Search This Blog

11/04/2012

એ તો ફાધરે ય બ્રાન્ડેડ વાપરે છે

આપણે નાના હતા ત્યારે બહુ હસાવતી પણ અત્યારે ફાલતુ લાગે એવી જોક ચાલતી કે, પોતાની કિંમતી વીંટી બતાવવા આપણું ઘ્યાન એમની વીંટી ઉપર જાય, એમ આંગળી બતાય બતાય કરતા. હોઠ ઉપર વીંટીવાળી આંગળી મૂકે, અમદાવાદના ઘરમાં બેઠા બેઠા મુંબઇના ચર્ચગૅટનો રસ્તો આંગળી ચીંધી ચીંધીને બતાવે કે પછી, ડ્રૉઇંગ રૂમમાં રસપ્રદ ચર્ચા ખેતીવાડી, ખાતર અને ગાયો પહેલા જેટલું દૂધ કેમ નથી આપતી, એની ચાલતી હોય ત્યારે આ મહિલા અચાનક આજકાલ સોનાના ભાવો માથે ચઢી ગયા છે,’ એની વાત કાઢીને પોતાની વીંટી કાઢી બતાવે, ‘‘આ જુઓને... વિપુલે મને રીયલ ડાયમન્ડની વીંટી અઢ્‌ઢી લાખમાં કરાવી દીધી... પણ મને આવી સસ્તી વીંટીયું પહેરવી નો ગમે...!’’

હસવાની મજા પડતી કે, એક એનો વીંટો બતાવવા કેવી ભૂખી થઇ છે ! આપણો લૉસ એટલો કે, એની વીંટી જોવામાં ગમે ત્યાં અડાડેલી એની આંગળી પણ આપણે જોવી પડતી.

આજે વીંટી બદલાઇ છે... આંગળી એ જ રહી છે.

હવે વીંટી ઉપરાંત ઘણી ચીજો બતાવવાની આવી છે, ખાસ કરીને બ્રાન્ડેડ કપડાં અથવા ડીઝાઇનર્સ-વૅર, ચશ્મા, બૅલ્ટ, ઘડીયાળ, મોંઘી કાર. એમનું બઘું બ્રાન્ડેડ જ હોય. આપણને ડાઉટ પડે કે, આવડો આ ફાધર પણ બ્રાન્ડેડ લઇ આયો હશે ! આટલી મોંઘી ચીજ લાવ્યા પછી કોઇ જુએ પણ નહિ ને પૂછે પણ નહિ, તો ચૂકવેલા પૈસા કરતા બળેલો જીવ મોંઘો પડે છે. વળી, દરેક પાસે ઇચ્છા છતાં આવું કહી બતાવવાની આવડત હોતી નથી, એમાં બહુ હતાશ થઇ જવાય છે. આવું ન થાય માટે આજે બુધવારની બપોરેતમારી મદદે આવે છે અને આ નિર્દયી સમાજને તમારી મૂલ્યવાન ચીજો કેવી રીતે બતાવવી, એની માર્ગદર્શિકા પ્રસ્તુત કરે છે.

(૧) યૂ સી... ઘરમાં બેઠા રહીએ તો આટલો મોંઘો નૅકલેસ લોકો કાંઇ ઘેર આવીને જોઇ જવાના નથી. તમારે જ બહાર નીકળવું પડે.. નૅકલેસ પહેરીને નીકળો તો સારૂં, પર્સમાં રાખીને નહિ. કિટી પાર્ટી, કોઇ જાહેર સમારંભ કે બર્થ-ડે પાર્ટી આના માટેના આદર્શ સ્થળો મનાયા છે. ત્યાં મળનારી મહિલાઓ તમારી મિત્રો છે, માટે ડોબીઓ તો હશે જ અને ડોબીને વધારે ડોબી બનાવવામાં કોઇ પાપ નથી, છતાં સીધેસીધો નૅકલેસ બતાવીને કહેવાય નહિ કે, ‘‘જુઓ... ફક્ત આઠ લાખમાં જ પડ્યો !’’ આટલો મોંઘો નૅકલેસ ‘‘તમારી પાસે’’ જોયા પછી એ લોકોને તો ગોળના રવા ઉપર ગરોળી બેઠી હોય, એવું જ લાગે ને ?... ચલો, કોઇ પંખો ચાલુ કરો.

આ તબક્કે ઘ્યાન એટલું રાખવાનું કે, પાર્ટીમાં ગયા પછી કોઇ એક ખુરશીમાં બેસી નહિ રહેવાનું-ફરફર કરવાનું. બધાને મળવાનું. બધાને સ્માઇલો આલવાના... ના જોઇતા હોય એમને ય આલવાના. એમાં જે હડફેટે ચઢે, એની પાસે સ્માઇલો સાથે ઊભા રહી જઇને શરૂ જ થઇ જવાનું, ‘‘ઓ હાય રેણુ... માય ગૉડ, યૂ લૂક ગૉર્જીયસ, ડીયર...!’’ જવાબમાં રેણકીને પણ તમારા વખાણ કરવા જ પડશે, ‘‘નૉ નૉ મીનુ... યૂ લૂક મૉર ચાર્મિંગ, માય લવ !’’

બસ. લાંબી વખણા-વખણી નહિ કરવાની, નહિ તો મૂળ મુદ્દો રહી જાય, તરત જ પૉઇન્ટ પર આવી જવાનું અને નૅકલેસ પાસે ડોકી ઊંચી કરીને ગળા નીચે બામ ઘસતા હોઇએ, એવું ઘસીને રેણકીને કહેવાનું, ‘‘ઓહ રેણુ, આજે સવારથી ગળામાં બળતરા થાય છે, ડીયર... ઓહ, ઊહ... આહ !’’ (ઓહ, ઊહ... આહમાંથી ગમે તે એક જ બોલવાનું... ત્રણે સાથે વાપરી નહિ કાઢવાના... બીજો નૅકલેસ લઇએ ત્યારે કામ આવે !.... આ તો એક વાત થાય છે !)

સ્વાભાવિક છે, રેણકીની નજર તમારા નૅકલેસ પર પડવાની ને એ તરત બનાવટી ખુશ થઇને પૂછશે, ‘‘ઓ મ્મી ગ્ગાઆઆ...ડ ! વૉટ ઍન ઍકઝોટિક નૅકલેસ, મીનુ...! શું વાત છે...!’’

‘‘અરે રેણુ... તુ તો જાણે છે ગૌતમ કેટલો સ્ટુપિડ હસબન્ડ છે... ના પાડતીતી કે મારે આટલો મોંઘો નૅકલેસ નથી લેવો, તો ય જીદે ચઢ્‌યો ને કાચી સેકન્ડમાં આઠ લાખ ખર્ચી નાંખ્યા !

આપણું કામ પતી ગયું. ૮-લાખના ખર્ચામાં પેલીને ૧૬-લાખમાં ચોંકાવી, એ વસૂલ છે. તમારે તરત ઘટના સ્થળ છોડીને કોઇ બીજીને પકડવાની, પણ એકની એક પાસે લાંબુ નહિ ઊભા રહેવાનું. હા, પસંદગીના ધોરણોનું ઘ્યાન રાખવાનું... અડી અડીને નૅકલેસ જોઇ લીધા પછી પેલી એમ ના કહી બેસે કે, ‘‘બેન, હું તો કામવાળી છું.’’

(૨) નૅકલેસો તો પ્રસંગે જ પહેરવાના આવે, એટલે વારંવાર કાંઇ આવા મોકા ન મળે, પણ બ્રાન્ડેડ-ડ્રેસ તો આપણે રોજ પહેરતા હોઇએ, એની જાંણ કરવામાં જરા સંકોચાઇ જવાતું હોય છે. આમ તો, આ મામલે સ્ત્રીઓને ખાસ કાંઇ શીખવાડવું પડે એમ નથી. તેઓ સ્વાવલંબી હોય છે. છતાં, મુશ્કેલી અવારનવાર એકની એક સખીઓને મળવાનું થતું હોય, ત્યારે થાય છે. અહીં પહેલેથી એક છાપ પાડી દેવાની કે, ‘હું તો ત્રણ હજારથી નીચો કોઇ ડ્રેસ પહેરતી જ નથી.એવું નથી કે તમે ત્રણ સોનો ડ્રેસ ત્રણ હજારનો કહી દો, એટલે ડોબીઓ માની જશે. ખબર બધાને પડતી હોય છે, એટલે હવે છુટકો નથી મિનિમમ ત્રણ હજારવાળો પહેર્યા વગર, પણ એમાં કમાલ આપણે બતાવવાની કે, ત્રણ હજારનો ડ્રેસ સાડા ચાર હજારનો કહી બતાવો તો કોઇ ના પાડવાનું નથી. તમે સાડા ચાર હજારની ઠોકી, એમાં પેલીનો ગોરધન સીધા ૨૦-હજારમાં ભરાઇ જવાનો. નૅકસ્ટ પાર્ટીમાં પેલી ૨૦-હજારનો ડ્રેસ પહેરીને તમને ના બતાવે તો વાંદરીનું નામ બદલી નાંખજો... બાકી એ વખતે તમે ય ૩૫-હજારવાળો નહિ પહેર્યો હોય ? તમારો ગૌતમ તો સ્ટુપિડ છે જ ને ?

આપણી ૯૮-ટકા સુંદર સ્ત્રીઓ ડોબી હોય છે. એમને જે કોઇ ડ્રેસ કે સાડી શોભે છે, એ એમની સુંદરતા કે રોજ મહેનત કરીને, નિયમિત વર્ક-આઉટ કરીને અને ખાવા-પીવામાં જબરદસ્ત કન્ટ્રોલ રાખીને શરીર સાચવ્યું હોય છે, માટે કપડાં શોભે છે. પણ એ બધીઓને હક્કપૂર્વક સીધેસીધી ડોબી કહી દેવાનું કારણ એ જ કે, પોતે કરેલી મેહનતનો પૂરો યશ એમના દરજીઓને કે સો કૉલ્ડબ્રાન્ડેડ કંપનીઓને આપી દે છે. બેન, તારૂં ફિગર અને ચેહરો વ્યાજબી ભાવનો હશે તો તને ચીંથરૂં ય શોભવાનું છે ને નીચે આ મોટા ઢગરા વધી ગયા હશે તો પહેરને તું તારે લાખ-સવા લાખનો ડ્રેસ...! સાયકલ પર સ્કૂલે જતો છોકરો ય બૂમ પાડશે, ‘‘એ માજી, આઘા ખસો, બા !’’ ‘બુધવારની બપોરેના વખાણ કરવા તમે મારી પાસે આવો ને હું કહું, ‘‘આમાં મારી કોઇ કમાલ નથી... આ તો રોજ સવારે ઊઠીને હું બટાટાપૌંવાનો નાસ્તો કરૂં છું, એ બટાટાની કમાલ છે...!’’ તારી ભલી થાય બટાકા...!

(૩) કર્ણાવતિ, રાજપથ કે ઍલિસબ્રીજ જીમખાના જેવી કલબોના કેટલાક વાચકમિત્રોની ફરિયાદ છે કે, અમે ૭૦-૭૦ લાખની કાર લઇ આઇએ છીએ, પણ એ કલબની અંદર લઇ જઇ શકાતી નથી, બહાર પાર્ક કરવી પડે છે. આંગળીમાં ખાલી ચાવી ફેરવ ફેરવ કરવાથી કોઇને ખ્યાલ આવતો નથી કે, બહાર આપણી ૭૦-લાખની ગાડી પડી છે. બજારમાં બબ્બે લાખની ગાડીઓ ય નથી મળતી ? મળે જ છે ને ? તો અમે આ ૭૦-લાખની લઇ આયા, તો સૉસાયટીમાં ખબર તો પડવી જોઇએ કે નહિ ? કલબોના કલ્ચર મુજબ, હવે વૅગન-આર, આઇ-ટેન કે સૅન્ટ્રો-ફૅન્ટ્રો તો ભિખારીઓ ફેરવે છે. બીએમડબલ્યૂ તો કાકાઓ ચલાવે. બહુ જૂની થઇ ગઇ, ઇ. અત્યારે ઇન્ડિયામાં તો કોઇની તાકાત દેખાતી નથી, વર્લ્ડની સૌથી મોંઘી ગણાતી ‘‘બુગાતી વેરોન સુપર સ્પૉટ્‌ર્સ કાર’’ ખરીદવાની... જેની કિંમત છે, ૨૪,૦૦,૦૦૦ (૨૪-લાખ ડૉલર્સ એટલે કે રૂ.૧૨-કરોડની એક કાર થઇ....! અને ૧૨-કરોડની કાર ખરીદનારાઓ એની ઍવરેજ નથી પૂછતા ! ‘‘કિતના દેતી હૈ...?’’

તો કૃપા કરી અમને માર્ગ બતાવશો કે, ક્લબમાં ખબર કેવી રીતે પાડવી કે અમે ફેરારી,’ ‘આઉડીકે લૅમ્બોર્ગિનીલાયા છીએ ! તમે કહો છો, એ બુગાતી-ફુગાતી ઘરમાં બા નહિ ખીજાયા તો લાઇશું...!

દોસ્તો, દરેક ક્લબની ઍન્યુઅલ જનરલ મીટિંગ થતી હોય છે, એમાં અચૂક હાજર રહીને એક ઠરાવ લાવો કે, ક્લબના જે જે મૅમ્બર સાહેબોએ ૬૯-લાખની ઉપર કોઇ ગાડી-બાડી લીધી હોય તો, દરેક મૅમ્બરશ્રી એ કાર જોઇ શકે, એ માટે એમને ઘેર સર્ક્યુલર મોકલીને રવિવારે સવારે ૮ થી ૧૦ સિનેમાની લોનમાં ગાડી જોવા સહુને આમંત્રણ છે. જેની માલિકીની એ કાર હોય તે આવીને વિગતો આપે ને કહે, ‘‘આ કાર મને ૭૫-લાખમાં પડી છે, પણ મને એનું સ્ટીયરિંગ બહુ પસંદ નથી... એટલે મારા રસોઇયાને ગીફટમાં આપી દીધી છે... મારા માટે આવતા મહિને સવા કરોડની લૅમ્બોર્ગિનીઆવી રહી છે, ત્યારે આ જ લોનમાં આપણે ફરી મળીશું. જયહિંદ.’’

ક્લબ-કલ્ચરનો બીજો એક નિયમ તમારે પાળવો પડશે. પેલો ૪૦-લાખની લાયો, તો આપણે ૬૦-વાળી લાવવી જ પડે. આખિર, સ્ટેટસ ભી કોઇ ચીજ હૈ, ના ?

અમે લોકો ખાડીયાના જરા લોઅર મિડલ ક્લાસના હતા. જેટલો બીજાનો પૈસો જોયો હતો, એના કરતા પોતાની ગરીબી વધારે જોઇ હતી. રીક્ષા તો બે-ત્રણ વર્ષે માંડ કરવાની આવે, પણ આવે એ પછી જોઇ લો ભાયડાના ભડાકા....! ઉતરતી વખતે કોઇ ઓળખીતું જરા જોઇ લે, તો રીક્ષાવાળાને દસ પૈસા વધારે આપવાનું ફક્ત મન થતું. કોઇને પણ ઘેર વખાના માર્યા રીક્ષામાં જવું પડ્યું હોય, તો એ લોકો આવોકહે, એ પહેલા તો અમે કહી દેતા, ‘‘અમે રીક્ષામાં આવ્યા છીએ...’’ આપણને એમ કે, બિચારા એ લોકો ય રાજી થાય.

આમ તો પોતાની ગરીબીની આવી વાતો આજે તો છુપાવવાની હોય, પણ પેલા ડીઝાઇનર્સ-વૅર, આઠ લાખના ડ્રેસવાળા કે ૭૦-લાખની ગાડીવાળાઓને જોઉં છું તો આવી ગરમીમાં ય ટાઢક વળે છે કે, ‘‘આપણે તો કશું નહોતા કરતા... એ લોકોની સરખામણીમાં !’’

સિક્સર
 - આ જાહેરાતોમાં અત્યંત જાડા માણસોના ફોટાની સાથે, ફલાણી કંપનીની સારવાર પછી પાતળા થઇ ગયેલા એ જ માણસોના ફોટા છપાય છે, તે શું ખરેખર સાચા હશે ?
 - અફ કૉર્સ સાચા જ હોય ! બસ. ફોટા ઊલ્ટા મૂકી દેવાના. પહેલા પાતળા હતા ત્યારના ફોટા પછી જાડા ભમ્મ થઇ ગયેલાના ફોટાનો ક્રમ બદલાવી નાંખવાનો. જુઓ, આટલા જાડામાંથી અમે પાતળા બનાવી દીધા. 

No comments: