Search This Blog

15/04/2012

ઍનકાઉન્ટર : 15-04-2012

૧. હૉલીવૂડની મહાન ગાયિકા મૅડોના ભારત આવે તો?
- તો જવાબમાં એ લોકોને સીધા કરવા આપણે વળતા હૂમલા તરીકે હાલની બૉલીવૂડની એક ગાયિકાને હૉલીવૂડ મોકલીશું...!
(પંછી મુક્તક પટેલ, મુંબઇ)

૨. તમારે પોતાને હસવું હોય તો શું કરો છો?
- સાહિત્ય સંસ્થા દ્વારા યોજાયેલ શોકસભામાં જઇ આવું છું.
(માલિની શરદ, અમદાવાદ)

૩. એનકાઉન્ટરલખવામાં મોટી જવાબદારી કઇ?
- ‘આવા જવાબો આપતા તો અમને ય આવડે...એવી ખબર વાચકોને પડી ન જાય એની.
(જ્યોતિષ એમ. ત્રિવેદી, સુરત)

૪. બર્થ-ડે પાર્ટીઓમાં કૅક પરની મીણબત્તીઓ ફૂંકી મારવાનો હેતુ શું?
- આપણે ત્યાં વારંવાર ડૂલ થતી વીજળીથી થતા બ્લૅક-આઉટની પ્રૅક્ટિસ પાડવા.
(કૃપા વિનોદ શાહ, અમદાવાદ)

૫. મારો દોસ્ત માને છે કે, તમારા જવાબો વિચારશૂન્ય હાસ્યસર્જે છે. સહમત છો?
- હે દોસ્ત, અનેક વર્ષોના વિચારશીલપરિશ્રમ પછી અંતિમ ચરણરૂપે વિચારશૂન્ય હાસ્યનિર્વાણ પામે છે. તમારો દોસ્ત એ રીતે નસીબવાન કહેવાય કે કોઇપણ પરિશ્રમ વગર એ અંતિમ નિર્વાણ સુધી પહોંચી ગયો.
(પિયુષ મહેતા, અમદાવાદ)

૬. આજનો સર્વોત્તમ હાસ્યલેખક કોણ છે?
- મને મારી અંગત સિઘ્ધીઓ વિશે આ કૉલમમાં કાંઇ પણ લખવાની મંજૂરી નથી.
(દેવયાની મનોહર પરાડકર, વડોદરા)

૭. શું એ વાત સાચી છે કે, મોદી એમના મંત્રી-મંડળમાં કોઇનું ય મહત્વ વધવા દેતા નથી?
- એ બધા મોદીનું મહત્વ વધારવાની ફિરાકમાં છે.
(નવલ સી. શાહ, વડોદરા)

૮. કોઇના ઘરનો દરવાજો ક્યાં સુધી ખખડાવવો જોઇએ?
- એનો આધાર એની પાછળ કોણ ઊભું છે, એની ઉપર છે.
(શિવમ મહાદેવ જોષી, વડોદરા)

૯. અશોક, ’૬૯-માં કૉલેજના નોટિસ-બૉર્ડ પર તારો સર્વ પ્રથમ લેખક મૂકાયો, ત્યારે હું તારી ક્લાસમાં હતો. ત્યારે પણ અમને બધાને લાગ્યું હતું કે, આ છોકરો મોટો લેખક બનશે. તને શું લાગતું હતું?
- મારા લેખો ફક્ત નોટિસ-બૉડ્‌ર્સ પર જ નહિ મૂકાય ને?
(ગિરિશ સેવક, અમદાવાદ)

૧૦. સતત વાતો કરતી બે સ્ત્રીઓને તાત્કાલિક ચૂપ કરી દેવાનો કોઇ ઉપાય?
- ‘‘તમારા બેમાંથી મોટું કોણ?’’ એટલું જ પૂછવાનું.
(મઘુકર શ્યામલાલ શાહ, અમદાવાદ)

૧૧. ખૂબ મઘુરૂં ચુંબન ક્યારે થયું કહેવાય?
- કોઇ એકલું એકલું કરે તો નહિ... બે જણા કરે તો! આઇ મીન, એક સ્ત્રી અને એક પુરૂષ.
(તૃષ્ણા કપિલ પટેલ, નડિયાદ)

૧૨. સ્ત્રીઓની બર્થ-ડે પાર્ટીઓમાં કૅક ઉપર એમની ઉંમર પ્રમાણે સાચી સંખ્યામાં મીણબત્તીઓ કેમ મૂકાતી નથી?
- એમને બર્થ-ડે પાર્ટી ઉજવવાની હોય છે... મશાલ-સરઘસ કાઢવાનું નથી હોતું.
(તૃષ્ણા કપિલ પટેલ, નડિયાદ)

૧૩. આપની સામે સતત જોઇ રહેતી યુવતીને આપ કેવો પ્રતિભાવ આપો છો?
- બહુ બધી જુએ છે... ને પછી કહે છે, ‘‘સર, આપનો ફૅમિલી-ઈન્શ્યોરન્સ અમારી કંપનીમાં ઉતરાવશો તો ઘણા બૅનીફિટ્‌સ છે...’’ આવું સાંભળ્યા પછી હું પંખો ચાલુ કરૂં છું.
(પ્રતિક્ષા દેવચંદ શાહ, વલસાડ)

૧૪. હું તમને એક રમકડાનું વાંદરૂં ભેટ આપવા માંગુ છું.... સ્વીકારશો?
- અફ કોર્સ... જો એ સ્ટુપિડ સવાલો ન પૂછવાનું હોય તો!
(જ્યોત્સના અને રેણુ, સુરત)

૧૫. ચુંબન આરોગ્યને માટે હાનિકારક છે કે ફાયદેમંદ?
- ફૅમિલી-ડૉકટરે લખી આપેલ પ્રીસ્ક્રિપ્શન મુજબ જવું.
(કમલ વીરેન્દ્ર નાથ, અમદાવાદ)

૧૬. તમારી ઉંમરની તો સહુને ખબર છે, પણ હકી ભાભીની ઉંમર કેટલી?
- કાઢીને આબરૂ ભરબજારમાં...? ઓહ... મૅરેજના ૩૬-૩૬ વર્ષ છતાં તે માહિતી મારી પાસે નથી, તે તમારે જાણી લેવી છે?
(દિવ્યા શ્યામ જોગલેકર, વડોદરા)

૧૭. તમને જોનારાઓ તમારી મૂછોના ખૂબ વખાણ કરે છે. કોઇ કારણ?
- હશે, પણ એ કોઇના કામમાં આવે એવી નથી.
(તુષાર ડી. અમીન, જામનગર)

૧૮. તમારી મેષ રાશિ છે. સ્ત્રીઓ સંબંધી તમારા હૉરોસ્કોપ્સ શું કહે છે?
- જ્યાં સ્કોપ હોય છે, ત્યાં હૉરર ઊભો થાય છે.
(મનિષા વિપુલભાઇ પાટવાલા, સુરત)

૧૯. ખૂબ જ સુંદર પત્ની અથવા લૅમ્બોર્ગિની જેવી મોંઘી કાર- એ બેમાંથી મારે એકની જ પસંદગી કરવાની છે, તો કઇ કરૂં?
- લૅમ્બોર્ગિની હશે તો ખૂબ જ સુંદર પત્ની એની મેળે આવશે, પણ ખૂબ જ સુંદર પત્ની હશે તો કાર નહિ આવે... હશે એ ય જતી રહેશે!
(શિવાલિક એસ. અમીન, સુરત)

૨૦. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત અને ઈંગ્લિશ ક્લાસિકલ મ્યુઝિક વચ્ચે શું ફરક છે?
- એક બૉરિંગ છે ને બીજું ભયાનક બૉરિંગ છે.
(સૃજલ સેવંતીલાલ કાપડીયા, મુંબઇ)

૨૧. તમે નહિ હો, ત્યારે આવું ભારેખમ એનકાન્ટરકોણ લખી શકશે?
- જોઉં છું, મારે મારા ભૂત સાથે કેવા સંબંધો રહે છે!
(કિસ્મત જનાબવાલા, સુરત)

૨૨. સાંભળ્યું છે, તમારા દુશ્મનને તમે પલભરમાં પાછો અપનાવી લો છો...! કાયરતા...??
- ઉપર જવાનો સમય નજીક આવતો જાય, એમ માથેથી ભાર ઓછો કરતા જવાનું મને આવડી ગયું છે. .....વહાં પૈદલ હી જાના હૈ!
(સુહાસિની આનંદ પટકળે, વડોદરા)

૨૩. જ્યાં જાઓ, ત્યાં હસતા રહોએ શું તમારો જીવનમંત્ર છે?
- ...હતો! પણ એક સંબંધીની સ્મશાનયાત્રામાંથી મને કાઢી મૂક્યો, પછી ભૂસી નાંખ્યો.
(અમરસિંહ જી., રાજકોટ)

૨૪. સ્ત્રીમાં તમને વઘુ શું ગમે? એની સુંદરતા કે એનું ભોળપણ?
- ઝડપ-ઝડપમાં એ તપાસી જોવાનો મને કદી ટાઇમ જ મળ્યો નથી.
(કવિતા પ્રબોધ લેખાવાલા, સુરત)

૨૫. તમારી વાઇફ તમારા SMS વાંચે છે?
- તમે આમ મને બીવડાવો નહિ!
(સમીર પટેલ, મેહસાણ)

૨૬. પ્રથમ દ્રષ્ટિના પ્રેમને તમે કેટલું મહત્વ આપો છો?
- ખૂબ્બજ...! કારણ કે બીજી દ્રષ્ટિ આવતા સુધીમાં તો એ જતો રહે છે.
(સમીક્ષા ગૌતમભાઇ જીવીયા, ઉદેપુર-રાજસ્થાન)

No comments: