Search This Blog

10/06/2012

ઍનકાઉન્ટર : 10-06-2012

*  ‘કાગડા બધે કાળાનો મતલબ ?
- ક્યાં સુધી નિઃસહાય પુરૂષોને અન્યાયો થતા રહેશે ? કાગડીઓ ય કાંઈ ધોયળી-ધોયળી નથી હોતી !
(મઘુકર પી. માંકડ, જામનગર)

*  મનમોહનજી ક્યાં સુધી આતંકવાદી કસાબજીને સાચવશે ?
- ઍકચ્યુઅલી... યૂ નો... કોંગ્રેસવાળા કસાબ કુમાર માટે કોઈ સારી કન્યા ગોતી રહ્યા છે... ભાજપ પણ વહુ-શોઘુ-અભિયાનમાં પાછળ રહી ન જાય, તે માટે ચિંતિત છે.
(પ્રહલાદ કે, સાવડીયા, ઓડુ)

*  વહુ-દીકરા સાથે શાંતિ રહે, તે માટેની આચાર-સંહિતા કઈ?
- વૃદ્ધાશ્રમ.
(સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

*  સોનિયા-સરકાર કીધે રાખે છે કે, કોઈપણ કૌભાંડીને છોડવામાં નહિ આવે... ! કેટલાને પકડ્યા ?
- તમને નફરત કોંગ્રેસ ઉપર જ થતી હોય તો ન્યાયી બનો. ભાજપવાળા નવરા બેસી રહે છે. એ લોકો ય જાણે છે કે, હવે સત્તા ઉપર આવ્યા પછી આપણે ય આવા જ ગોરખધંધા કરવાના છે. આપણો દેશ નગરશેઠનો વંડો... જે આવે એ મંડો!
(જી.એમ.અભી, કોસાડી-કોસંબા)

*  શરદી મટાડવાનો (બા ખીજાય નહિ એવો) કોઈ સોલ્લિડ ઇલાજ ખરો ?
- બાને જ બબ્બે ધૂંટ દેવા માંડો.
(જુગલ એન. ઈનામદાર, આણંદ)

*  બાબા રામદેવની યોગ શિબિરમાં બાબા પોતે ઉઘાડે ડીલે બેસે છે, પણ ભક્તોને પૂરા કપડાં કેમ પહેરવા દે છે?
- ...તે એમ કે... પછી કઢાઈ જ લેવાના છે ને?
(ઈન્દ્રવદન આર. પંડ્યા, હરસોલ-તલોદ)

*  દીકરીના જન્મ વખતે જલેબી... પેંડા કેમ નહિ ?
- આકારના ધોરણે... ! સ્ત્રીઓ જન્મતા વ્હેંત જ આવી આંટીધૂંટીઓવાળી હોય છે.
(યશ/મનિષા દવે, આણંદ)

તમે કેમ કદી પુસ્તકમેળાઓમાં દેખાતા નથી ?
- ત્યાં લોકોને મારા કરતા મારા પુસ્તકો જોવાનો રસ વઘુ હોય છે.
(સૃષ્ટિ વાય. મેહતા, અમદાવાદ)

*  ભ્રષ્ટાચારની ગાડીના ડ્રાયવર સોનિયા ને ગાર્ડ મનમોહન છે, જે કદી લાલ ઝંડી બતાવતા જ નથી... લીલી જ કેમ બતાવે છે ?
- પ્લેટફોર્મ પરથી ગાડી ઉપડે તો ખબર પડે.
(શ્વ્લોક પૂજારા, અમદાવાદ)

*  આપ શ્રી નરેન્દ્ર મોદીના સ્થાને હો તો શું કરો ?
- ... પછી તો સવાલ એ ઊભો થાય કે, એ શું કરે ?
(મીત/હિતેશ/કૃપાલી ગોપાણી, પાળીયાદ)

*  આજના યુવક-યુવતીઓનું જાહેરમાં બિભત્સ વર્તન જોઈને વડીલો શું વિચારતા હશે ?
- ‘આપણા સમયનું કાંઈ બદલાયું નથી.
(ગૌરી વી. કાચા, અમદાવાદ)

*  ધિંગાણે ચઢવા પોતાના ખાંડાની ધાર કાઢી રહેલા મનમોહનસિંહ-ભા હવે ખરા ટાણે જ, ‘‘હબોહબ ખેંચાણી ને મારી આંખ મીંચાણી’’ કહીને શેના પાણીમાં બેસી જાય છે?
- દયા એમના સૈનિકોની આવે છે... પોતાનો પક્ષ કેવો અસરકારક છે, એ તો ગુજરાત કોંગ્રેસના નેતાઓ પાસે ય કહેવા જેવું કાંઈ રહેવા દીઘું નથી.
(ઇન્દુ વિનોદ જોષી, અમદાવાદ)

*  ભ્રષ્ટાચારી રાજકારણીઓના ચેહરા પર શરમ જેવી કોઈ ચીજ પણ કેમ દેખાતી નથી ?
- શરમાય છે.
(નિખિલ સી. કાચા, મોરબી)

*  મંદિરમાં કેટલાક ભક્તો શ્રી ગણેશજીના વાહન ઉંદરના કાનમાં કાંઈ કહેતા હોય છે... એ શું કહેતા હશે ?
- ‘‘આવતા જન્મે અમને આપના જેવા ઉંદરશ્રી બનાવશોજી.’’
(કવિતા કપિલ સોતા, મુંબઈ)

*  મકાનના દરવાજે વેલકમઅને કૂતરાથી સાવધાન’... બન્ને પાટીયાં કેમ લગાવાય છે?
- સીધેસીઘું, ‘શેઠથી સાવધાનન લખાય માટે.
(પરિમલ કે. રાજદેવ, સુરેન્દ્રનગર)

*  પ્રાધાન્ય પૈસાને અપાય છે, સંસ્કારોને કેમ નહિ ?
- ૨૧-મંગળવાર ફક્ત દૂધભાત ખાઈને કરો... બઘું ઠીકઠાક થઈ જશે.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

*  એક તરફ બાના આશીર્વાદ ને બીજી બાજુ, ‘બા ખીજાય’... બન્ને સાથે કેમ બને ?
- બાના આશીર્વાદ લો, તો કોઈની બા ના ખીજાય.
(પી.આર. સોનપાલ, ભાવનગર)

*  ખોપરી વિનાનો અશ્વત્થામા હાલમાં ક્યાં તપ કરતો હશે ?
- હાલમાં ખોપરી ખાલી છે, પણ પાઘડી પહેરી રાખી છે.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

*  ગુજરાતી સાહિત્ય પરિષદમાં ચીયર્સ લીડર્સમહિલાઓની ભરતી થાય તો ?
- એ બધીઓની ઉંમર ૭૦-થી ઉપરની જોઈએ.
(કુશલ ત્રિપાઠી, ન્યુયોર્ક, અમેરિકા)

*  બાળકોને તેમના નાનાનાની કે દાદાદાદી વધારે કેમ ગમે છે ?
- બન્ને નવરા!
(રિઘ્ધિ રમેશ તન્ના, મુંબઈ)

*  જમીન અને પાણીના ટેક્સ પછી હવે શું હવાના ય પૈસા ભરવા પડશે ?
- મને એટલી ખબર છે કે, મારી સાયકલમાં હવા ભરવાના દસ પૈસા આપવા પડતા.
(શિવાની શૈલેષ માણેક, મુંબઈ)

*  ‘મેહનત વિના કાંઈ મળતું નથીને બીજી બાજુ એવું ય કહેવાય છે કે, ભાગ્યમાં જે લખ્યું હોય એટલું જ મળે છે... મતલબ ?
- ભાજપ.
(ભાવના અનિલ કારીઆ, મુંબઈ)

*  આપને માટે આપને મળવાપાત્ર એવોડ્‌ર્સનું મહત્ત્વ કેટલું ?
- ઘણું બઘું... જોઈ જુઓ, છે કોઈ આલનાર... ?
(છાયા આશિત કોટક, મુંબઈ)

*  મંદિરો માલદાર ને પૂજારીઓ ગરીબ કેમ ?
- ઊલટી માહિતી બદલ તમને રૂા. ૧૧/-નો પ્રસાદ ધરાવવાની સજા કરવામાં આવે છે.
(અનિલ દેસાઈ, ઉમરેઠ)

*  તમે શું તમારી જાતને અશોક દવે સમજી બેઠા છો?
- ... ઓકે, હવેથી માણસ સમજીશ.
(કલ્પના વી. શાહ, સુરત)

No comments: