Search This Blog

29/04/2012

ઍનકાઉન્ટર : 29-04-2012

* તમામ સાહિત્યકારોમાંથી સૌથી શ્રેષ્ઠ વક્તા કોણ છે ?
- તમારે ફક્ત મને લગતા સવાલો નહિ પૂછવા જોઈએ.
(મઘુકર જે. સ્વામી, અમદાવાદ)

* તમે અન્ય હાસ્યલેખકોના લેખો વાંચો છો ?
- શું કામ વાંચું ? મને એ લોકો માટે કોઈ ફરિયાદ નથી.
(ગીરિશ જે. પટેલ, સુરત)

* અમારું આખું ગ્રૂપ તમને આજ સુધીના સર્વોત્તમ હાસ્યલેખક ગણે છે.... તમે ગણો છો ?
- આ કોલમ હાસ્યાસ્પદ જવાબો માટે છે.. હાસ્યાસ્પદ સવાલો માટે નહિ !
(વિશાખા ભટ્ટ અને અન્ય ૧૬, અમદાવાદ)

* શિલ્પા શેટ્ટીના વાળ, ઐશ્વર્યાની આંખો અને કેટરિના કૈફના હોઠ... એ ત્રણેમાંથી તમને વઘુ શું ગમે ?
- મને કોઈ કોકટેઈલ કરી આપશો ?
(સુધાકર મકારીયા, વડોદરા)

* હિંદી ફિલ્મોની સૌથી લાંબી એક્ટ્રેસ કઈ ?
- એની તપાસ માટે આપણે કેટલાકને ઉપરમોકલ્યા છે.
(શિવમ ગો. પટેલ, અમદાવાદ)

* પરિણીત હોવા છતાં નર-નારીઓ બહાર પ્રેમ-સંબંધો શું કામ બાંધતા હશે ?
- ઘરે શ્રેષ્ઠ પર્ફોમન્સ બતાવવા માટે બહાર રીહર્સલો જરૂરી છે.
(સુનંદા જી. પટેલ, સુરત)

* મારી ઇચ્છા છે કે, તમે ફૂટપાથ ઉપર ખૂમચો લઈને કેળા-ચીકુ વેચવા ઊભા રહો.
- ૩૫ વર્ષ પહેલા બુધવારની બપોરેશરૂ કરી, ત્યારથી ઘણા દોસ્તો તમારા જેવી મહત્વકાંક્ષા રાખીને બેઠા છે.
(પ્રકાશ શાહ, અમદાવાદ)

* તમે કોઈ પૂરા કદની જાડી ભમભોલ સ્ત્રી નીચે કચડાઈ ગયા હો તો શું કરો ?
- મારા ભાગના શ્વાસ લેવાની એને રીકવેસ્ટ કરું.
(લીલાવતી સુમતિનાથ, સુરત)

* જય વસાવડા તમારા હંમેશા વખાણ કરતા હોય છે...
- એ માણસે વિશ્વ સાહિત્ય બહુ વાંચ્યું છે.
(પરેશ લાલભાઈ શાહ, રાજકોટ)

* બધા જ હાસ્યલેખકો બહુ બોરિંગ લખે છે... અમારે એમના લેખો બામની શીશી લઈને વાંચવા પડે છે.
- તમે કદાચ મારા સિવાયના હાસ્યલેખકોની વાત કરતા લાગો છો... મારા કેસમાં તો એ શીશી ય કામમાં આવે એમ નથી.
(શ્રીમતી કેતના કશ્યપ ત્રિવેદી, અમદાવાદ)

* પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક તમને ચુંબન કરે તો ?
- તો ભારત-પાકિસ્તાન વચ્ચે સુમેળભર્યા સંબંધોની એ શરૂઆત કહેવાશે.
(દિનેશ વખોલીયા, નડિયાદ)

* અશોકજી, શોપિંગ-મોલમાં આવતી કેટલી સ્ત્રીઓ મેઈક-અપ વગર પણ સુંદર લાગતી હશે ?
- એકવાર જોવા દે, તો ખબર પડે !
(મિનોલી કસબવાલા સુરત)

* આપણા એકે ય નેતાનું સ્ટેચ્યુ મેડમ તુસાડઝના મ્યુઝીયમમાં કેમ મૂકાતું નથી ?
- લોકો એને પાછળથી બગાડી જાય !
(જે. એન. ઠક્કર, મુંબઈ)

* આતંકવાદીઓ તમારી પત્નીનું અપહરણ કરીને, એને છોડાવવાના ૫૦-લાખ માંગે તો ?
- અઠવાડિયું રાહ જોવી પડે....! એને પાછી લઈ આવવાના પાંચ કરોડ મોકલાવશે !
(જનાર્દન કેશવ મોંગળે, વડોદરા)

* તમારા જેવા સફળ હાસ્યલેખક બનવા માટે કઈ ઉંમર અને કેટલો અનુભવ જોઈએ ?
- ઉંમર... ૧૮-થી ૨૫-સુધીની... સાથે ૪૨-વર્ષનો અનુભવ.
(લોકેશ હરખચંદ શાહ, સુરત)

* સાંભળ્યું છે, તમે તમારા શો એક્ઝેટ ટાઈમે જ શરૂ કરો છો ?
- હા, પણ હજી તો શ્રોતાઓ આવતા હોય છે ત્યાં, પહેલા આવી ગયેલાઓ જવા ય માંડે છે !
(ચૈતાલી રાજ પટેલ, અમદાવાદ)

* ગુજરાતી સાહિત્યને સુધારી કેવી રીતે શકાય ?
- સોરી... આપણે ત્યાં હથિયારબંધી છે.
(મમતા અને સુરેશ કોન્ટ્રાક્ટર, જામનગર)

* કેટરિના કૈફ આટલી સુંદર છે તો, એની મમ્મીની ઉંમર શું હશે ?
- હું છ વર્ષનો થયો, ત્યારથી મમ્મીઓમાં રસ લેતો નથી.
(સિદ્ધાર્થ લીલાચંદ, સુરત)

* તમે બીજી વાર લગ્ન કરો ખરા ?
- ના. પરફેક્શનને સુધારી શકાય નહિ.
(દિશા મોહનલાલ પટેલ, અમદાવાદ)

* ભારતના બે મશહુર કુંવારાઓ કોણ ?
- સની લિયોન અને રાહુલ ગાંધી.
(પોખરાજ મ. પંડિત, અમદાવાદ)

* જૂના જમાનાની હીરોઈન નંદા હજી સુધી કેમ પરણી નથી ?
- એને મંગળ નડતો હતો ને મને શનિ.
(વિનયકાંત મહેશચંદ્ર શાહ, અમદાવાદ)

* શું શક્તિસિંહ ગોહિલને કોઈ એક્સિડેન્ટ થયો છે ?
- ના. એમણે લગ્ન નથી કર્યા.
(પ્રભાત મંગળદાસ, ગાંધીનગર)

* ૫૦-ની ઉંમર પછી પુરૂષો પતી કેમ જાય છે ?
- ઘરમાં જ.
(જયેશ પટ્ટાવાલા, સુરત)

* શું તમે એવા જ સવાલોના જવાબો આપો છો, જે તમને સમજાય છે ?
- આનો જવાબ તમને નહિ સમજાય !
(કવિતા જે. શાહ, વલસાડ)

* શું તમે હકીભાભી માટે તાજમહલબંધાવશો ?
- અમારામાં ૧૪-૧૪ ડીલિવરીઓ સુધી રાહો ના જોવાય ! બા ખીજાય !!
(ક્રિષ્ના મઘુસુદન જાની, રાજકોટ)

* આજકાલ તમે જોયેલી કઈ શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ નાટક અને શ્રેષ્ઠ પુસ્તક જોઈને ખૂબ ખુશી થઈ ?
- ફિલ્મ કહાની’, નાટક સૌમ્ય જોશીનું વેલકમ જીંદગીઅને મારી પાસબુક.
(જયોતિ પટેલ, મહેસાણા)

* જીવન જીવવાનો સૌથી સલામત રસ્તો કયો ?
- ગાંધી રોડ.
(અશોક કે. પરીખ, અમદાવાદ)

* મેરેલિન મનરો અને એલિઝાબેથ ટેલરની સુંદરતાના આટલા બધા વખાણ થાય છે, તો શું એમના પછી બીજી કોઈ સુંદર સ્ત્રી આવી જ નથી ?
- હાલમાં તો અમારી પાસે સ્ટોકમાં એક માત્ર માયાવતિ પડ્યા છે... એમનાથી કામ ચલાવી લો.
(ખુશ્બુ માલવ મારૂ, સુરત)


No comments: