે, ન જોઇએ તો બા ય ના ખીજાય એ બ્રાન્ડની આ ફિલ્મ છે.

No comments: