Search This Blog

27/11/2011

ઍનકાઉન્ટર : 27-11-2011

૧. આજની પ્રસિદ્ધ શાળાઓમાં વિદ્યાર્થીઓ ઉપર વધી ગયેલા દબાણ વિશે તમારે શું કહેવું છે ?
- મારૂં સ્તર ફક્ત શિક્ષણ-મંત્રી જેટલું જ છે... મને આ જવાબ આપતા ના આવડે !
(મનિષા કે. દવે, આણંદ) 

૨. દોસ્તીમાં કોઈ તમારી સાથે દગો કરે ત્યારે શું વિચારો છો ?
- મેં તો ડાયમન્ડ ગૂમાવ્યો છે... એમણે પણ !
(શ્રીમતી કરૂણા સી.ભટ્ટ, વડોદરા) 

૩. 'જે પીએ બીયર, તેની પત્ની જાય પિયર'...સાચી વાત ?
- બીયરને તમે એટલો સસ્તો ન ધારો !
(હસમુખ પરમાર, નાડા-જંબુસર) 

૪. આજકાલ લોકોની ઇશ્વરમાં શ્રદ્ધા ઓછી થઇ ગઇ હોય, એવું તમને નથી લાગતું ?
- બહુ વધારે પડતી છે, એટલે તો દેશના ફનાફાતીયા થઇ ગયા છે...!
(સ્મિતા શૈલેષ કોઠારી, મુંબઈ) 

૫. લાખોનો ખર્ચો કરીને લગ્ન કરાવવા, એને બદલે એટલી રકમ દીકરી-જમાઈને સોંપી દેવી વધુ જરૂરી ?
- રાજકીય નેતાઓ રેલી-સમારંભો દ્વારા શક્તિ-પ્રદર્શન કરે અને કન્યા કે વરનો પિતા આ રીતે પોતાનો ઠાઠ બતાવે.... દીકરી કે દીકરા ઉપર પ્રેમ કાંઇ વરસી જતો નથી !
(ગીતા ભાવેશ ઠક્કર, મુંબઈ) 

૬. સ્ત્રીઓ સાડીમાં વધુ સુંદર લાગે, છતાં જીન્સ કે ડ્રેસને કેમ વધુ પસંદ કરતા હશે ?
- રામા હો રામા...તમારે હજી વધારે સુંદર સ્ત્રીઓ જોવાની જરૂર છે...!
(રામાભાઈ પ્રજાપતિ, ઇંદ્રોડા) 

૭. અશોક દવે, તમે લગ્ન પહેલાં જ બે પાંદડે હતા કે પછી બે પાંદડે થયા ?
- લગ્ન પહેલા હું બે પાંદડા પહેરીને ફરતો... હવે ઝાડી-ઝાંખરા રાખવા પડે છે !
(જી.એમ.અભી, માંગરોલ-સુરત) 

૮. હવેના યુવાન-યુવતીઓની હાઇટ કેમ આટલી બધી હોય છે ?
- છેલ્લા ૨૦-૨૫ વર્ષોથી લોકોને ફ્લૅટના ૧૦-માં કે ૧૨-મા માળે રહેવા જવું પડયું છે....! પહેલાના વખતમાં બધું ગ્રાઉન્ડ-ફલૉરમાં પતી જતું !
(સલીમ અને ઉંમર, નડિયાદ) 

૯. અમારે તમને જમવા બોલાવવા છે... શું કરવું ?
- રોકડા મોકલાવી દો ને !
(ડૉ. અશ્વિન કાકડીયા, સુરત) 

૧૦. ઘણા લોકો પોતાના ભગવાન સિવાય બીજા ભગવાનોને માનતા જ નથી...એવાઓને શું કહેવાય ?
- નફ્ફટ.
(જગદિશ બી. સોતા, મુંબઈ) 

૧૧. જન્મ અને મૃત્યુનો કમાન્ડ તમારા હાથમાં હોય તો શું કરો ?
- તમારી ઉંમર જણાવશો.
(ગીરિશ બી. વાઘેલા, અમદાવાદ) 

૧૨. જગતમાં પહેલું શું આવ્યું ? મરઘી કે ઇંડુ ?
- ઓ બેન, આ સવાલ કોઇ ઑમલેટની લારીવાળાને પૂછો.
(ઝૂબૈદા યુ. પૂનાવાલા, કડી) 

૧૩ ચૂંટણીઓ આવતા જ આપણા પ્રપંચી અને નફ્ફટ કોંગ્રેસી નેતાઓ ધર્મનિરપેક્ષતાના ગાણાં ગાવા માંડે છે... આ લોકો સમજે છે શું ?
- તે અમે તો ભાજપવાળા ય દેશની કઇ સેવાની વાતો કરે છે ? બન્ને એકબીજાને વધારે ખરાબ કહેવડાવે, એવી પાર્ટીઓ છે.
(ઇંદુ વિનોદ જોશી, અમદાવાદ) 

૧૪. ભૂતપૂર્વ ટેલીકૉમ પ્રધાન એ.રાજા જેવો ૧,૭૯,૦૦૦-કરોડ રૂપિયાનો ગોટાળો તમે કરો તો ડિમ્પલ ''બા'' તમને સામે ચાલીને શોધતા આવે કે નહિ ?
- એ 'બા' હશે તમારી !
(કૃતિકા/અવનિ પારેખ, સુરત) 

૧૫. રાહુલ ગાંધીએ (વિકીલીક્સના સૌજન્યથી) કહ્યું હતું, 'હિંદુ કટ્ટરવાદીઓથી ભારતને ખતરો'....!
- એનો એક મતલબ એવો પણ થયો કે, હિંદુઓ માટે રાહુલ ગાંધી મોટો ખતરો છે.
(સુહાસી પારેખ, સુરત) 

૧૬. આજની આધુનિક સુંદર યુવતીઓને જોઇને, તમને વહેલા જન્મી ગયાનો અફસોસ થાય છે ?
- અફસોસ એમના ફાધરોને થાય.. મને નહિ !
(જયેશ અંતાણી, ભાવનગર) 

૧૭ 'શીલા કી જવાની' પર નાચતી કૅટરિના કૈફને જોઇને તમને કેવો અનુભવ થાય છે ?
- એક નૉર્મલ માણસને થાય એવો.
(નિરંજન ડી. વૈષ્ણવ, જૂનાગઢ) 

૧૮ બાળકો પૂછે છે કે, આપણા દેશના વડા પ્રધાન કોણ ? તો શું જવાબ આપવો ?
- એક માત્ર ડૉ. મનમોહનસિંઘ સિવાય આ જવાબની બધાને ખબર છે.
(ડૉ. અમિત પી. વૈદ્ય, ડેમાઈ) 

૧૯. મારા અક્ષરો બહુ ખરાબ છે. સુધારવા માટે શું કરવું ?
- કમ્પ્યૂટરમાં લખવાનું રાખો.
(આશિષ એચ. વ્યાસ, વલસાડ) 

૨૦. બા ખીજાઇ ખીજાઇને થાકી ગયા.... બાપુજી ક્યાં સુધી ચૂપ રહેશે ?
- બા કહેશે ત્યારે.
(જીતેન્દ્ર જી. કેલા, મોરબી) 

૨૧. મૃત્યુ નિશ્ચિત છે, તો પછી માણસને શાંતિ કેમ નથી ?
- કારણ કે, મૃત્યુ નિશ્ચિત છે.
(સુરેશ એન. બલુ, સુરત) 

૨૨. હાલની અભિનેત્રીઓ અંગ-પ્રદર્શન થાય એવા એકદમ ટૂંકા વસ્ત્રો પહેરતી હોય છે, તો એમની બાઓ ખીજાતી નહિ હોય ?
- એમની બાઓ એમનાથી ટુંકા પહેરતી હોય !
(ચંદ્રકાંત જાની, જામનગર) 

૨૩. અદાલતોમાં ન્યાયાધિશોની પાછળ મહાત્મા ગાંધીનો ફોટો મૂકાય છે... કોઇ ફેરફાર થાય એમ છે ?
- રાહુલ ગાંધીનો મૂકાશે.
(મધુકર પી. માંકડ, જામનગર) 

૨૪. માનવીનું પ્રથમ કપડું બાળોતીયું અને અંતીમ કફન... તો પછી આટલી બધી દોડધામ શા માટે ?
- વચ્ચેની તમામ અવસ્થાઓમાં ય પહેરવા પડે છે, માટે !
(મહેન્દ્ર દોશી, ઊના) 

૨૫. અગાઉના જમાનામાં પત્નીઓ એમના પતિદેવોનું નામ કેમ નહોતી બોલતી ?
- એમને એમના કામમાં રસ હતો.
(શ્રીમતી મીના નાણાંવટી, રાજકોટ) 

No comments: