Search This Blog

25/04/2012

મારા કરતા મમ્મી વધારે સ્વીટ છે...

સ્ત્રી ૫૦-ની થવા આવે છતાં પોતાનું ફિગર અને ચેહરાની સુંદરતા પરફેક્ટ જાળવી રાખ્યા હોય, એ સિઘ્ધિ છે. પણ દીકરી ૧૮-૧૯ની થઈ હોય ને હવે લોકોમાં કહેવડાવવા એવું મડાયું હોય કે, ‘‘આરીયા, તારા કરતા તારી ડૉટર બહુ સ્વીટ લાગે છે’’, તો એ કમનસીબી છે. અને ઓફોફોફોફ... ફો! દીકરીને બદલે જુવાનજોધ વહુના વખાણ થાય, તો મરી ગઇઇઇઇઇઇ બિચ્ચારી... ! દુનિયાભરના પંખા ચાલુ કરવાથી ઠંડક થતી નથી, બહેન... ઠંડકું નથ્થી થાતી!

કોઈ સ્ત્રીને વગર ઝગડે સીધી કરી નાંખવી હોય તો, એની વહુના વખાણ કરો, વહુના કામકાજના નહિ, એની સુંદરતાના... ને જુઓ પછી ખેલ... ! કાચી સેકંડમાં કેસ ખલાસ થઇ જશે! કિટ્ટી પાર્ટીઓમાં એકબીજીઓ સાથે આ જ રીતે હિસાબો વસૂલ થતા હોય છે.

ફાધર અને સન એક સરખા દેખાતા હોય ને બન્નેને બીજાઓ પાસે એકબીજાના સતત વખાણો સાંભળવા પડતા હોય, તો એ બન્ને વચ્ચે જેલસીના કોઈ પ્રોબ્લેમો હોય... એ તો પુરૂષો છે... ! પણ માં-દીકરીના વખાણો એકસરખા થવા માંડ્યા હોય તો એ શરૂઆત ઠંડા યુઘ્ધની છે. જોઈ જોઈને જલી મરવાનું, પણ બોલી કાંઈ ન શકાય એવી હાલત દરેક મોમની થાય છે. આજ સુધી જાહોજલાલી હતી, પણ દીકરીની સાથે રસ્તે ચાલતા કે શોપિંગ-મોલમાં હરકોઈની નજર ફક્ત દીકરી ઉપર જાય છે ને કોઈ ઉઠાવતું ય નથી. આપણી ઉપર પડે તો દાનદક્ષિણા માંગવાવાળી આઈ હોય ને બેદર્દીઓ નજર ફેરવી લે, એવી બેરૂખી બતાવાય છે. મૉમ મનમાં કચવાતી રહે છે. એ ઘૂંધવાતી દીકરી ઉપર નથી, પણ જમાનો હવે પોતાના હાથમાંથી સરકી રહ્યો છે, એ સહન થતું નથી. દીકરીને સમજ નથી પડતી કે, આમાં મારો વાંક શું ? મમ્મીને એની દીકરી સુંદર દેખાય એનો વાંધો નથી હોતો-એનું તો ગૌરવ હોય છે, પણ ‘‘પોતાના કરતા’’ દીકરી કે વહુ વધારે સારી લાગે છે, એ પચાવવા માટેનું જીગર તો જામનગરનું જોઈએ... !

આપણે જેની વાત કરી રહ્યા છે, એને સાહિત્યિક ભાષામાં પ્રૌઢા કહેવાય. પ્રૌઢાઓને હજી પુરૂષો નીગ્લેક્ટ કરે, એ પોસાય પણ એમના જ સર્કલની સખીઓ એમની સરખામણીમાં દીકરી કે વહુના વખાણો કરે, તો બળતરા બહુ થાય છે, બહેન... બહુ થાય છે.

દરેક મૉમ એટલે દરેક મૉમ નહિ, પણ એવી મમ્મી જેણે પોતાનો સિક્કો ચાલતો હતો, એ જમાનામાં પોતાની સુંદરતાની વિરાટ જાહોજલાલી જોઈ છે. એ રસ્તે જતી હોય તો ટ્રાફિક થંભી જાય (એ વાત જુદી છે કે, એ ભોળીને ખબર ન હોય કે ટ્રાફિક તો ટ્રાફિક-સિગ્નલને કારણે અટક્યો છે!) પણ મજાક છોડો. વાત તો સાચી કે, સ્કૂલ-કોલેજથી માંડીને જૉબ કરે છે, ત્યાં બેનજીનો ઠઠારો નવાબી હોય. ગ્રાહકો તો ગ્રાહકો, સ્ટાફ પણ બેનજીને જોઈ જોઈને આખા શરીરેથી વળી જતો હોય. મેરેજ પછી ય એના ગોરધનની સરખામણીમાં એ લોકદ્રષ્ટિ ચાલુ જ રહી હતી કે, ‘‘માય ગૉડ... એનો ગોરધન તો એની પાસે સાવ ગોગા જેવો લાગે છે...’’ ગોરધન ગમે તેટલો હેન્ડસમ કે મોટો માણસ હોય, વાત સરખામણીની નીકળે તો, ફૂલ માકર્સ આ લઇ જતી હોય... મોટા ભાગના પુરૂષોને એનો કોઈ વાંધો ય હોતો નથી... કાં તો એ બહાર બઘું પતાવી લેતો હોય ને કાં તો એને બીજા ઉત્પાદક કામોમાં વધારે ઘ્યાન આપવાનું હોય છે.

કોઈ સ્ત્રીને મસ્ત જગ્યાએ ચીંટીયો ભરવો હોય ને તમારે સાંભળતા સાંભળતા મનમાં હસે રાખવું હોય તો એટલું જ કહો, ‘‘ભાભી, તમે પહેલેથી આટલા સુંદર હતા ?’’ બસ. આટલું પૂરતું છે...

‘‘મારા તો આટલા લાંબા વાળ હતા... આઆઆઆ...ટલા!’’ એમ કહીને પાછળ ફરીને પગની પાની બતાવનારી સ્ત્રીઓ એક ઢુંઢો, હજાર મિલતી હૈ. ‘‘કોલેજમાં તો બધા મને વૈજ્યંતિમાલા જ કહેતા-વૈજુ! હું ચાલતી નીકળું, તો પાછળ સાયકલવાળાઓના ચક્કરો ચાલુ જ હોય. ભ, કોઈને મારી આંખો નૂતન જેવી લાગતી તો... આયહાય, આપણને તો કહેતા ય શરમ આવે... પણ મોટા ભાગના તો એમ જ કહેતા કે, જોતલીનું તો કોકા કોલા ફિગરછે... ચલ હટ્ટ!’’ પણ એ બઘું હતું ત્યારે હતું. આજે ખેલ ખલાસ છે બધો. રામ નામ જપના, પરાયા માલ અપનાના ધોરણે પેટ અને ઢગરા વધારે જ રાખ્યા છે. ઉનાળાની બપ્પોરે રૂમમાં એકલી સુતી હોય ત્યારે રણમાં ઊંટ આળોટતું હોય એવું દ્રશ્ય લાગે. ઈયળો ચોંટી હોય એવી ગળા ઉપરની કરચલીઓ નહિ ગણવાની? આંખ નીચેના કાળા કૂંડાળા નહિ ગણવાના? અમને નથી ખબર પડતી કે, મેહંદીની શોધ થઈ ન હોત તો માથે ધોળું ધબાક ધાબું હોત? માડી, તું ફાંકાફોજદારીઓ ગમે તેટલી કર... એટલું સ્વીકારી લે કે, તારો જમાનો વયો ગયો છે... ઉંમર અને પરિપક્વતા સ્વીકારી લે, બહેન સ્વીકારી લે... ! તો જેમનામાં એ જમાનામાં કે આ જમાનામાં કોઈ વેતો ભર્યો ન હોય, એ બધીઓ એવું કહેતી હોય છે કે, ‘‘આ તો અત્યારે હું આવી થઈ ગઈ... બાકી પહેલા તો તમે મને જુઓ તો અત્યારે એમ જ પૂછો કે, ભાભી, તમે મીસ ઈન્ડિયામાં કેમ નહોતા ગયા... ?’’

પહેલા જે કાંઈ હતું, એમાંનું આજે કાંઈ નથી, એનો અફસોસ કોરી ખાય છે. લાઇફમાં પહેલી વાર બન્ને હોઠના ખૂણેથી નીચે તરફ જતી કરચલીઓ દેખાવા માંડી, ત્યારથી જુવાની ગઈ. વાળ કાળા કરી શકાય, પણ એ કરચલીઓ ક્યાંથી કાળી કરવી?... આઈ મીન, છુપાવવી? બઘ્ધી દાઝો છેવટે દીકરી કે વહુ ઉપર નીકળે. આમ મોંઢામોંઢ કશું ના થાય, પણ ઘરમાં ને ઘરમાં શીતયુદ્ધ ચાલતું રહે. વડચકાં ભરાય, વાતવાતમાં ખોટાં લાગે ને કટાક્ષો થવા માંડે. એમાં ય, એવું તો બનવાનું જ ને કે, પોતાની ઉંમરની અન્ય સ્ત્રીઓમાં હજી સુંદરતાની વધઘટ હોવાની. પેલી વધારે સારી લાગતી હોય, તે સાલું અહીં સહન થતું નથી. ‘‘હા... એ ભલે ને ૪૦-હજારની સાડી પહેરીને ફરફર કરે, પણ એનું મેચિંગ તો જુઓ! જરા ય શોભે છે? અને આયહાય આયહાય આયહાય... કેવો મેઇક-અપ કરીને આઈતી... કોઈએ જોઈ કે નહિ? હું તો તમે જોજો... મેઈક-અપ જ નહિ કરવાનો. આ જરાક અમથો પાવડર-ચાંદલો કર્યો, એમાં ય લોકો પૂછે છે, ‘‘ભાભી, તમે આ બઘું ક્યાં કરાવો છો? બટ યૂ સી... મારી તો સ્કીન જ એવી છે કે, મારે આવું બઘૂં કરાવવાની જરૂર જ ન પડે!’’

મને ૬૦-થયા એ તો જગ જાણે છે, પણ મને કોઈ કાકાકહે કે ડોહાકહે તો મારે એ સ્વીકારવું પડે, એટલી ય સાહજીકતા બતાવવી નથી પડતી. હું ગમે તેટલો તૂટી જઉં, તો ય ૨૫-નો લાગી શકવાનો છું? અને લાગું, તો ય મારે ઉપયોગ શું કરવાનો હોય? મારી ફરજ એટલી જ છે કે, ઉંમર ૬૦-ની હોય કે ૭૦-ની, મારી ઉંમરે જેટલા વ્યવસ્થિત લાગી શકાતું હોય, એટલા લાગવું જ જોઈએ. એમાં આળસો ન ચાલે. ઉત્તમ કપડાં પહેરવાના, દાઢી-બાઢી નિયમિત કરવાની, વાતચીત-વ્યવહારમાં ડીસન્સી રાખવાની અને ખાસ તો આ લેખો વાંચતી તમામ સ્ત્રીઓને એક મેસેજ પણ આપવાનો કે, ઈર્ષા/જેલસી તો બહુ દૂરની વાત છે... આખી લાઈફમાં મેં કોઈને નામની ય નફરત નથી કરી. મેં ગુસ્સો કર્યો હોય, એવો એક પણ બનાવ હજી સુધી બન્યો નથી, ઝગડો-મારામારી તો બહુ દૂરની વાત છે. કોઈએ હજી સુધી તો મને ગુસ્સે થતા જોયો પણ નથી. આજ સુધી જગતની કોઈ વ્યક્તિ કહી શકે એમ નથી કે, મેં કદી કોઈને ઉતારી પણ પાડ્યો હોય. માની ન શકાય, એવા વિશ્વાસઘાતો નજીકની વ્યક્તિઓએ બેફામ કર્યા છે... તમે એમાંની એકપણ વ્યક્તિને ઓળખતા હો તો પૂછી જોજો, મેં કદી સામો બદલો લીધો છે? મારો કોઈપણ દુશ્મન એવો નથી, જેને હું આજે પણ એટલા પ્રેમથી બોલાવી ન શકું. નજર છુપાવવાની મારે નથી આવી, માટે તો આજે શહેનશાહની જાહોજલાલીથી જીવી રહ્યો છું. હિસાબ સીધો છે. મારૂં ખરાબ બોલનારાઓ જેવું હું કરવા જઉં, એના બદલે એટલો કિંમતી સમય અને વિચારો બુધવારની બપોરેમાં ન વાપરૂં?

સ્ત્રીઓ હેરાન થઈ છે ઈર્ષા અને નફરતને કારણે. દીકરી હોય, વહુ હોય કે સખી હોય... મનમાંથી એ નાનકડો ઈગો કાઢી નાંખવાથી બહુ હળવા થઈ જવાય છે. સુંદરતા અપનેઆપ ખીલી ઉઠે છે. ઉપર જવાનો કોઈનો સમય નક્કી નથી. અત્યારે ભલે કોઈ સારૂં બોલતું ન હોય, કમ-સે-કમ મર્યા પછી લોકો ખરાબ ન બોલે, એ માટે પણ વિચારો શુદ્ધ હોવા જરૂરી છે ને? સુઉં કિયો છો?

સિક્સર
મુંબઈ આઈપીએલની ટીમ જીતે ત્યારે હરભજનસિંઘ નીતા અંબાણીને ઊંચકી લે છે, એ જોઈને કોઈકે સુંદર મજાક કરી છે કે, ‘નીતા અંબાણીએ હરભજનને હુકમ કર્યો છે કે, આપણી ટીમ જીતે તો તારે મને ઊંચકી લેવી... ને હારે તો મારા દીકરાને ઊંચકી લેવો.નીતા મુકેશ અંબાણીનો દીકરો મિનિમમ સવા સો કિલોનો હશે.

No comments: