Search This Blog

05/10/2011

વો પ્યાર તેરા મૈં લોટા રહા હૂં... હોઓઓઓ

ફિલ્મ : દુલ્હા- દુલ્હન
ગાયક : મુકેશ
સંગીત : કલ્યાણજી આણંદજી
ગીતકાર : ઇન્દિવર

જિંદગીમાં ક્યારેક એવી બબાલો પણ ઊભી થાય છે, જ્યારે આપણે લીધેલો માલ પાછો આપી દેવો પડે છે, વ્યક્તિ ગુમાવવાનું ભલે દુઃખ ન થાય, પણ મોંઘા ભાવની ગિફ્‌ટો પાછી આપી દેવી પડે, એમાં તો જીવો ભડકે બળે ને ? એમાંની ઘણી તો હજી વાપરી ય ના હોય, રેપરો ય ના ખોલ્યા હોય, સુંઘી પણ ન હોય... પણ હવે સંબંધ પૂરો થઈ ગયો છે, એટલું જણાવવા આજ સુધી ફેણ્યું, એ બઘું પાછું આપી દેવું પડે, તો છાતીએ વાગે તો ખરૂં ને... ? (કેમ કોઈ બોલતું નથી ? મારી વાત શરૂઆતથી જ નબળી પડી રહી છે. મોટા ભાઈને ટેકો આપો અને બધા વાચકો લક્ષ્મણ બની જાઓ.)

પેલી જે બઘું પાછું મોકલાવે, એમાં આપણે કાંઈ કમાવાનું ન હોય, કારણ કે એ પ્રેમના એ વખતના ઉન્માદમાં આપણે એને ગિફ્‌ટ તરીકે ઘરમાં જે વર્ષોથી પડ્યું હોય ને ખુદ બાને ય કોઈ કામમાં આવે એવું ન હોય, એ રેપરમાં વીંટાળીને એને ગિફ્‌ટ તરીકે મોકલાવ્યું હોય, એટલે એ માલસામાન પાછો આવે, એ કોઈ કામનો ન હોય.

વળી આવી ગિફ્‌ટો આપણે તો ગામમાં ઘણાને ભટકાડવાની હોય (સુધારો : ‘ઘણાને’ નહિ ‘ઘણીને’ વાંચવું ! સુધારો પુરો) એટલે મોટા ભાગે તો યાદે ય ન રહ્યું હોય કે, કોને કયે દહાડે શું આપ્યું હતું ! આ લક્ષણ ફક્ત મોટા માણસોના કે, આપ્યા પછી ભૂલી જવાનું. કોઈને કહી નહી બતાવવાનું કે, જુઓ ‘આણે પહેર્યો છે એ ટુવાલ મેં જાન્યુઆરીની છઠ્ઠીએ એના જન્મદિને ભેટ આપ્યો હતો.’ આપ્યા પછી આપણા જેવા તો ભૂલી જતા હોય ને કોઈને કહી ના બતાઈએ કે, ‘આ મેં આલ્યું’તું...! મહાન વિચારક શ્રી અશોક દવેજીએ પણ ક્યાંક કીઘું છે કે, ‘નેકી કર ઔર દરિયા મેં ડાલ...’ (વાહ તૌબા... એમના વિચારો કેવા ઉચ્ચ હતા...!- મજાક પૂરી.)

પણ એણે આપેલી મોંઘા ભાવની ગિફ્‌ટો પાછી આપવામાં એને ગુમાવવા કરતા એની ગિફ્‌ટો ગુમાવવાનો રંજ મોટો હોય કે નહિ ? જવાબ પ્લીઝ, કોરા કાગળ પર સ્વચ્છ અક્ષરોમાં દિન-૩માં મને મોકલવો.

પ્રસ્તુત ગીતમાં હીરો હાળો બહુ બગડ્યો છે એને ય પેલીએ આપેલી ગિફ્‌ટ પાછી આલી દેવી છે. આપણે તો સજનીએ આપણા બર્થ-ડે ઉપર આપેલી પૅન, ઝભલાનું કાપડ કે ટુથપિક્સની ડબ્બી પાછી મોકલાવી દઈએ, પણ આવડો આ આખેઆખો પ્યાર પાછો મોકલવા ઉપડ્યો છે, તે જરા જોઈ લેવું પડે.

जो प्यार तुने मुझको दिया था, वो प्यार तेरा मई लोटा रहा हु, 
अब कोई तुझको शिकवा न होगा, तेरी झिंदगी से चला जा रहा हु | |

આ ઑફરમાં મને તો સમજણ બમજણ પડે એવી નથી કે, પેલીએ આપેલો પ્યાર પાછો કેવી રીતે મોકલાવવો ? પ્યાર કોઈ ખાંડની ગુણી તો છે નહિ કે, બગડેલી આવી તો મજૂર સાથે પાછી મોકલી દઈએ ? અને સિદ્ધાંતો ખાતર ગુણી પાછી ય મોકલીએ, તો એમાં મૂકવાનું શું શું ? આપણે કરેલા આલિંગનો, ચુંબનો કે પકડેલા હાથોના સ્પર્શો પાછા કેવી રીતે મોકલવા ? વળતા હુમલા તરીકે એ ય એક જમાનામાં અક્ષર સુધારવા પોતાના હાથ ઉપર ‘અશોક’નો ઇંગ્લિશમાં “A” ચીતરતી હતી, એ મોંઘા ભાવનો “A” પાછો કઈ રીતે મોકલશે ? પહેલીવાર જ્યારે એને લીમડાના ઝાડ નીચે બાથમાં લીધી, એ પછી ખબર પડેલી કે, આ હમણાં કર્યું એને આલિંગન કહેવાય. હવે એ જ સદરહુ આલિંગન પાછું મોકલવાનું આવે, ત્યારે એને છૂટ્ટું કેવી રીતે પાડવું ? અફ કૉર્સ, પ્રતિકાત્મક રીતે એને આલિગંનને બદલે એ જ લીમડાના ઝાડનું કોઈ ઠુંઠું પડ્યું હોય એ પાછું મોકલી શકાય, એટલે લોહી પીતી અટકે. એ સમજી જાય કે, પહેલાવાળી બાથ પાછી આઇ...! પૂરતું નૉલેજ અને અનુભવ ન હોવાને કારણે આ જ પદ્ધતિથી ચુંબન છૂંટુ પાડીને કેવી રીતે મોકલવું તેના જવાબની મારી પાસે અપેક્ષા ન રાખશો મિત્રો... જે ગુનાહ મેં કર્યો નથી, એ પાછા કેવી રીતે મોકલું ?

તદ્‌ઉપરાંત, પેલી તો રાજીના રેડ થઈ જાય, એવો મેસેજ પણ આ ગીતમાં ભોળીયાએ મોકલાવ્યો છે કે, ‘રાજ્ય સરકારે પ્રત્યેક નાગરિકને માહિતી માગવાનો અધિકાર બેશક આપ્યો છે, પણ હવે તારે મારા વિશે કોઈ શિકવા (ફરિયાદ) કરવાની રહેતી નથી. હું હવે તારી જિંદગીમાંથી નીકળી રહ્યો છું... ગઠિયો કેવો સ્માર્ટ ?’

हमको खबर भी होने नहीं दी, किस मोड़ पे लाके दिल तुने तोडा, 
अपना बनाना रहा दूर तुने ओरो के हो जाये, ऐसा न छोड़ा,
तेरी जफा का चर्चा ही कैसा, अपनी वफ़ा पे में शरमा रहा हु |

આ રણછોડ ખરેખર ભોળિયો હોવો જોઈએ. પેલી એને આઉટરાઇટ ઉલ્લુ બનાવી ગઈ, એની એને જાણ પણ થવા ન દીધી. આપણા જેવા સ્માર્ટ માણસો સાથે પેલીએ આવું કર્યું હોય તો મોઢે ચોપડાઈ દઈએ કે, ‘‘જા બેન જા... આગળ જા... છુટા નથી !’’ કાન્તાડી કેવી સ્માર્ટ હશે કે, પેલાને છેક સુધી ગંધમાત્ર આવવા દેતી નથી કે, ‘‘ફાટી પડ્યા... હવે તું મારા કોઈ કાંનો રહ્યો નથી તો જય અંબે... બાને પ્રણામ કહેજે, તબિયતનું ઘ્યાન રાખજે અને મેં આપેલી બધી ગિફ્‌ટો કુરિયરમાં પાછી મોકલજે.’’ કાન્તાડીએ તો આની પથારી એવી ફેરવી નાંખી છે કે, આગામી છ મહિના સુધી કોઈ નવી સવિતા, ગોદાવરી કે જયાલક્ષ્મીનો ય થઈ ન શકે. આખી સ્ટોરીની કરુણા એ છે કે, નબળી યાદદાસ્તના કારણે પેલીએ કરેલી મુહબ્બત આને યાદ આવતી નથી, પણ પોતે પ્રેમમાં કેવા કેવા મોર માર્યા હતા, એ યાદ કરીને શરમાઈ રહ્યો છે. જ્ઞાતિમાંથી કેટકેટલા માંગા આ માંગા માટે આવતા’તા, કેટલી વખત બસ ચૂકી ગયો ત્યારે રીક્ષા પકડીને લીમડાના ઝાડ નીચે આવવું પડતું હતું, કેટલી વખત કાન્તાના માથે કબૂતરું ચરક્યું હોય, એ આપણા રૂમાલથી સાફ કરી આલ્યું હોય, એ બધી વફાઓ યાદ કરી કરીને આજે તૂટી જવાય છે...! કોઈ પંખો ચાલુ કરો...

पीछे न कोई अब आयेगा तेरे, अब कोई तुझको न आवाज़ देगा, 
मुड़कर किसे देखता है मेरे दिल, तेरा कौन है जो तुझे रोक लेगा,
तुमको मुबारक ज़माने की खुशिया, मिटना है मुझको, मिटा जा रहा हु |
तेरी जिंदगी से चला जा रहा हूं... तेरी जिंदगी से चला जा रहा हूं | |

આ પંક્તિથી સાબિત થાય છે કે, ભ’ઇ બહુ પહોંચેલા અને બહેન બહુ મશહૂર હશે. કાન્તાની પાછળ એરિયાના ઘણા કલાકારો રેલી કાઢતા હશે, ‘હમારા હક્ક હમ લે કે રહેંગે.’ આ કાળુના ડરથી હવે એ રેલીઓ પણ બંધ થઈ જશે, એવી ખાત્રી કાળુ જ આલી દે છે. ‘જા... તું તારે લહેર કર... હવે તારી પાછળ પાછળ કોઈ નહિ આવે. તો બીજી બાજુ કાળિયો પોતાના હૈયાને પણ ધમકાવી નાંખે છે કે, ‘હૈયા હૈયા... હવે ચૂપ રહેજે. ખબરદાર જો પાછળ વળીને ક્યાંય ડાફરીયા માર્યા છે તો...!’ હવે આ આંધળા જહાનમાં પાછળથી ઘાંટો પાડીને તને બોલાવનારૂં કોઈ રહ્યું નથી... જે હશે તે બધા તને સામે આઇને જ ફટકારશે....’ ફરી પાછું ગતાંકથી ચાલુ કરીને કાળુ પેલીને એનું નખ્ખોદ જાય, એવા સૂરમાં હંભળાવી દે છે કે, ચીન, જાપાન, ડાંગના જંગલો, અમેરિકા, ભૂમઘ્ય સમુદ્ર, આણંદ- નડિયાદ કે મોસ્કો- ફોસ્કોમાં પેદા થતી તમામ ખુશીઓ આ અહીં અમદાવાદમાં બેઠેલી કાન્તાને મળે... બાપાનું રાજ છે ? પણ પોતે ય સહાનુભૂતિના વોટ મેળવવા પેલીને ઇમોશનલ બ્લેક-મેઇલિંગ કરવા ધમકી આપે છે, હું હવે પતી રહ્યો છું. મારું હવે કાંઈ નક્કી નહિ. હું તારી લાઇફમાં કેન્સલ થઈ રહ્યો છું.

આપણામાં અને આ લોકોમાં આટલો ફેર. આપણે તો છૂટા પડતી વખતે કેટલા આશીર્વાદો આલીએ કે, ‘હું તો હવે અગમનિગમના માર્ગે હાલી નીકળું છું, પણ મારા ગયા પછી તારા ૭૮ વર્ષના ડોહાનું ઘ્યાન રાખજે... આખો દહાડો ખોં- ખોં- ખોં કરતો ઉલળે રાખે છે. તારી બા તો સમજી વિચારીને પહેલેથી જ પતી ગયેલી છે, પણ તારી લાઇફમાં મારી બદલીમાં આવેલા નવા કામદારની સાથે બધે ફરવા જજે, પણ લીમડાના ઝાડ નીચે તું એને ના લઈ જતી. એને ઢાલગરવાડમાંથી ૨૩૫/- રૂપીયે મીટરનું પેન્ટનું કાપડ ગિફ્‌ટમાં આપજે, જેથી મારી ગિફ્‌ટોની માફક પાછું આવે તો કમ-સે-કમ ગાડી લૂછવાના કામમાં આવે.’

સિક્સર
- આ સ્થાપત્ય બસ્સો વર્ષ જૂનું છે...
- મિસ્ટર ગાઇડ... જરા મોંઢું સંભાળીને બોલો. આ કોઈ સ્થાપત્ય નથી... મારી વાઇફ છે !

No comments: