Search This Blog

06/04/2012

શાગીર્દ (’૬૭)

ફિલ્મ : શાગીર્દ (૬૭)
નિર્માતા  :   સુબોધ મુકર્જી
નિર્દેશક  :   સમીર ગાંગુલી
સંગીત  :  લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતો  :  મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ  :  ૧૭-રીલ્સ
થીયેટર  :   લક્ષ્મી (અમદાવાદ)
કલાકારો  :   જૉય મુકર્જી, સાયરા બાનુ, આઈ.એસ.જોહર, નઝીર હુસેન, એ.કે.હંગલ, શિવરાજ, શેટ્ટી, મદનપુરી, મેકમોહન, અચલા સચદેવ, ઉમા ખોસલા અને ઉર્વશી દત્ત
*****
ગીતો
૧ દુનિયા પાગલ હૈ, યા ફિર મૈં દીવાના મુહમ્મદ રફી
૨ વો હૈ જરા, ખફા ખફા, તો નૈન યું ચુરાયે હૈં  –  લતા મંગેશકર
૩ ઉડકે પવન કે રંગ ચલૂંગી, મૈં ભી તિહારે સંગ  –  લતા મંગેશકર
૪ કાન્હા કાન્હા, આન પડી મેં તેરે દ્વાર, મોહે  –  લતા મંગેશકર
૫ બડે મીયાં દીવાને, ઐસે ન બનો  –  મુહમ્મદ રફી-જોહર-મન્નાડે
૬ દિલ-વીલ પ્યાર-વ્યાર, મૈં ક્યા જાનું રે  –  લતા મંગેશકર-રફી
*****

સ્વ.  જૉ ય મુકર્જી બેશક મારો ફેવરિટ હીરો હતો. ઘણાયનો હતો. પણ એક્ટિંગમાં માર ખાઈ જવાને કારણે કેટલાક જાહેરમાં કબુલી શકતા નહોતા કે જૉય એમનો ય ગમતો હીરો છે. એ તો કબુલ બધા કરતા કે, એના જમાનાના મનોજ કુમાર, ભારત ભુષણ, પ્રદીપ કુમાર કે શેખરની સરખામણીમાં તો  જૉય પાસે આ લોકોના ચણા ય ના આવે, એટલો હેન્ડસમ.... પાછા હાઈટ-બૉડી ! અવાજ અમિતાભ બચ્ચનના લેવલનો. હમણાં એ ગૂજરી ગયો ત્યારે રામ જાણે કોઈ એવો રોગ હશે કે, સખત જાડો થઇ ગયો હતો. ખસી ય માંડ શકે એવો,પણ તોય પેલું કંઈક કહે છે ને, ‘ખંડહર બતા રહા હૈ, ઇમારત બુલંદ થી...એવું ! મરવાની ઉંમરે પણ એ જીવી જવા જેટલો હેન્ડસમ લાગતો હતો.
  
એની ફિલ્મો બહુ ઓછી આવી, એટલે હીરોઈનો ય નામની જ કોઈ ૫-૭, પણ એમાં સરપ્રાઈઝીંગલી... સાયરાબાનુ સાથે ૩-૪ ફિલ્મો આવી, એમાંની છેલ્લી નહિ, પણ લાસ્ટ બટ વન, ફિલ્મ શાગીર્દ’. છેલ્લે છેલ્લે નૌશાદના સરસ સંગીતમાં બનેલી ફિલ્મ સાઝ ઔર આવાઝમાં એ શૂટ પહેરીને સિતાર વગાડવા બેઠો હતો, એમાં એના દિગ્દર્શક કરતા એ વધારે હાંસીપાત્ર બન્યો હતો. આવું મનોહર ડાન્સિંગ ફિગર હોવા છતાં ડાન્સમાં એ ભઈ બહુ માર ખાઈ જતા હતા. આ શાગીર્દમાં ય જો જો ને... રફી સાહેબના દુનિયા પાગલ હૈ, યા ફિર મૈં દીવાનાગીતમાં એ જર્ક, ટ્વિસ્ટ અને હજી સુધી દુનિયામાં શોધાવાનો બાકી છે, એવો ય કોઈ ડાન્સ કરે છે, જેમાં બ્રાયન લારાના બેકલિફ્‌ટની જેમ આના ય બન્ને હાથ પાછળથી ઠેઠ ઉપર એટલી હદે ધુમાવે છે, જે ધુમાવ નોર્મલી ફિલ્મને અંતે વિલનને ફેંટ મારતી વખતે ય વપરાતો નથી.

શાગીર્દતો એના સગા કાકા સુબોધ મુકર્જીની ફિલ્મ હતી, જેમને એક પછી એક કચરો ફિલ્મ ઉતારવાની સોલ્લિડ માસ્ટરી હતી. યાદ કરો સુબોધ મુકર્જીની ફિલ્મો,પહેલી દેવ આનંદ-માલા સિન્હાવાળી લવ મેરેજ’, પછી શમ્મી-સાયરાની જંગલી’, વિશ્વજીત-સાયરાની એપ્રિલ ફૂલ’, જૉય-સાયરાની શાગીર્દ’... પછી સાયરાને પડતી મૂકીને શશી કપૂર એમનો કાયમી હીરો થઈ ગયો, એટલે હેમા માલિની સાથે અભિનેત્રી’, રાખી-શશી બાબાની શર્મીલી’, શશીકપૂર-રિન્કુ જયસ્વાલની મિસ્ટર રોમીયોઅને શશી-ઝીનત અમાનની દીવાનગી’... બોલો, એકેય ફિલ્મમાં કોઈ ઢંગધડા હતા ? ક્યાંય કોઈ ઢંગધડા ન રહે, એ માટે સુબોધભઈ તનતોડ મહેનત કરતા, ને તો ય શાગીર્દજેવી ઘણી, ઘણી ઘણી (હજી બીજા ૨૮-વખત ઘણી’ !) ફાલતુ ફિલ્મ બનાવવા છતાં સ્ટાન્ડર્ડ એ જમાનાના ફિલ્મી પ્રેક્ષકોનું ય ઘણું મૂલ્યવાન હશે, એટલે બોક્સ-ઓફિસ પર તો તગડી ચાલી હતી, એ વાત જુદી છે કે, એ ચાલવામાં સુબોધભઈ કે એના ભાણીયાભઈ કરતા લક્ષ્મીકાંત-પ્યારેલાલનું ક્યા બ્બાત હૈસંગીત અને સાયરા બાનુના અપ્રતીમ સૌંદર્યનો ફાળો તગડો હતો. નહિ તો વિશ્વામિત્ર આદિલની સાથે એ જમાનામાં નવાસવા આવેલા ગુલઝારે ભેગા મળીને ડાયલોગ્સ લખ્યા હોય ને કોમેડી આઈ.એસ.જોહર પાસે કરાવવાની હોય તો કેવા મસ્તમજાના કોમિક સંવાદો લખી શકાય ! કોઈપણ જાતની અતિશયોક્તિ કે ભેદભાવ રાખ્યા વગર કહું તો, આખી ફિલ્મ બની છે આઉટરાઈટ કોમેડીને નામે... ને રામ કે અલ્લાહ કસમ... આખી ફિલ્મમાં એક વાર પણ હસવું આવતું નથી.

શાગીર્દનો અર્થ થાય ચેલો. આનો અર્થ જો કે, ગુજરાતીઓને સમજાવવાની જરૂર પડે એમ નથી. ધર્મને નામે બે-ચાર ચમત્કારો બતાવીને આપણા અનેક સ્વામી, ગુરૂ, મહારાજ, બાપૂ કે સંતશ્રીઓ અનેક ગુજરાતી કુટુંબોને વગર મહેનતે ખાખી કરી રહ્યા છે. બેશર્મ (અથવા નપૂંસક પણ હોઈ શકે !) પતિદેવો સામે ચાલીને પોતાની સગ્ગી પત્નીઓને આવા ગુરૂઓની સેવા કરવા મોકલે, પછી જગતભરનો કોઈ ગુરૂ ઝાલ્યો રહે ? સાલું, જે પરિવાર ઉપર આવા કોઈ ગુરૂ-બુરૂનો પડછાયો હોય, એ ઘરમાં રમતાં નાના ટેણીયાઓને રમાડતા આપણા હાથો ય ધ્રૂજે !

સુબોધ મુકર્જીની ફિલ્મ શાગીર્દપણ આવા જ કોઈ ગુરૂ (આઈ.એસ.જોહર)ના લખ્ખણો ઉપર આધારિત છે. મરીશ ત્યાં સુધી કોઈ સ્ત્રીના પ્રેમમાં નહિ પડું, એવી હઠ લઈને બેઠેલા આ ગુરૂની આ થીયરીથી ઇમ્પ્રેસ થયેલો ચેલો (જૉય મુકર્જી) પણ આવું નક્કી કરી લે છે, પણ એક વખત અત્યંત ખૂબસુરત સાયરા બાનુના ટચમાં આવે છે કે તરત જ ચેલો તો પોતાની થીયરી બદલી જ નાંખે છે, પણ સાયરા બાનુની ધગધગતી સુંદરતાથી અંજાઈને સ્વયં ગુરૂ પણ હુસ્ન-ઇશ્કના રવાડે ચડી જાય છે.

બસ. એક કામ સારું થયું છે આ ફિલ્મ જોવા-બનાવવામાં એનું દિલડોલ સંગીત. એમાં ય, ‘ઉડ કે પવન કે રંગ ચલૂંગી, મૈં ભી તિહારે સંગ ચલૂંગી, રૂક જા અય હવા, થમ જા અય બહારલતા મંગેશકરે કેવા સુહાના મૂડમાં ગાયું છે ! એને કોયલની ઉપમા તો ઘણા આપી ચૂક્યા છે, પણ આ ગીતમાં તો એ લિટરલી કોયલની જેમ ટહૂકે છે. પણ લક્ષ્મી-પ્યારેએ આ ગીતમાં પોતાની પૂરી તાકાત બતાવી દીધી હતી. શાસ્ત્રીય સંગીતમાં જેમ પ્રારંભની પહેલી ક્ષણ પછી અનેક મીનીટો સુધી વિલંબિતગવાય/વગાડાય છે, એવું જ અહીં કંઈક આ બન્ને સંગીતકારોએ ગીતના ઇન્ટ્રોડક્ટરી મ્યુઝિકમાં કર્યું છે. મૂળ ગીત શરૂ થાય તે પહેલા વાગતુ સંગીત શ્રોતાઓ અને દર્શકોને ફિલ્મની જેમ મઘુમતિના જંગલોમાં હોવાનો અહેસાસ કરાવે છે. ગીતમાં વપરાયેલ સિતાર, બાંસુરી કે વૉયલિને તો કમાલ કરી છે. એવું જ આજે ય મને ને તમને સતાવતું નાના બાળક જેવું ભોળીયું ગીત છે, ‘વો હૈ જરા, ખફા ખફા, તો નૈન યું, ચુરાયે હૈં કિ ઓહો, ઓહો...

જૉય મુકર્જીને રફી સાહેબ બેહદ ફળ્યા છે. કેટલા બધા ગીતો જૉય માટે એમણે ગાયા છે ! હવે બધા કબૂલ કરશે કે, રફીના ગીતો પ્રદીપ કુમાર કે ભારત ભૂષણો બહુ તગડી સંખ્યામાં ઉઠાવી ગયા છે, પણ  જૉયના ગળામાં તો રફી જ શોભે છે... સુઉં કિયો છો ? ઘણા પૂછે છે કે જૉય મુકર્જી આટલો બધો હેન્ડસમ કેમ હતો ? તો મારે શરમાઈને જવાબ આપવો પડે છે કે, ‘એ બ્રાહ્મણ છે એટલે.બ્રાહ્મણો પાસે ધોમ ધોમ પૈસા ભલે ન હોય... સરસ મજાની ભાષા અને ચહેરાની સુંદરતા ઇશ્વરે થોકબંધ આપી છે. અગાઉની બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મોમાં અડધી બાંયની જર્સીઓ ફક્ત ગુંડાઓ પહેરતા. હીરો તરીકે પહેલી શરૂઆત  જૉયે કરી ને શશી કપૂરે એને વધારે ફેમસ બનાવી. શશી કપૂર એની તમામે તમામ ફિલ્મોમાં એક વખત સફેદ કપડામાં દેખાય જ, એમ લાલ રંગ  જૉય મુકર્જીનો માનીતો કલર હશે. યાદ કરો તો એની એકોએક ફિલ્મમાં એણે બ્લડ-રેડ કલરની જર્સી કે સ્વેટર પહેર્યાં છે.

સાયરા બાનુ લંડનની કન્વેન્ટ-એજ્યુકેટેડ છોકરી હતી. એના ઇંગ્લિશ ઉચ્ચારો અને આરતી ઉતારતા વગાડાતી ઘંટડી જેવો કોમળ અવાજ એને સ્યૂટ થતા. આ ફિલ્મ શાગીર્દઉતરતી હતી, ત્યારે રાજેન્દ્રકુમાર સાથેનું એનું લફરું ફિલ્મી જ નહિ, નેશનલ-ન્યૂઝમાં ય અવારનવાર ચમકતું હતું. એ તો બધાને ખબર જ છે ને કે, દીકરીને રાજેન્દ્રના પંજામાંથી છોડાવવા ખાતર જ સાયરાની મમ્મી અને એક જમાનાની બ્યુટી ક્વીન નસીમ બાનુએ દિલીપ કુમારને ઘેર જઈને રીતસરનો ખોળો પાથર્યો હતો કે, ‘મારી દીકરી સાથે નિકાહ કરી લો... નહિ તો છોકરી એક પરણેલા અને તેમાં ય એક હિંદુના ઘરમાં જશે.તાજ્જુબીની વાત એ છે કે, એક કૂવામાંથી દીકરીને કાઢીને બીજામાં નાંખવાની મૉમની તૈયારી ખરી કારણ કે, લફરાની સોહામણી દુનિયામાં દિલીપ કુમારનું નામ પણ અદબથી લેવાતું. ને ઉંમરમાં સાયરાથી એક્ઝેક્ટ ડબલ (સાયરા ૨૨-ની હતી ને દિલીપ ૪૪-નો !) તો ય નસીમ બાનુએ બીજું રિસ્ક લીઘું. સાયરાને પણ કમનસીબે, એ જમાનામાં જે થર્ડ-ક્લાસ ફિલ્મો બનતી હતી, એ કારણે આજ સુધી એ ગર્વ લઈ શકે એવી એકે ય ફિલ્મ ન મળી. અસલી વાળને મેઈક-અપ આર્ટિસ્ટો સજાવી શકતા નહિ હોય, એટલે તમામ હીરોઈનો ૬૦-ના દશકાની ફિલ્મોમાં માથે વિગ પહેરતી. સાયરા તો ડાન્સર પણ ખૂબ સારી. એના આખા તનબદન પર રોલર ફેરવી જુઓ તો ય ચરબી નામનો પદાર્થ દસ ગ્રામે ય ન નીકળે, એવી કમસીન કાયાને પરિણામે એક ઉત્તમ ડાન્સરમાં હોવા જોઈએ એવા શારીરિક ગુણો પણ ગુણીઓ ભરી ભરીને પડ્યા હતા.

આજે તો બિમારી, ગરીબી અને વૃદ્ધત્વને કારણે સાવ ફેંકાઈ ગયેલા ચરીત્ર અભિનેતા પદ્મભૂષણ એ.કે.હંગલ (અવતાર કિશન હંગલ)ની આમ જોવા જઇએ તો આ પહેલી ફિલ્મ હતી. પાંચ-પાંચ વર્ષોથી બની રહેલી રાજકપૂરની ફિલ્મ તીસરી કસમહંગલ સાહેબની પહેલી ફિલ્મ હતી, જે રીલિઝ મોડી થઈ. મૂળ કાશ્મિરી પંડિત (બ્રાહ્મણ) હંગલ અહીં સાયરાના પિતાનો રોલ કરે છે. હજી થોડા મહિના પહેલા ધારદાર ગરીબીમાં નિઃસહાય ગૂજરી ગયેલા અચલા સચદેવની પૂરબહાર યુવાની હોવા છતાં, રામ જાણે કેમ એમણે હીરો-હીરોઈનનની મમ્મીના રોલ જ કર્યા છે. એમની ખૂબસુરતી લાજવાબ હતી. તો મદનપુરી જેવા કદરૂપા ચહેરાને કારણે વિલન તરીકે આખી જીંદગી તરી ગયો. એના બે ભાઈઓ પણ એવી જ બદસૂરતી છતાં પહાડી અવાજ અને રૂક્ષ ચહેરાને લીધે ખૂબ ચાલ્યા. ચમન બહુ ન ચાલ્યો કહેવાય, પણ અમરીશ પુરી તો પોતાનું નામ બનાવીને ગયો. બારે માસ રોતડો રહેતો નઝીર હુસેન આ ફિલ્મમાં ઘાંટાઘાંટ સિવાય કાંઈ કરતો નથી. એ ક્યારેય સારો એક્ટર નહોતો, છતાં ચાલી ગયો, એમ નહિ... એટલે જ ચાલી ગયો !

શાગીર્દતો આઈ.એસ.જોહર માટે લાઈફ-ટાઈમનો રોલ હતો પણ સ્ક્રીપ્ટમાં ભલીવાર ન હોય તો એ ય શું કરે ?

મેકમોહન  જૉયનો એની શરૂઆતની ફિલ્મ આઓ પ્યાર કરેથી દોસ્ત હતો. મેકમોહન એ વખતે બ્રીજમોહનનામે ઓળખાતો, પણ ભઈમાં બીજો કોઈ શક્કરવાર હતો નહિ, એટલે નામ બદલીને એ મેકથઈ ગયો. બહુ ઓછાને ખબર હશે કે ફિલ્મ શોલેનો આ સામ્ભારવિના ટંડનનો સગો મામો હતો. એ ફિલ્મના ચાર પૈકીનો બીજો સંજીવકુમાર પણ એ વખતે  જૉયનો દોસ્ત હતો. એણે પણ સંજીવ નામ તો પછી બદલ્યું. ફિરોઝખાનનો ભાઈ સંજયખાન ઓલરેડી ફિલ્મોમાં હોવાથી સંજીવે પોતાનું નામ સંજયમાંથી સંજીવ કરી નાંખ્યું.. નહિ તો સુરત શહેરના આ લહેરી લાલા ગુજરાતી નાટકો સુધી તો હરિ જરીવાલા તરીકે ઓળખાતા હતા.

બસ. અનેક ચાહરોના લાડકા સ્વ.  જૉય મુકર્જીને આપણા સહુની શ્રદ્ધાંજલી.

(સીડી સૌજન્ય : શ્રી ભરત દવે-સુરત)

No comments: