Search This Blog

13/04/2012

‘મેંહન્દી રંગ લાગ્યો’ (’૬૦)

મેંહદી રંગ લાગ્યોપણ એ જમાનાના સામાજીક ધોરણોને ઘ્યાનમાં રાખીને તો ઘણી સ્વચ્છ અને સારી ફિલ્મ હતી... પણ ક્લાસિકતો એને ય કહી શકાય એમ નથી. આ ફિલ્મ બનતી હતી ત્યારે, આખી ફિલ્મમાં રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણને બાદ કરતા મોટા ભાગના કલાકારો ગુજરાતી હતા. 

ફિલ્મ : મેંહન્દી રંગ લાગ્યો’ (’૬૦)
નિર્માતા  :   બિપીન ગજ્જર
નિર્દેશક :  મનહર રસકપૂર
સંગીત :  અવિનાશ વ્યાસ
ગીતો :  અવિનાશ વ્યાસ-ચત્રુભુજ દોશી
રનિંગ ટાઈમ :  ૧૫-રીલ્સ.
થીયૅટર : રીગલ (અમદાવાદ)
કલાકારો :  રાજેન્દ્ર કુમાર, ઉષા કિરણ, ચંદ્રવદન ભટ્ટ, નિહારિકા ભટ્ટ, નારણ રાજગોર, સતિષ વ્યાસ, તોરલ, સ્વ. ક્રિના લાલ, ચાંપશીભાઈ નાગડા, કેશવ રાણા, ઉપેન્દ્ર ત્રિવેદી, એક દ્રશ્ય માટે કોમેડીયન મહેમુદ.

ગીતો
૧. નયન ચકચૂર છે, મન આતુર છે, હવે શું રહી ગયું બાકી........ લતા-રફી
૨. મેંહદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે.... લતા-મહેન્દ્ર કપૂર
૩. આ મુંબઇ છે, જ્યાં ભઈ કરતા ઝાઝી બઈ છે, આ મુંબઈ છે.... મન્ના ડે
૪. ધુંઘટે ઢાંક્યું રે એક કોડીયું, હું તો નિસરી ભરબજાર રે... લતા મંગેશકર
૫. હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા, નિરાધાર...... લતા મંગેશકર
૬. પાંદ્‌ડું લીલું ને રંગ રાતો, હે જી મારી મેંહદીનો રંગ મદમાતો..... લતા-મહેન્દ્ર કપૂર
૭. દર્દ એક જ છે કે હું બેદર્દ થતો જાઉં છું, પૂછશો ન કોઈ..... મન્ના ડે
૮. મેંહદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે.... પિનાકીન શાહ-લતા
*********

અમદાવાદમાં ૬૦-ના દાયકાવાળી લાઈફ જીવી ગયેલાઓને તો હજી યાદ છે, રીગલ ટૉકીઝમાં હિંદી ફિલ્મના હીરો-હીરોઇન રાજેન્દ્રકુમાર અને ઉષા કિરણની ગુજરાતી ફિલ્મ મેંહદી રંગ લાગ્યોઆવ્યું, ત્યારે શહેર આખું ચક્કાજામ થઈ જતું હતું. એ તો આજે બધાના મોબાઈલ ફોન કૅમેરાવાળા આવી ગયા. એ જમાનામાં તો અમદાવાદના દ્રશ્યો અને તે પણ ફિલ્મમાં જોવા મળે, એ ખૂ...ઉઉઉબ્બ મોટી ઘટના કહેવાયેલી. ત્રણ દરવાજા, સીદ્દી સૈયદની જાળી, કાંકરીયાનું વન-ટ્રી હિલ કે (કહેવાતો) ઝૂલતો પૂલ અને એમાં ય ગાડીમાં બેઠેલા રાજેન્દ્ર કુમાર આપણા ઍલિસબ્રીજ પુલ પરથી પસાર થાય, એ પછી તો બ્રીજના ભાવો ય વધી ગયા હતા. (બ્રીજએટલે જ પુલતો પછી એલિસ પુલબોલાય, એટલું અઘરું ગ્રામર તમને હમણાં હમણાંનું આવડી ગયું હોય તો પંખો ચાલુ કરીને ખૂણામાં બેસી જાઓ... લક્કડીયા પુલ કે સ્વામી વિવેકાનંદ સેતુના નામે ઓળખાતા ઍલિસબ્રીજની સાથે પુલ બોલવું જ પડે કારણ કે, ઍલિસબ્રીજ નામનો આખો વિસ્તાર આપણી પાસે હજી અકબંધ પડ્યો છે અને હમણાં વેચવા કાઢવાનો નથી માટે ઝપો છાનામાના...!)

અગાઉ અશોક કુમારે એક ગુજરાતી ફિલ્મ ઘરની શોભામાં કામ કર્યું હતું, ત્યારે ય ગુજ્જુભાઈઓ ખુશ થઈ ગયા હતા. આ ફિલ્મમાં આશા ભોંસલે-મૂકેશનું યુગલ ગીત, ‘ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે, વીખરાયેલા વાળ તમારા કેવા અસ્તવ્યસ્ત છે...આજે ય ખરાબ રૅકૉર્ડીંગવાળી સીડીમાં મને તો સાંભળવાની લ્હેર પડે છે. લહેર એક વાતમાં જ ન પડી કે, આ જ ગીતનો બેઠો ઢાળ અવિનાશ વ્યાસે મેંહદી રંગ લાગ્યોના લતા-રફીના ગીત નયન ચકચૂર છે, મન આતુર છેમાં કેમ લીધો?

સ્વ. અવિનાશ વ્યાસ કોઈએ કશું પુરવાર કરવું ન પડે, એ હાઇટના સિઘ્ધિવંત સંગીતકાર હતા. એમાં ય આ ફિલ્મનો ગરબો, ‘મેંહદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે, મેંહદી રંગ લાગ્યોએ બેશક ગુજરાતના રાજ્યગીત સમો લાડકો છે. કોઈ ગુજરાતણ એવી હોઈ ન શકે કે, આ ગરબો આવડતો ન હોય-ઇવન આજની પેઢીની છોકરી! ત્યારે અવિનાશ વ્યાસે તો આ ફિલ્મના ય વીસેક વર્ષો પહેલા બનાવેલા ગીતો, ‘‘તાળીઓના તાલે, ગોરી ગરબે ધુમે જાય, પૂનમની રાત...’’ કે ‘‘તમે થોડા થોડા થાવ વરણાગી ઓ ભાભી તમે’’ જેવા અઢળક ગીતોની આ માણસે ગુજરાતની પ્રજાને જ્યાફતો આપી છે. એક તબક્કો જ એવો હતો કે, ગીત-સંગીતક્ષેત્રે કાંઈ પણ ગુજરાતી હોય, તો એ અવિનાશ વ્યાસનું જ હોય, એ માન્યતા લોકવાયકાને સ્તરે પહોંચી ગઇ હતી. એ તો જાણકારોને ય પછી ખબર પડે કે, જેને આપણે લોકગીત માની બેઠા છીએ, એ હકીકતમાં અવિનાશ વ્યાસે લખેલું-સ્વરાંકન કરેલું ગીત છે. ગુજરાતની સદનસીબી એમના ગયા પછી ય સ્વસ્થ રહી કે, એમના પુત્ર શ્રી. ગૌરાંગ વ્યાસે પણ સંગીત ક્ષેત્રે એવા કામો કરી બતાવ્યા કે, સહેજ પણ લાગણીમાં આવ્યા વગર જાણકારો પણ કહેવા લાગ્યા કે, ‘‘...ક્યાંક તો ગૌરાંગ એમના પિતા કરતા પણ આગળ નીકળી ગયો દેખાય છે.’’ અલબત્ત, અવિનાશ વ્યાસ સામે એક જ ફરિયાદ દુઃખી થઈને કરવી પડે કે, આખા ગુજરાતનું સંગીત જેમના નામે ઓળખાય છે, એ જ સંગીતકાર હિંદી ફિલ્મોમાં તદ્દન, તદ્દન ને તદ્દન નિષ્ફળ કેમ ગયા? એમણે કોઈ આઠ-દસ  હિંદી ફિલ્મોમાં સંગીત નહોતું આપ્યું... ગણવા જાઓ તો આંકડો ૬૦-૭૦  હિંદી ફિલ્મો ઉપર પહોંચે છે ને ગાયકો બધા મોખરાના... લતા, આશા, રફી, મન્ના ડે, ગીતા દત્ત... ઇવન કિશોર કુમાર પણ! છતાં આટલી લાંબી કરિયરમાંથી ‘‘એક પણ’’ ગીત જાણિતું ના થયું?... એક પણ નહિ? અને તે પણ  હિંદી ફિલ્મી ગીતોની મૅલડીના એ જમાનામાં જ્યારે ફક્ત એક જ કે માંડ બે-ચાર ફિલ્મોમાં સંગીત આપી જનાર સંગીતકારનું પોતાનું નામ જાણિતું ન થયું હોય, પણ એમના ગીતો આજે ય અમર થઈ ગયા છે. આશા-મૂકેશનું સાથ હો તુમ ઔર રાત જવાં, નીંદ કિસે અબ ચૈન કહાંતમે સાંભળેલું છે ને? સંગીતકારનું નામ ખબર છે? ‘ઠહેરો જરા સી દેર કો, આખિર ચલે હી જાઓગેના સંગીતકાર શૈલેષનું તમે નામે ય આજે પહેલી વાર સાંભળી રહ્યા છો. ઈકબાલ કુરેશી તમારા ઘેર છાપા નાંખવા આવતો એ જુદો ને જેણે, ‘એક ચમેલી કે મંડવે તલે, દો બદન પ્યાર કી આગ મેં જલ ગયેસંગીતકાર ઈકબાલ કુરેશીએ બનાવ્યું હતું.

અવિનાશ વ્યાસે ગુજરાતી સંગીતને ન્યાલ કરી દીઘું પણ  હિંદી  ફિલ્મોમાં એક ગીત જેટલું ય ન ચાલ્યા, એ કેવળ દુર્ભાગ્ય... બીજું શું?

આમ તો, આજ સુધીની દસ સર્વોત્તમ ગુજરાતી ફિલ્મોમાં આ ફિલ્મ મેંહદી રંગ લાગ્યોને મૂકવી પડે. કમનસીબે બાકીની ૯-કઇ, એ પૂછવા આવો તો એકસામટા હજાર ગુજરાતી માથાઓ ખંજવાળવા પડે! મરાઠી કે બંગાળી ફિલ્મોની સરખામણીમાં ક્લાસિકકહી શકાય એવી કેટલી... અથવા તો એકે ય... ફિલ્મો આપણે બનાવી? મેંહદી રંગ લાગ્યોપણ એ જમાનાના સામાજીક ધોરણોને ઘ્યાનમાં રાખીને તો ઘણી સ્વચ્છ અને સારી ફિલ્મ હતી... પણ ક્લાસિકતો એને ય કહી શકાય એમ નથી. આ ફિલ્મ બનતી હતી ત્યારે, આખી ફિલ્મમાં રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણને બાદ કરતા મોટા ભાગના કલાકારો ગુજરાતી હતા. ફિલ્મ દો જાસુસમાં રાજ કપૂર-રાજેન્દ્ર કુમાર અને ગાયક-હીરો શૈલેન્દ્ર સિંઘ સાથે હીરોઈન બનેલી ગુજરાતી અભિનેત્રી ભાવના ભટ્ટના સ્ટેજ-આર્ટિસ્ટ મમ્મી-પાપા ચન્દ્રવદન ભટ્ટ અને નિહારિકા ભટ્ટ કે અન્ય કલાકારોમાં હજી ગયે મહિને ગૂજરી ગયેલા કુ. ક્રિના લાલ અને તોરલ ઉપરાંત એક દ્રશ્ય માટે એ સમયે સાવ નવાસવા ગણાયેલા ઉપેન્દ્ર ત્રિવેદી પણ દેખાય છે. અલબત્ત, ચાંદ છુપે નહિ બાદલ છાયો, એ ધોરણે નારણ રાજગોરે થોડી થોડી વારે આવીને પોતાની અસર ઊભી કરી છે. એક જમાનો હતો ગુજરાતી ફિલ્મોમાં ક્યાંક ને ક્યાંક ચાંપશીભાઈ નાગડા હોય જ. એટલે આમાં ય છે. રાજેન્દ્ર કુમારના બૉસ તરીકે. દેવ આનંદની કાયમી ટીમનો નેપાળી અભિનેતા કેશવ રાણા પણ જૅલરના રોલમાં છે.

હીરો રાજેન્દ્ર કુમારની અટક તુલી હતી. એ ય રાજ કપૂર-દિલીપ કુમારની જેમ પાકિસ્તાનમાં જન્મ્યો હતો. પહેલી વાર ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે, એટલે ઉચ્ચારોમાં ભઈને લોચા પડે છે, પણ મરાઠી મુલગી ઉષા કિરણ બહુ ફ્‌લ્યૂએન્ટ ગુજરાતી બોલે છે અમીયા ચક્રવર્તીની ફિલ્મો દેવ આનંદની પતિતાઅને દિલીપ કુમારની દાગની આ હીરોઇનનું અસલી નામ ઉષા મનોહર ખેર છે. સામાન્ય મહારાષ્ટ્રીયન પરિવારની આ છોકરી નૃત્યમાં પાવરધી હોવાના કાર્ડ ઉપર હીરોઇન બનવા માંગતી હતી. ઘરની તો સાવ સાધારણ પણ પ્રેમાળ પિતાએ સાચા અર્થમાં તમામ ઘરવખરી વેચીને એને હીરોઈન બનાવવા મરાઠી ફિલ્મ કુબેરબનાવી પણ હાય રે નસીબ... ફિલ્મ સૉલ્લિડ પીટાઇ ગઈ ને કશું હતું નહિ, એ ય ગૂમાવવું પડ્યું. નસીબની તગડી તો પછી થઇ કે બંગાળના ઘૂંઆધાર નિર્દેશક અમીયા ચક્રવર્તીની નજરે પડી અને રાતોરાત સ્ટાર બની ગઈ. ક્યાંક કશુંક કંઈક નડ્યું, એટલે બે-પાંચ ફિલ્મોમાં જ હોલવાઇ ગઇ... છેલ્લે તો યાદ છે ને, રાજેશ ખન્નાની ફિલ્મ બાવર્ચીમાં ઘર કી બડી બહુના રોલમાં આવી ગઈ. એની દીકરી તન્વી શબાના આઝમીના ભાઇ બાબા આઝમી સાથે પરણી છે.

૫૦ અને ૬૦ના દાયકાની ગુજરાતી ફિલ્મોનો એક બીજો પ્રોબ્લેમ હતો, જે મહદ અંશે ૭૫ પછીની ફિલ્મોમાં ય ચાલ્યો-સંવાદોમાં સાહિત્યપણાંના વળગણનો. બોલચાલની ભાષાને બદલે આ બધી ફિલ્મોના સંવાદોમાં સાહિત્યિક ગુજરાતી બોલાતી અને હીરો કોઇ રૉમૅન્ટિક ગીત કે વાતોને બદલે ગુજરાતી કવિતાઓ બોલતો. અલકા અલક લટનું અડપલું કરી જાય છે...તારી ભલી થાય ચમના... દુનીયા મુન્ની બદનામ હુઈસુધી પહોંચી ગઈ છે ને તું હજી સાક્ષર શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીથી આગળ વઘ્યો નથી...? નૅચરલી, પ્રેક્ષકોને આવા ચાળા બહુ સ્ત્રેણ્ય લાગતા. આપના કાજળકેરા નયનોમાં ચન્દ્ર પૂનમનો ઊગ્યો છે કે અમાસનો?’ પેલીને એસ.ટી. બસમાં બેસાડીને માઊન્ટ આબુ ઉપર લઈ આવીને આવા સવાલ પૂછાય? આમાં તો આપણે ય પાસ થઇ જઈએ કે, એ પોતે હોય તો ચંદ્ર પૂનમનો ને સાથે એની બા ય આવી હોય તો ચંદ્ર અમાસનો. ફૂલ્લી પાસ!

પણ એ ફિલ્મોને આજ સુધી ગુજરાતી પ્રેક્ષકોએ પાસ કરી નથી. ભારતભરની પ્રાદેશિક ફિલ્મો આજે ય હિટ જાય છે ને આ બાજુ આપણી આજની ગુજરાતી ફિલ્મોનું સ્તર જુઓ! જાલમસંગ... આ બંદૂકડી તારી હગી નંઇ થાય કઉં છું...બીજી ખોટ વર્તાઈ ફિલ્મમાં એક કૉમૅડીયનની. વાર્તાનું પોત કરૂણ છે. ફિલ્મમાં જગ્યા ય ઘણી આવે જ્યાં દિગ્દર્શક ઇચ્છતો કૉમેડી મૂકી શકત. અલબત્ત, ફિલ્મ સુપર ડૂપર હિટ સાબિત થઈ હતી, એટલે આજે માની લેવું રહ્યું કે, કૉમેડી વગર પણ ફિલ્મો ચાલી શકતી હતી. ફિલ્મના અંત ભાગને ઘણી લાગણીશીલતાથી કરૂણ બનાવાયો છે. મુંબઈના ગુજરાતી દિગ્દર્શક શ્રી. મનહર રસકપૂરનું ગુજરાતી ફિલ્મોના ક્ષેત્રે આદરણીય નામ હતું. એમણે અનેક ફિલ્મો બનાવી હતી અને મોટા ભાગની ફિલ્મો અર્થપૂર્ણ હતી. આ કૉલમમાં ગુજરાતી ફિલ્મ જોઇને આંચકો લાગે તે સ્વાભાવિક છે, પરંતુ ગુજરાતી ફિલ્મોના ઇતિહાસની મેંહદી રંગ લાગ્યોફિલ્મ સીમાચિહ્ન કહેવાય. ક્યારેક રૅર કૅસમાં આવી કોઈ રૅર ફિલ્મ વિશે લખાશે.
(સીડી સૌજન્ય : નીલેશ ગજજર- ભાવનગર)

No comments: