Search This Blog

30/11/2011

... એમ કાંઈ કોઈના લગ્નમાં જવાય ?

મારે ત્યાં એક વડીલ એમને ત્યાંના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા. મને પહેલેથી જ મારા પોતાના સિવાયના તમામ લગ્નોમાં જવું હોંશભેર ગમ્યું છે, એટલે ના તો શું પાડવાની ? કૌસમાં જમવાનું ‘સહ કુટુંબ’ છે કે, ‘ફક્ત બે વ્યક્તિ માટે’ છે, તે ચેક કરી લીઘું. મજા પડી ગઈ... ‘સહ કુટુંબ’ હતું !

પણ જરા દયામણું મોઢું કરીને વડીલે મને એક બીજા સંબંધીની કંકોત્રી પણ આપી. ‘‘તમને વાંધો ન હોય તો આમને જરી આ કંકોત્રી પહોંચાડી દેશો ?’’ અફ કૉર્સ, એ સંબંધી એમના ફેમિલીને લઈ મારા ઘેર જમવા આવવાના ના હોય તો મને શું વાંધો હોય ?, એટલે મેં હા તો પાડી, પણ પછી યાદ આવ્યું કે, આ તો બારોબારનું નોંતરું થયું. આવી રીતે ઇન્વિટેશન આપે તો કોણ આવે ? પેલા સંબંધી તો સાવ નજીકમાં રહેતા હતા એટલે મેં સૂચન કર્યું કે, નજીકમાં જ છે તો જરી જાતે જ જતા આવો ને ! 

એ વાતની એમણે જે સ્ષ્ટતા કરી, પછી જીવનભર મારી આંખો ખુલી ગઈ. નૉર્મલી, આપણી જનરેશનવાળાઓ વ્યવહાર- ફહેવારમાં આવું બઘું કાંઈ સમજતા ન હોઈએ. વડીલે મને સમજાવ્યો કે, રૂબરૂ જાઉં તો એ લોકો મૅરેજમાં આવે. આમ બારોબાર મોકલાવી દઈએ, તો કંકોત્રી આપી ગણાય અને એ લોકો આવે ય નહિ ! લગ્ન પ્રસંગે આમંત્રણો તો ઘણાને મોકલવા પડે પણ મોકલ્યા હોય એ બધા જ આવે, એ ઇચ્છનીય નથી હોતું. કાર્ડ જરૂર મોકલવું પડે. આમ બારોબાર મોકલીએ તો એમને ખબર પડી જાય કે, આપણે જવાનું નથી... ફોન પણ આવ્યો નથી ! અનેે આમંત્રણ આમ તો આમ, મોકલાવ્યું છે તો, એટલે એ લોકો ખોટું ય ન લગાડી ન શકે, કે અમને કેમ કીઘું નહિ...! 

માય ગૉડ... કેવા હિસાબ- કિતાબો ચાલતા હોય છે ? આપણે કેવા મામુ બની જઈએ આમાં તો ? કોઈ પંખો ચાલુ કરો ! 

શહેરો તગડા થતા જાય છે એટલે, હવે એકોએકને ઘેર જઈને રૂબરૂ આમંત્રણ આપવાના પોસાય નહિ, પણ ફોન કરી દેવાય ને ? ભલે રૂબરૂ બધાને પહોંચી ન વળાય, પણ કમ સે કમ ફોન કરી દેવામાં ક્યાં વાંધો આવે ? 

એમણે વિશેષ ટીપ્પણી આપતા મને સમજાવ્યો, ‘ફોન કરો, એ રૂબરૂ ગયા બરોબર જ થયું. ઘણા સંબંધીઓ માત્ર ઓળખાણ પૂરતા હોય. એ લોકો આપણા પ્રસંગે આવે કે ન આવે, એથી આપણને કોઈ ફેર પડતો નથી. બારોબાર કંકોત્રી મોકલાઈ દઈએ, એટલે એમને ય ખોટું ન લાગે કે, અમને કીઘું તો છે, ને સાથે સાથે એ લોકો સમજીને આપણા પ્રસંગે આવે પણ નહિ ! માટે આમંત્રણો બારોબાર મોકલાવી દેવાથી પ્રસંગમાં ખોટી ભીડ અને ખોટા ખર્ચા ન થાય, છતાં વ્યવહાર સચવાઈ રહે.’ 

હેડકીને બદલે મને હવે ખાટા ઘચરકા ચાલુ થયા. સાલું, મને તો આવી કોઈ ખબર નહિ. આપણને તો એમ કે, આમંત્રણ આવ્યું છે, એટલે ન જઈએ તો ખોટું લાગે. હું તો બહુ બધામાં આવા બારોબાર આમંત્રણોને માન આપીને જઈ આવતો- ફેમિલી અથવા હકીને લઈને... જેવું આમંત્રણ ! 

પછી તો થોડો તાળો મળ્યો કે, સાલી વાત તો સાચી છે. આવા જે કોઈ મૅરેજોમાં અમે ગયા છીએ, ત્યાં અમને જોઈને કોઈએ ખાસ ઉમળકો બતાવ્યો નહતો. ક્યારેક તો એ લોકો અમને જોઈને ડઘાઈ ગયેલા પણ જોવા મળ્યા હતા. ‘‘આ લ્લે લે... આમને તો બારોબાર આમંત્રણ મોકલેલું... તો ય આઇ ગયા ?’’ 

કરૂણતા એ હોય છે કે, દરેક સીઝનમાં આપણે રોજ સરેરાશ બબ્બે- ત્રણ ત્રણ રીસેપ્શનોમાં કે સંગીત- સંઘ્યાઓમાં જવાનું હોય છે. કાં તો દરેકમાં અડધી- અડધી કલાક ‘શોભામાં અભિવૃદ્ધિ’ કરી આઇને બીજે ને ત્રીજે ધાબડી આવવાનું હોય, એમાં જમવાનું તો એ ત્રણમાંથી જે પોતાનું હોય ત્યાં જ પતાવીએ ને ? ઇન ફૅક્ટ, એક દિવસ બબ્બે- તત્તણ તો જાવા દિયો... અમદાવાદની જ્યોગ્રોફી જોયા પછી એક પાર્ટી-પ્લોટમાં પહોંચતા ય તૂટી જવાય છે. દૂર કેટલું ને એમાં ય શરીરે ફોડલા પડ્યા હોય, એવો ટ્રાફિક જામ. ગાડીનું પેટ્રોલ બળે કે ત્યાં જઈને મસ્સમોટો ચાંદલો કરવાનો હોય એટલે એમને એમ તો આપણે ય કાંઈ જમી આવતા નથી હોતા... એમને માટે ખાસ સમય ફાળવ્યો, એ ય મોટી વાત નહિ ? 

યસ. લગ્ન નહોતા કર્યા, એ દિવસોમાં અમે ૭- ૮ દોસ્તો કપડાં સારા સિવડાવતા... એટલા માટે નહિ કે, સારી સારી છોકરીઓ પટાવી શકય, (અમારા ખાડિયાની છોકરીઓ તો અક્કલવાળી હતી !) પણ એટલા માટે કે, સિઝનમાં કોઈ પણ રીસેપ્શનમાં ધુસી જઈએ- ઓળખાણ તો શેની હોય, પણ ત્યાં કોણ પૂછવાનું છે કે, ‘ભ’ઇ કોણ છો ?’ બન્ને પક્ષના લોકો એવું સમજે કે, સામેવાળા પક્ષના કોઈ સગા લાગે છે. પ્લસ, શાનદાર કપડાં અને જમવા બમવાની અમારી સ્ટાઇલ પણ એવી કે, બે- ચાર તો માંગા ય આવી જાય. બે ત્રણ મમ્મીઓએ અમારા પરવિણભ’ઇને પૂછ્‌યું ય હતું કે, ‘‘તમે મચકણીયા વાણીયા કે ખડાયતા ? તમારા મમ્મી આટલામાં છે ?’’ પરવિણ ચડ્ડી બિચારો કહી કેવી રીતે શકે કે, એની મમ્મી અત્યારે આવા જ બીજા કોઈના રીસેપ્શનમાં જમતી હશે ? જેન્તી જોખમને આવો સવાલ કદી ઊભો થયો નથી કારણ કે, એ અમારા ગ્રુપના નાના પળશીકર જેવો... કાયમ બુઢ્ઢો જ લાગે ! તમે જેટલા જેન્તીભ’ઇઓને ઓળખતા હો, એ બધાને યાદ કરી જુઓ... નામ જેન્તી હોય એટલે એક વાત તો નક્કી જ કે, જન્મ્યો ત્યારથી બુઢ્ઢો જ લાગે ! 

તો એવડા એ જેન્તીને કોકે મારા વિશે પૂછ્‌યું, ‘‘આ બાબો તમારો છે ?... આઇ મીન, સન ? એમનું ક્યાંય નક્કી થયેલું છે ?’’ સવાલ સાંભળીને જેન્તીને આમ તો લાઇફનું છેલ્લું ડચકું આવી જાત, પણ એ મહિલાએ જેન્તીને મને બતાડીને સલાહ આપી કે, ‘‘તમારા બાબાને જરા જમતા શીખવાડો... જમે છે ઓછું ને મોમાંથી ઉડાડે છે બહુ !’’ 

કૉલેજ દરમ્યાન કૃષ્ણ સિનેમા સામેની એક રેસ્ટરામાં અમે ૫- ૭ જણા નાસ્તા ધીબેડવા જઈએ, વેઇટર પાસેથી બિલ પણ પૂરું લઈ લઈએ... થોડીવાર બેઠા પછી ફક્ત એક ચા મંગાવીએ ને એનું જે બિલ આવે, તે ગલ્લે ચૂકવી દેવાનું ! મોટું બિલ તો ક્યારનું ય ફાડી નાખ્યું હોય ! આજે એ વાતનો અફસોસ થાય છે કે, એ પ્રવૃત્તિઓ ચાલુ રાખી હોત તો એ... ય મજાના દિલ્હીની તિહાર જેલમાં જલસા કરતા હોત ને છાપાઓમાં કેવા મનોહર- મનોહર ફોટાઓ આવ્યા હોત ! જેલમાં જતો ફોટો, પોલીસવાનમાંથી ઉતરતો ફોટો, જેલમાં ‘યોગ’ કરતો ફોટો... પણ તમામ ફોટાઓમાં અમે કોઈ મહાન કામ કરી બતાવ્યું હોય, એમ હસતા હસતા ને લોકો સામે હાથ હલાવતા ફોટા પડાવવાના ! અહીં કોઈ અછોડા ચોરીને ભાગતો ગુંડો પકડાય તો પ્રેસ- ફોટોગ્રાફરોથી મોઢું છુપાવવા રૂમાલ ઢાંકે... જ્યારે તિહાર જેલમાં બેઠેલાઓ સામેથી હસતા હસતા પસાર થાય...! બેશરમ કહીં કે...! કોઈ પંખો ચાલુ કરો !!!

સિક્સર 
– પ્રામાણિકતાથી જવાબ આપજો. પેલા દેશભક્ત સરદારજીને બદલે શરદ પવારને થપ્પડ તમારે મારવાની આવી હોત, તો કેટલી મારત? 
– ..... ફક્ત થપ્પડ જ મારત ??

No comments: