Search This Blog

26/10/2011

ફોટો પડાવતી વખતે તમે કેવું મોઢું રાખો છો ?

થોડા દિવસો પહેલા, એક છાપામાં નવરંગપુરાની ત્રણ સુશિક્ષિત મહિલાઓના હાથમાં બોટલો સાથે ફોટો છપાયો. ચોંકી જવાનું પૂરું થયું, પછી આઘાત શરૂ થયો, ‘માય ગૉડ... મારા દેશની આ હાલત...? અગાઉ મેં છાપાઓમાં હાથમાં શીલ્ડ પકડીને ઊભેલી સ્ત્રીઓના ફોટા જોયા હતા, પણ બોટલો સાથે ફોટો જોવાનો મારો પણ આ પ્રથમ અનુભવ હતો. મહિલાઓના હાથમાં બૉટલો... અને એ ય પાછી ‘દેસી’... ??? એ લોકોની બાઓ ય નહિ ખીજાતી હોય ? 

એ તો પછી સમાચારની હેડલાઈન્સ પર નજર પડી ત્યારે ખ્યાલ આવ્યો કે, આ એ બોટલો નહોતી. આ મહિલાઓના મકાનોમાં મ્યુનિ.વાળાઓ ગંદુ અને બૂ મારતું પાણી મોકલે છે, એના વિરોધમાં એ લોકોએ એવી બોટલો બતાવીને ફોટા પડાવ્યા હતા. છેલ્લા કેટલાય વખતથી મ્યુનિ.ને ફરિયાદ કરવા છતાં, કોઈ પગલાં ન લેવાતાં, એમને ક્રોધમાં આવીને આવા ફોટા પડાવવા પડ્યા હતા.... 

... પણ તો પછી સવાલ એ ઊભો થયો કે, આવા ક્રોધ કે ફરિયાદના ફોટા ગૌરવપૂર્વકના સ્માઈલો સાથે કોઈ શું કામ પડાવે ? એ લોકોએ સ્માઈલો સાથે ફોટો પડાવ્યો હતો. ફોટો જોઈને તો કોઈને પણ એમ લાગે કે, આ મહિલાઓ સોસાયટીના વાર્ષિકોત્સવમાં ૧૦૦ મી. દોડ અને લિંબુ ચમચામાં પહેલી, બીજી અને ત્રીજી આવી હશે ને ગૌરવપૂર્વક પોતાના ઈનામો દર્શાવી રહી છે. 

ઇન ફેક્ટ, હજી આપણા દેશમાં ફોટો પડાવતી વખતે કેવું મોઢું રાખવું, તેની હરએકને કાંઈ જાણકારી હોતી નથી. હમણાં એક સ્મશાનયાત્રાનો ફોટો જોયો, એમાં આગળવાળો ડાધુ મુક્ત સ્માઈલો સાથે કેમેરા સામે હાથ હલાવતો દેખાયો છે. પેલી બાજુથી નનામી ઝાલનારો રહી ન જાય, એ માટે એણે ચાલુ સ્મશાનયાત્રાએ ઊંચો થઈને ડોકું કાઢ્‌યું હતું, જેથી ફોટો સારો આવે. તમામ ડાધુઓની નજર કેમેરા સામે હતી. ઉપર સૂતેલાએ આ ફોટો જોયો હોત, તો દોરડા-બોરડા જાતે છોડીને ઠાઠડી ઉપરથી ઠેકડો મારીને હેઠે ખાબક્યો હોત...! 

ખોટું શું કામ બોલું ? ફોટા પડાવતી વખતે ચહેરા પર પ્રસંગોચીત કેવા હાવભાવ આપવા જોઈએ, એની મને ય બહુ સમજ પડતી નથી. મારા ‘વરદ હસ્તે’ સ્ટેજ પર વિજેતાને શીલ્ડ આપવાનું હતું, એમાં શિલ્ડ અને હું જ દેખાતા હતા. જેને મળ્યું, એણે શીલ્ડની પાછળથી ડોકું બહાર કાઢ્‌યું હતું. સારો ફોટોગ્રાફર હોત તો (ફોટામાં) શીલ્ડને બાજુમાં ખસેડીને પેલાનું મોઢું બતાવી શક્યો હોત... પણ ક્યાં હવે પહેલા જેવા ફોટોગ્રાફરો થાય છે..? એ જમાના તો ગયા ...!

ફોટો પડાવતી વખતે મને મારી ખામીની ખબર છે. એક તો ઇશ્વરે ચહેરો સારો આપ્યો નથી ને એમાં ય, ફોટો પડાવતી વખતે હું હસવા માંડું છું. મને કોક કહેતું હતું કે, હસતા ફોટા સારા આવે. મને તો એટલી ખબર છે કે, ફોટો હું પડાવતો હોઉં, ત્યારે હસતા બીજા હોય છે. પેલો ચેતવણી પણ આપે કે, હજી હસવાની વાર છે.. હું ‘રેડી... વન-ટુ-થ્રી...’ કહું પછી તમારે હસવાનું શરૂ કરવાનું... અત્યારથી નહિ. હું પાછો એમ સ્માર્ટ ખરો કે, ફોટો પડી જાય એ જ સેકન્ડે સ્માઈલ બંધ કરી દેવાનું. વગર ફોટે હસીએ તો લોકો ગાન્ડા ગણે. એટલે ચહેરો કડક કરી નાંખું... સાલો બદમાશ ફોટોગ્રાફર મારા તમામ ફોટા એ કડક ચહેરાવાળા જ પાડે...! મને તો પડાવેલા ફોટા જોવાના ય ધખારા ઘણા, પણ જોયા પછી હું ફોટોગ્રાફરને પૂછું કે, ‘આમાં તો મારો એકેય ફોટો સારો આવ્યો નથી...’ તો મને કહે, ‘સરજી... આમાં તો જેવો ચહેરો હોય એવા ફોટા આવે !’

એવું નથી કે, પેલી ત્રણ બહેનોએ પડાવ્યો, એવો ફોટો મેં નહિ પડાવ્યો હોય ! નાનપણમાં ફિલ્મ ‘હમદોનોં’માં મારા ફેવરિટ દેવ આનંદને દારૂ પીતો જોઈને, નશીલી આંખો અને હાથમાં ગ્લાસ પકડેલો એક રૂપિયામાં ત્રણ કોપીવાળો ફોટો મેં પડાવ્યો હતો. બ્લેક-એન્ડ-વ્હાઈટ ફોટાઓનો મેઈન પ્રોબ્લેમ શું હોય છે કે, ગ્લાસમાં રહેલા દ્રાવણનો એ લોકો કલર પકડી શકતા નથી, એટલે ફોટો જોયા પછી ઘણા મિત્રો ચોંકી ગયા હતા કે, ‘અશોક શિવામ્બૂ પર ચઢી ગયો...?’ 

એક-બે મિત્રોએ ઘ્યાન પણ દોર્યું કે, શરાબીનો ફોટો પડાવવા માટે તમારે આંખો નશીલી કરવાની કે હાથમાં ગ્લાસ પકડવાની જરૂર નથી... અને, શરાબી લાગવા માટે આ શું કપાળ ઉપર લટો ખેંચીને લબડાવી છે...! તમે પાસપોર્ટ-ફોટો પડાવ્યો છે, એ બતાવી દો તો ય આનાથી વઘુ રીયલ શરાબી લાગે...! 

તો ય, ’૭૬-ની સાલમાં મારા લગ્નના કુલ ૩૨૮-ફોટામાંથી ત્રણમાં તો હું વરરાજા જેવો લાગું બી છું. ઘેર આવેલા મહેમાનોને હસાવવા માટે હકી આ આલ્બમ ચાઇ - જોઇને બતાવે છે, પણ દરેક મહેમાનનો એક સવાલ તો કોમન હોય જ, ‘‘હકીબેન... આ તમારા બીજા લગ્નનું આલ્બમ છે...?? આ અશોક દવે નથી... તમારી સાથે હસ્તમેળાપ કરતો આ પાણી-પુરીવાળો ભૈયો કોણ છે ?... (કોઈ જરા પંખો ચાલુ કરો !) મને જ નહિ, આપણામાંથી ઘણાને ફોટા પડાવતા આવડતા નથી. આમ તો એમાં આવડવાનું શું હોય, પણ કયા પ્રસંગે કેવા હાવભાવ રાખવા, એની પદ્ધતિસરની તાલીમ શાળાકીય સ્તરે જ આપવામાં આવતી ન હોવાથી, લગ્નના રીસેપ્શનોમાં સ્ટેજ પર ઊભા રહી જતા મહેમાનો જોવા જેવા હોય છે. એવા ટટ્ટાર થઈને ઊભા હોય ને સામે વિડીયોવાળો ઊભો હોય, છતાં આ લોકો હાલે-ચાલે નહિ. હલીએ તો ફોટો ય હલેલો આવે ! રીસેપ્શનના સ્ટેજ ઉપર કોમેડીના એવા તે કેવા બનાવો બન્યા છે કે, આ લોકો એકબાજુથી ચઢે ને બીજી બાજુથી ઉતરે, ત્યાં સુધી હસહસ જ કરે રાખે ? પેલા બન્ને હાડા-તઈણ કલાકથી ઊભા ઊભા તરડાઈ ગયા હોય ને એમનો તો અત્યારે હસ્યા વિના છૂટકો ન હોય, પણ ટીમ-અન્ના જેવા આ લોકો કઈ કમાણી ઉપર હસે રાખે છે ? ગોદ-ભરાઈ (ખોળો ભરવા)નો આ ભેગાભેગો પ્રસંગ રાખ્યો હોય તો ઠીક છે કે, ફરી પાછું હસતું આવવું ન પડે ને અત્યારે ભેગાભેગું પતી જાય !

કોઈ હોલ કે ફંકશનોમાં વિડીયોવાળા જોવા જેવા હોય છે. ખેતરમાં જંતુનાશક દવા છાંટવાવાળા ફરી વળ્યા હોય, એમ આ લોકો ખભે કેમેરા ભરાઈને છંટકાવ શરૂ કરે, એ વખતે નજર બધાની ખબરદાર હોય છે કે, હવે ફરતો-ફરતો કેમેરા એમની ઉપર આવશે. એ આવતા પહેલા આ લોકો મોઢાના હાવભાવ બદલવા માંડે છે. સાડીનો છેડો સરખો કરે. જો આંગળીવાળો ફોટો સારો આવતો હોય તો, અગાઉથી આંગળી દાઢીને અડાડેલી રાખે. તારી ભલી થાય ચમના... નાનપણના તારા તમામ ફોટા મોઢામાં અંગૂઠો ચૂસતા આવ્યા છે... અત્યારે તને મોઢું જડતું નથી, એટલે દાઢી પર આંગળી અડાડશ...? 

આપણા જમાનામાં તો એક ફોટો પડાવતા પહેલા કેટલા પાપડ પેલવા પડતા, યાદ છે ને ? કબૂલ કરું છું કે, લગ્ન કર્યા ત્યારે હકીની સાથે હું શોભતો નહોતો (ઘણા આજે પણ એ જ મત ધરાવે છે !) સમ્રાટ પેટમાં હતો, ત્યારે ગાંધી રોડના સ્ટુડિયોમાં અમે બન્ને ફોટા પડાવવા ગયા, ત્યારે ફોટોગ્રાફરને મારામાં કાંઈ કમાવવા જેવું ન લાગ્યું. એને ફોટો સારો આવવા માટે હકી ઉપર જ શ્રદ્ધા હતી, એટલે ડોકું નવું નાંખવાનું હોય, એમ દર ત્રીજી સેકન્ડે એનું માથું પકડીને અડધો-અડધો ઇંચ ખસેડીને પાછું ત્યાં જ મૂકી દે. દાઢી પર આંગળી ઊંચી કરીને હકીને ઊચું જોવાનું કહે, પોતાનો પંજો બતાવીને આંખો એ પંજા સામે સ્થિર રાખવાનું કહે. મને તો એ ગણતો જ નહોતો. મારે સામેથી પૂછવું પડ્યું, ‘હું ડોકું કઈ તરફ રાખું ?’ એના જવાબમાં તો એણે સામો સવાલ પૂછ્‌યો, ‘ફોટો કયા પ્રસંગનો પડાવવાનો છે ?’ 

‘રક્ષાબંધનનો...’ ગાળને બદલે હું આવું બોલ્યો. 

રાજકીય ઘટનાઓના ફોટા વઘુ કોમિક હોય છે. બહુ વર્ષો પહેલા મારી એક ‘સિક્સર’ હતી કે, આશ્રમ રોડ પર ‘હમારી માંગે પૂરી કરો’ છાપની લાંબી રેલી નીકળતી હતી... પ્રેસ-ફોટોગ્રાફરો આવ્યા, એ સાથે જ લાંબી રેલી પહોળી થઈ ગઈ ! 

સિક્સર 
- ઓહ નો... ! શું બાબામાં કોઈ ખોડ છે... ! આમ વાંકી ડોકી સાથે કેમ જન્મ્યો છે ?
- ઓહ યસ... હવેના મોબાઈલ યુગમાં બધા બાળકોનો માલ આવો જ ઉતરવાનો ! 

No comments: