Search This Blog

18/04/2012

ફૂટપટ્ટી વડે બરડો ખણવાની લઝ્‌ઝત

કોઈકે મને પૂછ્‌યું, ‘‘તમને જીંદગીનો સર્વોચ્ચ આનંદ શેમાં આવે છે?’’

‘‘ફૂટપટ્ટી વડે બરડો ખણવામાં...’’
  
ઓહ... કોઈએ કેવું મઘુરું મઘુરું યાદ કરાવી દીઘું... હાય! કહે છે કે, મારા જેવી આવી હૉબી પ્રભુ શ્રીકૃષ્ણને હતી. વગાડવાનું મન થાય ત્યારે વાંસળીમાં ફૂંકો મારતા ને ખણવાનું મન થાય ત્યારે એ જ વાંસળી બરડામાં ખંજવાળતા. આમાં તો કેવું હોય કે આમાં તો એવું જ હોય કે, અમારા લોકોના ટેસ્ટો સરખા હોય. પ્રભુનો ચેહરો વાંસલડી વગાડતી વખતે ને મારો બરડો ખણતી વખતે હસુ-હસુ થઈ જાય. કૃષ્ણ ભગવાને વાંસળી વડે બરડો ખણ્યો હોય એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી... તો પછી મેં ફૂટપટ્ટીમાં ફૂંકો મારીને કોઈ ગીત વગાડ્યું હોય, એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? મારું તો કોઈ ધાર્મિક વાંચન-બાંચન છે નહિ, પણ એટલી ખબર છે કે, બરડા પાછળ આ જ સ્ટાઈલમાં હાથ ઊંચો કરીને મહાન બાણાવળી અર્જુન તીરો કાઢતો ને હું ખંજવાળ કાઢું છું. વાચકોએ એટલો ધડો લેવાનો કે, જીવનનો સર્વોત્તમ આનંદ કાં તો વાંસળી વગાડવાથી મળે છે ને કાં ફૂટપટ્ટી ખંજવાળવાથી.

મને જીંદગીનો સર્વોચ્ચ આનંદ બરડો વલૂરવામાં આવે છે, એનો મતલબ એવો ય નથી કે, અહીં બહારના ઑર્ડરો પર પણ પૂરતું ઘ્યાન આપવામાં આવે છે. ભોળા વાચકો ખોટો અર્થ ન લે. બરડો એટલે ફક્ત અને ફક્ત મારો પોતાનો બરડો ખણવાની મને મઝા પડે છે. બીજાનો નહિ. ભૂલચૂક લેવીદેવી...!

હા. જે સગાસંબંધીઓએ મને મંદમંદ હસતા હસતા મારો બરડો વલૂરતો જોયો છે, એ લોકોએ મારા તે વખતના મસ્તીભર્યા હાવભાવો જોઈને ઈર્ષાઓ ખૂબ કરી છે કે, આને કેવું સુખ છે? સ્વાભાવિક છે કે, બરડો વલૂરતી વખતે શરીર આખું ડાન્સિંગ આકારો ધારણ કરતું રહે છે. આમે ય, હું સીધો ઉભો રહું એના કરતા નૃત્ય મુદ્રામાં વધારે શોભી ઉઠું છું... ફિગર જ એવું, ઈ! પણ સારાંશ એટલો કે, હું ફક્ત મારો પોતાનો બરડો ખણું છું અને તે પણ સ્વયં મને ચુલબુલી ખંજવાળ ઉપડે ત્યારે. આમાં દર્શકોની ફર્માઈશો ઉપર ઘ્યાન ન અપાય કે, ‘‘અમારે તમને જોવા છે... જરા શર્ટ ઉતારો ને, અશોકભાઈ...!’’

કોઈએ એમ કરતા મને જોયો તો નહિ હોય, પણ શર્ટના કૉલરમાંથી ડાબા હાથે પકડેલી ફૂટપટ્ટી વડે બરડો ખંજવાળતી વખતે મારા ચેહરા પર કહે છે કે, કોઈ દૈવી ગૈપૈહી સ્માઈલો આવતા હોય છે. એ તબક્કે તમે મને આઘ્યાત્મિક સ્વરૂપે જોઈ શકો છો. હિમાલયની બર્ફીલી ગુફામાં એ.સી. ચાલુ કરીને કોઈ ૠષિમુની હસતા મુખે સાધના કરવા બેઠા હોય, એવો પ્રભાવ મારો બરડો વલૂરતી વખતે પડે છે... (તમે કહેતા હો તો, પંખો ચાલુ કરૂં!)

પાછું, આમ જોવા જઈએ તો બરડો વલૂરવા માટે ફૂટપટ્ટીથી વઘુ હાથવગું, કિફાયત અને ચામડી છોલી ના નાંખે, એવું બીજું કોઈ સાધન શોધાયું પણ નથી. હોલવાઈ ગયેલી દીવાસળીથી દુનિયામાં આજ સુધી કોઈ બરડો ખણી શક્યું છે? ડાયનિંગ-ટૅબલનો એક પાયો છુટો ભલે પડી ગયો હોય, પણ એનાથી વાંહો ખણી શકાય નહિ. નડિયાદ બાજુ કેટલાક આશાસ્પદ યુવાનોએ ભીંત ઉપર સફળતાપૂર્વક બરડા ખંજવાળી બતાવ્યા હતા, પણ તળાવમાં તમે હોડકું ચલાવતા હો, ને ખંજવાળ ઉપડે તો ભીંત લેવા ક્યાં જવાના છો? આમાં તો હલેસું ઉપાડીને ય ખણતા ન ફાવે... સુંઉ કિયો છો?

વળી, આ પ્રવૃત્તિમાં રસ ધરાવતા ભાવકોને ખંજવાળતી વખતે મીઠી મીઠી મસ્તી ઉપડવી જોઈએ, નહિ તો પૂર્ણ સંતોષ પ્રાપ્ત થતો નથી. સવાલ મુક્તિ નહિ, મઝા પામવાનો છે. યાદ કરો ફૂટપટ્ટીનો એક માસુમશો નાનકડો ખૂણો, જે કાશ્મિરની વાદીઓ જેવા ઢાળવાળા બરડા પર આમથી તેમ ફરી વળી, ખંજવાળવાળી જગ્યા શોધી કાઢીને, ત્યાં મીઠી મીઠી અને હળવી હળવી ઘસમઘસી કરે છે, ત્યારે જીવનમાં કંઈક કરી બતાવ્યાનો આનંદ આવે છે. મેહસાણા-ઊંઝા બાજુના પટેલોએ તો કહે છે કે, આજ સુધી લાખો ફૂટપટ્ટા ઘસી નાંખ્યા... ‘‘...છતોં, ઇમને ઇનું એવું કોંય અભેમોન નંઈ. ત્યોં તો ઇની બૂનને.. ભોડું ખઈણવું હોય તો ય ફૂટપટ્ટો વાપરે!’’

ઊંઝા-સિઘ્ધપુર-મેહાણા લોકોને મૅજર પ્રોબ્લેમ એ કે, ફૂટપટ્ટી ૧૨-મા ઇંચ બાજુવાળા છેડાને બદલે પહેલા ઇંચવાળા ખૂણાથી ખણે છે, જેથી મહિનાને અંતે ખબર પડે કે, ઘસઇ ઘસઇને હવે ત્રણેક ઇંચો બાકી રહ્યા. ત્યાં તો કહે છે કે, અડોસપડોસવાળા પણ મેહમાનો વધારે આવ્યા હોય તો, દહીંના મેળવણની માફક આપણી ફૂટપટ્ટી માંગીને લઈ જાય. એ બાજુ ડ્રૉઇંગ-રૂમમાં મેહમાનોના દેખતા સામસામા બરડા વલૂરવાની લઝ્‌ઝત ખૂબ હોય છે. અગાઉ મારા કાઠીયાવાડમાં એક પઘ્ધતિ કાફી લોકપ્રિય થઈ હતી. ઉઘાડા શરીરે કાથીના ખાટલા ઉપર સૂઈ જઈને ખાટલો નહિ, પણ બરડો ખસેડતા રહેવાનું, ઊંચા-નીચા થવાનું, ભોંય પર પડી ગયા વગર ખાટલા ઉપર આધુંપાછું થતા રહેવાનું. ખાટલો ખરીદાતો જ આટલા માટે. આપણે જેમ કાપડ લેવા જઈએ ત્યારે, પહેલી બે આંગળી અને અંગૂઠા વચ્ચે કાપડ રાખીને બે-ચાર કતરી મારી જોઈએ છીએ, એમ અમારી બાજુ આવી કતરીઓ ખાટલાની કાથી ઉપર મારી જોવાતી. પૂછાય બી ખરૂં કે, ‘‘આની ઉપર હરખું ખણાશે તો ખરું ને...?’’ હુંશિયારના પેટનો વેપારી કિયે ય ખરો કે, ‘‘એવું હોય તો આંઈ ખણી જુઓ...!’’

કાળક્રમે સૌરાષ્ટ્રમાંથી ખણવા માટેની ખાટલા-પઘ્ધતિ નષ્ટ પામી, તેના મૅજર કારણો બે. એક તો, મેમાન આવે, તંઇ એમને બેહવા હાટું ઇ જ ખાટલા ઢાયળા હોય, એમાં મેમાનો ચમકે, કોઈના ખણેલા ખાટલાંવ પર અમે સુઉં કામ બેશીએ...? ઊભા થયા પછી અમારી વાંહે ખંજવાળું નો ઉપડે...? (બવ ઉપડે ભાઆય... આમાં તો બવ ઉપડે! જવાબ પૂરો)

કોઈ મને પૂછે કે, બરડો ખંજવાળવામાં આટલો બધો ધોધમાંથી ધઘૂડો પાડવા જેટલો આનંદ શું કામ આવે? અહીં સ્વામી રામકૃષ્ણ પરમહંસે જે જ્ઞાન તમને નથી આપ્યું તે સ્વામી અશોક ગરમહંસઆપી શકે છે... જ્ઞાન પામવાની ભાવના હોવી જોઈએ.

જસ્ટ ટૅલ મી... આનંદ શું છે? ધંધામાં દોઢ-બે કરોડનો નફો થઈ ગયો, એને તમે આનંદ કહો છો? રસોડામાં ભમ્મ થઇ ગયેલી વાઇફનો રીપૉર્ટ આવે કે, હજી છ-મહિના સુધી ઊભી થઈ નહિ શકે, એને તમે પરમ આનંદ કહો છો? મહિનાઓથી બારી ખુલ્લી રાખ્યા પછી સામેના ફ્‌લૅટવાળી આજે પહેલી વાર આપણી સામે જોઈને મીઠડૂં હસી... લૂચ્ચી, એને તમે આનંદ કહો છો? (જવાબ : હેઠા બેહો, અશોક દવે.. અમે તો એને જ આનંદ કહીએ છીએ, જવાબ પૂરો)

યૂ સી... આ અધરવાઈઝ શુષ્ક દુનિયામાં આનંદ તમારે મોટી મોટી ઘટનાઓમાંથી નહિ, નાની નાની વાતોમાંથી ગોતી કાઢવો પડે છે. રસ્તે જતી અતિભવ્ય સુંદર સ્ત્રીને.. જસ્ટ બીકૉઝ, લોકો શું કહેશે, એવા ભયથી જોવાનું માંડી વાળો ને આવતા મંગળવાર સુધી એના જીવો બાળ્યા કરો, એ આઘાત સારો કે એક અમીભરી દ્રષ્ટિથી એને જોઈ લેવી સારી? ...એક કામ પતે! જાલીમ જમાનાનો ડર લાગતો હોય કે ન ફાવતું હોય તો, ભલેને પિતાસરીખા વાત્સલ્યથી એની સામે ટગરટગર જુઓ. પણ જોઇ લેવાનું શું કામ પડતું મૂકવું જોઈએ? વિચારો ગમે તેટલા ઊંચા હોય, ફૂટપાથ પર બેઠેલા રક્તપીત્તિયાને જોઈને તમારું મોંઢું મલકમલક થવાનું નથી. સાલું, પેલીના કૅસમાં તો ઘેરથી આટલી એ તૈયાર થઈને નીકળી હોય ને તમારા જેવો હૅન્ડસમ યુવાન એક નજર એની સામે જુએ પણ નહિ, તો એની બા કેટલી ખીજાય... આપણા ઉપર! (અહીં તમને હૅન્ડસમ યુવાનએટલા માટે કીધા છે, કે તમે વળતો વ્યવહાર કરી શકો... ને પાછી તમને ખોટું બોલવાની ટેવો ય નહિ, ને...?) નુકસાન એને જોવામાં નથી.. નજર પડી ગયા પછી જોવાનું માંડી વાળવામાં છે. (કેમ કોઇ મને સપોર્ટ કરતું નથી? મારી વાત ઢીલી પડી રહી છે...!)

અંગત રીતે હું નાની નાની વાતોમાંથી મોટી ખુશીઓ મેળવાનારો માણસ બની ગયો છું, કારણ કે, મોટી ખુશીઓ મેળવવાના મારી પાસે પૈસા નથી, એટલી સિઘ્ધિઓ મેળવી નથી અને સમાજમાં એટલું માન નથી એટલે ભારત રત્નમને મળે, એવા કોઇ ડોડળીયા રાખ્યા નથી. મારી ગાડી બંધ પડે ને સાથે હકી ન હોય, છતાં સમાજ મને પૂછવા આવે કે, ‘‘શું થયું અશોકજી... મે આઇ હેલ્પ યુ?’’ તો મારા માટે ગૌરવ પુરસ્કાર જ છે. બહાર મારા ૨૦-૨૫ પ્રાયવેટ વિમાનો પડ્યા હોય ને બંગલાના ડ્રોઇંગ-રૂમમાંથી એક નાનકડી નદી વહેતી હોય, એકાદો કાળમીંઢ ખડક રોપ્યો હોય ને કદમ્બના વૃક્ષ નીચે હું અને હકી બેઠા બેઠા શેરડીનો રસ પીતા હોઇએ... (બરફ ઓછો), એવા મોટા બંગલાના મેં સપના જોયા નથી. મને એવા સપના જોવાનો આનંદ ય આવતો નથી... (હાથ ન આયા ખટ્ટા હૈ...!)

એને બદલે હું ભર ઊંઘમાં હોઉં ને મારા ગાલ ઉપર ડિમ્પલ કાપડિયા એક નાનીશી ટપલી મારી જાય ને કહે, ‘‘એ ય લુચ્ચા... અત્યારથી સુઈ ગયો?’’ તો એવી નાની સપનીઓ જોવી મને ગમે. સવારે અરીસામાં જોતા જોતા દાઢી કરતી વખતે સિસોટી વગાડવાનો આપણને પહેલેથી શોખ. હું સિસોટીમાં શ્રી. મહામૃત્યુંજયના જાપ બહુ સૂરીલા વગાડી શકું છું, ‘‘તેરી દુનિયા મૈં જીને સે તો બેહતર હૈ કિ મર જાયેં.. હોઓઓઓ’’ (હકી આને મૃત્યુંજયના જાપ સમજે છે!)

જીવનમાં એક વખત મોટો આનંદ મળી ગયો, પછી એનાથી નાનાનાના આનંદોને તો આપણે ગણતા પણ નથી. એક મહિને દોઢ-બે કરોડનો ફાયદો થઈ ગયો, પછી છુટક-છુટક લાખ-દોઢ લાખ મળતા રહે. એની કિંમત હોતી નથી. આનંદ રોજરોજ સામે ચાલીને આવતો નથી, આપણે લેવા જવું પડે છે, ઊભો કરવો પડે છે. બધામાં એ આવડત ન હોય, તે સમજી શકાય પણ સુખી થવું જ હોય તો, સામાન્ય માણસોમાં હોય, એવા સામાન્ય અવગુણો રદબાતલ કરો. મને અંગત રીતે ઓળખનારાઓ જાણે છે કે, હું ઘણા લૉઅર-મિડલ ક્લાસમાંથી આજના સ્થાને પહોંચ્યો છું. એમાં કામ એટલું જ કર્યું છે કે, નફરત કે ઇર્ષા કોઈની કરતો નથી... યસ, એક પણ દુશ્મનને નહિ... એ જાણવા છતાં કે, અગાઉ જે બહુ નજીક હતા, તેમને મારા મરવાની ખબર પડે, તોય એકબીજાને તાલી આપે. હું એમને ય ખૂબ સાહજીકતાથી અને પ્રેમથી બોલાવી શકું છું, મોટો માણસ સાબિત થવા નહિ... મારે પણ બાકીના વર્ષો સ્વસ્થતાથી જીવવું છે માટે.

લાઈફમાં એક જ મુદ્દાનો કાર્યક્રમ રાખવા જેવો છે. તમારે ખુશ રહેવું હોય તો બીજા કોઈને પડી નથી. ખુશી જાતે શોધી લો કે ઊભી કરો, તો જ સ્વસ્થ રહેવાય એવું છે... અને એ સિઘ્ધિ નાનાનાના આનંદો મેળવવાથી મળે છે. બરડો ખંજવાળવામાંથી ય આનંદ પ્રાપ્ત કરનારને તમે દુઃખી ક્યાંથી જોઇ શકવાના?
  
સિક્સર 
‘‘House... Fooled'' ... ફિલ્મ નિર્દેશક અમર સોલંકી ડૅનીઉવાચ.

No comments: