Search This Blog

22/04/2012

ઍનકાઉન્ટર 22-04-2012

૧. તમારા જૂના સમકાલીનોમાંથી એકે ય હાસ્ય લેખકને વાંચીને હસવું તો આવતું જ નથી. તમે એક જ હસાવી પણ શકો છો. શું એ બધા તદ્દન નિષ્ફળ ગયા છે... માટે આજે તમે નંબર વન છો... ?
- ફ્રેન્કલી કહું તો, મેં એ લોકોમાંથી કોઈને વાંચ્યા નથી, છતાં એટલી ખબર છે કે, એ બધા મારા કરતા તો ઘણું સારું લખતા હતા.
(સંઘ્યા શિવાજી ડોંગરે, અમદાવાદ)

૨. શું મનમોનહિસંહ નબળા વડાપ્રધાન છે ?
- એ નબળા માણસ પણ છે.
(યશ્વી માંકડ, ગાંધીનગર)

૩. એનો એ જ મોબાઇલ નંબર રાખીને કંપની બદલાવી શકાય છે એવી સગવડ સાસુ માટે ન થઈ શકે ?
- એની એ જ સાસુ રાખીને... ઓહ, યૂ મીન સસરા બદલાવી આપવાનું તો જરા અઘરૂં નહિ પડે ?... આ ઉંમરે...!!!
(મીના નાણાંવટી, રાજકોટ)

૪. કરકસરના ભાગરૂપે પેટ્રોલ બચાવવા સાયકલનો ઉપયોગ ફરજીયાત કરીએ તો ?
- એના બદલે, ફૂલ ટાંકી ભરેલી BMW રોજ ખાલી કરી નાંખીએ, છતાં બા ન ખીજાય એટલું કમાવાનું શીખો, ઓધવજી.
(જી.એચ. દેલવાડિયા, અંકલેશ્વર)

૫. સમાચાર હતા કે ૧૨૦ વર્ષનો વરરાજા ૬૦ વર્ષની નવોઢા સાથે પરણ્યો...!
- ઇરાદો શું છે ?
(રવીન્દ્ર નાણાંવટી, રાજકોટ)

૬. ભ્રષ્ટાચાર અને આતંકવાદ વચ્ચે તફાવત શું ?
- આતંકવાદથી દેશ ફફડે છે... ભ્રષ્ટાચારથી દેશ ટેવાઈ ગયો છે... આતંકવાદથી પણ !
(હરીશ કે. અસ્વાર, જામનગર)

૭. દેશ અરાજકતા તરફ ધકેલાઈ રહ્યો છે. બચાવવાનો તમને કોઈ ઉપાય દેખાય છે ?
- When rape is inevitable, enjoy it. 
(દિવાક એસ. વહીયા, અમદાવાદ)

૮. સાળી આધી ઘરવાળી, તો સાળો ?
- મળી જુઓ એકવાર.. ને કરી જુઓ સરખી વાત !
(અજય વ્યાસ, બિલખા)

૯. પોપ સ્ટાર લેડી ગાગા ઇન્ડિયા આવી, ત્યારે ગોગલ્સ અને ઝૂલ્ફોથી મોઢું ઢાંકેલું કેમ હતું ?
- એમ તો ઘણું બઘું ઢાંકેલું હતું !
(ખુશ્બુ નાણાવટી, રાજકોટ)

૧૦. આજના યુગમાં સત્યવાદીઓ શોઘ્યા જડતા નથી, આમ કેમ ?
- તમે આમ બધાની વચ્ચે મારી પ્રશંસા ન કરો.
(ડી.કે. માંડવિયા, પોરબંદર)

૧૧. પુરુષ સ્ત્રીનું રૂપ જોઈને પાગલ થાય છે ને સ્ત્રી પુરુષના ગુણ જોઈને... આપનું શું માનવું છે ?
- સ્ત્રીનું રૂપ જોઈને પાગલ થયા પછી વારો એના ગુણ જોવાનો આવે, ત્યારે પુરુષ ફક્ત ગાંડો જ નહિ, બેભાન પણ થઈ જાય છે... કોઈ પંખો ચાલુ કરો !
(ભરત ડી. સાંખલા, ડીસા)

૧૨. તમને આજ સુધી કોઈ સ્ત્રીએ દગો કર્યો હોય, એવું બન્યું છે ?
- મને દગો કરી શકાય એટલી નજીક હું કોઈ સ્ત્રીને આવવા દેતો નથી.
(ઉમા કિશોર શાહ, મુંબઈ)

૧૩. મેડમ તુસાડ્‌ઝના મ્યુઝિયમ માટે ગુજરાતમાંથી કોઈ બોણી કરાવે તેવું તમારા ઘ્યાનમાં છે ?
- થેન્ક યૂ.
(હંસાબેન નીતાબેન પંડ્યા, ઉમલ્લા)

૧૪. તમારા એનકાઉન્ટરમાં ઘણીવાર પૈસા લઈને ઍનકાઉન્ટર કરવામાં આવે છે, એ વાત સાચી છે ?
- તમે મોકલાવેલ ખોખુંમળી ગયું છે.
(હર્ષિતા નાણાવટી, રાજકોટ)

૧૫. બે- ત્રણ ગધેડા ખરીદવાનું મન થયું છે. વૌઠાના મેળામાંથી ખરીદું કે ગાંધીનગરમાંથી ?
- જોઈ જુઓ... બેમાંથી વધારે એવરેજ કયો ગધેડો આપે છે !
(દીપ પરીખ, રાજકોટ)

૧૬. અશોકજી, આપના મતે, ‘સુખ, શાન્તિ અને સમૃદ્ધિની વ્યાખ્યા કઈ ?
- રોજ સવારે પેટ સાફ આવે એ.
(જીતેન્દ્ર જી. કેલા, મોરબી)

૧૭. અમારા ખેડા માતર બાજુના વાંચકોના સવાલો કેમ છાપતા નથી ?
- બોલાવી જુઓ, ખેડા-માતર રૂબરૂ આવીને જવાબ આપીશ
(પ્રતાપ બી. ઠાકોર, ખરેટી-ખેડા)

૧૮. શું વિશ્વમાં ભૂત, પ્રેત, ડાકણ કે ચૂડેલ જેવું હજી છે ખરું ?
- બીજાની ખબર નથી, પણ મને જોયા પછી ઘણાની આ વિષયમાં શ્રદ્ધા વધી જાય છે.
(હેતલ જયસ્વાલ, રામપુરા- દેત્રોજ)

૧૯. મહાત્મા ગાંધી અને અન્ના હજારેના આંદોલનો વચ્ચે કેટલો ફરક ?
- પરમેશ્વરથી પણ ઉંચા સ્થાને બેસતા મહાત્માજી સાથે આવા ફાલતુ નેતાની સરખામણી પણ કરવી પાપ છે.
(સુનિલ જયસ્વાલ, વિરમગામ)

૨૦. હવે તો ડિમ્પલ કાપડિયા નાનીપણ બની ગઈ... ક્યાં સુધી ડિમ્પલ, ડિમ્પલ કરે...રાખશો ?
- કાપડિયા સુધી
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

૨૧. મારી નખરાળી પડોસણ ઉપર તેનો ગોરધન ખીજાય છે, ત્યારે મને તેના માટે હિંસક વિચારો આવે છે. શું કરું ?
- આમાં વિચારો તો હિંસકજ આવવા જોઈએ... પ્રેમભર્યા આવવા માંડે તો ચિંતા ?
(જયેશ અંતાણી, ભાવનગર)

૨૨. પિયર ગયેલી પત્ની એના ગોરધનને રોજ ફોન કરે, તો શું સમજવું ?
- ત્યાં ય કોઈ એનો ભાવ પૂછતું નથી.
(સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

૨૩. સપના હંમેશા સપના જ હોય છે આ અંગે તમારો અભિપ્રાય ?
- ખોટું પેટ્રોલ ન બાળો. સપનાવાળીની ઉંમર જરા વધારો... તો કદાચ સાચા પડે !
(ચીનુભાઈ શાહ, માણસા)

૨૪. તમે મારામારી કરી શકતા નથી... ફક્ત બચકું ભરી શકો છો, એવું લખ્યું છે, શું તમારા દાંત ઝેરી નથી ?
- કમ સે કમ... તમને કેવી રીતે બચાવું ?
(મણીબેન પટેલ, ઉંટડી- વલસાડ)

૨૫. જ્યોતીન્દ્ર દવે અને અશોક દવેમા ફેર કેટલો ?
- એ સ્વર્ગસ્થ છે.
(હીરાચંદ આર. નાગડા, મુંબઈ)

૨૬. અશોકજી, શ્રેષ્ઠ સવાલ માટે કોઈ ઈનામ રાખો તો હું તમને આના કરતા ય સારા સવાલ લખી મોકલું.
- સવાલ તમે કોઈ બીજા પાસે પૂછાવ્યો હોત તો હું તમને આના કરતા ય સારો જવાબ આપત...!
(સરલા ચાંદવાણી, અમદાવાદ)

No comments: