Search This Blog

09/04/2012

ઍનકાઉન્ટર : 08-04-2012

* દેશના ૫૦-ટકાથી વઘુ લોકોના ઘરમાં ટોઈલેટ નથી, પણ મોબાઈલ બધાના ઘરમાં છે... તમારી કમૅન્ટ?
- આ બન્ને પદાર્થો એવા છે, જે એક સમયે એક જ જણ વાપરી શકે. આમાં ભાઈચારો કામમાં ન આવે. બન્ને ચીજો કામચલાઉ ધોરણે બીજાને વાપરવા આપી શકાય છે, પણ મોબાઈલની મિનિટે-મીનિટે જરૂરત પડતી હોય છે, માટે બધાના ઘરમાં છે... !
(રમેશ સુતરીયા, મુંબઈ)

* સવાલ એ છે કે જવાબ શું છે?
- ૨૩૫-ગુણ્યા-દૂધની કોથળી-ભાગ્યા ૩૪-વત્તા એના બાપનું કપાળ.
(સુરેશ મજમુદાર, અમદાવાદ)

* તમે ગઝલ સમ્રાટ અશોકતો છો જ, હવે ભજન સમ્રાટક્યારે બનો છો?
- સમ્રાટ હવે નવી ફેક્ટરી ચાલુ કરવા માંગતો નથી.
(મહિન્તા એમ. ત્રિવેદી, જામનગર)

* મારો ચેહરો માઘુરી દીક્ષિત જેવો લાગે છે એટલે મિત્રો મને મનુને બદલે માઘુરી કહીને બોલાવે છે. એમને રોકવાનો કોઈ ઉપાય ખરો ?
- એક વાર માઘુરીની અદાઓ સાથે ‘‘ધક ધક કરને લગા...’’ એ લોકોની સામે બતાવી જુઓ. લાગતા હશો તો એ લોકોને કમાણી છે... નહિ લાગો તો મિત્રવર્તુળ મોટું કરી જોવાનું.
(મનુભાઈ શાહ, વડોદરા)

* ડિમ્પલ કાપડીયાના ઘરમાં દીપડો ધુસ્યો હોત તો તમે શું કરત ?
- હું એના ઘરમાં મૌજુદ હોઉં પછી બીજા દીપડાને આવવાની હિંમત ક્યાંથી થાય?
(ઉમંગ પંડ્યા, ગાંધીનગર)

* મેડમ તુસાડ્‌સના મ્યુઝિયમમાં આપની પ્રતિમા ક્યારે મુકાશે?
- મને કોઈ પૂછ્‌યા વગર હળી કરી જાય, એ ન ગમે! માટે નથી મુકાવવી.
(મીરાં કે. સોઢા, સુરેન્દ્રનગર)

* આમ તો મારી ઉંમર મોટી છે, પણ જ્યાં આંખ ઠરે, ત્યાં કાકાકે અંકલકહીને મને બોલાવાય છે, તો મારે શું કરવું ?
- હનુમાનજીને રોજ તેલ ચઢાવવાનું રાખો.
(મનસુખ મનાણી, રાજકોટ)

* આપણા વડાપ્રધાન સંવેદનહીન રોબો જેવા નથી લાગતા ?
- સાયન્સની આવી મશ્કરી ન કરો, બેન.
(મંજુલા પરમાર, ગાંધીનગર)

* દવે સાહેબ, આજની યુવતીઓનો આ સ્કીન-ટાઇટ ડ્રેસ ક્યાં જઈને અટકશે ?
- પણ તમારે અટકાવવો છે શું કામ ?
(નલિન હ. ત્રિવેદી, જામનગર)

* મારો દોસ્ત કહે છે, અશોક દવે સ્વ. જ્યોતીન્દ્ર દવેના અવતાર છે. તમારો શું મત છે?
- આમાં જ્યોતીન્દ્રભાઈનો વાંધો ઘ્યાનમાં લેવો પડે.
(પ્રણવ કારીયા, મુંબઈ)

* તમારા અગાઉના પાત્રો પરવિણ ચડ્ડી અને જેન્તી જોખમ ક્યાં ખોવાઈ ગયા છે?
- ફેસબુક પર જોઈ જુઓ.
(નૂતન ડોલી, અમદાવાદ)

* પતિ-પત્ની નવાનક્કોર હોય કે વર્ષો જૂના, ઝગડતા બન્ને સરખું હોય છે. એમ કેમ ?
- બસ, એમ એટલે એમ.
(દેવેન્દ્ર શાહ, પેટલાદ)

* વેકેશનમાં શિક્ષિકાઓ એકદમ બનીઠનીને કેમ નીકળે છે?
- બહુ ખોટું કહેવાય. તમારી ઉંમર પ્રમાણે તમારા વખતની શિક્ષિકાઓ આજે તો ખખડી ગઈ હોય છતાં તૈયાર થઈને નીકળતી હોય તો સાલા જીવો તો બળે ને?
(ધીરેન બી. જાદવ, અમરેલી)

* સરકારમાં મુખ્ય સત્તાધીશો મહિલાઓ હોવા છતાં મહિલા અનામત બિલ કેમ પસાર થતું નથી ?
- આ બતાવે છે કે, પુરૂષોમાં હજી અક્કલ અને હિંમત બચ્યા છે.
(મોહન વી. જોગી, ગાંધીનગર)

* ગાંધીજી તેમના પત્નીને કસ્તુરબાકહેતા, તેમ તમે તમારા પત્નીને હકી બાકહી શકો?
- કહી તો દઉં, પણ સામે એ મને, ‘‘બોલો બાપુજી...’’ કહી દે એવી છે.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* સ્ત્રીને બદલે પુરૂષને સાસરે જવું પડતું હોય તો?
- એ જતો જ હોય છે... કોના કોના સાસરે... એની ખબર નથી!
(દર્પિત રાખોલીયા, અમદાવાદ)

* આ જમાનામાં, ‘બાવાના બે ય બગડ્યા’, એ કહેવત સાર્થક ગણાય?
- બાબા રામદેવ માટે જેમ તેમ નહિ પૂછવાનું... !
(વંદિત નાણાવટી, રાજકોટ)

* મોટા ભાગના ફોરેનરોની આંખો માંજરી કેમ હોય છે?
- કૂવામાં હતું... તો હવાડામાં આયું... !!! 
(સરલા ચાંદવાણી, અમદાવાદ)

* ‘એનકાઉન્ટરમાં મને બબ્બે મહિને ય જવાબ કેમ નથી મળતા?
- સવાલની સાથે પૂરૂં સરનામું અને મોબાઈલ નંબર ન લખ્યો હોય તો ૨૦-વર્ષે ય જવાબ ન મળે.
(ચંદ્રકાંત જાની, જામનગર)

* ભગવાને જ્યારે બુદ્ધિની વહેંચણી કરી, ત્યારે તમે સૌથી આગળ હતા કે શું ?
- ત્યાં ય દસની નોટ પકડાવી દેવાથી કામ પતી ગયેલું... હઓ!
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* વેકેશનમાં કાશ્મિર જવાની મારી પત્નીએ જીદ કરી છે. શું કરૂં ?
- સાલું... લોકો નસીબ આટલું બઘું ઉઘડ્યું છે ને સમજી શકતા નથી... અરે એમને તાબડતોબ જવા દેવાના હોય!
(ભરત ડી. સાંખલા, ડિસા)

* તમારા અને ડિમ્પલ કાપડીયા વચ્ચે જે કાંઈ છે, તેની હકી ભાભીને ખબર છે ખરી ?
- એ ભોળીને તો ડિમ્પલ ની યખબર નથી.
(નેહા મનિષ, અમદાવાદ)

* દરેક ક્ષેત્રોની જેમ લેખકોમાં ય ઉઠાવગીરી ખરી?
- ઉચક્કાગીરી ય ખરી!
(અજય પી. પંચાસરા, રાજકોટ)

* ‘વહુના લક્ષણ બારણાંમાંથી...એવું કેમ?
- વહુ સિવાયની બીજી બધીઓએ બારીઓમાંથી આવવાનું હોય છે, માટે.
(બચુભાઈ સોની, ધોરાજી)

* રાતોરાત ફેમસ થવા માટે ઉપવાસ પર બેસી જવાનું. સુઉં કિયો છો?
- રાતોરાત ઉપવાસ ખેંચવા પડે, તો ઘરમાં ય ફેમસ થઈ જવાય!
(કપિલ મોનાણી, પોરબંદર)

* સહુને હસાવનાર આપ અંગત જીવનમાં પણ હસતા રહો છો... કોઈ રહસ્ય?
- હું હસી કાઢતો રહું છું.
(બંસીલાલ જી. શાહ, અમદાવાદ)

No comments: