Search This Blog

20/04/2012

ફિ લ્મ : ‘લવ ઇન સિમલા’ (’૬૦)

ફિલ્મ : લવ ઇન સિમલા’ (’૬૦)
નિર્માતા :  ફિલ્માલયા સ્ટૂડિયો - શશધર મુકર્જી
નિર્દેશક :  આર. કે. નૈયર
સંગીત :  ઇકબાલ કુરેશી
ગીતો :  રાજેન્દ્ર કૃષ્ણ
થીયૅટર :  કૃષ્ણ (અમદાવાદ)
રનિંગ ટાઈમ :  ૧૮-રીલ્સ.
કલાકારો : જૉય મુકર્જી, સાધના, અઝરા, દુર્ગા ખોટે, શોભના સમર્થ, કિશોર સાહુ, હરિ શિવદાસાણી.

ગીતો
૧. અલીફ જબર આ બે સે બબ્બન..... મુહમ્મદ રફી
૨. હસિનો કી સવારી હૈ હસીનો કી સવારી હૈ..... સુમન-રફી
૩. ગાલ ગુલાબી કીસકે હૈં, નૈન શરાબી કીસકે હૈં..... મુહમ્મદ રફી
૪. એ બેબી, ઓ જી, ક્યા ખાઓગે, જલેબી..... આશા-રફી
૫. દર પે આયે હૈ કસમ લે, દિલ હથેલી પર હૈ સુન લે..... મૂકેશ
૬. લવ કા મતલબ હૈ પ્યાર, પ્યાર દિલોં કા કરાર..... આશા-રફી
૭. દિલ થામ ચલે, આજ કિધર કોઇ દેખે..... મુહમ્મદ રફી
૮. મુસ્કરાયે ખેત પ્યાસે તરસે તરસે..... રફી-સુમન
૯. યું જીંદગી કે રાસ્તે સંવારતે ચલે ગયે..... મુહમ્મદ રફી

ડૉક્ટરના ક્લિનિકમાં ૯૦-થી ઉપરની ઉંમરના કોઇ ત્રણ બુઢ્ઢાઓ મોજુદ હતા. એક જણ ભીંતમાંથી ચૂનો ઉખાડતો હતો. બીજો મોટે મોટેથી ‘‘ હું  જૉય મુકર્જી નથી... હું જૉય મુકર્જી નથી...’’એટલી જ બૂમો પાડતો હતો ને ત્રીજો કપાળ ઉપર સાધના-કટ લટો રાખીને કમરના ઠૂમકા મારતો હતો, એ વખતે હું દાખલ થયો.

જ્યોતિષીઓનો જવાબ કામમા ન આવ્યો એટલે શહેરના એક પ્રતિષ્ઠિત સાયકોલોજીસ્ટને બતાવી જોયું કે, ‘‘છેલ્લા દસેક દિવસથી મને ઠીક નથી. મગજમાં અસ્થિરતા આવી ગઇ હોય એવું લાગે છે.... કદાચ મગજ સુધી લોહી પહોંચતું નહિ હોય...! આવું કેમ બન્યું, ડૉક્ટર ? મને ડર પેસી ગયો છે કે, હું ગાંડો થઇ ગયો છું.’’

મારો કેસ તપાસ્યા પછી ડૉક્ટરે બહુ આસાનીથી કહી દીઘું, ‘‘આમાં બીજું તો ખાસ દેખાતું નથી, પણ હમણાં તમારાથી ક્યાંક  જૉય મુકર્જીની પહેલી ફિલ્મ લવ ઇન સિમલાજોવામાં તો નથી આવી ગઇ ને?’’

મેં પ્રામાણિકતાથી કીઘું, ‘હા. ચિત્રલોકમાં મારી ફિલ્મ ઇન્ડિયાનામની કોલમમાં લખવા માટે મારે ફિલ્મ લવ ઇન સિમલાજોવી પડી હતી.’’

‘‘તો પછી ના લખશો..... એક સાથે ૧૫ લાખ વાચકો ગાન્ડા થઇ જશે....’’ ડૉક્ટરે હસ્યા વગર સલાહ આપી.

પણ પેલ્લેથી મારો આવો દાઝીલો સ્વભાવ તો ખરો કે, હું એકલો શુ કામ મરૂં...? આઇ મીન, એકલો શું કામ ગાન્ડો થાઉં.... બધાને લઇને ભરતી ના થાઉં ? આ જ કારણે નવી તો નવી... તમને હું સેફ અલીખાનની ફિલ્મ એજન્ટ વિનોદજોવાની ભલામણ કરૂં છું આ ફિલ્મ ફક્ત તમારા માટે જ બની છે... લહેર કરો તમે ત્યારે!

ઠેઠ ૬૦-ની સાલમાં બનેલી આ ફિલ્મ લવ ઇન સિમલાની હીરોઇન સાધના સિવાય તમામ કલાકારો હરી શરણ થઇ ચૂક્યા છે, પણ એમાનું કોઇ ગાન્ડુ થઇને મર્યું હોય એવું સાંભળ્યું નથી. એમના કારણે બીજા ઘણા ગાન્ડા થઇ ગયા હશે. અરે ચંદુભાઇ, આપણને એમ કે, હું  જૉય મુકર્જીનો મોટો ચાહક એટલે એની આ પહેલી ફિલ્મ ૧૯૬૦માં જોઇતી એટલે અત્યારે તો એટલું યાદ છે કે, અમદાવાદના કૃષ્ણ સિનેમામાં ટિકીટ મળી ગઇ હતી, એટલે ફાધર-મધર મને લાલ દરવાજાના સરદાર બાગમાં લઇ ગયા હતા. એ જમાનામાં યુપીના ભૈયાઓ ખભે કાવડ લઇ ને આવતા હતા અને હજમા-હજમનું પાણી દસ પૈસાની ચાર પડીકીઓમાં ભરીને પીવડાવે. અમારા માટે તો તો ય મોંઘી કહેવાય, પણ ઘાસના તણખલા તોડતા તોડતા ફાધરે એટલું કીધેલું ચોક્કસ યાદ છે કે, ‘‘મને દેવઆનંદ કરતાં  જૉય મુકર્જી વધારે ગમે. મધરે કારણ પૂછ્‌યું તો કહેજૉય ટટ્ટાર ચાલે છે... પહોળા ખભા, ઘેરો અવાજ અને ખૂબ દેખાવડો છે... દેવ વાંકો વળી જાય છે.’’ ને તો ય મધરે કીધેલું, ‘‘તે હશે, પણ  જૉય ઍક્ટીંગ ક્યાંથી લાવશે? એમાં બહું નબળો પડે છે.

આજથી પૂરા ૫૨-વર્ષો પહેલા કીધેલી આ વાત હજી યાદ છે, પણ ફિલ્મનો એક ટૂકડો ય યાદ નહતો, એટલે સીડીની શોધાશોધ કરી. વનરાતેવનમાં કૃષ્ણ એમની વાંસળી શોધવા નીકળ્યા હોય ત્યારે દુનિયાભરની રાધાઓ ને મીરાઓ એમની મદદે આવતી.... અહીં તો લક્ષણો એવા કે ૮૫-વર્ષની શાન્તા બા ય હાળી મદદે ન આવે, પણ જૂની ફિલ્મોની દુનિયાના તારણહાર મારા જામનગરના શ્રી ચંદુભાઇ બારદાનવાલાને કોઇ દુશાસન લાજ લૂંટતો હોય તો કહી દેવાનું.... એમની સ્પીડ એટલી કે, લાજ લૂંટાયા પહેલા હજાર સાડીઓ આવી ગઇ હોય, ત્યાં લવ ઇન સિમલાની સીડી તો ક્યા ચીજ હૈ ? જો કે, મને પાગલ બનાવવા માટે આ સીડી સીવાય બીજું કોઇ મોકલવાની જરૂર નહીં પડે, એવી એવી શ્રઘ્ધા પૂરી હશે કારણ કે, પોતે જોઇ નહિ ને મને મોકલાવી દીધી.... કોઇ પંખો ચાલું કરો !

તો શું, ‘લવ ઇન સિમલાએટલી હદે ફાલતું ફિલ્મ હતી ?

એ તો તબક્કે તબક્કે પુરવાર થઇ જાય એવું છે...! એક તો આગાજાની કાશ્મિરીની સ્ટોરી-ફોરીમાં કોઇ ઠેકાણા નહીં ને એમાં ય, ફિલ્મના દિગ્દર્શક આર. કે નય્યર હીરોઇન સાધનાની પહેલી જ ફિલ્મમાં એના પ્રેમમાં પડી ગયા, જેથી પાછળથી દુનિયાવાલોની ખરાબ નજરો (એ વખતે ૧૯-વર્ષની ઉંમરની) આ ભોળી છોકરી ઉપર ન પડે (સાધના શિવદાસાણીની જન્મ તા. ૨ સપ્ટેમ્બર, ૧૯૪૧) કાયદામાં કહેવત છે કે Justice delayed is justice denied,’ હવે એક યે રાસ્તે હૈં પ્યાર કેને બાદ કરતા આ ભઇએ એકેય ફિલ્મ સેન્સિબલ બનાવી નથી.  જૉય તો બધામાં હોય, ‘આઓ પ્યાર કરેં’, ‘યે જીંદગી કિતની હસિન હૈવગેરે વગેરે. ઇન ફેક્ટ, આ ફિલ્મ લવ ઇન સિમલાબની રહી હતી, ત્યારે તો સાધના ૧૬-જ વર્ષની હતી ને આણે ઝાલી લીધી, એમાં સાધનાના સિંધી ફાધરે નય્યરની સરખી ધોલાઇ કરી લીધા પછી અદાલતમાં ઘસડી જવાની ધમકી આપી, એમાં ભઇ ગભરાઇ ગયા અને રીતસર નાસી ગયા. હાળું, સાધના જેવી પત્ની મળી હોય તો ઘર છોડીને આપણે ભાગી જવાને બદલે કોક બીજાને ભાગી જવાનું કહીએ ( સાધના સાથે નહિ...કોક બીજી સાથે!) ક્યું ચ્યવનપ્રાશ ખાઇને એ પાછો આવ્યો તે તો નથી ખબર, પણ પછી સાધના સાથે લગ્ન કરી લીધા. સંતાનો ન થયા અને બહુ યુવાન વયે નૈયર ગુજરી ગયા.

આટલા વર્ષો પછી હમણાં ક્યાંક સાધનાએ ખુલાસો કર્યો હતો કે, એની એક્ટિંગ ઉપર એની સૌથી ફેવરિટ હીરોઇન નૂતનનો બહુ મોટો પ્રભાવ હતો. ફિલ્મ ઉદ્યોગમાં સાધનાને ટ્રેન્ડ-સેટર કહી શકાય-એક્ટિંગમાં નહિ તો એની ટીપીકલ સાધના-કટને લીધે. અફ કોર્સ, હોલિવૂડમાં અને પછી વિશ્વમાં આ ફેશન ઓડ્રી હેપબર્ને શરૂ કરી હતી, જેને Fringe ‘ફ્રિન્જકહેવાય. આજકાલ અનેક હિરોઇનો અનેક હેરસ્ટાઇલો લઇ આવે છે, તો કેમ ઉપડતી નથી ? સીધી વાત છે કે, સાધનાના જમાનામાં હીરોઇનો એટલે આપણી દેસી મણીબેનો હતી. એ દિવસોમાં તો છોકરીઓ ઢીંચણ સુધીનું સ્કર્ટ પણ પહેરે તો સખીઓ તાના મારતી, ‘‘આવી આ આજકાલ બઉ ફેસ્સન મારે છે...!’’ એટલે સાધનાએ વાળ ફ્રીન્જ કર્યા, એ દિવસથી એની સુંદરતા અને એક્ટિંગ કરતા સાધના-કટબહુ ફેમસ થઇ. એ દ્રષ્ટિએ પરવીન બાબીને પણ ટ્રેન્ડ-સેટર બેશક કહી શકાય. છુટા વાળની એણે શરૂ કરેલી ફેશન આજ સુધી ચાલુ છે.

સાધના આમ તો બાળ કલાકાર તરીકે ફિલ્મ શ્રી ૪૨૦ના ઇચક દાના બીચક દાનાગીતમાં દેખાઇ હતી. નંદા, નૂતન, નિમ્મી, ગીતા બાલી અને માલા સિન્હાની જેમ સાધનાએ પણ આટલા વર્ષો ફિલ્મોમાં કામ કર્યું, પણ એના નામે એક પણ લફરૂં નથી. બાકી મીના કુમારી, મઘુબાલા, વહિદા રહેમાન, સાયરા બાનું, શકીલા, અમિતા, કામિની કૌશલ, પદ્મિની, નલિની જયવંત, નરગીસ, શ્યામા અને સુરૈયા....આ બધીઓએ ફિલ્મોની જેમ લફરાઓમાં ય મેહનતપૂર્વક કારકિર્દી બનાવી હતી.

લવ ઇન સિમલાની સેકન્ડ હિરોઇન અઝરા આપણા ગુજરાતી નિર્દેશક નાનુભાઇ વકીલની દીકરી હતી. એની માં સરોજીની કોઇ જમાનામાં એક સામાન્ય અભિનેત્રી હતી. અઝરાની પહેલી ફિલ્મ મધર ઇન્ડિયાપછી તમે એને જંગલીઅને ગંગા જમનામાં ય જોઇ હશે. નૂતનની માં શોભના સમર્થ આ ફિલ્મમાં અઝરાની માં બને છે. ફિલ્મોમાં નોન-સ્ટોપ માતા સીતાના રોલ કરતી આ અભિનેત્રી એની દિકરી તનુજાની માફક નોન-સ્ટોપ સ્મોકિંગ કરતી. મોટી દીકરી નૂતન સાથે બહુ બન્યું નહી અને જમીન જાયદાદના મામલે નૂતન શોભનાને કોર્ટમાં ઘસડી ગઇ હતી. એનો પતિ બનતો ચરિત્ર અભિનેતા કિશોર સાહુ યાદ હોય તો ફિલ્મ ગાઇડમાં વહિદા રહેમાનનો ગોરધન બને છે, પણ એની વાસ્તવિક પત્ની સ્નેહપ્રભા પ્રધાન પણ કિશોરને અદાલતમાં લઇ ગઇ હતી, એનો પતિ નપૂંસક છે એવા આક્ષેપો હેઠળ છુટાછેડા લેવા હતા.

કિશોર સાહુએ પોતાના બચાવમાં - એટલે કે એ નપૂંસક નથી, એ ભરી અદાલતમાં સાબિત કરી આપવાની જે ઑફર મૂકી હતી, તે પત્રકારત્વના કેટલાક ધોરણો જાળવવા અહીં લખી શકાય તેમ નથી. લવ ઇન સિમલામોટો માર ખાઈ જવાનું સૉલ્લિડ કારણ ઇકબાલ કુરેશીનું તદ્દન વાહિયાત સંગીત પણ ખરૂં. કોઈને માનવામાં ન આવે, પણ એકોએક ગીતની તરજ કંઈ જુદી અને હજી સુધી ફિલ્મોમાં ન બની હોય એવી રદ્દી હતી. નહિ તો એ જ ઇકબાલે ચા ચા ચા’, ‘પંચાયત’, ‘બિંદીયા’, ‘યે દિલ કીસ કો દૂં ?’ અને ઉમર કૈદજેવી હિટ ફિલ્મો આપી હતી. યસ. પછીથી વહિદા રહેમાનના પતિ બનેલા કંવલજીત નામના અભિનેતા સાથેની ફિલ્મ કવ્વાલી કી રાતમાં ઇકબાલે એક એકથી ચઢે એવી ખુશ્બુદાર કવ્વાલીઓ આપી હતી. દયા એટલા માટે આવે એની કે આખી ફિલ્મમાં ૯માંથી ૮ ગીતો મુહમ્મદ રફી સાહેબ પાસે ગવડાવવા છતાં તમે એક હિટ ગીત ન આપી શકો ? હજી થોડા જ વર્ષો પહેલા માંડ દસ-બાય-દસ ફૂટની રીતસરની ઝૂંપડીમાં રહેતા આ સંગીતકારે એમના અવસાનના કોઈ ૮-૧૦ દિવસ પહેલા જ ટીવી પર ઇન્ટરવ્યૂ આપ્યો હતો, તે ઘણાને યાદ હશે.

પણ ઇકબાલ કુરેશી કરતા વઘુ છોકરમત.... અધરવાઈઝ, ઘણા ઊંચા ગજાંના ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણે નોંધાવી છે. હું પણ મજરૂહ સુલતાનપુરી કે હસરત જયપુરી કરતા વધારે ફાલતુ ગીતો લખી શકું છું, એ પુરવાર કરવા રાજેન્દ્રભઈને કોઈ મહેનત કરવી પડી નથી. સાયકલ વર્ષોથી ચલાવ્યા પછી, મને નથી આવડતી, એવું માનીને ખોટી સાયકલ ચલાવવી કોઈને માટે શક્ય નથી... રાજેન્દ્ર કૃષ્ણે આવી સાયકલ ચલાવી બતાવી છે, ‘લવ ઇન સિમલાના ગીતોમાં.

મૂળ તો પંજાબના ગામડેથી નવાસવા આવેલા ધર્મેન્દ્રને આ ફિલ્મમાં હીરો બનવું હતું.. અને કદાચ ચાન્સ લાગી જાત, પણ ફક્ત ૨૧ વર્ષના  જૉય મુકર્જીનો નંબર ઘરની ખેતીને કારણે લાગી ગયો. સાવ સાચો ટ્રેન્ડ સૅટરનો ઇલ્કાબ  જૉય મુકર્જીને પણ આપી શકાય, હિંદી ફિલ્મોમાં હાફ-સ્લિવ્ઝની જર્સીઓ શરૂ કરવા બદલ. ઇવન, ટ્રાન્ઝિસ્ટર રેડિયો પણ આ ફિલ્મમાં પહેલી વાર દેખાયો હતો. એ દિવસોમાં ટ્રાન્ઝિસ્ટર બહુ મોટી વાત ગણાતી. એ પહેલાંની ફિલ્મોમાં યાદ કરો તો હીરોઈનો બહુ મોટા રેડિયોગ્રામ પાસે બેસીને આકાશવાણીના ગીતો સાંભળતી.

ફિલ્મમાં સિમલાના બાહરી દ્રશ્યો બાકાયદા લેવાયા છે, એ હિસાબે તમે જઇ આવ્યા હો તો આ ફિલ્મમાં તમને ૬૦ની સાલનું સિમલુ જોવા મળશે. નામ કે ઉચ્ચાર પે મત જા, યાર. હિંદીમાં કે ઇંગ્લિશમાં લખાય છે, સિમલા જ, પણ નૉર્થવાળાઓ કે ખુદ સિમલાવાળાઓ ઉચ્ચાર શિમલાકરે છે. ખોટો ઉચ્ચાર તો જૉયમુકર્જીનો ય થયો. હકીકતમાં આપણા જય-વિજયની માફક એનું નામ જયહતુંજૉય નહિ, પણ બંગાળીઓ દરેક ઉચ્ચાર પહોળા કરે છે, એટલે જયનું જૉયથઈ ગયું. મને ય કોલકાતામાં કિ ઓશોક બાબુ.... કેમોન આચ્છે... ? ભાલો આચ્છે, ના... ?’ સામે મેં પણ બંગાળીમાં જવાબ આપ્યો, ‘‘કોતો બાર બોલે છી, આમાર શોંગે યારકી કોરોબેના...! તો મજા પડી ગઈ એ લોકોને તો ! હવે.. થોડી ઘણી અસર તમારા મગજ ઉપર લાગવા માંડી છે તો બંધ કરૂં ! અફ કૉર્સ, કોઈ બહુ વખતથી જૂની ફિલ્મોના વિષયમાં સ્માર્ટ બનતો હોય, લેંચુ મારતો હોય તો એને સીધો કરવો હોય તો પહેલા લવ ઇન સિમલાની સીડી તમારા ખર્ચે આપજો અને સાથે આ લેખનું કટિંગ પણ...!

યસ. એક આડ વાત. ગુજરાતી ફિલ્મ હોવા છતાં ગુજરાતીઓને જોવી ગમે, એવી દુર્ઘટના આપણે ત્યાં નથી બનતી. છતાં ય, અમદાવાદના યુવાન દિગ્દર્શક આશિષ કક્કડે ફિલ્મ બેટર હાફબનાવીને કોઇ અદ્‌ભુત સર્જનાત્મક કામ કરી બતાવ્યું છે. ગામડાને બદલે આજના શહેરની કે આજના યુવાન પતિ-પત્નીની ઉલઝનોને કક્કડે ફિલ્મના માઘ્યમ દ્વારા સંસ્કારી ડ્રૉઇંગ-રૂમો સુધી પહોંચાડી છે. અમદાવાદના આદરણીય પીઢ કલાકાર રાજુ બારોટ અને ફિલ્મના હીરો-હીરોઇન નેહા મહેતા અને ધર્મેન્દ્ર ગોહિલ જોવા ગમે એવા છે. અસર ઉંમરની હશે, નહીં તો ૮-૧૦ વર્ષ પહેલાં આ ફિલ્મ ઉતરી હોત તો હીરોઇન ડાયના રાવલ હોત, એવું ઐશ્વર્ય એમના વ્યક્તિત્વમાં આજે પણ છે. મનમોહક અને આંખને પણ સજાવે એવું સુંદર કૅમેરાવર્ક દર્શન દવેનું છે. અચૂક જોવી જેવી ફિલ્મ, ‘બેટર હાફ’.

No comments: